જીમના લોકર રૂમમાં આ તાળું જોવા મળ્યું.
આમ તો એ તાળું બનાવનાર કંપનીનો વેચાણ વધારવાનો એક કીમિયો જ ગણાય.
‘અમારું તાળું
કિલ્લાઓને લગાવાતા
તોતિંગ તાળાઓની
બરાબરી કરે તેવું છે!’
પણ એ તાળું જોઈને મન વિચારે ચઢી ગયું.
જાતજાતના કિલ્લા! એ લોકર પણ જીમમાં કસરત કરું એ દરમિયાન મારી મતા સાચવી રાખવા માટેનો કામચલાઉ કિલ્લો! આપણા જીવનમાં આવા અનેક કિલ્લા હોય છે. આપણું થોડું ઘણું સાચવી રાખવાના નુસખા. એને બહુ કાળજીથી આવાં તાળાં લગાવી જ રાખવા પડે ને?! અમુક મતા તો એટલી બધી કિંમતી હોય કે, બહુ તોતિંગ, ખંભાતી તાળાં લગાવવા પડે.
પણ, આપણી માન્યતાઓ અને વિચારો એ બધાથી અનેક ગણી વિશેષ કિંમતી મતા હોય છે! એને બહુ જડબેસલાક રીતે સાચવી રાખવા આપણે અથાગ ઝઝૂમતા હોઈએ છીએ. એ કિલ્લાઓને લગાવેલ તાળાં આગળ ખંભાતી તાળાની શી વિસાત?! એમને જીવની જેમ જાળવવા આપણે જીવ-સટોસટના સંગ્રામો ખેલીએ છીએ.
બે જ બાજુ –
મારો મત અને ખોટો!
આપણી નાનકડી દુનિયા આપણને બહુ વહાલી હોય છે. એની બહાર કેટલું વિશાળ અસ્તિત્વ હાજરાહજૂર હોય છે – એ નિહાળવા આપણી પાસે નજર જ નથી હોતી.
કેવળ કૂપમંડૂકતા.
પણ કદીક એ કિલ્લાઓને લગાવેલા તોતીંગ તાળા જરીક ખોલીને બહાર નજર માંડીએ ત્યારે કૂવાના દેડકા જેવી આપણી એ દુનિયાની ક્ષુદ્રતાનો અહેસાસ આપણને ખચિત થઇ જ જાય – બેશક.
આ લખનારનો જ નહીં; ઘણા બધા વિચારકોનો પણ આવો જ અભિપ્રાય હોય છે. એ તાળાંઓને તોડી, ફોડી – એ કિલ્લાઓને ધરાશાયી કરી આપણે એક અત્યંત વિશાળ દુનિયાને નિહાળવા કટિબદ્ધ થઈએ તો? માનનીય કવિ માધવ રામાનુજની આ કવિતા ચપટીક આસ્વાદી જુઓ ને…
અંદર તો એવું અજવાળું, અજવાળું……..
સળવળતી હોય આંખ જેને જોવાને, એ મીંચેલી આંખે ય ભાળું.
અંદર તો એવું અજવાળું, અજવાળું …….
ઊંડે ને ઊંડે ઊતરતાં જઇએ, ને તો ય લાગે કે સાવ અમે તરીએ.
મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને એમ ઝળહળતા શ્વાસ અમે ભરીએ.
પછી આરપાર ઉઘડતાં જાય બધાં દ્વાર, નહીં સાંકળ કે ક્યાં ય નહીં તાળું
અંદર તો એવું અજવાળું……
સૂરજ કે છીપમાં કે આપણમાં આપણે જ ઓતપ્રોત એવાં તો લાગીએ,
ફૂલને સુવાસ જેમ વાગતી હશે ને તેમ આપણને આપણે જ વાગીએ.
આવું જીવવાની એકાદ ક્ષણ જો મળે તો એને જીવનભર પાછી ના વાળું.
અંદર તો એવું અજવાળું…….
આ કાવ્યનો ભાવ આત્મસાત થાય તો, વિશ્વની વિશાળતાનો-એના સૂક્ષ્માતિસૂક્ષ્મ અંશની અંદર વિલસી રહેલી સુંદરતાનો અદ્દભુત અનુભવ આપણને કદાચ હાથવગો બની જાય.
એમ પણ બને !
e.mail : surpad2017@gmail.com
![]()

