મદદ મદદ મદદ
મદદ મદદ મદદ
મદદ યા અલ્લાહ
સેક્રેડ સાઉંડ ક્વાયરની અમારી માસિક સંગીત સંધ્યાની છેલ્લી ત્રણ બેઠક દરમ્યાન એક જુઇશ ધર્મની તરજ હિબ્રુ ભાષામાં, એક હિંદુ ધર્મનો શ્લોક સંસ્કૃતમાં અને એક ઇસ્લામ ધર્મની દુઆ અરેબીક ભાષામાં ગાતાં શીખીએ છીએ.
ઈરાકમાં તાલીબાનના દોરી સંચારથી પ્રેરિત થઈને હાલમાં જે વિનાશનું તાંડવ ખેલાઈ રહ્યું છે તે સમાચાર સાંભળીને મારું મન સતત ઉપરોક્ત દુઆ કરતું રહે છે. ફરીને શિયા અને સુન્ની એક જ ધર્મના બે ફિરકાઓ વચ્ચે ઘમસાણ હિંસક સંઘર્ષ શરૂ થયો. આમ જુઓ તો આ કંઈ નવી બીના નથી. તેના મૂળ ઇસ્લામના ઉદ્દભવની હારોહાર રોપાયેલાં જાણવા મળે છે.
જ્યારે ધર્મની ગ્લાનિ પ્રવર્તવા લાગી ત્યારે મહમ્મદ પયગમ્બર સાહેબે ગુમરાહ માનવ જાતને અમન ચેનથી નેક અને પાક જિંદગી કેમ ગુજારવી તેનો રાહ બતાવ્યો. કરુણતા તો એ છે કે તેમના મૃત્યુ પછી તરત એમના ખરા વારસ કોણ એ બાબતે એમના જ કુટુંબના નિકટતમ સભ્યો વચ્ચે વિવાદ થયો જેણે કેટલાકના ભોગ લીધા. ઇસ્લામના અનુયાયીઓમાંના કેટલાકનું માનવું હતું કે મહમ્મદ પયગમ્બરનાં પત્ની આયેશાના પિતા અબુબક્ર તેમના સાચા વારસદાર ગણાવા જોઈએ. એ જૂથ પોતાને સુન્ની તરીકે પહેચાને છે. તેઓ માને છે કે ઇસ્લામના આગેવાનની પસંદગી તેની કોમના લોકો કરે તેમ કુરાનમાં કહ્યું છે અને તેને તેઓ અનુસરવા માગે છે. આ તો સુંદર વિચાર છે.
બરાબર તે જ સમયે મહમ્મદ પયગમ્બરના ભત્રીજા અને જમાઈ અલીને મહમ્મદ પયગમ્બરે પોતે જ પોતાના ખરા વારસદાર તરીકે નીમેલા તેથી તેઓ જ ખલીફ બને તેવો દાવો અલીના કુટુંબીજનો કરવા લાગ્યા. શાયેત અલી એટલે અલીના પક્ષના – શિયાના નામથી એ લોકો ઓળખાયા. હવે આ બંને ફિરકાના લોકો વચ્ચે 656 હિજરીની સાલમાં લડાઈ થઈ જેમાં અલી શહીદ થયા. ત્યારથી શિયા અને સુન્ની વચ્ચે અવરનવાર તણખા ઝર્યા કરે છે અને બંને પક્ષે જાનહાનિ તથા તબાહી થતી રહે છે.
ઈરાન, ઈરાક, બાહરેન, આઝાબાજાન અને યમનમાં શિયા પંથીઓની બહુમતી છે, તો વળી અફઘાનિસ્તાન, ભારત, પાકિસ્તાન, કુવૈત, લેબેનોન, કતાર, સીરિયા, ટર્કી, સાઉદી અરેબિયા અને યુનાઈટેડ આરબ અમીરાતમાં પણ તેઓની નોંધપાત્ર સંખ્યા છે. દુનિયાની કુલ મુસ્લિમ પ્રજામાં એક દશાંશ શિયા મુસ્લિમ છે એવો અંદાજ છે. ઘણા દેશોમાં મોટે ભાગે આ બંને કોમ શાંતિ અને સહકારથી રહે છે પરંતુ શિયા મુસ્લિમો ગરીબીનો ભોગ બનેલ લઘુમતી કોમ હોવાને લીધે તેમને થતા અન્યાયનો સામનો કરવા તેઓ કયારેક હિંસાનો આશરો લે છે.
હકીકત એ છે કે શિયા અને સુન્ની બંને એક જ મઝહબ ઇસ્લામના અનુયાયીઓ છે, અલ્લાહ એક છે તેમ માને છે, ઈબાદત કરવામાં, રોજા રાખવામાં અને મક્કાની હજ કરવામાં માને છે. આટલું આમે ય બંનેમાં છે. અલબત્ત બંને પક્ષના કેટલાક સિદ્ધાંતો, રીત રિવાજ, કાયદા અને ધાર્મિક સંગઠનો થોડાં એક બીજાથી અલગ છે, પણ આખર છે તો તે બંને એક ધર્મની બે પાંખ. તો પછી અલ્પસંખ્યક શિયા કોમની હર પ્રકારે તરક્કી થાય, તેમને અન્યાય ન થાય અને જે દેશમાં તેમની લઘુમતી હોય ત્યાં તેમના તમામ હકોની હિફાજત થાય તેમ જ જ્યાં તેમના હાથમાં સત્તા હોય ત્યાં સુન્ની લોકોની સલામતીની પણ રક્ષા થાય તેની કાળજી જો આ બંને કોમના લોકો અને રાજ્યકર્તાઓ રાખે તો નાહકનો માનવ સંહાર થતો નિવારી શકાય.
શિયા-સુન્ની વચ્ચેની પ્રથમ લડાઈ મહમ્મદ પયગમ્બરનો સાચો વારસદાર કોણ એ મુદ્દાને લઈને થઈ. સાચું પૂછો તો પયગંબર સાહેબ ફરી અવતાર લે તો કહેશે, અરે ઓ અલ્લાહના બંદાઓ, જરા રહેમ કરો. જે કુરાનનો સંદેશ સમજી તેના ઉસુલોની રાહે ચાલે તે મારા ખરા વારસદાર અને જેટલા લોકો એ રસ્તે ચાલે તે બધા મારા અને ઇસ્લામના સાચા વારસદાર. આવી અંદરોઅંદર લડાઈ-ઝઘડા અને હિંસા આચરવાથી તો એ બંને કોમમાંના કોઈ પોતાને ઇસ્લામના અનુયાયીઓ કેવી રીતે ગણાવી શકે, ભલા?
છેલ્લાં કેટલાંક વર્ષોમાં તો પશ્ચિમી સભ્યતાના વિરોધમાં કે રાજ્યકર્તા શિયા અથવા સુન્ની પંથી છે એ બહાના હેઠળ આ બે કોમ વચ્ચે ચાલતી અવિરત સંહારલીલામાં નિર્દોષ ઇન્સાનોની થતી જાનહાનિ સહન કરવાની અન્ય ધર્મના લોકોની પણ હદ આવી ગઈ છે. આથી સંસ્કૃતનો એક શ્લોક ટાંકીને વિરમું:
સર્વેષમ સ્વસ્તિર ભવતુ
સર્વેષમ શાંતીર ભવતુ
સર્વેષમ પૂર્ણમ ભવતુ
સર્વેષમ મંગલમ ભવતુ
ઓમ શાંતિ શાંતિ શાંતિ
e.mail : 71abuch@gmail.com
![]()


આપણાં ઘણાં સામયિકો જ્યારે ધારાવાહિક નવલકથાના પ્રકાશનને ઉત્સાહપૂર્વક અપનાવી રહ્યાં હતાં ત્યારે પણ કેટલાંક સામયિકો સભાનતાપૂર્વક એનાથી દૂર રહ્યાં હતાં. આવાં સામયિકોમાં પહેલું નામ આનંદશંકર ધ્રુવના ‘વસંત’નું યાદ આવે. ૧૯૧૨થી ૧૯૨૪નાં બાર વર્ષને બાદ કરતાં લગભગ પચ્ચીસ વર્ષ આનંદશંકર તેના તંત્રી રહ્યા. રમણભાઈની નવલકથા ‘ભદ્રંભદ્ર’નો કૈંક ઉગ્રતાથી વિરોધ કરનાર આનંદશંકર પોતાના સામયિકમાં ધારાવાહિક નવલકથાથી દૂર રહ્યા હતા, એટલું જ નહિ, વચમાં બાર વર્ષ (૧૯૧૨-૧૯૨૪) ખુદ રમણભાઈ તેના તંત્રી બન્યા ત્યારે તેમણે પણ આનંદશંકરની એ પરંપરા ચાલુ રાખી. મુખ્યત્વે મધ્યકાલીન કાવ્ય કૃતિઓ – અને અત્યંત વિવાદાસ્પદ બનેલાં ‘પ્રેમાનંદનાં નાટકો’ પ્રગટ કરવા માટે જાણીતા થયેલા સામાયિક ‘સાહિત્ય’એ કેટલીક સારી ટૂંકી વાર્તાઓ પ્રગટ કરેલી. પણ ધારાવાહિક નવલકથા તરફ તેણે ઝાઝું ધ્યાન આપ્યું નહોતું. તો ઉછરંગરાય ઓઝાની ‘અજોજી ઠાકોર’ અને ભોગીન્દ્રરાવ દીવેટિયાની કોલેજિયન’ નામની નવલકથા ‘સમાલોચક’ માસિકે ધારાવાહિક રૂપે પ્રગટ કરેલી. ભોગીન્દ્રરાવની નવલકથા છપાતી હતી તે દરમ્યાન તેમનું મૃત્યુ થતાં તેમનાં પત્ની કૌમુદીબહેને તે પૂરી કરી હતી. છતાં એકંદરે ‘સમાલોચક’નો ઝોક ધારાવાહિક તરફ નહોતો. રામનારાયણ પાઠક પણ ‘પ્રસ્થાન’ માસિકના તંત્રી રહ્યા ત્યાં સુધી ધારાવાહિક નવલકથાના પ્રકાશનથી સતત દૂર રહ્યા હતા. આ પ્રથાને અનુસરીને ‘સંસ્કૃિત’માં ઉમાશંકર જોશીએ તથા ‘ઉદ્દેશ’માં રમણલાલ જોશીએ ધારાવાહિક નવલકથા પ્રગટ કરી નહોતી.