પ્રિય પ્રકાશભાઈ,
અત્યારે ગુજરાતી સાહિત્યજગતમાં સ્વાયત્તતાના નામનો જાણે કે સોપો પડી ગયો છે. સ્વાયત્તતા આંદોલન ક્યાં અદૃશ્ય થઈ ગયું? કે … પછી સ્વાયત્તતા વિના જીવવાની કે સ્વાયત્તતાની એસીતેસી કરી ખુલ્લે આમ સ્વાયત્તતા છોડીને સ્વાયત્તતા વગર મહાલવાની એક મોસમ બેઠી હોય એવું લાગી રહ્યું છે.
ક્યારેક સ્વાયત્તતાની હાસ્યાસ્પદ વ્યાખ્યા કરતાં એવું તર્કહીન વિધાન પણ થાય છે કે ચૂંટાયેલી લોકશાહી સરકાર છે, જે એ કાંઈ કરે છે તે સ્વાયત્ત જ છે. જોવાય છે કે એક પછી એક સ્વાયત્ત સંસ્થાઓનું ધીમે-ધીમે નિગહણ થઈ રહ્યું છે.
એક વાર મનેકમને સ્વાયત્તતા-આંદોલન સાથે જોડનારા મિત્રો પણ અસ્વાયત્ત-સમારંભોમાં મહાલતા થઈ ગયા છે કદાચ ‘સ્વાયત્તતા’ જેવો શબ્દ ગુજરાતી સાહિત્યમાં પરાયો અને અળખામણો બની ગયો છે.
સાહિત્ય પૂર્વજોએ રળેલું ધૂળધાણી થઈ રહ્યું છે. અને ઠંડેકલેજે મૂલ્યોના હ્રાસ પર ઉત્સવો અને સમાંરભો થતા રહે છે. સાહિત્યકારો મહાલતા રહે છે. મૂલ્યવિસ્તરણ સાથે એક પ્રકારની નફ્ફટાઈ વાતાવરણમાં ઊતરી આવે છે. સ્વાયત્તતાના અવસાન પર બમણા વેગે સાહિત્યકારો જયાફત ઉડાવી રહ્યા છે. આ દૃશ્ય ગુજરાતી સાહિત્યજગતના ભવિષ્ય માટે કરાયું છે.
ગુજરાતી સાહિત્યનો આ યુગનો આ સૌથી મોટો હ્રાસ છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2018; પૃ. 03
![]()


અગિયારમી ડિસેમ્બરની સમાચારડમરી આછરી ગઈ છે. પૂર્વે વિશ્વનાથ પ્રતાપસિંહના ઉદય વેળાએ પરોઢના અંધારમાંથી પૉ ફાટવાનો જે ક્ષણજીવી સુખાનુભવ થયો હતો તે જાણે કે અનુભવાઈ રહ્યો છે. હિંદી પટ્ટામાં લાંબે ગાળે ત્રણ-ત્રણ સરકાર રચવાની પ્રક્રિયામાંથી કૉંગ્રેસ પસાર થઈ રહી છે. જગન અને જશન જો કે એટલાં સહેલાં નથી તે આ કલાકોની નેતૃત્વ-તાણથી સમજાઈ રહે છે. ગમે તેમ પણ. વિજય-પરાજ્યમાં સ્વલ્પ સરસાઈ છતાં કૉંગ્રેસમુક્ત ભારતનું મોદી-ભા.જ.પ.નું અમિત શાહે દીધેલ સૂત્ર આ કલાકોમાં વળતું દાંતિયું કરતું સંભળાય છે, અને સરસંઘચાલક મોહન ભાગવતે વિજ્ઞાનભવન વ્યાખ્યાનોમાં કૉંગ્રેસમુક્તિના નારા વિશે વ્યક્ત કરેલ નારાજગીનું લૉજિક કદાચ અણચિંતવી રીતે સામે આવી રહ્યું છે.
એમ કહેવાય છે કે ડૉ. ઉર્જિત પટેલ તો ગયા મહિને કેન્દ્ર સરકારે જ્યારે રિઝર્વ બેન્કના કામકાજમાં દરમ્યાનગીરી કરવાના કાયદાનો ઉપયોગ કર્યો ત્યારે જ રાજીનામું આપવાના હતા, પરંતુ ભારતની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાને ઝાંખપ ન લાગે એ માટે તેઓ અટકી ગયા હતા. એ પછીથી સમાધાન કરવાની અને રિઝર્વ બેન્કે સમાધાનકારી વલણ અપનાવવું જોઈએ જેવી વાતો થવા લાગી હતી અને ડૉ. પટેલને મનાવી લેવાનાં પ્રયાસો કરવામાં આવ્યા હતા. રિઝર્વ બેન્કના બોર્ડમાં સરકારી માણસો તો છે જ અને તેઓ દબાણ કરતા હતા. છેવટે ઉર્જિત પટેલે રાજીનામું ધરી દીધું.