અલંકૃતિનો અર્થ છે, અલંકાર. કાવ્યશાસ્ત્રમાં ‘અલંકાર’-ની વિસ્તારથી સમજૂતી અપાઈ છે. જેમ કે, ’અલંકાર્ય’ એટલે જેને માટે અલંકાર યોજાવાનો હોય તે, અને જે યોજાય, તે ‘અલંકાર’.
જેમ કે, સંસારમાં અનેક સુન્દરીઓ ચન્દ્રમુખી હોય છે. ધારો કે એવી કોઈક સુન્દરીનું મુખ ‘અલંકાર્ય’ છે – જેને આપણે ‘ઉપમેય’ કહીએ છીએ; અને તે ચન્દ્ર જેવું છે એમ યોજાય ત્યારે ‘ચન્દ્ર જેવું’ ‘ઉપમાન’ છે – પછી જેને આપણે ‘ઉપમા’ અલંકાર કહીએ છીએ.
ચન્દ્રમુખી, “દેવદાસ” ફિલ્મમાં.
કાવ્યશાસ્ત્રમાં ૧૨૦-થી પણ વધારે અલંકાર વર્ણવાયા છે.
શબ્દનાં બે રૂપ છે – શબ્દ પોતે, એનું ‘વાચક’ રૂપ, અને તેનો અર્થ, એનું ‘વાચ્ય’ રૂપ. શબ્દ-અર્થ બન્ને, વાચક-વાચ્ય બન્ને, અલંકાર્ય છે અને તેની સાથે અલંકૃતિ જોડાયેલી છે. કુન્તક દર્શાવે છે કે શાસ્ત્રમાં એ સર્વનું વિવેચન કરવામાં આવે છે. કુન્તકે પોતે ‘વિવેચન’ શબ્દ વાપર્યો છે જેનો સંકેતાર્થ એ છે કે સામાન્ય અને વિશેષ લક્ષણો દ્વારા તેના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવે છે – અ કાઇન્ડ ઑફ ઑન્ટોલૉજી.
પણ નિરૂપણ કેવી રીતે? કુન્તક કહે છે, અપોદ્ધૃત્ય. એટલે કે, પૃથક પૃથક કરીને. વાક્યમાં, અલંકાર્ય શબ્દ-અર્થ અને અલંકૃતિનો અન્તર્ભાવ હોય છે, તેને વિભક્ત કરીને – અ કાઇન્ડ ઑફ ઍનાલિસિસ.
પણ શેને માટે? કુન્તકનો ઉત્તર છે, તદુપાય, એટલે કે કાવ્યને સમજવાના ઉપાય રૂપે; કાવ્યસૌન્દર્યનું ગ્રહણ કરવા માટે.
કુન્તક સરસ ઉમેરે છે કે વાસ્તવિકતા તો એ છે કે કાવ્યમાં એ ત્રણની કશી ભિન્ન ભિન્ન સત્તા નથી હોતી, એની એવી સમષ્ટિનું નામ જ કાવ્ય છે ! જે અલંકૃત છે, જેના અવયવ ન દેખાય એવી, ન સાંધો ન રૅણ જેવી, જે સમષ્ટિ છે, તે જ કાવ્ય છે. કાવ્યમાં વ્યષ્ટિનો કશો જ મહિમા નથી. સૂચવાય છે એમ કે કાવ્યમાં શબ્દ, અર્થ કે અલંકૃતિનું કશું આગવું અસ્તિત્વ નથી હોતું, બધું સર્વથા સંશ્લિષ્ટ હોય છે, ને એટલે તો એ કાવ્ય છે !
પોએટિક કૉમ્પોઝિશન-ની એમણે ચીંધેલી આ અદ્વિતીયતા એમ સૂચવે છે કે સંસારમાં કલા કેવું તો અનુપમ સંશ્લેષણ છે. અને એવી અદ્વિતીયતાએ પ્હૉંચેલા સર્જનકર્મને કુન્તક કાવ્યતા એટલે કે કવિ-કર્મત્વ કહે છે, એ પણ કેટલું સયુક્તિક છે.
કુન્તક સર્જનના સિન્થેટિક ફૉર્મને યથાતથ સમજે છે અને વિવેચનના ઍનાલિટિક ફૉર્મને પણ બરાબર સમજે છે. મારું મન્તવ્ય છે કે એમને મન સર્જન અને વિવેચન, બન્નેનાં સત સ્વરૂપે વસ્યાં છે.
પણ કોઈ પૂછે કુન્તકને કે કઈ વસ્તુને તમે કાવ્યનું નામ આપશો, તો દર્શાવે છે કે એ માટે અમે કાવ્યનું લક્ષણ રજૂ કરીશું. લક્ષણ છે : તદ્વિદોને, એટલે કે કાવ્યમર્મજ્ઞોને, આહ્લાદ કરાવનારા, તદ્વિદાહ્લાદકારી, વક્રકવિવ્યાપારથી યુક્ત રચનામાં, એટલે કે બન્ધમાં, વ્યવસ્થિત શબ્દ અને અર્થ, બન્ને મળીને કાવ્ય થાય છે.
માત્રશબ્દ કે માત્રઅર્થ જેવી ભેદકારી દૃષ્ટિથી કુન્તક મુક્ત છે. કહે છે કે એ અભિન્નત્વ પ્રકારે વક્રોક્તિને અમે કાવ્યનું જીવિત કહી રહ્યા છીએ. આગળ વધીને એમણે કહ્યું છે કે રસસિદ્ધ કાવ્યનું જીવિત પણ વક્રોક્તિ છે. એનો સંકેતાર્થ આપણા માટે તો એ છે કે સાહિત્યિક ભાષા અથવા સર્જનાત્મક ભાષા અથવા લિટરરી લૅન્ગ્વેજ વિના રસ કે આનન્દ સિદ્ધ નહીં થાય.
કુન્તક જણાવે છે કે પ્રત્યેક તલમાં તેલ હોય છે તેમ શબ્દ અને અર્થ બન્નેમાં તદ્વિદાહ્લાદકારિત્વ હોય છે, એવું નથી કે એકમાં હોય ને બીજામાં ન હોય. એ ક્યારે ન હોય તેનું દૃષ્ટાન્ત આપે છે :
આનન્દસ્યન્દી શરદપૂર્ણિમાના ચન્દ્ર સમાન મુખવાળી, સુન્દર હાવભાવથી વાતચીત કરનારી, રક્તચરણવાળી હે સુન્દરી ! તારા અનલ્પ રૂપથી મણિમેખલાનો અને નૂપુરનો હૃદયંગમ ધ્વનિ કરતી તું જો તારા પિયુને ત્યાં જઈ રહી છું, તો તારું ત્યાં જવું મને આમ જ (વ્યર્થ) કેમ સતાવી રહ્યું છે?
બળતરાને લીધે કથક અહીં દુ:ખી થઈ ગયો છે. પણ કુન્તકને આ શ્લોકમાં અનુપ્રાસનું પ્રલોભન ભળાયું છે, માત્ર વર્ણોની સમાનતાને કારણે ઊભી થયેલી રમ્યતા (રમત) દેખાઈ છે, અને તેથી તેને તેઓ માત્રકથનની કોટિમાં મૂકે છે – સલીલ લીલાભિ: સહિતમ્ ઉલ્લપિતમ્ વક્તુમ્ શીલમ્ યસ્યાસ્તથાભૂતે … વગેરેમાં.
વળી, કુન્તક કહે છે કે આ શ્લોકમાં ચમત્કાર તો છે જ નહીં. અને, નવયૌવનથી તરંગિત લાવણ્યકાન્તિવાળા કોઈ યુવકની કાન્તાને ચાહવા નીકળેલો આ ઉપનાયક આ શ્લોકમાં જો એમ કહી રહ્યો હોય કે તું પિયુને ત્યાં જતી હોઉં, તો તારું એ જવું, પરિસરણ, મને કશા કારણ વગર કષ્ટ આપે છે, તો એ વક્રતા સૌન્દર્યયુક્ત નથી. અને તેથી, કુન્તક દર્શાવે છે કે એ અત્યન્ત ગ્રામ્ય ઉક્તિ છે. કિમ્ મે રણરણકમકારણ કુરુતે-માં જે રણરણક છે, દુ:ખ, તે અકારણ નથી. કેમ કે એનો અનાદર કરીને એ સુન્દરી જતી રહી, એટલે એની તરફ અનુરક્ત અન્ત:કરણ રાખવાવાળા એ ઉપનાયકને વિરહ-વિધુરતાની જે શંકા પડી, એ જ એના દુ:ખનું કારણ છે, વગેરે. કુન્તક કહે છે કે બહુ બધાં સમ્બોધન તો મુનિપ્રણીત સ્તોત્રપાઠ (શુકપાઠ અથવા તોતારટણ પણ કહેવાય) લાગે છે, ઉપહાસજનક લાગે છે, એથી કાવ્યમર્મજ્ઞોની આહ્લાદકારિતાનું તો જરા જેટલું ય પોષણ નથી થતું. તેથી આ દૃષ્ટાન્તને વ્યર્થ સમજવું, શોભાતિશય વિનાનું એ એક, નામનું કાવ્ય છે, એ ખરું કાવ્ય જ નથી.
કુન્તકને રચનાકારમાં પ્રતિભાની દરિદ્રતા અને દીનતા વરતાયાં છે. કહે છે, એની પાસે કહેવાજોગ ખાસ કશું છે નહીં – એની પાસે જે છે તે અત્યન્ત સ્વલ્પ સુ-ભાષિત છે.
“કાવ્યાલંકાર”-ના કર્તા ભામહ અલંકાર-સમ્પ્રદાયના પ્રવર્તક મનાય છે. અને “કાવ્યાદર્શ”-ના કર્તા દણ્ડી, “કાવ્યાલંકાર”-ના કર્તા રુદ્ટ, “કાવ્યાલંકારસારસંગ્રહ”-ના કર્તા ઉદભટ, સૌ આલંકારિક કહેવાયા છે. આમ તો, બાંધેભારે, સૌ કાવ્યશાસ્ત્રીઓને આલંકારિક કહેવાય પણ આ વિદ્વાનો વિશિષ્ટપણે એમ છે કેમ કે તેઓ અલંકારને કાવ્યનું સર્વસ્વ ગણે છે. આચાર્ય જયદેવ તો એટલે લગી કહે છે કે જે કવિ અલંકારહિત શબ્દાર્થને કાવ્ય ગણે છે, એ અગ્નિને શીતળ શું કામ નથી કહેતો?
કુન્તક પણ આલંકારિક છે છતાં તેઓએ અલંકારતત્ત્વ વક્રોક્તિમાં જોયું છે, એટલા માટે તેઓ મને વિશિષ્ટોમાં વિશિષ્ટ લાગ્યા છે.
= = =
(05/18/23 : Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર