ગાંધીવિચારના નિષ્ઠાવાન અભ્યાસી અને રવિશંકર મહારાજના આરાધક મગનલાલ જોઈતારામ પટેલનું પાંચમી ઑગસ્ટે અઠ્ઠ્યાંશી વર્ષની ઉંમરે અમદાવાદમાં અવસાન થયું. મ.જો. તરીકે ઓળખાનાર અને પ્રસિદ્ધિથી અળગા રહેનાર આ સંશોધક-સંપાદકે ગુજરાત વિદ્યાપીઠના મહાદેવભાઈ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયમાં પચીસેક વર્ષ ગાંધી દર્શન વિષયનું અધ્યાપન કર્યું હતું. ‘ગાંધીજીનું ધર્મદર્શન’ નામના તેમના પુસ્તકને પંડિત સુખલાલજીએ ‘દરેક ઘરમાં વસાવવા જેવું’ ગણાવ્યું છે. ‘ગાંધીજીનું શિક્ષણદર્શન એમના જ શબ્દોમાં’ નામના પુસ્તકમાં તેમણે ‘ગાંધીજીના શિક્ષણ વિષયક વિચારો આદિથી અંત સુધી સંગૃહિત કર્યા તે ઉત્તમ કામ કર્યું છે’ એમ મનુભાઈ પંચોળી ‘દર્શક’ નોંધે છે. આ સંપાદન માટે તે ગાંધીજીના શૈક્ષણિક વિચારોને લગતાં તમામ પુસ્તકો જોઈ ગયા હતા. એટલું જ નહીં ‘અક્ષરદેહ’ના સો ગ્રંથોનું ‘ઘેરબેઠે નિરાંતે અધ્યયન’ કર્યું હતું. એ વાતનો પુરાવો પુસ્તકના પાનેપાને મળે છે.
મ.જો.એ લખેલાં અન્ય પુસ્તકોમાં અમેરિકાના ગાંધી માર્ટિન લ્યુથર કિંગ, ઈટાલીના ગાંધી દાનિલો દોલ્ચી, ભારત સેવક મંડળના ઉત્કલ મણિ ગોપબંધુ દાસ, ગાંધીવાદી અર્થશાસ્ત્રી જે.સી. કુમારાપ્પા જેવાના જીવનચરિત્રોનો સમાવેશ થાય છે. તેમણે દૃષ્ટાન્ત કથાઓ ‘જીવનનું ભાથું’ અને ‘ધન્યો ગૃહસ્થાશ્રમ’ જેવાં સંકલનો આપ્યાં છે. અજોડ લોકસેવક બબલભાઈ મહેતાની આત્મકથા ‘મારી જીવનયાત્રા’ સહિત તેમનાં સ્વકથનનાં પાંચ પુસ્તકોનું મ.જો.એ સંપાદન કર્યું છે. ગયા વર્ષે બહાર પડેલી તેમની પોતાની આત્મકથા ‘સંતોની છાયામાં’ તેમના જીવનનું સુરેખ બયાન આપે છે. મહેસાણા જિલ્લાના પીંઢારપુરા ગામના એક સામાન્ય ખેડૂત કુટુંબમાં અભણ માતપિતાને ત્યાં જન્મેલા મગનભાઈ સેલાવી, ધીણોજ અને પીલવાઈ ગામોની શાળાઓમાં કારમી ગરીબી વચ્ચે ભણ્યા. પછી એક વર્ષ માટે વીસનગર કૉલેજમાં અને સહુથી વધુ વર્ષ ગુજરાત વિદ્યાપીઠમાં શિક્ષણ મેળવ્યું. તેઓ જેને ‘ગાંધીજીની પ્રતિમૂર્તિ’ ગણતા તે રવિશંકર મહારાજના સાથી અને સેવક તરીકે ભૂદાનયાત્રાના પાંચ વર્ષ તેમના જીવનનો સહુથી પાવનકારી તબક્કો કેવી રીતે હતો તે આત્મકથામાં ભાવપૂર્વક લખાયું છે. ચાળીસ વર્ષ સુધી પગરખાં ન પહેરનાર ‘જંગમ તીર્થરાજ’ દાદાની ‘તિતિક્ષા અને તપશ્ચર્યા’ના સંભારણાં છે. તેમની કઠોર દિનચર્યા પર એક પ્રકરણ છે. લેખક નોંધે છે : ‘દાદા પોતાના કપડાંને ઘસારો ન પહોંચે એ ખાતર ભીંતને અઢેલીને બેસવું પણ પસંદ કરે નહીં એટલી હદે તેમની ત્રેવડ અને સાચવણી રહેતી.’ ઉપરાંત, ગામડાંના લોકોને હૈયાસોંસરી ઊતરી જનાર મહારાજની વાણી, તેમનાં અકિંચનતા અને મહિલા વાત્સલ્ય વિશે વાંચવા મળે છે. તે જ પ્રમાણે તેમના શરીરને વેઠવાં પડેલા કષ્ટ અને મનને વેઠવા પડેલ જાકારાના પ્રસંગો ય છે. એક કૉંગ્રેસવિરોધી ગામમાં તેમને ખાવાનું અને છાપરું બંને ન મળે એવો કિસ્સો મ.જો.એ નોંધ્યો છે. વળી તેમણે અહીં દાદા સાથેની યાત્રામાં મળેલા વિનોબા, સ્વામી આનંદ, જુગતરામ દવે અને પંડિત શ્રીપાદ દામોદર સાતવળેકરના ટૂંકા સહવાસચિત્રો પણ આલેખ્યાં છે. આધુનિક ગુજરાતના એકમાત્ર સાચા સંત રવિશંકરની જન્મશતાબ્દીએ તેમણે લખેલી પાંચ પુસ્તિકાઓ પછીથી ‘મહારાજના મુખેથી અને બીજી વાતો’ એવા એક પુસ્તક તરીકે પ્રસિદ્ધ થઈ છે.
સમાજસેવાનું શિક્ષણ લઈ દાદાના કામમાં જોડાવા માટેની પાત્રતા કેળવવા લેવા માટે મ.જો.એ વીસનગરની કૉલેજ એક વર્ષમાં છોડીને ગુજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ લીધો. અહીંનાં તેમનાં સંભારણાંમાં મુખ્યત્વે ઉપાચાર્ય વિઠ્ઠલભાઈ કોઠારીના પ્રેમ અને પ્રતિભાશાળી મગનભાઈ પ્ર.દેસાઈના પ્રભાવને લગતાં છે. ‘ગ્રામસેવાના અનુભવો’ પ્રકરણ ખેડા જિલ્લાના દેથલી ગામની શાળાને સર્વોદય કેન્દ્ર તરીકે બેએક વર્ષ સફળ સંચાલનને લગતું છે.
મ.જો.નાં અધઝાઝેરાં વર્ષો જે ગુજરાત વિદ્યાપીઠમાં ગયા તેમાં અધ્યાપક તરીકેના કુલ માંડ દસેક પાનાં વાંચવાં મળે છે. તેમાં વિદ્યાપીઠે તેમની કરેલી કદરબૂજની વાત છે, પણ સાથે ત્રણ ન ગમે તેવા અનુભવો છે. એક, કુલપતિ મોરારજીભાઈ દેસાઈની સાથેના મતભેદને કારણે મગનભાઈનું રાજીનામું. બે, અનુસ્નાતક માટે ‘ગાંધીજીના ધર્મદર્શન’ મહાનિબંધને, તેમના એક આરાધ્ય એવા સુખલાલજીની ભલામણ છતાં, ડૉક્ટરેટ કક્ષાનો ગણવામાં ન આવ્યો. ત્રણ, નિવૃત્તિ પછી સ્વૈચ્છિક સેવા આપી રહેલા મ.જો.નું કુલપતિ રામલાલ પરીખે કરેલું અકારણ અપમાન જે વિદ્યાપીઠને હંમેશાં રામરામ કરવા માટે કારણરૂપ બન્યું. મ.જો. ‘ઉજાગરો વેઠી દર વર્ષે મોરારજીભાઈનાં વ્યાખ્યાનો તૈયાર કરતા’ પણ તેમણે ‘ક્યારે ય આ બાબતની બડાઈ નથી હાંકી’. આ વાત તેમના એક જમાઈ બિપિન પટેલે પુસ્તકની શરૂઆતમાં લખેલાં મ.જો.ના લાંબા વાચનીય વ્યક્તિચિત્રમાં નોંધી છે.
મ.જો.પટેલની સવાસો પાનાંની આત્મકથાનું એક રસપ્રદ પાસું એટલે તેમાંથી પ્રકટ થતો વાચનપ્રેમ. ગાયકવાડી રાજ્યના ગામના પુસ્તકાલયમાં જુગારામદાદાના પુસ્તકે ‘રેંટિયાની દીક્ષા આપી’. પિલવઈની શાળામાં પુસ્તકો વાંચવા માટે અને લાઇબ્રેરીની જાળવણી માટે ઇનામ રૂપે શિષ્યવૃત્તિ મળી. સેવાના કે યાત્રા દરમિયાન થેલીમાં હંમેશાં પુસ્તકો રાખીને વહેલા ઊઠીને ફાનસના અજવાળે પુસ્તકો વાંચવાનો ક્રમ હતો. વિદ્યાપીઠમાં ફાજલ સમય ગ્રંથાલયમાં જ પસાર થતો. મ.જો.એ પોતાના માટે તો વાંચ્યું જ, પણ બીજાને ય વાંચી સંભળાવ્યું. બાળપણમાં ગામનાં ખેમીમા માટે ગિરધરકૃત રામાયણ અને કેટલાં ય ધાર્મિક પુસ્તકો વાંચ્યાં. મહારાજ માટે કરેલાં વાંચન અંગે ‘હું’ ને બાજુ પર રાખીને લેખક નોંધે છે : ‘પદયાત્રા દરમિયાન દાદાએ એટલાં બધાં પુસ્તકો સાંભળ્યાં હતાં કે એની સૂચિ આપવામાં આવે તો બહુ લાંબી થાય.’ એક નાનકડી યાદી લેખક આપે છે તે પત્ની મેનાબહેન માટે વાંચેલાં પુસ્તકોની. મહારાજની સેવા, ગાંધી પર સંશોધન અને વિદ્યાપીઠના અધ્યાપનની વ્યસ્તતા વચ્ચે પત્નીને લેખક ભણાવી શક્યા નહીં. એટલે એક તબક્કે ‘કંઈક અપરાધભાવથી અને કંઈક પ્રાયશ્ચિત્તની ભાવનાથી વાંચી સંભળાવવાનું શરૂ કર્યું … આ વાચનયાત્રા ઘણાં વર્ષ સુધી ચાલી.’
આત્મકથાના છેલ્લા પાને મ.જો. પટેલ અત્યારની દુનિયાનાં યંત્રવાદ, ભોગવાદ, હિંસા, ભેદભાવ અને અસંવેદનશીલતા વિશે રંજ વ્યક્ત કરે છે. પછી તે નોંધે છે : ‘આવા કપરા કાળમાં ગાંધીની કલ્પનાની સમાજવ્યવસ્થા તો ક્યાંથી જોવા મળે? … ગાંધી વિશે ગંભીરતાથી વિચારતા જનોને ભય છે કે ગાંધીજીની પ્રસ્તુતતા રહી છે, રહેશે ખરી ?’
9 ઑગસ્ટ 2015
+++++
e.mail: sanjaysbhave@yahoo.com
સૌજન્ય : ‘કદર અને કિતાબ’ નામક લેખકની કોલમ, “નવગુજરાત સમય”, 12 અૉગસ્ટ 2015
છબી સૌજન્ય : "ગુજરાત સમાચાર" [મ.જો. પરિવાર]