![]()
શબ્દોને સંઘરી-સાચવી,
ગ્રંથાલયમાં લગોલગ
ખડકાયેલાં પુસ્તકો
વાટ જુએ છે વાચકની …
પણ, વાચકો હવે ક્યાં પધારે છે
પુસ્તકોને પસવારવા!
સૌ કોઈ વ્યસ્ત છે આજકાલ
સોશિયલ મીડિયાના
“સામાજિક” સંપર્કોમાં,
પુસ્તકોને હવે કોણ પૂછે છે
કારણ વિના!!
હાથમાં પુસ્તકધારી
વ્યક્તિના દર્શન દુર્લભ છે હવે!
એક સમયે વેદનાને
ખાળતાં પુસ્તકો
આજે વેદના સમેટી
બેઠાં છે ગ્રંથાલયોમાં,
એ આશ પર કે
એક દિવસ એનો વાચક આવશે
અને ધૂળ ખંખેરી
પાનાં ફંફોસશે …!
‘દરેક પુસ્તકને એનો વાચક મળે’
એ વાત પર
મરકાય છે પુસ્તક,
ને વદે છે : “રાખો હવે,
દરેક ગ્રંથાલયને
એનો વાચક મળે
તો પણ અમે રાજી!”
સરગાસણ, ગાંધીનગર.
e.mail : h79.hitesh@gmail.com
![]()
શૂન્ય છું હું સાવ એકલું-અટૂલું
મને બસ શૂન્ય જ રહેવા દે,
થઈ જા તું કોઈ અંક લાખેણો
મને બસ શૂન્ય જ રહેવા દે,
વહેતું થઈશ જો હું નયનથી
તો નીતરી જઈશ તું યે પછી,
થઈ જા તું નૈનનું કાજલ ઘેરું
મને બસ ખારું અશ્રુ જ રહેવા દે,
શું થયું જો સુગંધ નથી મારી
પમરાટ તારો પણ ક્યાં રહેશે સદા,
થઈ જા તું કોઈ ફૂલ મઘમઘતું,
મને તો બસ કંકુ-ચોખા જ રહેવા દે
સરગાસણ, ગાંધીનગર.
e.mail : h79.hitesh@gmail.com
![]()

