
હું એને "ચેમો" કહેતો.
એ મને "નોના શેઠ”.
"મ્હા'ત્મા ગોધરે આયા'તા તારે તારો જનમ, એમ મારા ડોહા કે'તા" એ એના પિતાની રૂડી યાદ. બાકીની બધી ભૂંડી.
માને મારઝૂડ કરતા બાપને માથે પથરો ઝીકી ખેરડી નદીને પેલે પારથી અમારી વાડીમાં ભાગી આવેલો.
બાર વર્ષની ઉંમરે, દિવસે દા'ડિયું ને રાતે "રોમ રોમ" રટતાં વાડીનું રખેવાળું કરતાં એના જીવનની શરૂઆત થઇ હતી.
ગુસ્સામાં મારા બાપુજી એને કોઈક વાર "કમીના, કોળીની જાતના" કહેતા તેથી એ પોતાની જાતને કોળી સમજતો.
કૂકડો એની સવાર પાડતો. સૂરજના તાપમાં પડતો પોતાનો પડછાયો એને સમય કહેતો. માળામાં પાછાં વળતાં પંખી એને સાંજનાં એંધાણ દેતાં અને બુડતે સૂરજે એ ચૂલો સળગાવતો.
અડધી પોતડી ને કોક વાર માથે ફાળિયા સિવાય કાળા ડીબાંગ શરીર પર બીજું કોઈ વસ્ત્ર નહીં. બીડી કે હુક્કો પીએ ત્યારે જ ખબર પડે કે અંધારામાં એ ક્યા ઊભો કે બેઠો છે.
શરીર પર ચરબીનો એક ઔંશ નહીં. બસ હાડકાંનું માળખું. જીવવાનું દ્રઢ મનોબળ જ એને પાવડા- કૂહાડી ઊંચકાવે ને હળ ચલાવડાવે.
વાર તહેવાર કે મહિના માસની એને અટકળ, પણ મોસમની તો પૂરી ભાળ.
ખેરડી નદી ચોમાસે ઉભરાય નહીં તો જીવે ઉચાટ અને પાકમાં જીવાત પડે કે જનાવર પેસે તો ય એને સંતાપ.
મોટા શેઠ એના બાપ અને ધરતી એની માવડી સમાન.
રુખલી એની બાઈડી.
બરડે સોળ ને સૂજેલી આંખો લઇ એના ધણીને મે'લી દા'ડીયે આવેલી. પછી વાડીએ જ રહી ગયેલી.
બેઉ સંગાથે બીડી પીવે.
વરસે બે વરસે છોરું જણે!
બે ચાર વરસ સુધી છોકરાં નાગા ફરે.
જીવી જાય તે ઢોર ચારે ને દસ બાર વરસે મજૂરીએ લાગી જાય.
બાપુજી દાણા આપે, રહેવાનું ખોરડું અને ઊતરેલાં કપડાં આપે.
વાર તહેવારે કે ટાણે રોકડા પૈસા ય લઇ જાય.
પૈસા ગણતાં આવડે પણ હિસાબ કરતાં ન આવડે.
છોરો પંદર વરસનો થયેલો એ પહેલાં તો લાડી લઇ આવેલો. લગન માટે લીધેલા પૈસાનું વ્યાજ આપવા એ ય ચક્કીએ ચડી ગયેલો. "ઘેમલા"ના નામે બધા એને ઓળખે.
એના બાપની જેમ એનું ય કોઈ સાચું નામ ન જાણે.
અટકનો તો સવાલ જ નહીં.
એમની ઓળખાણ એમનો અંગૂઠો!
બીડીઓએ ચેમાનાં ફેફસાં ભરખ્યાં.
ભૂવા બોલાવ્યા. ઘર ગામઠી ઈલાજ કરાવ્યા.
આખી જિંદગી અમારી વાડીમાં ગુજારી ત્યાં જ ગુજરી ગયો.
અંત સુધી એનું ખરું નામ જણાવ્યા વગર!
અને મારું નામ જાણ્યા વગર!
નદીની પેલી પાર પડતર જમીનમાં એને અગ્નિદાહ દેવાયો.
એણે જ સીંચેલા અને ઊગાડેલા પીળા ગલગોટાનો હાર પહેરાવી.
સૌજન્ય : https://www.facebook.com/bdshah810
![]()


પહેલા મધ્યપ્રદેશમાં અને અત્યારે રાજસ્થાનમાં જે બની રહ્યું છે એને માટે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી કે પ્રિયંકા વાડરા જવાબદાર નથી; પણ કૉંગ્રેસના નેતાઓ જવાબદાર છે. હા ના કરતા છ વરસ થયાં પણ કૉંગ્રેસની અંદરથી કૉંગ્રેસને કેમ સજીવન કરવી એના વિશે કોઈ અવાજ નથી ઊઠતો. કોઈ ઊહાપોહ નથી, કોઈ પ્રશ્ન નથી, કોઈ આત્મચિંતન નથી કે કોઈ સૂચન નથી. જેમ ચાલે છે એમ ચાલવા દો અને બી.જે.પી. એના ભારથી ડૂબે ત્યાં સુધી રાહ જુઓ એવી કોઈક મનોવૃત્તિ કામ કરતી હોય એવું જોવા મળે છે.
બુલંદ અવાજ, સશક્ત અભિનય અને સદાબહાર જુસ્સો. સંવાદ બોલે તો વનરાજ ગર્જના કરતા હોય એવું લાગે. એમણે ગુજરાતી સિવાય હિન્દી અને ઉર્દૂમાં પણ નાટકો કરેલાં. ૧૯૪૩માં ‘ઈપ્ટા’(ઇન્ડિયન પ્રોગ્રેસિવ થિયેટર એસોસિયેશન)ની સ્થાપના થઈ ત્યારે એમાં અનેક નામી કલાકારોની સાથે એ પણ જોડાયા હતા. ૧૯૪૯માં ઈપ્ટામાંથી છૂટા પડીને એમણે ‘રંગભૂમિ’ સંસ્થાની સ્થાપના કરી અંગ્રેજી ભાષા સહિત હિન્દી-ગુજરાતીમાં ઉત્તમ નાટ્યકૃતિઓની ભજવણી કરી હતી. ‘મૃચ્છકટિકમ્’ હિન્દી અને ગુજરાતીમાં ભજવાયું ત્યારે પ્રતાપભાઈએ સાવ અનોખા પાત્ર શકારની ભૂમિકા ભજવીને અપાર લોકચાહના મેળવી હતી. જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા પ્રતાપ ઓઝા નવી રંગભૂમિના પ્રણેતાઓમાંના એક. સંગીતમાં ઊંડો રસ ધરાવે અને સાયગલનાં ગીતો સરસ ગાઈ શકે. મિત્રોની મહેફિલમાં તો એમની પાસે સાયગલનાં ગીતો ખાસ ગવડાવવામાં આવે. સ્વાતંત્ર્ય સંગ્રામની પૃષ્ઠભૂમિ પર આધારિત ગુણવંતરાય આચાર્ય લિખિત એમના ‘અલ્લાબેલી’ નાટકે જબરજસ્ત નામના મેળવી હતી. પ્રતાપ ઓઝા અને લીલા જરીવાલાના લીડ રોલમાં લોકચાહના પામેલું આ નાટક રિવાઈવ કરવાની પ્રતાપભાઈની ઘણી ઈચ્છા હતી જે સંજોગવશાત્ પૂરી થઈ શકી નહોતી. નાટકના વિષય, પાત્રની ગુણવત્તા વિશે હંમેશાં સભાન રહેતા પ્રતાપભાઈએ એમની સાથેની અંગત મુલાકાતમાં એક વાર બહુ સચોટ વાત કરી હતી કે મનોરંજન સસ્તી લોકપ્રિયતાના ઘોડાપૂરમાં તણાય ત્યારે વિસર્જનની ઘડીઓ ગણાવા લાગે. સવેતન રંગભૂમિ શરૂ કરવામાં પ્રતાપ ઓઝાનું યોગદાન મોટું હતું.
યુવાપેઢીને આકર્ષે એવાં અદ્ભુત મ્યુઝિકલ નાટકોમાં ‘ખેલૈયા’ તથા ‘એવા મુંબઈમાં ચાલ જઈએ’ અગ્રક્રમે મૂકવાં જ પડે. ફિરોઝ અબ્બાસ ખાનના નિર્માણ-દિગ્દર્શનમાં રજૂ થયેલા ’વેસ્ટ સાઈડ સ્ટોરી’ પર આધારિત ’એવા મુંબઈમાં ચાલ જઈએ’ નાટક ૧૯૯૨માં રજૂ થયું હતું. નાટકમાં રેણુકા શહાણે અને કેદાર ભગતે મુખ્ય ભૂમિકા ભજવી હતી. અમેરિકા સ્થિત કવિ ચંદ્રકાન્ત શાહનાં અનોખાં ગીતો અને સ્ક્રીન પ્લેમાં પીયૂષ કનોજિયાએ લાજવાબ સંગીત આપ્યું હતું. એ નાટકનાં ભીંજવી નાખતાં સંસ્મરણો તાજાં કરતાં પીયૂષ કનોજિયા કહે છે, "સંગીતમય નાટક હોવાથી એવા કલાકારોની જરૂર હતી જે સારું ગાઈ શકે તથા અભિનય અને નૃત્ય પણ જાણતા હોય. લગભગ દોઢસો-બસો ઓડિશન પછી માંડ થોડા કલાકારો મળ્યા હતા. આખું નાટક ભવ્ય રીતે રજૂ થયું જેમાં ૧૦થી ૧૨ ગાયનો હતાં. ટાઈટલ સોંગ એવા મુંબઈમાં ચાલ જઈએ … સિવાય પણ એક ગીત મને ખૂબ ગમતું હતું; અનુરાધા આમ એક શબ્દ છે, આમ એક નામ છે અને મારો એ વેદ છે …! ભારતીય અને પાશ્ચાત્ય મેલડીનો ઉપયોગ કરીને આ સરસ ગીત બન્યું હતું. નીરજ વોરા-ઉત્તંક વોરાના સંગીત નિર્દેશનમાં રજૂ થયેલું ‘તાથૈયા’ પણ સુંદર સંગીતમય નાટક હતું.