Gandhiji’s teachings taught from pre-school onwards in China
“More and more people in China are evincing interest in Mahatma Gandhi and his non-violent movement as his teachings form an integral part of curriculum from pre-school to university.” Says a Chinese Scholar. [“The Indian Express” : 18.03.’13]
વિપુલભાઈ કલ્યાણી, આવું ‘ને આવું કૈંક, સવારના નાસ્તામાં પીરસતા રહે છે. આ વાંચીને મારો તો આખો દિવસ સુધરી ગયો. પહેલી નિરાંત તો એ વાતની થઈ કે ભાઈ, હવે ચીન ભારતનો ઉત્તર-પૂર્વનો ભાગ પચાવી પાડવા કે બીજા પડોશી દેશો પર પોતાની સત્તા જમાવવા આપણા પર લશ્કરી હુમલો નહીં કરે. કેમ કે તેઓ અહિંસક ચળવળનો અભ્યાસ કરે છે. જો કે એક હાથે તાળી ન પડે એટલે ભારતે પણ સંરક્ષણ ખાતર પણ હિંસાને સર્વથા ત્યજવી જોઇશે.
બીજો ફાયદો એ થશે કે ચીન હવે વિકાસના નામે મૂડીવાદ તરફ દોટ મૂકવાને બદલે સર્વોદયી માળખા પર રચાયેલ સમાજવાદી સમાજ રચના તરફ પગલાં ભરશે. જો એમ જ થાય તો ભારત પછી કોની સાથે હોડમાં ઉતરે એ સવાલ થાય ખરો, પણ સાચું કહું તો હરીફાઈ તો સરખે સરખામાં જ શોભે. એ ન્યાયે આપણે ચીનને હરાવીને મૂડીવાદને તિલાંજલિ આપીને સમાજવાદ તરફ બમણી ગતિથી દોડવાનું રહેશે.
આ સમાચારથી ગાંધી વિચાર ચીન જેવા સામ્યવાદી દેશ સુધી પહોંચ્યો એથી આનંદ થયો પણ સાથે સાથે થોડી ચિંતા પણ થઈ. હું ભૂલતી ન હોઉં તો બે-અઢી હજાર વર્ષ પહેલાં ભારતમાં જ પ્રાદુર્ભાવ પામેલો બૌદ્ધ ધર્મ ધીમે રહીને ભારતમાંથી નિકાસ પામીને ચીનમાં મૂળ જમાવીને રહ્યો. જો આપણે ખ્યાલ નહીં કરીએ તો ગાંધી વિચારનું પણ એમ જ થવા સંભવ છે ! જો કે જેમ આજે ચીનથી ભારત અગણિત વસ્તુઓની આયાત કરે છે, એમ આ વિચારધારાની આયાત જરૂર કરી શકાય, પણ એ તો બ્રિટિશ રાજ્યના અમલ દરમ્યાન ભારતથી નિકાસ થયેલા રૂમાંથી બનેલ કાપડની આયાત કરતા હતા તેવું થાય. એમાં આપણી શી શોભા ?
આ સમાચારમાં આગળ જતાં લખે છે ચીનમાં પ્રિ-સ્કૂલમાં ગાંધીનું એકાદ ચિત્ર બતાવીને દોરવાનું શરુ કરવામાં આવે છે, અને માધ્યમિક કક્ષા સુધીમાં, ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની વાતો દરેક ધોરણમાં ઓછમાં ઓછા એક પાઠ દ્વારા ભણાવાય છે. આ વાતથી તો હું સાવ ભડકી જ ગઈ. ગુજરાતમાં અને કદાચ બીજા પ્રાંતોમાં પણ હવે તો મોટા ભાગની શાળાઓ અંગ્રેજીને શિક્ષણનું માધ્યમ રાખીને શિક્ષણ આપે છે અને વધારામાં ગુજરાતી અને હિન્દી ભણવાનો બોજો હવે વિદ્યાર્થીઓ ઉપરથી હઠી ગયો, કેમ કે માતૃભાષા અને રાષ્ટ્રભાષા હવે વૈકલ્પિક વિષયોના દરજ્જામાં શોભવા લાગી છે. જ્યાં શિક્ષણની આવી નીતિ હોય અને સ્વાતંત્ર્ય પછીના ઇતિહાસને મારી મચડીને ભણાવાતો હોય, ત્યાં અહિંસક સત્યાગ્રહ અને સ્વાતંત્ર્યની ચળવળના પાઠો ભણાવતા હોય, એ અપેક્ષા રાખવી જરા વધુ પડતી છે. હવે કેન્દ્ર સરકાર અને પ્રાંતીય સરકારોના શિક્ષણ પ્રધાનોએ વિચારવા જેવું છે કે ચીન આ બાબતમાં આપણાથી આગળ નીકળી જાય તે પાલવશે ખરું ?
Quanyu Shang – જેમણે P.A.Nazarethનું ‘Gandhi’s Outstanding Leadership’નો ચીની ભાષામાં અનુવાદ કર્યો છે (જે પછીથી કન્નડ, તમિલ, તેલુગુ, ઉડિયા, હિન્દી અને સ્પેનીશમાં પણ અનુવાદિત થયું છે) તેઓ કહે છે, ‘ગાંધી વિષે અભ્યાસ આ દેશના જુદા જુદા સમૂહોમાં થાય છે. તેમના વિષેની જાણકારી ચીની વિશેષજ્ઞ સુધી મર્યાદિત ન રહેતાં શાળાના નાનામાં નાના બાળકો સુધી પહોંચી રહી છે.’ તેઓનું કહેવું છે કે ચીનમાં ગાંધી વિશેની ઘણી પુસ્તિકાઓ પ્રકાશિત થઇ ચૂકી છે. આમ જુઓ તો બ્રિટનના વિદ્યાર્થીઓને પણ ચીન ભણવા મોકલવાથી તેમને બ્રિટનના સંસ્થાનવાદ અને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ વિષે જાણકારી મળે, જે એમને પોતાના દેશમાં નથી આપવામાં આવતી. આ વાત પરથી ધડો લઈને ગાંધીજીના જીવન અને કાર્યો વિષેની જાણકારી જે મુઠ્ઠી ભર ગાંધીવાદીઓમાં સીમિત થઈ જવા પામી છે તેને બહુજન સુધી, ખાસ કરીને નવી પેઢી સુધી પહોંચાડવાની જવાબદારી ભારત દેશની છે, એ કોઈ વિદેશી સત્તા કે પ્રજા ન કરી આપે.
કરુણતા તો એ વાતની છે કે ચીનમાં નાઝરથના પુસ્તકના લોકાર્પણ વખતે વડાપ્રધાન મનમોહન સિંઘે સંદેશો મોકલ્યો : ‘મને વિશ્વાસ છે કે આ પુસ્તક અમારા રાષ્ટ્રપિતા અને તેમના આદર્શો એક બીલિયનથી વધુ લોકો સુધી પહોંચાડશે અને એનાથી આપણા બે દેશો વચ્ચેની સમજણ સુધરશે.’ ચીનનો નાનામાં નાનો બાળક આપણને પૂછી શકશે, તમારા દેશમાં એક બીલિયન તો શું, એક લાખ લોકો પણ એમના રાષ્ટ્રપિતા કોણ હતા, એમના વિચારો શું છે અને એનું શું મહત્ત્વ છે, એ જાણે છે?
ગાંધી વિચારની પ્રસ્તુિત એમના જીવન કાળ દરમ્યાન હતી, આજે છે અને સદીઓ પછી પણ રહેશે, એનો પુરાવો આનાથી બીજો ન હોઈ શકે. તો હવે આપણા હરીફ અને દુશ્મન ગણાય તેવા દેશની સામે બાથ ભીડવા, ગાંધી વિચારને સમજવાનું શરુ કરીશું તો એ ખોટા કારણ સર પગલું ભર્યું કહેવાશે, પણ એમ કરતાં ય જો એ વિશ્વ વિભૂતિના વિચારો જાણી-સમજીને આચરણમાં મૂકવાની સદ્દબુદ્ધિ સૂઝે તો ચીનનો આભાર માનવાનું ચુકીશું નહીં.
e.mail : ten_men@hotmail.com