ઇંગ્લેન્ડમાં આબો વાવ્યો હોય અને કેરી પાકી હોય એવું બન્યાનું જાણ્યું છે?
ગયે વર્ષે સેન્દ્રીય ખાતર બનાવવાનો અમે પ્રયોગ આદર્યો. રસોડામાં જે કંઈ મોઢામાં ન જાય તેવી વસ્તુ હોય તે બધી એકઠી કરીને પાછલા બગીચામાં ગાળેલ ખાડામાં નાખવા માંડ્યા. દર થોડા દિવસે એ કચરાને માટી સાથે મલ્લકુસ્તી કરાવી ઊંચી નીચી કરીને શાક-ભાજીના છોડા વગેરેનું વિઘટન કરવામાં મદદ કરતા રહ્યા. વસંત ઋતુ ઉતરવા માંડી ત્યારે બટેટા અને વટાણા વાવવાનું સાહસ કરવાનું મન થયું એટલે પેલા ખાતરને વધારાની માટી સાથે મેળવીને તેમાં બી પધરાવવા જતા, મારા પતિની નજર કેરીના ગોટલાને ફૂટેલ કૂંપળ પર પડી. બેદરકારીથી એને જમીનમાં બીજા ખાતર સાથે દાટી દેવાને બદલે હળવેથી પ્રેમથી એક કૂંડામાં વાવીને વધુ ગરમાવો મળે એ હેતુથી ઘરમાં લાવી મુક્યો. એક વર્ષથી તેમાં બેમાંથી ત્રણ પાન નથી થયા, પણ આંબો વાવ્યો છે એવા સંતોષ સાથે રોજ રોજ એનું દર્શન કરી લઉં છું.
વાત આટલેથી નથી અટકી. કોણ જાણે કેમ પણ તે દિવસથી મારી સ્મૃિતઓ પાંચ હજાર માઈલ દૂર ગુજરાતના આંબાવાડિયામાં ભમવા લાગી છે. મારી કેરી વિષયક સ્મૃિતને જાણે મોર બેઠા છે. સમજણી થઈ ત્યારથી હોળી ઊતરે એટલે કાચી કેરી બજારમાં આવે તેની રાહ જોઈએ. ધોમ ધખતા તડકામાં નિશાળે જવાનું હોય, પણ રોટલી સાથે કાચી કેરી અને ડુંગળીનું કચુંબર અથવા કાચી કેરીના ગોળ નાખીને બનાવેલા મુરબ્બાની લિજ્જત માણી હોય એટલે ચામડી બાળતો તડકો ય સહ્ય બની જતો. શનિ-રવિવારે બપોરે કાચી કેરી બાફી તેમાં ગોળ કે ખાંડ નાખી, બરફની ફેકટરીમાંથી લાવેલા બરફના દડબાવાળું શરબત ધીમી ધીમી ચૂસકી લઈને પીધાનું યાદ છે.
કાચી કેરી વેચાવા લાગે તેની હારોહાર અમારા ઘરમાં ધાણા-જીરું અને હળદર દળાવા લાગે અને અથાણાં માટેના મસાલા તૈયાર થાય. એક શનિવારે મોટી શાક માર્કેટમાં કાચી કેરીના ઢગલાઓ પસાર કરતાં કરતાં જ્યાં માલ અને તોલની ખાતરી થાય એવું લાગે ત્યાં જઈને પાંચ-સાત કિલો કેરીની વરધી આપી આવીએ. ગોળકેરી અને મેથિયા કેરીનાં અથાણાં માટે એ વેપારીઓ કેરીના નાના નાના કટકા કરી આપે. એ મહાકાય સૂડાના ખચક ખચક અવાજ સાથે કેરીના ટુકડા થાય ત્યારે કેરીમાંથી સોડમ છૂટે અને તેમાંની કાચી ગોટલી છુટ્ટી પડે તે જોયા જ કરીએ. ક્યારેક વળી થોડી પાકી શી દેખાતી કેરીમાંથી એકાદ નાનો ટુકડો ખાવા ય મળી જતો. બે દિવસ સુધી કેરીનો છૂંદો કે કટકી કરીને તડકે મુકવા અને બાકીના કેરી ગુંદાને મસાલો ચડાવી આથવા મુકવાના કામમાં મદદ કરતા એ દ્રશ્ય હજુ ય નજરે તરે છે. અથાયેલી કેરીને પાણી નીતારવા મૂકી હોય ત્યારે માની નજર ચૂકવીને બે-ચાર બે-ચાર કટકા લઈ છાંયામાં ઊભા રહીને ખાવાની મજા જ જુદી હતી. છેવટ મોટો થાળ ભરીને સુકવેલ કેરીમાં ખાસ્સો ઘટાડો નોધાય અને અમે જમતી વખતે દાંત અંબાઈ ગયાની ફરિયાદ કરીએ ત્યારે ચોર પકડાઈ જાય !
તળ ભારતથી વિદેશ ગયેલા લોકો કદાચ ગામડામાં રહેતા હશે અથવા પોતાના દૂર કે નજીકનાં સગાંને ઘેર ગયા હોય ત્યારે ગામડે ગયા હશે અને જો એમ ન બન્યું હોય તો તેઓએ ભારતને હોયું-જાણ્યું નથી. મારા મામા જામનગરની નજીક એક ગામડામાં ગ્રામશાળાનું સંચાલન સંભાળતા હતા. અમે રજામાં જઈએ ત્યારે તેઓ ગામડાના વિદ્યાર્થીઓને કેવી રીતે ખેતીનું શિક્ષણ આપે તેની વાત પોતાનાં બે’ન-બનેવીને કહેતા હોય ત્યારે અમારી નજર તો આંબે લટકતી કાચી કેરી પર હોય. અમારા રહેવાસ દરમ્યાન થોડી કેરી પાકવા લાગે અને રતુંબડા રંગની થઈને આપોઆપ જમીન પર ખરી પડે. અમને એ કેરી જાતે લઈને ખાવાની છૂટ મળતી. શું એ તાજી તાજી જમીન પર પડેલી કેરીની ખુશ્બૂ અને રસ ઝરતી મીઠાશ! મામા જ્યારે અમારે ઘેર રાજકોટ આવે ત્યારે એક નાની સૂટકેઈસ અને નાની શી થેલી લાવે. સૂટકેઈસમાં કેરી અને થેલીમાં કપડાં હોય એ બરાબર યાદ છે. એમને ઘેર ઉનાળાના વેકેશનમાં જઈએ ત્યારે જમવામાં તો રોટલી અને છાશ અને સુંડલો ભરીને પાકી કેરી હોય. ક્યારેક તો મામા, માસી, મા અને પાપા વચ્ચે કેરી ખાવાની હરીફાઈ થતી. કોની બાજુમાં છાલ-ગોટલાનો ઢગલો મોટો થાય છે એ જોવા અમે છોકરાં ટોળે વળતાં.
મારી મા સાથે શિક્ષકની તાલીમ લેતા એક વિદ્યાર્થીનો પરિવાર ફળોની વાડીના માલિક હતા. તેમણે મારી માને બહેન માનેલી એ સંબંધે મારા મામા થાય. ૧૯૫૪-૫૫ની સાલથી દર વર્ષે અમલસાડથી ટોપલાં ભરીને કેરી મગાવીએ. એક ટોપલામાં ચાર ડઝન ઉપરાંત ચાર (એકાદ-બે સડેલી નીકળે તો એ હિસાબે) એમ બાવન કેરી આવતી અને વર્ષમાં એવા પાંચ-સાત ટોપલાં સહેજે મગાવતાં. કેરી આવે એટલે અમે જમીન પર સૂઈએ અને કેરી બહેન અમારા ખાટલા પર. ખાટલાની ઉપર વહેલી પાકે તેવી કેરી અને નીચે થોડા દિવસ પછી પાકે તેવી કેરીઓને ઘાસની પથારી કરી, જૂની સાડીનું ઓઢણું ઓઢાડીને પાકવા મુકતાં. દિવસમાં એકાદ-બે વખત એનાં પડખાં ફેરવીએ. સવારના નાસ્તો હોય, બપોરનું કે સાંજનું જમવાનું હોય જયારે મન થાય ત્યારે કેરી ખાઈ લેતાં. ત્યારે જો અમારું લોહી તપાસ્યું હોત તો રક્ત કણને બદલે કેરી કણ આવી શકે એવી મજા કરી છે. બાળક અનાજ ખાતું થાય ત્યારેથી કેરી ચૂસતાં શીખી જાય. અને તેના પ્રકારો પણ કેવા? ચૂસવાની નાની કેરી, હાફૂસ, લંગડો, પાયરી, તોતા કેરી, કેસર કેરી એમ અનેક પ્રકારની કેરીનો રસાસ્વાદ લીધો છે. તેમ એની ખાવાની રીત પણ જુદી જુદી. ચૂસો, ચીર કરો, નાના કટકા કરો, મિલ્ક શેઈક કરો, રસ કાઢો કે શ્રીખંડમાં નાખો હંમેશ એનો સ્વાદ ભરપૂર આનંદ આપે. ફળોનો રાજા કેરી એવું અમથું બિરુદ મળ્યું હશે એને?
બાળપણ અને યુવાનીના અઢી દાયકા સુધી આ લિજ્જત માણ્યા પછી યુનાઇટેડ કિંગ્ડમ આવીને વસવાનું સદ્દભાગ્ય મળ્યું. ત્યારથી બસ એકાદ વખત કેરી-ડુંગળીનું કચુંબર બનાવું. કાચી કેરી મળે એ અરસામાં અહીં હજુ ઠંડી હોય એટલે પેલું શરબત કંઈ હીટર ચાલતું હોય ત્યારે પીવાની મજા થોડી આવે? હવે તો અહીં પાઠક કે અહમદના બનાવેલ અથાણાં ખાઈએ અને દેશી અથાણાંની સોડમ અને સ્વાદ યાદ કરીએ. વર્ષે એકાદ બે વખત વીસ-પચીસ માઈલ દૂર જઈને બાર-પંદર પાઉન્ડની કિંમતની ડઝન કેરી ખરીદીએ અને મા-બાપ-છોકરા એક બીજાને આગ્રહ કરી ખવડાવે. અમે અમારા સંતાનોને કહીએ, અમે તો ખૂબ ખાધેલી છે તમે વધુ લો. તેઓ એમ કહે કે અમે તો ઘણાં વર્ષો ખાઈશું, તમારે હવે કેટલા ઉનાળા જોવાના, તમે વધુ લો.
આ એક ગોટલાને અકસ્માતે કૂંપળ ફૂટી તેમાં યાદોનાં દરિયામાં મોજા ઉછળ્યા. આંબે મોર આવે એટલે કોયલ ટહુકે એના જેવું થયું. મારી આ વાતો લાગણીની ભીનાશની ચાસણીમાં સાચવીને પેલા છોડની ડાળીએ લટકાવી દઈશ જેથી મારા સંતાનો અને તેના ય સંતાનો કેરી એટલે શું એ ન જાણે તો પણ તેનાથી અમને મળેલ અપરમ્પાર આનંદની કલ્પના કરી શકે.
e.mail : 71abuch@gmail.com