અનેક લોકોની મનપસંદ એવી મેગીમાં ઝેરી તત્ત્વોનું પ્રમાણ ઘણું ઊંચું હોય છે, એવા અહેવાલો બાદ લોકોનો તેના પ્રત્યે મોહભંગ થઈ રહ્યો છે. મેગીના વિવાદે રાતોરાત રાષ્ટ્રીય મુદ્દાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે અને હવે તો દેશમાં ભાગ્યે જ કોઈ એવું રાજ્ય બચ્યું છે, જેણે મેગી નૂડલ્સ પર પ્રતિબંધ નથી મૂક્યો. પાણીજન્ય રોગો અટકાવવા દરેકને સ્વચ્છ જળ અને મચ્છરજન્ય રોગો અટકાવવા દરેકને મચ્છરદાની તેમ જ આરોગ્યની સુવિધા આપવાના પ્રયાસ અને પ્રતિબદ્ધતામાં ઊણી ઊતરતી સરકારોએ મેગી પર પ્રતિબંધ લાદીને બે મિનિટમાં પ્રસિદ્ધિ મેળવી લીધી છે. અલબત્ત, આ વિવાદને કારણે આપણા ખાદ્યપદાર્થોનાં ધારાધોરણો સુધરશે તથા તેનો કડક અમલ થશે કે નહીં, એ કહેવું મુશ્કેલ છે, છતાં લોકોમાં જે જાગૃતિ પેદા થઈ છે, એ વિવાદનું સૌથી શ્રેષ્ઠ ફળ છે.
મેગી વિવાદ તો અત્યારે ઊભો થયો પણ તમારી જાતને સવાલ પૂછજો, શું મેગી નૂડલ્સ કે બજારમાં મળતી આવી અન્ય ખાદ્યસામગ્રીઓ આરોગ્યપ્રદ જ હોય છે, એવી આપણને કદી ખાતરી હતી? ના, મેગી જેવી વસ્તુઓ આરોગ્યપ્રદ છે, એવું કદાચ આપણામાંના કોઈ માનતા નહોતા અને છતાં મેગીએ માર્કેટમાં મેદાન માર્યું હતું. મેગી વિવાદ નિમિત્તે મેગીના સફળ માર્કેટિંગ મોડલ અંગે વિચાર કરતાં જણાય છે કે આજકાલ આપણા સમાજમાં મેગી મોડલ જ બધે મેદાન મારી રહ્યું છે. સમાજના દરેક ક્ષેત્રમાં મેગી મોડલની સફળતા જોતાં આ અંગે ઉપરછલ્લી ચિંતા અને ચિંતન માત્ર નહીં, પણ સામાજિક મનોમંથન કરવું જરૂરી બન્યું છે. મેગી મોડલની સફળતાનાં રહસ્યોમાં જ આપણી સામાજિક ઊણપોની પોલ પણ ખૂલતી જોવા મળે છે, એના અંગે થોડો વિચાર કરીએ.
'માત્ર બે મિનિટ'નો મોહ :
જમાનો હવે ઇન્સ્ટન્ટનો આવ્યો છે, એવું કહેવાય છે પણ વાસ્તવિકતા એ છે કે લોકો પહેલાં કરતાં વધારે અધીરા બન્યા છે અને આળસુ પણ. મેગી બે મિનિટમાં બની જાય પણ કેટલા દિવસે પચે કે પછી જીભને ગમે છે, પેટની શું હાલત કરે છે, એવો વિચાર બહુ ઓછા લોકો કરે છે અને એનો ફાયદો મેગી મોડલને મળતો હોય છે. આપણને રસોઈ બનાવવાની જ નહીં પણ જાણે વિચારવાની પણ આળસ ચડે છે. કોઈ વસ્તુ, વિચાર કે વ્યક્તિ વિશે અધિકૃત માહિતી મેળવવાની કે તથ્ય ચકાસવાને બદલે આપણને કોઈ કહે એ માની લેવાનું કે કોઈ કરે એમ કરી નાખવાનો આસાન માર્ગ વધારે માફક આવતો હોય છે. આ માર્ગ આસાન હોય છે, સાથે સાથે આત્મઘાતી પણ, એ રખે ભુલાય.
'ટેસ્ટ ભી હેલ્થ ભી'નો વાયદો :
અહીં આપણે વિચારવાનો મુદ્દો એ બને છે કે વરને તો એની માતા વખાણે જ, પણ આપણે એ વખાણને સાચા માની લેવાનું ભોટપણ શા માટે દાખવીએ. જો કે, પ્રચંડ પ્રચારમારાથી આપણી સાદી સમજ અને બુદ્ધિ બહેર મારી જતી હોય. એમાં ય સેલિબ્રિટી જ્યારે કોઈ પ્રોડક્ટની ભલામણ કરે ત્યારે આપણે તેમના 'ફેન' તરીકે એ ફેરવે તેમ ફરવા માંડતા હોઈએ છીએ. માર્કેટિંગનું ક્ષેત્ર હોય કે રાજકીય, આપણે ચટપટાં અને ખટમીઠાં સૂત્રો-નારા-જિંગલની જાળમાં ફસાઈ જતા હોઈએ છીએ, પણ એક જાગૃત વ્યક્તિ અને નાગરિક તરીકે પ્રચારમારાથી દોરવાયા વિના વિવેકબુદ્ધિથી વિચાર કરવાની તસદી લીધા વિના છૂટકો નથી.
'ઓથેન્ટિક ઇન્ડિયન ફ્લેવર'નો વઘાર :
મેગીની અમુક પ્રોડક્ટ પર 'ઓથેન્ટિક ઇન્ડિયન ફ્લેવર' લખેલું વાંચવા મળે છે. મેગી જેવી વિદેશી કંપનીઓ જ નહીં તમામ ક્ષેત્રના ધુરંધરો જાણે છે કે આપણને દેશ-સંસ્કૃિત-ધર્મ-સંપ્રદાય-પ્રદેશ-ભાષા વગેરે બાબતોના ગૌરવ અને અસ્મિતાનો એટલો નશો છે કે આપણે એ નશામાં કોઈને મારવા કે મરવા જ નહીં ખરીદવા પણ ઊમટી પડીએ! કંપનીઓ કે સ્થાપિત હિત ધરાવનારા આપણા ગૌરવ-અસ્મિતાને ખોટી રીતે પંપાળતા રહે છે અને પોતાનું કામ કઢાવતા રહે છે.
પ્રચારના પૂરમાં તણાતા સત્યને આપણી સભાનતા અને સક્રિયતાથી જ બચાવી શકાશે. વળી, સત્ય ટકશે તો જ આપણે ટકવાના છીએ, ખરુંને?
e.mail : divyeshvyas.amd@gmail.com
સૌજન્ય : ‘સમય-સંકેત’ નામક લેખકની કોલમ, “સંદેશ”, ૧૪ જૂન 2015