એ જી મારો ચકલાંનો માળો ચૂંથાણો,
વડવાયું કોણે વીંખિયું હો જી?
એ જી મારો મીઠો મેરામણ ઉલેચાણો,
માછલિયું કયાં જઈ નાખિયું હો જી?
વા’લાના વાવાડ નહોતા
સાથીના સગડ નહોતા
પાને પાને દવ પથરાણો રે
વડવાયું કોણે વીંખિયું હો જી?
આંખ્યુંની એંધાણી નહોતી,
પ્રીત્યુંયે બંધાણી નહોતી
અંતરનો તૂટ્યો તાણોવાણો રે
વડવાયું કોણે વીંખિયું હો જી?
સોણાંયે સૂકાણાં મારાં,
ભાણાં ભરખાણાં મારાં
પાંખે પાંખે તીર પરોવાણાં રે
વડવાયું કોણે વીંખિયું હોજી?
(1947માં દેશના ભાગલા પડ્યા ત્યારે કરાંચી છોડી મોરબી પાછા આવતી વખતે લખાયેલું, તેમ કહેવાય છે.)