
ચંદુ મહેરિયા
જો બધું સમુસૂથરું પાર પડશે તો આગામી ૨૦૨૭-૨૮ના નાણાંકીય વરસમાં આપણા ચલણમાં કાગળની સાથે પ્લાસ્ટિકની નોટ આવી ગઈ હશે! રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના બોર્ડ ઓફ ડિરેકટર્સની ભલામણના આધારે R.B.I.એ કેન્દ્ર સરકારને પોલીમર બેન્ક નોટ (પ્લાસ્ટિકની નોટ) પ્રગટ કરવાની મંજૂરી માંગતી દરખાસ્ત કરી હતી. ભારત સરકારે તાજેતરમાં R.B.I.ને રૂ.૧૦ અને રૂ.૨૦ની ૧૦૦-૧૦૦ કરોડ એમ કુલ રૂ.૨૦૦ કરોડની પ્લાસ્ટિક નોટ છાપવાની મંજૂરી આપી છે. તેના અનુસંધાને R.B.I.એ ગ્લોબલ ટેન્ડર બહાર પાડ્યું છે. એટલે દસ અને વીસ રૂપિયાની પ્લાસ્ટિકની નોટો આગામી વરસે બજારમાં આવી જવાની શક્યતા છે.
પરદેશના રાષ્ટ્રપ્રમુખને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રસ્તા પરની રેંકડીનાં ચા અને વડાપાઉં ખવડાવી બિલનું ડિજિટલ પેમેન્ટ કરાવડાવ્યું તે ઠાલો દેખાડો નહોતો. પરંતુ ભારતમાં યુ.પી.આઈ. અને ડિજિટલ પેમેન્ટ કેટલી હદે વિસ્તરી ચૂક્યું છે તેનો સંકેત હતો. ડિજિટલ ચુકવણામાં ભારત વિશ્વના અગ્રણી દેશ તરીકે ઉભરી રહ્યો છે અને ભારતનું આર્થિક પરિદૃશ્ય બદલાઈ રહ્યું છે તેવું નિ:સંદેહ લાગે છે.
પરંતુ કદાચ આ ઇન્ડિયાની વાસ્તવિકતા છે. ભારતનું વાસ્તવ જૂદું છે. દેશના લાખો ગામડાઓમાં વસતા સામાન્ય લોકો, ખેડૂતો, ખેતમજૂરો, કારીગરો, નાના દુકાનદારો, વિશાળ અસંગઠિત ક્ષેત્ર અને સ્થાનિક બજારોમાં આજે ય નાણાંકીય લેવડદેવડ રોકડ રૂપિયામાં જ થાય છે. ગામડાઓમાં સતત વીજળી મળતી નથી એટલે નિર્બાધ ઈન્ટરનેટ સેવા શક્ય ન હોવાથી ડિજિટલ પેમેન્ટ બાધિત થાય છે. વીજળીના અભાવે સર્વર ડાઉન હોય, ઈન્ટરનેટ ચાલતું ન હોય, મોબાઈલ ચાર્જ થયેલો ન હોય ત્યારે રોકડમાં વધુ વ્યવહાર થાય તે સહજ છે. ભલે નાણાંકીય વ્યવહાર ઓનલાઈન વધ્યો હોય પણ રોકડનો તે વિકલ્પ બની શક્યો નથી. બંને સાથે ચાલે છે એ હકીકત સ્વીકારીને પણ કહેવું પડે તેમ છે કે રોકડથી થતા નાણાંના વ્યવહારો વધ્યા છે. ૨૦૨૫-૨૬માં રોકડ નાણાંથી રૂ.૪૨.૮૬ લાખ કરોડના વ્યવહારો થયા હતા. એ વરસે રોકડની માંગમાં ૧૧.૫ ટકાની વૃદ્ધિ થઈ હતી. જે તેના ગયા વરસના ૫.૮ની સરખામણીએ લગભગ ડબલ છે.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના વાર્ષિક અહેવાલમાં કહેવાયું છે કે ૨૦૨૩-૨૪માં હાલ વ્યવહારમાં છે તે કાગળની નોટોનો છપામણી ખર્ચ રૂ.૫,૧૦૧.૪ કરોડ હતો. જે ૨૦૨૪-૨૫માં વધીને રૂ.૬,૩૭૨.૮ કરોડ થયો હતો. ખરાબ, રદ્દી, ગંદી, ફાટેલી અને ફરી ઉપયોગમાં લઈ ન શકાય તેવી થઈ ગયેલી ૨૩.૮ અબજ નોટોનો નાશ કરવામાં આવ્યો હતો. રૂ. ૧૦ અને રૂ.૨૦ના સિક્કા કેન્દ્રિય બેન્કે બજારમાં મૂક્યા હતા પરંતુ તેની સ્વીકાર્યતા બહુ ઓછી છે. વળી ડિજિટલની તુલનામાં પણ રોકડ નાણાંમાં લેવડદેવડ વધી છે એટલે R.B.I.એ પાતળા પ્લાસ્ટિક કે પાલીપ્રોપાઈલીન નામક વિશેષ સિન્થેટિક પ્લાસ્ટિકમાંથી બનતી પ્લાસ્ટિકની નોટો બનાવવાનું મન બનાવી લીધું છે. હાલમાં નાનાં મૂલ્યની રૂ. ૧૦ અને રૂ.૨૦ની નોટો પ્રગટ થશે. તેના અનુભવો પછી આગળ વિચારવામાં આવશે. જો કે સરકારે હાલના લોકસભાના વર્ષાસત્રમાં જ ખાતરી આપી છે કે કાગળની નોટોને રદ્દ કરવામાં નહીં આવે કે એના બદલે પ્લાસ્ટિક નોટ છે તેવું પણ કરવામાં નહીં આવે. બંને નોટો બજારમાં પ્રચલનમાં રહેશે.
હાલની કાગળની નોટોને અધિક સલામત, કુશળ અને ટકાઉ બનાવવાનો પડકાર R.B.I. સમક્ષ હતો. તેણે જ પ્લાસ્ટિક નોટનો વિકલ્પ પસંદ કર્યો છે. પોલીમર કે પ્લાસ્ટિક બેન્ક નોટની કેટલીક ખાસિયતો કે વિશેષતાઓ છે. તે કાગળની નોટના વિકલ્પે ફાયદાકારક છે. પ્લાસ્ટિકની નોટનો પ્રારંભિક છપામણી ખર્ચ ઘણો વધારે છે પરંતુ કાગળની નોટની સરખામણીએ આ નોટ પાંચ થી સાત ગણી વધુ ટકાઉ છે. એટલે કાગળની નોટોનો દર વરસે થતો છપામણીનો ખર્ચ ઘટશે અને નાશ કરવાનું પ્રમાણ પણ ઓછું થતાં સરવાળે નાણાંકીય ફાયદો થઈ શકે તેમ છે.
હાલની કાગળની નોટોની ધૂમ નકલી નોટો બજારમાં ફરે છે. નકલી નોટો એક મોટી સમસ્યા છે. નકલી નોટો પર અંકુશ મૂકવા પ્લાસ્ટિકની નોટો પર સ્પેશ્યલ સિક્યોરિટી ફીચર જોડવાની વ્યવસ્થા છે. પારદર્શી વિંડો અને ઉન્નત સલામતી થ્રેડ તથા એડવાન્સ હોલોગ્રાફિક ફીચર્સને કારણે પ્લાસ્ટિકની નોટોની નકલ કરવી લગભગ અશક્ય બનશે. તે સૌથી મોટો ફાયદો છે. પોલીમર નોટનો સ્પર્શ સામાન્ય નોટ જેવો જ છે પરંતુ તે પાણીમાં પલળવા છતાં ગળતી નથી. સહેલાઈથી ફાટતી નથી. પાણી, ગંદકી, ભેજ અને ધૂળથી ખરાબ થઈ જતી નથી. એટલે દર વરસે અમુક નોટોનો નાશ કરવાનો સવાલ ઊભો થશે નહીં.
પોલીમર બેન્ક નોટનો આ વિચાર કંઈ તાજેતરનો અને આપણા જ દેશનો નથી. બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સિંગાપુર, ન્યૂઝીલેન્ડ, મલેશિયા, રોમાનિયા અને વિયેટનામ સહિતના ૬૦ દેશોમાં પ્લાસ્ટિકની નોટ ચલણમાં છે. કેટલાક દેશોમાં ત્રણ દાયકાથી તે બજારમાં છે અને એકમાત્ર પ્લાસ્ટિકની નોટ જ ચલણમાં છે. આપણે સૌથી પહેલાં ૨૦૦૯માં પ્લાસ્ટિકની નોટનો વિચાર કર્યો હતો. ૨૦૧૨ અને ૨૦૧૭માં તે માટેની કેટલીક પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી. પરંતુ છેક હવે લગભગ દોઢ દાયકે કંઈક અંશે તે વિચાર અમલમાં મૂકાવાની સંભાવના ઊભી થઈ છે.
ભારત સરકારના નાણાં મંત્રાલયની મંજૂરી અને ગ્લોબલ ટેન્ડર છતાં પ્લાસ્ટિકની નોટને બજારમાં મૂકવાના વિચારને તબક્કાવાર અમલમાં મૂકવામાં આવશે. ગ્લોબલ ટેન્ડર પ્લાસ્ટિક નોટના સંપૂર્ણ નિર્માણનું માંગ્યું છે. પરંતુ હાલના નાણું છાપતા ચાર સરકારી પ્રેસ (નાસિક, દેવાસ, મૈસુર, સાલબોની)ને પણ પ્લાસ્ટિક નોટ છાપવા તકનિકી રીતે સજ્જ કરવાની આવશ્યકતા છે. અલગ અલગ વાતાવરણ દેશના ભૂ ભાગોમાં નોટોનું પરીક્ષણ થવું જોઈએ. બેન્કોના વર્તમાન એ.ટી.એમ. અને નોટો ગણવાના મશીનોને પ્લાસ્ટિક નોટો માટે અનુકૂળ બનાવવાંની પણ જરૂર રહેશે. પ્લાસ્ટિકની નોટો ચલણમાં આવે તે પહેલાં તેનો લોકજાગ્રતિ માટે વ્યાપક પ્રચાર કરવો પડશે. જેથી લોકો તેના ઉપયોગ માટે સજ્જ બને. પાયલોટ્ પ્રોજેકટ તરીકે પહેલાં તેને ચોક્કસ વિસ્તારોમાં મૂકવી જોઈએ. તે પૂર્વે તેની ગુણવત્તાની ચકાસણી અને નિર્માણ કામગીરીનું મૂલ્યાંકન થવું જોઈએ.
ડિજિટલ નાણાંકીય વ્યવહારો અને રોકડથી થતા વ્યવહારો બંને આજના ભારતની વાસ્તવિકતા છે. તેને એકબીજાના વિરોધી, સારા-નરસા કે ઊંચ-નીચની નજરે જોવાની જરૂર નથી. કાગળની નોટને બદલે પ્લાસ્ટિકની નોટનું બજારમાં આવવું તે કોઈ સામાન્ય બદલાવ નથી. ભારતના ભાવિ આર્થિક વિકાસ માટે તે મહત્ત્વનું પગલું છે. દેશને ન માત્ર આર્થિક દૃષ્ટિએ નાણાંની સલામતી અને ટકાઉપણાની રીતે પણ પ્લાસ્ટિક નોટ બહેતર સાબિત થઈ શકશે તેમ સરકારનું અને અર્થવિદોનું કહેવું છે.
e.mail : maheriyachandu@gmail.com
![]()

