અદાલતના અન્યાયી ચુકાદાને તાબે ન થનાર રખમાબાઈ
જાણે કહી રહ્યાં હતાં : ‘એવો અણઘડ હુકમ કેમ પાળવો?’

રખમાબાઈ
એક હતી છોકરી. નહોતી એ પરી જેવી, કે નહોતી રાજકુમારી જેવી. નહોતી રહેતી એ કોઈ એકદંડિયા મહેલમાં. એનો જન્મ ૧૮૬૪માં. માતાનું નામ જયંતીબાઈ, બાપનું નામ જનાર્દન પાડુરંગ સાવે. કુટુંબ રહેતું હતું મુંબઈની એક ચાલની ડબલ રૂમમાં. અને એ ઘર પણ એના બાપનું નહિ, હતું એ તો બાપના મામાનું. એ છોકરીનું નામ રખમાબાઈ. એના જન્મ પહેલાં જ તેની દાદીએ અને તેમની એક બહેનપણીએ તેનાં લગ્ન નક્કી કરી નાખેલાં : જો બેમાંથી એકને પેટે દીકરો અવતરે અને બીજીને પેટે દીકરી જન્મે તો એ બંનેનાં લગ્ન નક્કી. આ પ્રથા ‘સાટું’ તરીકે ઓળખાતી અને સારી એવી પ્રચલિત હતી. નક્કી કર્યા પ્રમાણે અગિયાર વરસની ઉંમરે રખમાનાં લગ્ન થઈ ગયાં, ૧૯ વરસના દાદાજી ભિકાજી સાથે. રખમાનો નવરો (વર) એટલે વ્યસનોનો ભંડાર. નોકરી ધંધામાં અલ્લાયો. મામા પર બધો મદાર. એમાં તેમને દમનો રોગ લાગુ પડ્યો. રખમાની મા જયંતીબાઈ ૧૭ વરસની હતી અને રખમા પોતે બે વરસની હતી ત્યારે પિતા જનાર્દનનું અવસાન થયું. રખમા આઠેક વરસની થઈ ત્યારે તેની

ડો. સખારામ અર્જુન
માએ બીજું લગ્ન કર્યું, ડો. સખારામ અર્જુન (૧૮૩૯-૧૮૮૫) સાથે. તેઓ હતા એ જમાનાના એક આગળ પડતા સમાજસુધારક. એટલે જ્ઞાતિવાચક ‘રાઉત’ અટક તેમણે છોડી દીધી હતી. ઘરમાં પુસ્તકોના ઢગલા. એટલે રખમાને તો ભાવતું તું ને વૈદે કીધું એવું થયું. પણ માએ બીજાં લગ્ન કર્યા તે પહેલાં જ ૧૧ વરસની ઉંમરે રખમાનાં લગ્ન હિંદુ શાસ્ત્ર વિધિ પ્રમાણે થઈ ગયાં હતાં. પણ પતિ-પત્ની એક દિવસ પણ સાથે રહ્યાં નહોતાં. એટલે લગ્ન વખતે જ શરત મૂકેલી કે રખમાનાં વરે સારું ભણવું, પોતાના પગ પર ઊભા રહેવું, અને પછી જ વહુને ઘરે રહેવા બોલાવવી. ઓરમાન બાપની ઇચ્છા પ્રમાણે રખમા તો ભણવામાં આગળ ને આગળ જવા લાગી. પણ તેનો નવરો તો હતો ત્યાંનો ત્યાં. રખમા ‘વયમાં આવી’ એટલે ૧૮૮૪માં સાસરાનું તેડું આવ્યું : ‘હવે અમારી વહુને અમારે ઘરે રહેવા મોકલો. સાસરાના ઘરની દુર્દશા, ગરીબી, વરનાં લખ્ખણ, એ બધું જોઈને રખમાએ ચોખ્ખું સુણાવી દીધું : ‘હું સાસરે નહિ જાઉં.’ એ જમાનામાં આવું કહેવાની હિંમત ક્યાંથી આવી એ તો રામ જાણે. પણ દાદાજીએ તો સીધો અદાલતમાં કેસ માંડ્યો : લગ્નના હક્કના ભોગવટા માટેનો. કાયદાની ભાષામાં કહીએ તો ‘restitution of conjugal rights માટેનો. અને સાદી ભાષામાં કહીએ તો જાતીય સંબંધ માટેનો. કાયદો ઘડાયો હતો એ વખતના ગ્રેટ બ્રિટનની સામાજિક પરિસ્થિતિને કારણે. લગ્ન પછી પતિ-પત્ની સાથે રહ્યા પછી કોઈક કારણસર જો બેમાંથી એક સહજીવન અને શયનની ના પાડે તો આ કાયદા અન્વયે કેસ માંડી શકાય. ધાર્યું હોત તો દાદાજી બીજાં લગ્ન કરી શક્યા હોત. પણ પોતાની લગભગ ૨૫ હજારની મૂડી સખારામભાઉએ રખમાને નામે વીલમાં ચડાવી હતી. એટલે દાદાજીની નજર રખમા કરતાં ય વધુ તો તેની મિલકત પર હતી. પણ જેવો કેસ અદાલતમાં પહોંચ્યો કે એ વખતના સમાજના અગ્રણીઓ બે ભાગમાં વહેંચાઈ ગયા. સનાતની પક્ષના લોકમાન્ય ટીળક, ઝળકીકર શાસ્ત્રી જેવા આગેવાનોએ રખમાબાઈના પતિના દાવાને ટેકો આપ્યો. હિંદુ ધર્મવિધિ પ્રમાણે લગ્ન કર્યાં છે તો રખમાએ પતિ સાથે રહેવા તો જવું જ જોઈએ એમ તેમનું કહેવું હતું. તો બીજી બાજુ જસ્ટિસ

મહાદેવ ગોવિંદ રાનડે
મહાદેવ ગોવિંદ રાનડે, વામનરાવ મોડક, બહેરામજી મલબારી જેવા સુધારકો રખમાબાઈ તરફી ભાષણો અને લખાણો કરી રહ્યા હતા. તો બંને પક્ષ વચ્ચે સમજૂતીથી તડજોડ કરવાની હિમાયત કાશીનાથ ત્ર્યંબક તેલંગ જેવા મધ્યમમાર્ગીઓ કરી રહ્યા હતા. તેમાં વળી અખબારોમાં આ આખા કિસ્સા વિષે ‘હિંદુ લેડી’ના નામથી અંગ્રેજીમાં લેખો છપાવા લાગ્યા. શરૂઆતમાં ઘણાને લાગ્યું કે આ પત્રો રખમાબાઈ પોતે જ લખતા હશે. પણ હકીકતમાં એ પત્રો તેમણે લખ્યા હોય એમ લાગતું નથી. કારણ એ વખતે અંગ્રેજીની તેમની જાણકારી એટલી નહોતી કે જાહેર પત્રો લખી શકે.

૧૯મી સદીમાં બોમ્બે હાઈકોર્ટ
ખટલો શરૂ થયો બોમ્બે હાઈ કોર્ટની જસ્ટિસ રોબર્ટ હિલ પીનેની સિંગલ બેન્ચ અદાલતમાં. બંને પક્ષના વકીલોએ દલીલો કરી, દાખલા ટાંક્યા. પણ આ આખી વાતમાં જજસાહેબને લાગ્યું કે આમાં ખાટલે જ મોટી ખોડ છે. તેમણે કહ્યું કે restitution શબ્દનો અર્થ થાય છે અગાઉ જે, જેવું, હતું તે તેવું ફરી કરી દેવું. પણ આ કેસમાં તો વાદી અને પ્રતિવાદી વચ્ચે અગાઉ લગ્નસંબંધ બંધાયો જ નથી. માત્ર હિંદુ ધાર્મિક વિધિથી લગ્ન થયાં છે. એટલે અહીં restitutionનો સવાલ જ ઊભો થતો નથી. રખમાબાઈ તરફથી ઘણી સજ્જડ દલીલો કરવામાં આવી : પહેલું તો એ કે તેની પોતાની ઇચ્છા કે મંજૂરી વગર જ અને તે જ્યારે ‘બાળક’ હતી ત્યારે જ તેનાં લગ્ન કરી દેવામાં આવ્યાં હતાં. પુખ્ત વયની થયા પછી પણ ક્યારે ય તેણે આ લગ્નનો સ્વીકાર કર્યો નહોતો. વળી તે કહેવાતા પતિ દાદાજી સાથે એક છાપરા નીચે ક્યારે ય રહી નહોતી. લગ્ન પછી પણ તે પોતાનાં મા-બાપને ઘરે જ રહેતી હતી. આ લગ્નનો ‘ભોગવટો’ કરવા તે મુદ્દલ માગતી કે ઇચ્છતી નહોતી. સ્વતંત્ર ઘર કે ઘરખર્ચ માટે જરૂરી રકમ કાયમ માટે પૂરી પાડવાની દાદાજીમાં ત્રેવડ નહોતી. વળી તેમની તબિયત, કુટેવો તથા તેમના ઘરના સંજોગો લગ્નજીવનને ટકાવી રાખવામાં મદદરૂપ થાય તેવાં નહોતાં. પણ સૌથી મહત્ત્વની વાત તો એ હતી કે તેની પોતાની (એટલે કે રખમાબાઈની) દાદાજીની પત્ની બનીને રહેવાની મુદ્દલ ઇચ્છા નહોતી. અને એટલે અદાલત કે બીજું કોઈ તેને એમ કરવા ફરજ પાડી શકે નહિ. ટૂંકમાં આ કેસના મૂળમાં જે મુદ્દો રહ્યો હતો તે આ : જ્યારે માબાપ દ્વારા દીકરીનાં લગ્ન બાળવયમાં જ કરી નાખવામાં આવ્યાં હોય ત્યારે એ છોકરી પુખ્ત વયની થાય તે પછી એ લગ્ન અને લગ્નસંબંધ માટે છોકરીની પોતાની સંમતિ કે અસંમતિ કાનૂની દૃષ્ટિએ મહત્ત્વની ગણાય કે નહિ. ૧૮૮૦માં આ રીતે વિચાર કરવો એ પણ એક અસાધારણ ઘટના ગણાય.
પોતાના ચુકાદામાં જસ્ટિસ પીનેએ કહ્યું કે વાદી અને પ્રતિવાદી બંને જ્યારે પુખ્ત વયનાં નહોતાં ત્યારે ધાર્મિક વિધિથી તેમનાં લગ્ન થયાં હતાં. એ વખતે રખમાબાઈની ઉંમર હતી અગિયાર વરસ. તેમનાં એ લગ્ન પછી અગિયાર વરસ વીતી ગયાં છે. એ દરમિયાન રખમાબાઈ પુખ્ત વયની થઈ છે, છતાં આજ સુધી એ બંને નથી ક્યારે ય એક છાપરા નીચે રહ્યાં કે નથી તેમની વચ્ચે શરીર-સંબંધ બંધાયો. જ્યારે આવો સંબંધ બંધાયો જ નથી ત્યારે તે ‘ફરીથી બાંધવાની’ (restitution) માગણી કાનૂની દૃષ્ટિએ કઈ રીતે ટકી શકે? આજે રખમાબાઈ એક પુખ્ત વયની, બાવીસ વરસની ઉંમરની સ્વતંત્ર વ્યક્તિ છે. દાદાજીની માગણી ‘લગ્નહક્કના ભોગવટા’ માટે તે પોતાની સાથે એક છાપરા નીચે રહેવા જાય એવી છે. પોતાના ચુકાદામાં જજસાહેબે દાદાજીની આ માગનીને ‘barbarous, cruel, revolting’ તરીકે ઓળખાવી. સાથોસાથ તેમણે એમ પણ નોંધ્યું કે શું ગ્રેટ બ્રિટનમાં કે શું હિન્દુસ્તાનમાં આ પ્રકારનો આ પહેલો જ ખટલો છે. ગ્રેટ બ્રિટનના કાયદામાં લગ્ન સંબંધ બંધાયા પછી જો બેમાંથી એક વ્યક્તિ એ સંબંધ તોડી નાખે તો તેને ફરીથી સ્થાપવાની જોગવાઈ છે. પણ લગ્નસંબંધ બંધાયો જ ન હોય એવી પરિસ્થિતિમાં ઇચ્છા વિરુદ્ધ પતિ-પત્ની બેમાંથી એકને કોઈ પ્રકારની ફરજ પાડવાની જોગવાઈ કાયદામાં નથી. કારણ એવી ફરજ પાડવી એ વ્યક્તિસ્વાતંત્ર્યનો ઉઘાડે છોગે ભંગ કરવા બરાબર છે. અને જજસાહેબે રખમાબાઈની તરફેણમાં ચુકાદો આપ્યો.
આજે કોઈ કોર્ટ આવો ચુકાદો આપે તો તેની નોંધ પણ ભાગ્યે જ લેવાય. પણ એ જમાનામાં આવો ચુકાદો સ્વીકારવાનું મોટા ભાગના લોકો માટે અઘરું હતું. કેટલાકે તો તેને ‘હિંદુ ધર્મ વિરોધી’ કે ‘લગ્ન સંસ્થાના મૂળ પર કુઠારાઘાત કરતો જણાવ્યો. તો કોઈએ વળી કહ્યું કે હિન્દુઓની ધાર્મિક બાબતોમાં દખલ કરવાનો અદાલતને અધિકાર જ નથી. બીજી બાજુ ‘સુધારકો’એ આ ચુકાદાને વધાવી લીધો. આ ચુકાદા વિષે બંને પક્ષોએ અખબારોમાં ચર્ચા ચલાવી.
બીજી બાજુ દાદાજીએ પોતાના કાયદેસરના હક્કની અમલબજાવણી માટે જજ પીનીના ચુકાદા સામે અપીલ કરી. ૧૮૮૬ના માર્ચ મહિનામાં આ અપીલની સુનાવણી શરૂ થઈ. એક જજને બદલે બોમ્બે હાઈ કોર્ટના જજોની બેંચ પાસે ફરી કેસ ચાલ્યો. એ બેન્ચના જજોએ જસ્ટિસ પીનીની વિચારણાને અને તેમના ચુકાદાને અમાન્ય કર્યો. તેમણે કહ્યું કે ભલે ગમે તે ઉંમરે લગ્ન થયાં હોય, હિંદુ ધર્મ પ્રમાણે એ લગ્ન વૈધ જ ગણાય, અને તેથી દાદાજીને ‘લગ્નના ભોગવટા’ માટે રખમાબાઈ પર કેસ માંડવાનો પૂરો અધિકાર છે. વળી તેમણે એમ પણ કહ્યું કે હિંદુ ધર્મ પ્રમાણે લગ્ન એ કોઈ કાનૂની કરાર નથી, પણ એક પવિત્ર બંધન છે. એટલે ‘લગ્નના ભોગવટા’ માટે છોકરીની ઇચ્છા કે અનિચ્છાનો સવાલ ઊભો થતો જ નથી. એટલે હાઈ કોર્ટની એ બેન્ચે આખો ખટલો નવેસરથી ચલાવવાનો હુકમ આપ્યો. પણ ત્યાં સુધીમાં જસ્ટિસ પીની રિટાયર થઈ ચૂક્યા હતા. એટલે કેસ જસ્ટિસ એડવર્ડ ફારાન પાસે પહોંચ્યો. હવે બન્યું એવું કે જજ બનતાં પહેલાં ફારાને એક વકીલ તરીકે દાદાજીને તેમનો કેસ તૈયાર કરવામાં મદદ કરી હતી. આજે આવા સંજોગોમાં એ જજે કેસમાંથી ખસી જવું જોઈએ એવો નિયમ છે. પણ એ વખતે નહોતો. ૧૮૮૭ની શરૂઆતમાં તેમની અદાલતમાં ખટલાની સુનાવણી શરૂ થઈ. અને જજ ફારાને ચુકાદો આપ્યો દાદાજીની તરફેણમાં. અને રખમાબાઈને હુકમ કર્યો ‘લગ્નહક્કના ભોગવટા’ માટે દાદાજીને ઘરે જઈને રહેવાનો! કાયદાની ભાષામાં કહીએ તો અદાલતે A decree for restitution of conjugal rights જારી કરી. એ વખતના કાયદા પ્રમાણે જો રખમાબાઈ આ ચુકાદાનો અમલ ન કરે, અને દાદાજીની સાથે રહેવા ન જાય, તો તેની બધી માલમત્તા જપ્ત થાય અને તેને છ મહિનાની કેદની સજા થાય. રખમાબાઈ પાસે હવે બે જ રસ્તા હતા : કાં તો અદાલતના ચુકાદાને તાબે થઈને દાદાજીનું ઘર માંડવું અથવા બધી સંપત્તિ ગુમાવવી અને છ મહિના માટે કારાવાસ ભોગવવો. રખમાબાઈનો જવાબ કદાચ ખેવના દેસાઈની આ પંક્તિઓમાં પડઘાય છે :
હકાર ભણું ડાહી, ને દઈ દઉં નકાર
તો ‘કજિયાળી બાઈ કરે બળવો’
ક્યારે ને શું, અને કેટલું બોલાય
એવો અણઘડ હુકમ કેમ પાળવો?
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 29 ઑગસ્ટ 2026
![]()

