૨૦૧૫ના વાઇબ્રન્ટ ગુજરાતના
તમાશા માટે ખાસ સિવડાયેલી
રોશનીગ્રસ્ત ગાંધીનગરની
દાંડીકુટિરમાં
બતાવાઈ રહી છે ઍનિમેશન ફિલ્મ
સ્ક્રીન પર દેખાય છે આંકડા ૧ ૯ ૧ ૫
બૅકગ્રાઉન્ડમાં ગવાય છે
‘આવે છે, આવે છે, ગાંધીભાઈ આવે છે,
લાવે છે, લાવે છે, આઝાદીને લાવે છે …’
ચાલુ થાય છે લડાઈ
મસમોટ્ટા રાક્ષસ સામે …
ઘડીના છઠ્ઠા ભાગમાં રાક્ષસ
હતો ન હતો થતાં થઈ જાય છે અલોપ
બૅકગ્રાઉન્ડમાં સંભળાય છે
તાળીઓના ગડગડાટ
‘જનગણમન અધિનાયક જય હૈ ભારત ભાગ્યવિધાતા …’
‘સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા …’
‘સબ સે ઊંચા રહે તિરંગા …’
પ્રાર્થનામાં છૂટેલી ગોળીમાંથી સંભળાય છે.
હે … રામ ….
વૈષ્ણવજન તો તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે …
પણ
રુદ્ર તાંડવ કરી ત્રાટકે લોલુપ કામ સામે,
સંહારે કામને, રતિના વિલાપથી
ફરી થાય સજીવન કામ અનંગ રૂપે
તેમ
પેલો અલોપિયો રાક્ષસ
પ્રવેશે છે અનંગ ધૂમ્રસેર બનીને …
ધૂર્ત ધૂમ્રસેર રાક્ષસ ગૂંગળાવે છે
ઝેરી હવા બનીને …
દૈવીમંત્રો, શ્લોકો ઉચ્ચારતો, ફટકારતો રાક્ષસ
અદૃશ્ય હાથોથી ગળા ભીંસે છે …
પોકારે છે કરોડો કરોડો …
માત્મા, માત્મા, … બચાવો … બચાવો …
પણ સદી પછી
મહાત્મા તો બિચારો Moll મંદિર બની ગયા છે.
પહેલા બચવા માટે રાક્ષસો
મંદિરમાં બેઠેલા ઋષિઓનાં કમંડળના નાળચામાં ઘૂસી જતાં
પણ હમણાં તો ગાંધીના ઝાડુને ય છોડતા નથી.
અલોપિયો રાક્ષસ ઘૂસી ગયો છે
ગાંધીભાઈના ઝાડુમાં …
તેથી જ સ્તો
અમેરિકન પાદુકા સિંહાસન પર મૂકી
નંદિગ્રામને સ્માર્ટસિટી બનાવાઈ રહ્યું છે.
અયોધ્યાની સુરક્ષાના એમ.ઓ.યુ.
એફ.ડી.આઈ.માં રાવણ સાથે જ થયાં છે …
શરૂ કરવી પડશે ફરી
વાઇબ્રન્ટ લડાઈ,
ઇનવિઝિબલ વાઇબ્રન્ટ રાક્ષસ સામે.
વડોદરા
સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2015, પૃ. 10
![]()


24 ડિસેમ્બર 1924માં વલસાડમાં શરૂ થયેલી નારાયણભાઈની જીવનયાત્રા 15 માર્ચ 2015માં સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય – વેડછીમાં પૂરી થઈ. કેટલાક ધનાઢ્ય નબીરાઓ માટે ‘born with silver spoon’ મુહાવારાનો ઉપયોગ થાય છે, તેમ નારાયણભાઈ વિષે કહી શકાય કે તેઓ અન્ય મહાનુભાવોથી એક અનોખું નસીબ લઈને જન્મેલા અને તે એ કે તેમને મહાદેવભાઈ દેસાઈ જેવા મેધાવી, ગાંધીજીના અંતરંગ સાથી અને દુર્ગાબહેન જેવાં શીલવતી માતા-પિતાને ઘેર જન્મ લેવાનું સદ્દભાગ્ય મળ્યું એટલું જ નહીં, એમનો ઉછેર પણ સાબરમતી આશ્રમ અને વર્ધામાં થયો. ચીલાચાલુ શાળાકીય શિક્ષણને બદલે તેમનું શિક્ષણ અને સંસ્કાર ઘડતર પિતા મહાદેવભાઈ, ગાંધીજી અને એમના અન્ય સાથીદારો પાસે થયું એ બંને લાભદાયક સંયોગોમાંથી મેળવેલ શિક્ષણ, કેળવેલ આંતર દ્રષ્ટિ અને બંધાયેલ સુદ્રઢ ચારિત્ર્યને દસ ગણું વધુ બળવાન બનાવીને નારાયણભાઈ માનવ જાતને આજીવન ખોબે ખોબે માર્ગ દર્શન આપતા રહ્યા.
ભારતના ભાગલાને કારણે સૌથી વધારે ભોગ આઝાદીના ઇતિહાસને બનવું પડ્યું છે. આજે ય આઝાદી આંદોલનના પાકિસ્તાની નેતાઓ અંગે આપણે તટસ્થતા કેળવીને તેમને સન્માની શકતા નથી તો પાકિસ્તાનના ઇતિહાસનાં પુસ્તકોમાં ગાંધી-નેહરુ-સરદાર સહિતના નેતાઓને ભાગ્યે જ હીરો તરીકે મૂલવવામાં આવે છે. મેરે તો ઝીણા મહાન દુસરા ન હોઈ …! પાકિસ્તાનમાં મોટા ભાગે આઝાદી આંદોલનની વાત મોહમ્મદ અલી ઝીણાથી શરૂ થઈને તેમના નામ સાથે જ પૂરી થતી હોય છે. જો કે, સદ્દભાગ્યે પાકિસ્તાનમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી માહોલમાં સુખદ બદલાવ આવી રહ્યો છે. અન્ય આઝાદી આંદોલનના નેતાઓ તો ઠીક પણ અત્યારના પાકિસ્તાનની સરજમીં પર જન્મેલા ભગતસિંહ માટે નવી પેઢીનો પ્રેમ વધતો જાય છે. છેલ્લાં ઘણા સમયથી કાયદા-એ-આઝમના દેશમાં શહીદ-એ-આઝમ ભગતસિંહની સ્મૃિતઓને સાચવવાની અને વાગોળવાની ભાવના તીવ્ર બની રહી છે.