મારા બચપણના સમયમાં એવી ઘટનાઓ ઘટિત થઈ કે જેને લઈને અમો બાળકોમાં સ્વગૌરવ, ખુમારી, નિર્ભયતા અને સ્વરક્ષણની ભાવના પેદા થઈ, તેમ જ જીવનલક્ષ્ય પ્રતિ અભિમુખ બનાવામાં પણ મદદ થઈ.
અમારું મૂળ વતન સૌરાષ્ટ્રનું લીમડી ગામ. તે દેશી રાજ્ય હતું. અને દોલતસિંહ બાપુ ત્યાંના રાજા હતા. મારા કાકા અમૃતલાલ શેઠ જેમને અમો બાળકો ‘જીકાકા’ કહીને બોલાવતા. મારા પિતાશ્રી વ્રજલાલ શેઠને સૌ ‘મોટાભાઈ’ કહીને સંબોધતાં. જીકાકા રાજ્યના ન્યાયાધીશ હતા અને પિતાશ્રી શાળામાં શિક્ષક હતા.
તે વખતના સંકુચિત જમાનામાં પણ મારા પિતાશ્રી અને કાકાશ્રી નાતજાતના ભેદભાવોથી પર હતા. એક વાર રાજાના જમણા હાથ જેવા શ્રીમંત શેઠિયાએ એક ગરીબ હરિજનને અન્યાય કરીને જુલમ ગુજાર્યો. કોર્ટમાં ફરિયાદ થઈ, કેસ ચાલ્યો, શેઠિયાને દંડ થયો. તેણે રાજા પાસે ઘા નાખી. રાજાએ જીકાકાને બોલાવીને ધમકાવ્યા. જીકાકાએ જુસ્સાપૂર્વક જવાબ આપ્યો કે ‘આપે જે ન્યાયના આસને મને બેસાડ્યો છે, તે સ્થાન પરથી મારે સાચો ન્યાય જ તોળવો પડે. શેઠ ગુનેગાર હતા તે સાબિત થયું. તેને સજા ન કરું તો હું ગુનેગાર ઠરું.’ આ સાંભળ્યા છતાં બાપુએ કડકપણે કહેવાનું ચાલુ જ રાખતાં જીકાકાએ દૃઢપણે કહ્યું કે ‘બાપુ, સાંભળી લ્યો, કે એક વાર આપનાથી પણ આવું કૃત્ય થઈ જાય તો આપને પણ સજા ફટકારવામાં પાછી નહીં કરું. સાચો ન્યાયાધીશ તાળોવંચો ન કરી શકે.’…
મારા જીકાકા રાજાશાહીની આવી ગુલામી સહન કરી શકે તેમ નહોતા, એટલે જ્યાં સ્વતંત્રાપૂર્વક જીવી શકાય અને નિર્ભયતાપૂર્વક વિચારો રજૂ કરી શકાય તેવે સ્થાને વસવાટ કરવા વિચાર્યું. એક મધ્યરાત્રિએ બાપદાદાના ઘરને અને ગામને અમારા પરિવારે છોડ્યું. રાણપુર ગામે ઍજન્સીની સરહદમાં મુકામ કર્યો. મિત્રોની મદદ અને હૂંફથી દેશી રાજ્યની પ્રજાની તકલીફોને વાચા આપવા ‘સૌરાષ્ટ્ર’ નામે અખબાર શરૂ કર્યું.
આ અખબારમાં આવતી સત્ય હકીકતોથી રાજાઓ ઘણા નારાજ થયા. અમારા ઉપર જાસાચિઠ્ઠીઓ, ખૂનની ધમકીઓ તથા અપહરણની કોશિશો થઈ.
આવા કપરા સમયમાં અમારા શીલસન્માનની રક્ષા માટે અમોને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી. જે થકી અમારામાં નિર્ભયતા અને પરિસ્થિતિનો સામનો કરવાની તાકાત તથા સત્યાગ્રહની ભાવના જાગ્રત થઈ.
આ પહેલાં ગાંધીબાપુ અમારે ત્યાં મહેમાન બનેલા, અને ત્રણ દિવસ અમારી સાથે રહેલા. એમની આ મુલાકાતે અમો સૌમાં દેશપ્રેમની ભાવના, ખાદી પહેરવાની પ્રતિજ્ઞા અને દેશ માટે કશું કરી છૂટવાની તમન્ના સબળ બની. બાપુનું સરળ અને નિખાલસ સ્મિત, અને તેઓ ખડખડાટ હસી પડતા તે દૃશ્યની મારા પર ઊંડી અસર પડેલી.
ગાંધીજીના સત્યાગ્રહસંગ્રામમાં અમારા પૂરા પરિવારે ભાગ લીધો હતો. …
સ્વરક્ષણની તાલીમ લીધી હતી એટલે એક નાનકડી કટાર કમ્મરમાં ભરવી રાખતી હતી. અમો બરવાળા છાવણીમાં હતાં. છાવણીના નેતાને કટારવાળી વાતની જાણ થઈ એટલે તેમણે વિરોધ જાહેર કરીને બાપુને ફરિયાદ કરવાની ધમકી આપી. તે વખતે બાપુ રાજકોટ પોતાના મોટાભાઈની બીમારી અંગે આવ્યા હતા. હું સીધી તેમની પાસે પહોંચી ગઈ. તેમને ચરણે કટાર ધરીને પ્રશ્ન પૂછ્યો કે ‘અમારા શીલસન્માનની રક્ષા માટે આવું સાધન રાખીએ તેમાં શું ખોટું છે?’ બાપુએ મારા વાંસામાં શાબાશીના ધબ્બા માર્યા અને કહ્યું કે ‘આવી સ્વરક્ષણની કળા તું સમાજની અન્ય બહેનોને પણ શીખવે તો મને બહુ આનંદ થાય. અને તો તને મારી ખરી દીકરી સમજું.’ વાહ વાહ, આ તો મઝાની વાત થઈ! બાપુની દીકરી થવાનું કોને ન ગમે? તેઓનો આવો પ્રેમાળ આદેશ મારું જીવનલક્ષ્ય બની ગયો. …
તે પછી સત્યાગ્રહ દરમિયાન અમો બેઉ બહેનો પકડાયાં, કેસ ચાલ્યો, સજા પડી અને સાબરમતી સેન્ટ્રલ જેલમાં લઉ જવામાં આવ્યાં. અહીં કસ્તૂરબા ગાંધી, મણિબહેન પટેલ, જેડી સિપાહીમલાણી આદિ નેતાબહેનોની હૂંફ મળી. બાને ઘણીવાર મળી હતી. પરંતુ નિકટનો પરિચય તો અહીં જ થયો. આવાં વત્સલ વડીલો અમારી સાથે હતાં એટલે જેલનું કષ્ટમય જીવન સહ્ય બન્યું હતું. ચુસ્ત વૈષ્ણવ બાની સેવાનો લાભ મળ્યો. …
કેટલાક મિત્રો પૂછે છે કે મુંબઈનાં સુખસગવડો છોડીને સાપુતારાનાં જંગલોમાં શું મઝા આવે છે ? મને લાગે છે કે આ બધું માનસિક વલણ પર આધારિત છે. ત્યાંનું પ્રદૂષણરહિત વાતાવરણ, નિસર્ગનું સાંનિધ્ય, અદ્ભુત શાંતિ, ત્યાંનાં પહાડો, ઝરણાં, ઝાડી, બગીચા, સુંદર ગુલાબો, કિલ્લોલતાં પક્ષીઓ ને તે બધાંની સમૃદ્ધિ સાચી સમૃદ્ધિ લાગે છે. મુંબઈનાં અશાંત ધમાલિયા જીવન સાથે તેની તુલના જ ન થઈ શકે. સાપુતારાનું જંગલ મંગલમય લાગે છે. આ મારું મહાભાગ્ય લાગે છે કે પ્રભુએ આદિવાસી સમાજની સેવા સાથે આત્મસાધનાની તક પણ આપી. જાણે નવચેતન પ્રગટ થતું હોય તેમ લાગે છે. એકવાર બાપુએ કહેલું તેમ ‘આવાં કામ કરનારા અને તેમાં લીન થઈ જનારા કાર્યકરો સો વર્ષનું આયુષ્ય ભોગવે છે’ આ વિધાનને સાચું પાડવાની કોશિશ કરવાનું મન થાય છે.
જીવનની સાર્થકતા તો ત્યારે લાગશે કે જ્યારે આ પછાત ગણાતી કન્યાઓ સંસ્કારવંતી બનીને તેઓનાં ઘર ઉજાળશે. પછાત સમાજમાં ક્રાંતિનું નિર્માણ કરશે, નિરક્ષરતા, અજ્ઞાન, અંધકાર. અંધશ્રદ્ધા આદિ ભૂતકાળની વાતો બની જશે, ભદ્ર સમાજ અને પછાત સમાજ વચ્ચેની ખાઈ પુરાઈ જશે, અને માનવી હોવાને નાતે માનવીને મળતી સુખસગવડો અને અધિકારો ઉચિત રીતે ભોગવવાની તેઓમાં જાગૃતિ અને ક્ષમતા આવશે. અને ત્યારે?… ત્યારે મારા બત્રીસે કોઠે દીવા થઈ જશે.
(૧૦૩મે વર્ષે પૂર્ણિમાબહેનની ચીર વિદાય થતાં ઉષા ઉપાધ્યાય સંપાદિત ‘ગુજરાતી લેખિકાઓના પ્રતિનિધિ આત્મકથ્ય’માંથી. આ સંપાદન પાર્શ્વ પબ્લિકેશન દ્વારા સન 2006 દરમિયાન પ્રગટ થયું છે.)
સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2016; પૃ. 19