ક્યાં લગી આમ
ગભરું પારેવડાની જેમ
ચાંચ ઘસતા
ખરાવાડના ખૂણેખાંચરે
વેરાયેલા દાણા વીણતા રહેશો?
દેખાતા પેલા ખેતરને
કાળાં ડિબાંગમાંથી લીલું કરવામાં
જો તમે લોહી પસીનો
એક કરી દીધો હોય તો?
કાંટાળી વાડની
કોઈ ચિંતા કર્યા વગર
યા હોમ કરીને કૂદી પડો!
ખેતર વચ્ચે
પેલી હાથ લાંબા કરીને ઊભેલ
વ્યક્તિ
એ કોઈ માલિક નથી પણ
એ તો છે ચાડિયો
જે ખુદ બિચારો લાચાર ઊભો છે
માણસની વ્યથામાં
ચીંથરે હાલ
આકાશ નીરખતો !!!
ન્યૂ યૉર્ક, યુ.એસ.એ.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2022; પૃ. 02