Opinion Magazine
Number of visits:
10157036
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઍન ફ્રૅન્ક સાથેનો નાતો  

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|31 August 2026

સંજય ભાવે

શું પેલા બજરંગોને આ ખબર હશે કે તેઓ જેની સામે બબ્બે વાર દેકારો મચાવી રહ્યા હતા તે ‘ડાયરી ઑફ ઍન ફ્રૅન્ક’ને ગુજરાતી વાચકો આઠ વર્ષથી વાંચી રહ્યાં છે ? પુસ્તકના અનુવાદની અત્યારે ચોથી આવૃત્તિ ચાલે છે ? 

મુંબઈના કાન્તિભાઈ પટેલે ‘ઍન ફ્રૅન્કની ડાયરી’ તરીકે કરેલો  અનુવાદ અમદાવાદના અરુણોદય પ્રકાશને છેક નવેમ્બર 2018માં પહેલી વખત પ્રસિદ્ધ કર્યો, ત્યારથી વાચકોમાં તેની માગ રહી છે. અનુવાદના એકસો ત્રીસ પાનાંની સાથે સાથે કાન્તિભાઈએ ચાળીસેક પાનાંની અભ્યાસપૂર્ણ ઉપયોગી સામગ્રી આપી છે.

તેમણે લખ્યું છે :‘સમગ્ર ડાયરીનો અક્ષરશ: અનુવાદ બહુ લાંબો થઈ જાય,તેથી અંગ્રેજીમાં પ્રકાશિત પેન્ગ્વિન અને અન્ય આવૃત્તિઓનો આધાર લઈને અહીં તેનો ભાવાનુવાદ પ્રસ્તુત કર્યો છે.’ 

જે અમદાવાદના પશ્ચિમ હિસ્સામાં ઍન ફ્રૅન્કના પુસ્તકનો વિરોધ થયો તે જ શહેરના પૂર્વ ભાગના ખાડિયામાંથી બહાર પડતાં વિખ્યાત ‘કુમાર’ માસિકમાં ‘ડાયરી ઑફ ઍન ફ્રૅન્ક’નો અનુવાદ ધારાવાહિક તરીકે પ્રસિદ્ધ થઈ ચૂક્યો છે.    

હિનાબહેન ગોખલેએ કરેલો આ અનુવાદ ફેબ્રુઆરી 2000થી ડિસેમ્બર 2005ના અંકોમાં આવ્યો છે (જે ‘કુમાર’ની સી.ડી.માં પણ છે). હિનાબહેન મુંબઈની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજિમાં ઍડજન્ક્ટ પ્રોફેસર છે.  

ડાયરીના આ શબ્દો તો અનેકના મનમાં અંકાઈ ગયા છે : 

“… in spite of everything I still believe that people are really good at heart. I simply can’t build up my hopes on a foundation consisting of confusion, misery, and death. I see the world gradually being turned into a wilderness, I hear the ever-approaching thunder, which will destroy us too, I can feel the sufferings of millions and yet, if I look up into the heavens, I think that it will all come right, that this cruelty too will end, and that peace and tranquillity will return again.”

“ … આ બધાં છતાં હું હજુ પણ માનું છું કે લોકો મનથી ખરેખર સારા હોય છે. મારી આશાનો આધાર  ગડથમલ, પીડા અને મોતના વિચારો ન હોઈ શકે. દુનિયા વેરાનમાં ફેરવાઈ રહી છે એ મને દેખાય છે. આપણને ખતમ કરનારી ગર્જનાઓ કાને પડી રહી છે.લાખો લોકોની પીડા હું અનુભવી શકું છું; અને છતાં હું આભમાં જોઉં ત્યારે મને થાય છે કે બધું સારું થશે, મને એમ થાય છે કે આ ક્રૂરતાનો પણ અંત આવશે, ફરીથી સુમેળ અને શાંતિ સ્થપાશે.”

ચૌદ વર્ષની યહૂદી કિશોરીએ આ શબ્દો તેની રોજનીશીમાં 15 જુલાઈ 1944ના રોજ લખ્યા છે.  મોત બારણે ટકોરા દેતું હોય તેવા કાળમાં લખાયેલા આ શબ્દો દુનિયાના અમર આશાદાયી લખાણોમાં છે.

આ શબ્દો લખાયા તેના વીસ જ  દિવસ પછી – જે લાખો યહૂદીઓના લલાટે લખાયું હતું તેવા – ભયંકર મોતના મારગે ઍનના ધકેલાવાની શરૂઆત થઈ. 

એટલે કે 4 ઑગસ્ટ 1944ના દિવસે ઍન ફ્રૅન્કના પરિવારને હિટલરના નાઝી સૈનિક-શેતાનો અચૂક પીડામય ધીમા મોત સમી યાતના છાવણી – કૉન્સ્ન્ટ્રેશન કૅમ્પમાં નાખવા માટે ઊઠાવી લઈ ગયા. માળો પિંખાઈ ગયો.

ઍન અને તેની મોટી બહેન માર્ગો બર્ગન-બેલ્સન ખાતેની યાતના છાવણીમાં ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન મોતને ભેટી. ચોક્કસ તારીખ મળતી નથી, કારણ કે રોજના સેંકડો યહૂદી સ્ત્રી-પુરુષો-બાળકો બેહિસાબ મોતને ભેટતા હતા !

ઍનનો પરિવાર યાતના છાવણીઓમાં ધકેલાયો તે પહેલાં સુધી નાઝી રાક્ષસોથી બચવા માટે ઍમ્સ્ટાર્ડામમાં અજ્ઞાતવાસમાં રહેતો હતો. તે દરમિયાન 14 જૂન 1942થી 1 ઑગસ્ટ 1944 એ દિવસોમાં ઍન ડચ ભાષામાં ડાયરી લખતી.

પિતાએ 12 જૂન 1942ની ઍનની બારમી વર્ષગાંઠની ભેટ તરીકે આપેલી ડાયરી જાણે ઍનની ગોઠિયણ બની ગઈ. એને તે Kitti કિટ્ટી તરીકે  સંબોધતી.

કિટ્ટી ઍનની રોજ બ રોજની જિંદગીની મુગ્ધતાભરી ખટમીઠી વાતો સાંભળતી. 

સાથે બીજા વિશ્વયુદ્ધમાં સત્તાના ફેલાવા સાથે હિટલરના ભક્ત નાઝીઓએ વધતી ક્રૂરતા સાથે વિવિધ રીતે ચલાવેલું યહૂદી-દમન અને નિકંદન જેવી બાબતોના ઉલ્લેખો પણ ડાયરીમાં આવતા રહે છે.

ઍનની ડાયરી સચવાઈ જાય છે. જીવતા બચેલા તેના પિતા ઑટો ફ્રૅન્ક તેને 1947માં ડચ ભાષામાં પ્રસિદ્ધ કરે છે, તેના પાંચ વર્ષ બાદ અંગ્રેજી આવૃત્તિ બહાર પડે છે, અને પછીનાં વર્ષોમાં દુનિયાની અનેક ભાષાઓમાં જાય છે. આ પુસ્તક પ્રચંડ વંશવાદી હિંસાચારનો મુગ્ધાના હૃદયે આલેખેલો એક આરંભિક સ્વકથિત દસ્તાવેજ બને છે. 

ડાયરી ઑફ ઍન ફ્રૅન્ક માણસોને કેવી રીતે અડી જાય પરોક્ષ અનુભૂતિ છે. કૉલેજના વર્ગમાં વિદ્યાર્થીઓને જે કેટલાંક વિભૂતિઓ અને પુસ્તકોની વાત કરવાની થાય તેમાં ઍન ફ્રૅન્ક આવે.

ઘણા વિદ્યાર્થીઓને સ્પર્શી જાય. 2002ની સાલના ગોધરાકાંડ પછી જે દસેક વર્ષ દરમિયાન જે બૅચેસ આવી તેમાં તો આ પુસ્તકની વાત થતી હોય તે વખતે છોકરીઓની આંખો ભરાઈ આવતી, છોકરાઓના મોં વિલાઈ જતાં. અમારી એચ.કે. આર્ટસ કોલેજની લાયબ્રેરીમાં આ પુસ્તક અમે ઘણું કરીને પહેલી આવૃત્તિમાં જ વસાવ્યું છે. હમણાં મહિનાએક પહેલાં તેની વધુ એક નકલ પણ વસાવી. 

અમારી કોલેજના પૂર્વ વિદ્યાર્થી અને સામાજિક નિસબત સાથે નાટક – સિનેમા ક્ષેત્રે સક્રિય લેખક પરેશ વ્યાસે એન ફ્રેન્કના સમયની વિભીષિકાને વિચારબીજ તરીકે લઈને ‘કેટલું અંધારું હું લૂછું’ નામનું એકાંકી લખ્યું, જે નાટ્ય સ્પર્ધાઓમાં ભજવાયું હતું.

જો કે ગોધરાકાંડ બાદ એકાદ મહિના બાદ અમદાવાદના નારણપુરા વિસ્તારની એક જાણીતી શાળાના માત્ર શિક્ષકો સામે આ પુસ્તક વિશે વ્યાખ્યાન આપ્યું. તેના પછી અભિપ્રાય, સવાલ, કૉમેન્ટ કે અન્ય કોઈ પ્રતિભાવ ન આવ્યો. માત્ર એક ભેદી મૌન હતું અને ચહેરાઓ પર બેપરવાઈ, અણગમો.  

સાહિત્ય પરિષદના મંચ પરથી એક વખત આ પુસ્તક વિશે વાત કરવાનું થયું હતું. ‘જે બધાં બોલ્યાં તેમાં તમારું સહુથી સારું હતું’, એવા મહેન્દ્રભાઈ મેઘાણીના શબ્દો આજે પણ એક મોટા પ્રમાણપત્ર તરીકે યાદ છે. 

બહુ બધાં વર્ષો પહેલાં આ પુસ્તકનાં માતબર નાટ્યરૂપાંતરનો પહેલાં ગુજરાત કૉલેજના નાટ્યગૃહમાં, ઘણું કરીને વડોદરાની શેક્સપિઅર સોસાયટીએ ભજવેલો પ્રયોગ જોયો હોવાનું ધૂંધળું પણ રોમાંચક સ્મરણ છે. 

‘કુમાર’માંના અનુવાદની ઝેરોક્સો કઢાવીને સ્પાયરલ કરાવીને રાખી છે, કારણ કે એ વખતે આ મહાન પુસ્તક વિશે ગુજરાતીમાં બીજું કશું મળતું ન હતું. અંગ્રેજી નકલ તો કેટલાક વખતે પૂનાની ફૂટપાથ પરથી ખરીદી; પહેલાં ચન્દ્રકાન્તભાઈ ટોપીવાળાના પૂર્ણેશ્વરના ઘરેથી માગીને લાવ્યો હતો.

આ કૃતિનો પહેલવહેલો ઉલ્લેખ પંદર-સોળ વર્ષની ઉંમરે પુ.લ. દેશપાંડેના એક પ્રવાસવર્ણનમાં, અને પછી તેની વધુ વિગતો અસાધારણ વાચક અને ‘મહારાષ્ટ્ર ટાઈમ્સ’ના પ્રબુદ્ધ સંપાદક ગોવિંદ તળવલકરના લેખમાંથી મળી હતી. 

કોઈ પણ કાલજયી કૃતિની જેમ ‘ડાયરી’ પર પણ નવું નવું કામ થતું રહે છે.તેના પર આધારિત ચારેક પુસ્તકો પણ વસાવ્યાં છે. પુસ્તકને લગતાં વિવાદોની પણ ભાળ વિકિપીડિઆ પહેલાંના સમયમાં મેળવી છે. 

આમસ્ટર્ડામમાં ઍનનું ઘર ઍન ફ્રૅન્ક હાઉસ તરીકે સચવાયું છે. સંસ્કૃતિ, કહેતાં સિવિલાઈઝેશનના શ્રદ્ધાળુઓ આ તીર્થસ્થાને એટલી મોટી સંખ્યામાં ઊમટે છે કે નજીકમાં જ આવેલા વૅન ગૉગ મ્યુઝિયમની જેમ અહીં પણ પ્રવેશ માટે લાંબી લાઈન લાગે છે. ટિકિટ છ-છ મહિના અગાઉથી મેળવી લેવી પડે છે.

હમણાંના એક ભાવનાશાળી વિદ્યાર્થી પરીક્ષિત સાથે અનેક વાતો થતી રહે છે, તેમાં હમણાંના બનાવોના સંદર્ભમાં આ પુસ્તકની વાત થઈ. તેણે તેના મિત્રને 25 નવેમ્બર 2025ના દિવસે મોકલેલો એક મેસેજ મને મોકલ્યો : ‘દરેક સવાર સાથે હું અને તમે, આપણો દેશ, આપણી દુનિયા ઍન ફ્રૅન્કની ડાયરીના એક-એક પન્નામાંથી ફરી પસાર થઈ રહ્યાં છીએ.’ 

આટલું લખ્યા પછી પરીક્ષિત ઍને 13 જાન્યુઆરી 1943 ના દિવસે ડાયરીમાં લખેલા શબ્દો ટાંકે છે : ‘Terrible things are happening outside. At any time of night and day poor and helpless people are dragged out of their homes.’ તેની આગળનો હિસ્સો વિદારક છે: Families are torn apart, the me, women and children are being separated. Children have disappeared. Women return from shopping  to find that their homes shut up and their families gone.’ 

ડાયરીની વાત આગળ ચાલી એટલે પરીક્ષિતે અત્યારે અમેરિકામાં ચાલી રહેલાં ICE (immigrants and customs enforcement) દ્વારા ચલાવાઈ રહેલા detention centresમાં ઇમિગ્રન્ટ્સ સાથેની ક્રૂરતા વિશે કહ્યું. એટલું જ નહીં પણ તેણે આ સેન્ટર્સ અને નાઝી કૉન્સ્ટ્રેશન કૅમ્પની સરખામણી કરતા લેખો પણ મને મોકલ્યા. 

નાઝી સૈનિકો અને ICEના ‘એજન્ટસ’ વચ્ચે સામ્ય બતાવતા બનાવો વિશે પણ તેણે મને સભાન કર્યો. એ સૈનિકો શક કે નજીવા આધાર પર બિનઅમેરિકી પરિવારોના ઘરો પર છાપો મારી દમનના કોરડા વીંઝતા.  

એક સહુથી જાણીતા બનાવ તેમાં 7 જાન્યુઆરીએ મિનેપોલીસમાં રેની ગુડ (Rene Good) નામની ચોંત્રીસ વર્ષની એક મહિલાને દેખિતી રીતે કોઈ વાંક વિના ICEના એજન્ટ્સે ધોળે દહાડે રસ્તા પર ભર ટાફ્રિકમાં વીંધી નાખી તેની વિગતો હતી. મારાઓને એવો સાવ આછો શક હતો કે એ મહિલા ICEના વિરોધીઓ સાથે જોડાયેલી છે. 

આ હત્યાનો ઘણો વિરોધ થયો, પણ ટ્રમ્પ અને તેની સરકારે ICEના કૃત્યનો બચાવ જ કર્યો. પરીક્ષિતે ICE પાશવી માનસ બતાવતા 2026ના બનાવો અને નાઝી સૈનિકોનાં કરતૂત વચ્ચે આઠ દાયકા બાદ પણ કેવું સામ્ય છે તે પણ પરીક્ષિતે ઘણી સામગ્રી દ્વારા બતાવ્યું. 

ઍન ફ્રૅન્કના પુસ્તકનો વિરોધ નાઝીઓ કરતા, મલાલાના પુસ્તકનો વિરોધ તાલીબનો કરે છે. આ બંને પુસ્તકોનો વિરોધ ભારતીય જનતા પક્ષ પ્રેરિત બજરંગ દળ કરે છે. આ બંનેનું ઝેર બજરંગ દળમાં આવ્યું છે.

છતાં આપણે તો ઍનનાં શબ્દનાં અમી જ મનમાં મમળાવાં પડે : 

 It is really a wonder that I have not dropped all my ideals because they seem so absurd and impossible to carry out. Yet I keep them because in spite of everything I still believe that people are really good at heart.                 

[કોલાજ સૌજન્ય : પરીક્ષિત મેઘના મુકેશ]
22 જુલાઈ 2026
(1,300 શબ્દો)
 e.mail : sanjaysbhave@yahoo.com

Loading

31 August 2026 Vipool Kalyani
← નેપાળની પાળ જ તૂટી ગઈ …

Search by

Opinion

  • નેપાળની પાળ જ તૂટી ગઈ …
  • ‘ના, હું પોતાની આત્મકથા ખુદ કહીશ!’
  • ઇથેનોલની મહત્ત્વાકાંક્ષા અને ચૂંટણીનું ગણિતઃ ખાંડની કડવાશની જવાબદારી કોની?
  • રાહુલ ગાંધીનું મનુસ્મૃતિ વિમર્શ
  • ચલ મન મુંબઈ નગરી—356

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 

Poetry

  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved