એવું તે કંઈ હોય?
તારા રાતના વરઘોડામાં
પેટ્રોમેક્ષ તો અમારે જ પકડીને ચાલવાનું હોય ને!
જો કે તારું મુખારવિંદ
એટલું તો તેજસ્વી છે કે
એના તેજથી જ વરઘોડો ઝળાંહળાં થઈ જાય એમ છે!
અને તારાં વરઘોડિયાં ય પાછાં ચાંદના ટુકડા !
તારા ફેંટામાં ગુલોપડી ના લગાવી હોત તો ચાલત !
અમે જાણીએ છીએ કે તારા શૂટબૂટ, ટાઈબાઈ તું
ભાડે લાવ્યો નહીં હોય,
અને કદાચ તું લેવા ગયો હોત તોયે તને તો
મફતમાં મળી ગયાં હોત, બજારમાં તારી શાખ જ
બહુ મોટી છે !
પણ, મારા સાહેબ,
અમારું મહેનતાણું ચૂકવવામાં કંજૂસાઈ ના કરતો !
પેટ્રોમેક્ષની ઝાળે
અમારી ઝૂંપડીમાં ચૂલા નથી સળગતા અને
ભેંકડા તાણતાં અમારાં છોકરાઉં
પતરાવળની એંઠ ચાટવાનું ભૂલી ગયાં છે!
બક્ષિસ તો અમારે ના જોઈએ,
દસની નોટથી
હથેળીમાં પડેલા છાલા મટે એવો મલમ પણ
નથી મળતો !
અમારે તો પેટ્રોમેક્ષ ઊંચકી ઊંચકીને
ચાલતાં ચાલતાં તારો વૈભવ જોવો છે.
તારા મોઢા પર બાજેલાં ચાંદીની ઘુઘરીઓ જેવાં
પરસેવાનાં બુંદોને પ્લેટિનમના લચીલા રૂમાલથી
લૂછતી તારી વહાલકૂડી બહેનને ઘણી ખમ્મા !
તારા વરઘોડામાં અમે ગધેડામજૂરી કરીએ એ જ ઠીક !
વૈભવી પાર્ટીપ્લોટમાં તારા ભોજન સમારંભમાં
વહેંચાનારી વાનગીઓની યાદી વાળી
નાની ચોપડીમાં છાપેલી રંગીન વાનગીઓની
છબિઓ જોઈને જ અમારાં પેટ ભરાઈ ગયાં છે,
અમે ધરાઈ ગયા છીએ.
૮૩, સુવિધા નગર, ભુરાવાવ, ગોધરા,પંચમહાલ ૩૮૯ ૦૦૧
![]()


‘ભૂમિપુત્ર’ના વાચકવર્ગને એના અંતિમ પૃષ્ઠનું ખેંચાણ બહુ મોટું. સંભવ છે કે અંક મળે ત્યારે એ છેલ્લું પાનું જ પહેલું વંચાતું હોય! હરિશ્ચંદ્ર બહેનોની આ પ્રસ્તુતિ ખૂબ વાચકપ્રિય બનેલી. કાંતાબહેનના અવસાન બાદ હરવિલાસબહેને આ રજૂઆત સંભાળેલી અને એમની વિદાય પછી, 2010થી આશા વીરેંદ્ર દ્વારા આ વિશિષ્ટ વાચન સામગ્રીની સુપેરે માવજત આજ પર્યંત થઈ છે. દસ વર્ષના લાંબા પટ પર અન્ય ભાષાઓની કથાને આમ રજૂ કરવી, ચુસ્તીપૂર્વક એનું સાતસો-સાડી સાતસો શબ્દોનું માળખું જાળવવું અને મૂળ રચનાનાં હાર્દ અને રસને તથા વાર્તા પસંદગીમાં વિષય તથા પાત્ર વૈવિધ્યને ધ્યાનમાં રાખવાં, એ પૂરતી સજ્જતા અને નિષ્ઠાની અપેક્ષા રાખે એ સ્વયંસ્પષ્ટ છે.
2010 જૂનથી 2020 જૂન – ‘ભૂમિપુત્ર’ના છેલ્લા પાનાની વાર્તાની લેખિકા તરીકે આ પખવાડિક સાથે જોડાયાને એક દસકો થઈ ગયો. સાત દાયકાના પ્રલંબ પટ પર વિસ્તરેલા જીવનમાંથી એક દશકનો ગાળો ઓછો તો ન જ કહેવાય અને એ પણ મારા જેવી કોઈ એક કામને લાંબો સમય વળગીને ન રહી શકનારી વ્યક્તિ માટે. દિવંગત હરવિલાસબહેન અને કાંતિભાઈના પ્રેમાગ્રહ આગળ નમતું જોખીને આ કામ સ્વીકાર્યું તો ખરું પણ બહુ ગંભીરતાથી લીધેલું નહીં. જોઉં, થાય ત્યાં સુધી કરીશ, નહીં થાય ત્યારે ના કહી દેવામાં ક્યાં વાર લાગવાની છે? – એવી બેફિકરાઈ પણ ખરી ! એમાં વળી કાંતિભાઈએ એવી વાત કરી કે આપણે આ કામ માટે ત્રણ મહિનાનો પ્રોબેશન પિરિયડ રાખીએ – ત્યાં સુધીમાં તમને ન ફાવે તો તમે ના કહી શકો અને અમને એવું લાગે કે વાર્તાઓ જોઈએ એવી નથી લખાતી તો અમે ના કહેવા અથવા બીજા કોઈને આમંત્રણ આપવા છુટ્ટા. મને એમની આ વાત ગમી ગઈ. થયું કે એક-બે વાર્તાઓ લખી જોઈએ, પછી ના કહી જ શકાશે ને?