AMI EK JAJABAR

આશરે છએક દાયકાઓ દરમિયાન, ધગશથી, યુનાઇટેડ કિંગ્ડમ માંહેના ગુજરાતી સમાજે ગુજરાતી ભાષામાં પત્રકારત્વ વિકસાવ્યું છે. તળ ગુજરાતમાં, અને અલબત્ત, બૃહદ્દ ગુજરાતમાં પ્રશંસાને પાત્ર તે ઠર્યું ય છે. મુખ્ય પ્રવાહમાં ગુજરાતીનો ચાલ ન હોય અને અહીં તહીં ફક્ત લધુમતી જ હોય ત્યારે સમસામયિકો ચલાવવાં તે લોખંડના ચણા ચાવવા જેવું છે. અનેક પ્રતિકૂળ પરિસ્થિતિઓ અને સંજોગોનો સામનો કરતાં કરતાં બ્રિટનમાંના ગુજરાતી સમાજે ડાયસ્પોરિક પત્રકારત્વ અને સાહિત્ય ખીલવવાનો મજબૂત પ્રયાસ કર્યો છે. મોટા ભાગના પત્રોએ ‘ગુજરાતે વિકસાવેલી પરંપરાઓથી તે મુક્ત થયું નથી’, તેમ જાણીતાં ઇતિહાસકાર દંપતી શિરીન મહેતા અને મકરન્દ મહેતાનું માનવું છે.

મળતી માહિતી અનુસાર, યુનાઇટેડ કિંગ્ડમનું પહેલું સામયિક ‘20મી સદી’ હતું અને તેના સંચાલકો હતા સિરાઝ પટેલ અને અબ્દુલા પટેલ. માર્ચ 1968 વેળા, એટલે કે 54 વરસ પહેલાં, આ સામયિકનો આદર ઉત્તર ઇંગ્લૅન્ડના બ્લેકબર્ન નગરમાં થયો હતો. કોમી એખલાસ અને સમતાવાદી મૂલ્યોને તે વરેલું હતું. ઇતિહાસકાર મકરન્દભાઈ મહેતા અનુસાર તેના પહેલા અંકમાં, મુખપૃષ્ઠ પર, લખાયેલું, ‘સમગ્ર યુરોપનું આ સૌ પ્રથમ પાક્ષિક માનવીય મૂલ્યોને વરેલું છે.’ સુરતમાં તેનું મુદ્રાંકન થતું અને બ્લેકબર્ન પાસેના ડારવેનમાં તેની એક હજાર નકલ છપાતી. જાહેરાતોના અભાવે અને કમરતોડ નાણાંભીડને કારણે માંડ છ માસ હયાત રહ્યું હતું.

તે હકીકતે એક તેજસ્વી સામયિક હતું અને ભરુચ જિલ્લાના બ્રિટન આવી વસેલા ગુજરાતી મુસ્લિમોની શક્તિઓનું દ્યોતક હતું.

મધ્ય ઇંગ્લૅન્ડના લેસ્ટર નગરમાં ‘ગુજરાત હિન્દુ એસોસિેયેશન’ વરસોથી શું, દાયકાઓથી સક્રિય રહ્યું છે અને તેની વિવિધ પ્રવૃત્તિઓના ભાગ રૂપે 1975થી “અમે ગુજરાતી” નામક માસિક પ્રગટ થતું આવ્યું છે. વાચકોને વિના મૂલ્યે અપાતું આ સામિયક બહુધા સંસ્થાનું મુખપત્ર રહ્યું છે અને તેને લગતી વિગતમાહિતીઓ તેમાં પ્રગટ થતી આવી છે.

લેંકેશરના એક નગર પ્રેસ્ટન ખાતે વસવાટ કરતા જાણીતા શાયર કદમ ટંકારવીએ 1970-75 દરમિયાન, “અવાજ” અને “નવયુગ” ચલાવી જોયાં હતાં. પરંતુ તે ટકી શક્યાં નહોતાં. તદુપરાંત, “બ્રિટન”, “આજકાલ”, “સંગના”, “મેઘના”, “નવજીવન” જેવાં વિવિધ સામયિકો અલ્પ સમયને સારુ પ્રગટ થયાં હતાં. એ વચ્ચે ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ વાટે “અસ્મિતા” નામક અનિયતકાલીન વાર્ષિકીના આઠેક અંક પ્રગટ થયા હતા. આ બધામાં લાંબા અરસા સુધી “નવબ્રિટન” ચાલુ રહ્યું હતું. આ માસિકનો આદર સ્ટૉક - ઑન - ટેૃન્ટથી થયેલો પણ પછી લેસ્ટરથી તે પ્રગટ થતુ રહ્યું. તેના તંત્રી તરીકે સાહિત્યકાર વનુ જીવરાજ સોમૈયા હતા.

એક અરસા સુધી, “ગરવી ગુજરાત”માં સેવા આપ્યા બાદ, અમદાવાદસ્થિત “ગુજરાત સમાચાર”ના જાણીતા પત્રકાર કિશોરભાઈ કામદારે, વેમ્બલીમાંથી, “ગુજરાત સંદેશ” નામે એક સામિયકનો આદર કરેલો. એ સામયિક પણ લાંબું ટકી શક્યું નહોતું.

વળી, સમય સમય પર કેટલીક સામાજિક સંસ્થાઓ વાટે તેમનાં મુખપત્રો શરૂ કરાયેલા. આરંભે તેમાં ગુજરાતી મુખ્ય ભાષા રહી. પછી જેમ જેમ વખત જતો થયો તેમ તેમ તેમાં અંગ્રેજીનું ચલણ વિસ્તરું રહ્યું, ગુજરાતીનું ઓસરતું રહ્યું.

આટઆટલી વિગતોની પછીતે, લાંબા અરસા સુધી ટકેલાં અને વિસ્તરેલાં ત્રણ સામયિકોની વિશેષ વિગતે વાત કરીએ : “ગરવી ગુજરાત”, “ગુજરાત સમાચાર” તેમ જ “ઓપિનિયન”.

આ ત્રણમાં “ગરવી ગુજરાત”નો આરંભ પહેલાં થયો, તેથી તે વિશેની પ્રથમ રજૂઆત. આ સામિયકનો રમણીકલાલ સોલંકીએ આદર 01 ઍપ્રિલ 1968ના દિવસે કર્યાનું ઇતિહાસ સાક્ષી પૂરે છે.

રમણીકભાઈ સોલંકીને લેખનનો સળવળાટ રહેતો. સુરતથી પ્રગટ થતાં “ગુજરાતમિત્ર” માટે નિયમિત ‘લંડનનો પત્ર’ મોકલતા રહેતા. ગુજરાતના પહેલવહેલા મુખ્ય પ્રધાન જીવરાજ મહેતા તે દિવસોમાં યુનાઇટેડ કિંગ્ડમ ખાતે ભારતના ઉચ્ચ આયુક્તપદે હતા. તેમની જીવરાજભાઈ મહેતા સાથે મુલાકાત થઈ તો જીવરાજભાઈએ એકાદ ગુજરાતી છાપું શરૂ કરવાનું સૂચન રમણીકભાઈને કર્યું, તેમ કહેવાય છે. ‘ઇન્ડિયા હાઉસ’માં અવારનવાર રમણીકભાઈ જતા. ત્યાંના જાહેર કાર્યક્રમોમાં ય હાજરી આપતા. જીવરાજભાઈ સાથેનો પરિચય પણ વધતો ગયો તેમ તેમનું સૂચન પણ દૃઢ થતું ગયું.

એક અહેવાલ મુજબ રમણીકભાઈ જીવરાજભાઈને સવાલતા હતા : ‘આ છાપું ચાલુ તો કરીએ પણ તેનો ખર્ચો કેવી રીતે કાઢવો ?’ આ સૂત્રો અનુસાર, જીવરાજભાઈએ જવાબ આપ્યો : ‘ખર્ચાની ચિંતા કર્યા વિના પહેલાં છાપું ચાલુ કરો.’ કહે છે કે જીવરાજભાઈએ કેટલાક ઉદ્યોગપતિઓ જોડે આ અંગે સહાયક થવાની વાત પણ કરી હોય. અને આમ, રમણીકલાલ સોલંકીએ 01 એપ્રિલ 1968ના આ સૂચિત છાપાનો ઉત્તર વેમ્બલીના પીલ રોડ પરના આવાસેથી આદર કર્યો. નામાભિકરણ પણ થયું : “ગરવી ગુજરાત”. રમણીકભાઈ તેમ જ “ગરવી ગુજરાત” વતી, વડીલ સહાયક, સલાહકાર તરીકે જાણીતા ઉદ્યોગપતિ મૂળજીભાઈ નાગડાએ પહેલા અંકની નકલ તત્કાલીન ઉચ્ચ આયુક્ત એસ.એસ. ધવનને અર્પણ કરેલી. આજ પર્યન્ત પ્રગટ થતાં “ગરવી ગુજરાત”ને હવે 54 વર્ષ થવામાં છે. આ ખુદ એક મોટી સિદ્ધિ છે.

આરંભના એ દિવસોમાં રમણીકલાલભાઈએ નોકરી પણ ચાલુ રાખી અને બાકીના સમયમાં આ આદરેલા સાહસને સંગોપવામાં સમયશક્તિ આપવાનું રાખ્યું. સપ્તાહઅંત દરમિયાન સામયિકના પ્રચાર પ્રસાર સારુ બ્રિટન ભરમાં ઘુમવાનું જરૂરી હતું. અને એમણે શક્ય દોડધામ કરીને લવાજમ ઉઘરાવવાનું રાખ્યું. આરંભે પખવાડિયે નીકળતા આ સામયિકનું વાર્ષિક લવાજમ માત્ર દોઢ પાઉન્ડ હતું. અથાગ પરિશ્રમને કારણે શરૂઆતમાં “ગરવી ગુજરાત” માટે 150 જેટલાં લવાજમો ઉઘરાવી શકાયા હતા. બે વરસની અવધિ બાદ, આ પખવાડિકને અઠવાડિક કરવામાં આવ્યું. લંડનમાં એમને માટે હરવાફરવાનું સરળ હતું, પરંતુ દેશ ભરમાં થોડુંક મુશ્કેલ હતું. કેમ કે તે ગાડી ચલાવતા નહીં. જાહેર પરિવહનનાં વિધવિધ સાધનોનો ઉપયોગ કરતા. પાછળથી પાર્વતીબહેન ગાડી હંકારતાં શીખ્યાં અને એ રમણીકભાઈના ય સારથિ બન્યાં, એમના સાથીસહોદર પણ થયાં. ચાર સંતાનોના ઉછેરમાં પરોવાતાં રહેવા ઉપરાંત લૉન્ડૃીમાંની નોકરી કરવાની તેમ જ રમણીકભાઈને “ગરવી ગુજરાત” માટે અસીમ સહાય કરવી, એ પાર્વતીબહેનનો રોજિંદો વ્યવહાર બની ચુક્યો.

આ સામયિકના પ્રસાર માટે રમણીકલાલ સોલંકી 1970માં નોકરી છોડે છે અને પૂરો સમય તેના વિકાસમાં મચી પડે છે. આ સાપ્તાહિકમાં સામાજિક, રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક, ધાર્મિક બાબતો તેમ જ અનેકવિધ કાર્યક્રમોને આવરી લેવાયા હોઈ, તેની લોકપ્રિયતા વધતી ગઈ. તો બીજી બાજુ, કોઈ પણ આપ્રવાસી અહીંતહીં સર્વત્ર સ્વાભવિકપણે કરતો આવ્યો છે, તેમ રમણીકભાઈએ પણ પરિવારને એક પછી એક પડખે તેડાવી લીધા કે જેથી વિસ્તૃત બનતી જવાબદારીઓ સરળતાએ, વિશ્વાસે નિભાવી શકાય. મોટાં દીકરી, સાધનાબહેન આરંભે જાહેરાત વિભાગનું સંચાલન કરતાં રહેતાં. હવે એ જવાબદારીઓ નાના ભાઈ જયંતીલાલ સોલંકી નિભાવે છે. વળી, બન્ને દીકરાઓ, કલ્પેશભાઈ તેમ જ સૈલેષભાઈ તંત્રી ખાતામાં જવાબદારીઓ સાંચવે છે.

મહારાણી ઇલિઝાબૅથ બીજાંએ 1999માં રમણીકલાલ સોલંકીને ‘ઑર્ડર ઑવ્‌ ધ બ્રિટિશ એમ્પાયર’નું બિરુદ એનાયત કરેલું અને તે પછી 2007માં ‘કમાન્ડર ઑવ્‌ ધ બ્રિટિશ એમ્પાયર’ની નવાજેશ કરી હતી.

આજે “ગરવી ગુજરાત” યુનાઇટેડ કિંગ્ડમનું એક અગ્રણી પ્રકાશનગૃહ બની ગયું છે. આ જ જૂથનું અંગ્રેજી અખબાર “ઇસ્ટર્ન આઇ” તો માત્ર એશિયનો જ નહિ, પણ યુનાઇટેડ કિંગ્ડમના રાજકીય, સામાજિક અગ્રણીઓનું પણ પ્રિય અખબાર બન્યું છે. “એશિયન રિચ લિસ્ટ” એશિયાઈ વ્યાપારી જગતની પારાશીશી સમાન બન્યું છે. “એશિયન ટ્રેડર”, “ફાર્મસી બિઝનેસ” અને “એશિયન હોસ્પિટાલિટી” જેવાં પ્રકાશનો જે તે ક્ષેત્રના વ્યાપારીઓ વચ્ચે સેતુરૂપ બન્યાં છે. “ઇસ્ટર્ન આઈ”ને એમણે “જ્યુઈસ ક્રોનિકલ”ની જેમ રાષ્ટૃીય અખબાર બની રહે તેની ચીવટ રાખી છે. તેને વંશવાદી છાપાનો પાનો ન ચડે તેની તેમણે કાળજી લીધી છે. આ પગલું તેથીસ્તો ભારે સરાહનીય બની રહ્યું છે.

આરંભના વરસો દરમિયાન, લાગે છે, સમાજના વિવિધ સ્તરે રહી, પહોંચી સાપ્તાહિકને મજબૂત કરવાનું રાખ્યું છે. અનેક વ્યક્તિઓ તથા સમાજના આગેવાનોનો શક્ય સાથ લીધા કરેલો. એક દા પ્રાણલાલ શેઠનું નામ પણ પહેલે પાને તંત્રી તરીકે પ્રકાશિત થયાનું સાંભરે છે. વળી, ગુજરાતી સમાજને એક સાંકળે બાંધી શકાય તે માટે ય રમણીકલાલ સોલંકીએ તનતોડ પ્રયાસ કરેલા છે. પાંચેક દાયકાઓ પહેલાં ‘ફેડરેશન ઑવ્‌ ગુજરાતી ઓર્ગનાઇઝેશન્સ’ની સ્થાપનામાં માત્ર પૂરેવચ્ચ નહોતા રહ્યા, તેની સક્રિયતા માટે ય યોગદાન એમણે આપેલું છે. મારી જન્મભૂમિમાં જેમનો અમને નિજી પરિચય હતો તેવા અરુશાના નામી શહેરી કાશીગર ગોસ્વામીના વડપણ સાથે ફેડરેશનની પ્રવૃત્તિઓમાં રમણીકભાઈ અને “ગરવી ગુજરાત” અગ્રેસર રહ્યાં હતાં. છેલ્લા દસકાઓમાં, જો કે, રમણીકલાલ સોલંકી વિશેષપણે ગુજરાતી સમાજના વિવિધ સ્તરેથી અલિપ્ત બનતા ગયા હતા, તેથી હેરત અનુભવતો હતો.

જીવરાજ મહેતા - હંસાબહેન મહેતાનો રમણીકભાઈએ જેમ સંપર્ક મજબૂત કરેલો, તેમ એ પછીના દરેક ભારતીય ઉચ્ચ આયુક્ત જોડે સંબંધ કેળવેલો. વળી, એમને ત્યાં આ સાપ્તાહિકને પ્રતાપે “કુમાર”ના બચુભાઈ રાવત, ‘પરિચય ટૃસ્ટ’ના એક ટૃસ્ટી તેમ જ “કોમર્સ”ના તંત્રી વાડીલાલ ડગલી, આપણા વરિષ્ઠ સાહિત્યકાર ઉમાશંકર જોશી તથા નિરંજન ભગત પણ મહેમાન તરીકે પધાર્યા હતા. તે રીતે કેટલા ય સાધુસંતોની તથા પારાયણીઓની પણ આવનજાવન થતી રહેતી.

ભારતની અવારનાવ મુલાકાત લેતા, રમણીકલાલ સોલંકીનું અમદાવાદ ખાતે ટૂંકી માંદગી બાદ 01 માર્ચ 2020ના અવસાન થયું. આ સાપ્તાહિક ચાલુ રહે તેવી જોગવાઈ પરિવારે કરી છે.

“ગુજરાત સમાચાર”નો આરંભ, 1972ની 05 મેના દિવસે દિવંગત કુસુમબહેન શાહની રાહબરીમાં થયો હતો. મૂળે વઢવાણમાં 1930 દરમિયાન જન્મેલાં કુસુમબહેનના પિતા ચંપકલાલ સૌરાષ્ટૃના રજવાડાંઓમાં મહત્ત્વનો હોદ્દો ધરાવતા હતા. આઝાદી માટેની લડતમાં ય તેમણે ભાગ ભજવ્યો હતો. મુંબઈ યુનિવર્સિટીમાંથી ઉપાધિપ્રાપ્ત કુસુમબહેને 1961માં વિલાયતમાં સ્થળાંતર કરેલું. આરંભે 1962માં ‘હિન્દુ સેન્ટર’ની સ્થાપનામાં અગ્રગણ્ય ભાગ ભજવેલો, તેમ 1964 વેળા ‘ઇન્ડિયા વેલફેર સોસાયટી’ની રચનામાં ય  અગ્ર હરોળે ખૂંપી ગયેલાં. વળી, ‘મહાત્માં ગાંધી ફાઉન્ડેશન’ તેમ જ ‘ઇન્ડિયા ઓવરસીઝ કાઁગ્રેસ’માં ય મહત્ત્વના હોદ્દે રહી ચૂકેલાં. આવાં આ અગ્રગણ્ય હિંદી શહેરીએ “ગુજરાત સમાચાર”ની સ્થાપના કરેલી. આરંભે એ પખવાડિક હતું અને પછીથી સાપ્તાહિક. આરંભના એ વરસો દરમિયાન, પ્રાણલાલ શેઠ, નલિનીકાન્ત પંડ્યા, બલવંત કપૂર, યુદ્ધવીર જેવા જેવા અગ્રગણ્ય હિંદી આગેવાનો આ સાહસમાં સાથીદાર હતા. તત્કાલીન ભારતીય ઉચ્ચાયુક્ત અપ્પા સાહેબ પંત દ્વારા આ સામયિકનો શુભારંભ થયેલો.

કુસુમબહેન શાહે એકદા કહેલું, ‘“ગુજરાત સમાચાર”ને બ્રિટન અને યુરોપમાં પ્રતિષ્ઠિત બનાવવામાં બૌદ્ધિકો, લેખકો તેમ જ મારા સહકાર્યકરોએ પાયાનું કામ કર્યું છે.’ પખવાડિકમાંથી અઠવાડિક બનેલું આ સાપ્તાહિક 1972થી 1976 સુધી કુસુમબહેનના તંત્રીપદે જ ચાલ્યું. તે પછી તેના માલિકી હક ચન્દ્રકાન્ત બાબુભાઈ પટેલને વેંચી દેવાયા. આ ફેરબદલીના આરંભના તેરેક મહિના વિપુલ કલ્યાણી તંત્રીપદે હતા અને ચન્દ્રકાન્ત પટેલ પ્રકાશક.

વિપુલ કલ્યાણીને છૂટા કરાયા તે પછી કેટલોક વખત જાણીતા પત્રકાર શિવ ઐય્યરે તંત્રીપદ સંભાળેલું. કેટલાક મુદ્દે, શિવ ઐય્યર “ગુજરાત સમાચાર”ને આ મુલકે પત્રકારત્વનું નિયમન કરતી અધિકારી સંસ્થા સમક્ષ લઈ ગયેલા, અને તેમાં ચૂકાદામાં સામયિકની તેમ જ માલિક-સંચાલકની વખોડણી કરાઈ હતી. તે પછી જયંતીલાલ ઠાકર ‘જયમંગલ’ વાટે ધૂરા સંભાળાઈ હતી. તે પછીના ગાળામાં ઉપેન્દ્ર ગોર, હીરાલાલ શાહ વગેરેની અજામયશ હતી. પરંતુ, લાંબા અરસાથી ચંદ્રકાન્ત બી. પટેલ ખુદ પોતે તંત્રીપદ સંભાળે છે, પરંતુ જ્યોત્સ્નાબહેન શાહ તથા કોકિલાબહેન પટેલ વ્યવહારમાં કાર્યરત રહ્યાં છે.

આ બધું છતાં, આ સામયિક આગામી મે માસ વેળા પચાસ વર્ષ પૂરાં કરશે અને વનપ્રવેશ કરશે. તળ ગુજરાતની, બૃહદ્દ ગુજરાતની વિવિધ બાતમીઓને આવરી લેતા આ સાપ્તાહિકમાં ગુજરાતના કેટલાંક જાણીતા કોલમ લખનારાઓના લેખો નિયમિતપણે પ્રગટ થાય છે. સમય સમય પર સ્થાનિક લખનારાઓની લેખની પણ જોવા સાંપડે છે.

મકરન્દ મહેતાના કહેવા મુજબ, “ગુજરાત સમાચાર” અને તેનું સાથી અંગ્રેજી સામયિક ‘એશિયન વૉઇસ” નવાચારી પત્રો છે અને તેમણે બ્રિટનમાં ગુજરાતીઓ તેમ જ એશિયનોની અસ્મિતાના પ્રસારણમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.

“ગરવી ગુજરાત” તથા “ગુજરાત સમાચાર” સમાચારપત્રો છે, જ્યારે 1995થી વિપુલ કલ્યાણીના તંત્રીપદેથી પ્રગટ થતું “ઓપિનિયન” વિચાર-સામયિક છે. મકરન્દભાઈ અને શિરીનબહેન કહે છે તેમ, ‘વસ્તુત: તો વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ગુજરાતી ડાયસ્પોરાને ધરી પર રાખીને તેની રાજકીય, સમાજશાસ્ત્રીય, સાહિત્યિક, ભાષાકીય, આર્થિક અને ભાવનાપ્રધાન ચર્ચા-વિચારણા કરનાર જો કોઈ માસિક હોય તો તે લંડનથી પ્રસિદ્ધ થતું “ઓપિનિયન” છે. તેની પ્રતીતિ પહેલા અંકના ભીખુ પારેખના લેખ ‘પથરાયેલા ઘરની દાસ્તાન’થી જ થાય છે. ગુજરાત અને વિદેશોમાંથી છપાતાં કોઈ પણ સામયિકે આ વિષય પર આવી ચર્ચાઓ કરી નથી.’

શિરીનબહેન અને મકરન્દભાઈ મહેતાની બેલડીએ નોંધ્યું છે, ‘બ્રિટનમાં વસતા ગુજરાતી સમાજમાં ભાષાને જીવતી રાખવા અને વિકસાવવાના ઘણા પ્રયત્નો થાય છે. ગુજરાતી સાહિત્ય અકાદમી અને “ઓપિનિયન”નો એક મહામંત્ર ‘ગુજરાતી સાંભળીએ, ગુજરાતી બોલીએ, ગુજરાતી વાંચીએ, ગુજરાતી લખીએ, ગુજરાતી જીવીએ’ છે.’ અને પછી ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રીને ટાંકીને વાસ્તવિકતા છેડતાં કહે છે, અહીં આટલી મોટી સંખ્યામાં − ગુજરાતી સમાજમાં − “ઓપિનિયન”નો ગ્રાહકવર્ગ ફક્ત 200 જ ! અને ગુજરાતી સાહિત્ય અકાદમીના સભ્યોની સંખ્યા કેટલી ? શરમજનક આંકડાઓ આપણી સમક્ષ રજૂ થાય ! અને ગુજરાતી અખબાર − “ગરવી ગુજરાત” અને “ગુજરાત સમાચાર” તેમ જ “અમે ગુજરાતી”ના વાચકો કેટલા ? નવી પેઢીના વાચકો નહીંવત્‌ સંખ્યામાં છે.

“ઓપિનિયન”ના પહેલા જ અંકમાંની નોંધનો આશરો લઈ, મહેતા દંપતી નોંધે છે, ‘ગુજરાતી ભાષા અને સંસ્કૃતિની સંભાળ કોઈ એક વ્યક્તિની જવાબદારી નથી. દરેક ગુજરાતીની એ ફરજ છે અને દરેક ગુજરાતીના ઘરમાં તેનું પોષણ અને પ્રગતિ જરૂરી છે …’ ‘મંગળ ચોઘડિયે ધરીએ ભોગ રુચિર’ મથાળાવાળા એ અગ્રલેખનું આ અવતરણ પ્રયાપ્ત લેખાય :

‘ … આ સામયિક વિશે શું વાત કરીએ ? ગુજરાતમાં આ પ્રકારના પ્રયોગો પૂરતા સફળ થયા નથી. એની સાધારણ જાણકારી છે. વળી, અખબારોને જાહેરાત વગર નભવું સહેલું નથી, એની જાણ છે અને છતાં આ સાહસ ! સમાજને એ જરૂરી હશે ત્યાં સુધી ચાલશે. છેવટે માણસનો અંત છે, એમ સંસ્થાનો ય અંત છે. એમાં છાપું ય આવી જાય ! અમારી પાસે જે કંઇ કસબ છે એનો આ એક અખતરો કરવા ધારણા છે. ગ્રાહકદેવને રીઝવવા જ છાપું કાઢવું નથી. અમને જે દેખાય છે એ જ વાત ઘૂંટી ઘૂંટીને કહેવી છે, લખવી છે અને આપવી છે. પરિણામે વાચકો આમ ઓછા જ રહેવાના ! આનું કોઈ દુ:ખ ન હોય; એનો સ્વીકાર છે.’

“ઓપિનિયન” આરંભના પંદર વર્ષ મુદ્રિતસ્વરૂપે પ્રગટ થતું રહ્યું. તે પછીના ત્રણ વરસ ડિજીટલ અવતરણમાં રહ્યું. અને તે પછી તે હવે ઇન્ટરનેટ પર રોજ-બ-રોજ વિસ્તરતું ગયું છે. આજે તેની પોતીકી વેબસાઇટ છે.

વર્ષ 2005માં “ઓપિનિયન”ની દશવાર્ષિકીનો ઉત્સવ યોજાયો હતો. ચોમેરથી પત્રકારો, લેખકો, વિચારકો, વાચકો મેળે હીલોળા લેતા હતા. ટાંકણે ‘ગુજરાતી પત્રકારત્વ એટલે ખાળે દાટા અને દરવાજા ઉઘાડા’ નામે લોકઅદાલત ભરાઈ હતી. ‘ગુજરાતી પત્રકારત્વની ખબર પૂછવા અને ખબર લેવાના આ કામને અસ્મિતા પર્વ સિંહાસને બેસાડાયું હતું, તેમ જાણીતાં ગુજરાતી કવયિત્રી અને લેખિકા લતાબહેન હીરાણીએ “નિરીક્ષક”માં નોંધ્યું છે. આ લોકઅદાલતના ન્યાયમૂર્તિપદે દાઉદભાઈ ઘાંચી બિરાજમાન હતા. કેફિયત ને રજૂઆત માટે હાજર હતા પાકિસ્તાનના એક અગ્રગણ્ય પત્રકાર-લેખક-કવિ હયદરઅલી જીવાણી, બ્રિટનના વિચારક ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી, અમેરિકાથી આવેલા હરનિશભાઈ જાની, બ્રિટનના મનસુખભાઈ શાહ અને પછી આવ્યો વારો ગુજરાતીના એક શિરમોર પત્રકાર પ્રકાશભાઈ ન. શાહનો. દાઉદભાઈ સમાપન કરતાં કરતાં કહેતા હતા : ‘તળ ગુજરાતથી અલગ રહીને પણ અહીં ગુજરાતી પત્રકારત્વ વિશે આટલી ચર્ચા થઈ. તળ ગુજરાતમાં પણ આવી ચર્ચા થાય એવું ઈચ્છીએ.’ દાઉદભાઈએ ઠોસપૂર્વક લોકઅદાલતને આટોપતાં કહ્યું હતું કે સાંસ્કૃતિક સ્તરે જ આપણે સંગમસ્થાન ઊભું કરી શકીએ, અન્યથા નહીં. 

બ્રિટનના ગુજરાતી પત્રકારત્વનું ભાવિ કેવું હશે તેનો કોઈ પણ વિશ્વસનીય અંદાજ કાઢવો મુશ્કેલ છે, તેમ શીરિનબહેન - મકરન્દભાઈ મહેતાનું માનવું છે. મહેતા દંપતી કહે છે, ‘પણ જે ઝડપથી જૂની પેઢીનું આધિપત્ય ઘસાતું જાય છે અને ગુજરાતી ભાષા પ્રત્યે લગભગ બેધ્યાન હોવા છતાં પણ વધારે શક્તિશાળી, ગતિશીલ અને તરવરાટવાળી પેઢીનો સૂરજ તપતો જાય છે. તે જોતાં એમ લાગે છે કે જો પત્રકારત્વ સારી રીતે ચલાવવું હશે તો યુવાનો સાથે એક્ટિવ સંવાદ રચવો પડશે. યુવા પેઢીનાં સ્ત્રી-પુરુષો તેમનાં લખાણો ગુજરાતીમાં પ્રસિદ્ધ કરે તો સોનામાં સુગંધ ભળે તેવું થશે. ગુજરાતી પત્રકારત્વના ઉજ્જવળ ભાવિ માટે નવેસરથી વિચારવાની જરૂર છે.’

ઉમાશંકર જોશીએ પાળ બાંધી આપી છે એ મુજબ ગુજરાતી ક્યાં ય કેવળ ગુજરાતી રહે તે પાલવે તેમ નથી, તે રહી પણ ન શકે, નહીં તો કોહવાઈ જાય. સંકીર્ણતાના પાયા પર ઉન્મેષ જાગતો નથી, એ ગુજરાતીને સતત કહેવું જ રહ્યું. છતાં યક્ષપ્રશ્ન તો છે જ : વિશ્વભરની આપણી આ જમાતને બૃહસ્પતિની પાળે એકસૂત્રી કોણ કરી શકશે ?

પાનબીડું :

બીજી તરફ છે બધી વાતોમાં હિસાબ હિસાબ,


અહીં અમારા જીવનમાં કશું ગણિત નથી.
                                                        

                                                  − ‘મરીઝ’

સંદર્ભ :

1. ‘બ્રિટનમાં ગુજરાતી ડાયસ્પોરા : ઐતિહાસિક અને સાંપ્રત પ્રવાહો’ - લેખક : મકરન્દ મહેતા, શિરીન મહેતા

2. “ઓપિનિયન” વિચારપત્ર, 26 સપ્ટેમ્બર 2002

3. https://opinionmagazine.co.uk 

4. “નિરીક્ષક”        

હેરૉ, 19 ફેબ્રુઆરી 2022

E.mail : [email protected]

પ્રગટ : “અખંડ આનંદ”, ઍપ્રિલ 2022; પૃ. 67-72

Category :- Ami Ek Jajabar / Ami Ek Jajabar

‘સર્વોદય’ શબ્દ, ભલા, આવ્યો ક્યાંથી ?

વિકિપીડિયા અનુસાર, ‘સર્વોદય’ શબ્દ મહાત્મા ગાંધી દ્વારા પ્રયોજવામાં આવ્યો હતો. એનો અર્થ 'દરેકના જીવનની દરેક બાબતની સંપૂર્ણ પ્રગતિ થાય' તેવો છે. ગાંધીના મતે આદર્શ સમાજ કે આદર્શ રાજ્યનું અંતિમ ધ્યેય 'સર્વોદય' છે. જૉન રસ્કિનનું 'અન્‌ટુ ધિસ લાસ્ટ' પુસ્તક વાંચીને ગાંધીજીએ 'અંત્યોદય'નો ખ્યાલ આપ્યો હતો. આગળ જતાં અંત્યોદયને બદલે 'સર્વોદય' શબ્દ પ્રયોજાયો.

રસ્કિનના ‘અન્‌ટુ ધિસ લાસ્ટ’ને આધારે મો.ક. ગાંધીએ ‘સર્વોદય’ નામે નાની સરખી ચોપડી આપી છે. નવજીવન દ્વારા 1922માં તેની પહેલી આવૃત્તિ થઈ. એ પહેલાં ‘ઇન્ડિયન ઓપીનિયન’માં આ લખાણ લેવાયું હોય, તેમ બને. ચોપડીની પ્રસ્તાવનામાં, લેખક કહે છે : ‘પશ્ચિમ દેશમાં સાધારણ રીતે એમ માનવામાં આવે છે કે વધારે માણસોનું(મૅજોરિટી)નું સુખ - તેઓનો ઉદય - એ વધારવાનું માણસનું કામ છે. સુખ એટલે માત્ર શારીરિક સુખ, પૈસાટકાનું સુખ, એવો અર્થ કરવામાં આવે છે. એવું સુખ મેળવવામાં નીતિના નિયમોનો ભંગ થાય તેની ખાસ દરકાર કરવામાં આવતી નથી. તેમ જ વધારે માણસોનું સુખ જાળવવું એવો હેતુ રાખ્યો છે, તેથી જો થોડાને દુ:ખ દઈને વધારેને સુખ અપાય તો તેમ કરવામાં હરકત છે એમ પશ્ચિમના લોકો માનતા નથી. એવું માનતા નથી તેનું પરિણામ આપણે પશ્ચિમના બધા મુલકોમાં જોઈએ છીએ.’

ઑગસ્ટ - ડિસેમ્બર 1860ના અરસામાં જ્હોન રસ્કિને ‘અન્‌ટુ ધિસ લાસ્ટ’ નામક નિબંધો ‘કૉર્નહિલ મેગેઝિન’માં પ્રકાશિત કર્યા. બધુ મળીને એ કુલ ચાર લેખો હતા. પ્રગટ થતા આ લેખો સામે તે દિવસોમાં વાચકોએ ભારે વિરોધ નોંધાવેલો. આમ જોવા જઈએ તો તે ભારે ઊહાપોહ હતો. પરંતુ રસ્કિને તે વિશે ધ્યાન આપ્યા વિના, મે 1862માં તેને પુસ્તકાકારે પ્રગટ કર્યું. ચિત્તરંજન વોરા સરીખા અભ્યાસી કહે છે તેમ રસ્કિને આ ભાતીગળ પુસ્તકમાં ‘અર્થશાસ્ત્ર સંબંધી એક જીવનકલાનો અભિગમ રજૂ’ કરેલો છે. સત્ય-અહિંસાના સર્વોત્તમ પૂજારી, મો.ક. ગાંધીનું ઘડતર કરવામાં આ પુસ્તકનું ભારે મોટું પ્રદાન છે.

છેવાડાની વાત સમજવા સારુ, જોન રસ્કિનકૃત ‘અન્‌ટુ ધિસ લાસ્ટ’ વાટે, બાઈબલનો સંદર્ભ પણ સમજવો જોઈશે. ઈસુ શિષ્યોને કહે છે કે ઈશ્વરનું રાજ્ય દ્રાક્ષની વાડીની વાર્તા માંહેના એક દ્રષ્ટાન્ત જેવું છે. અને આ ગ્રંથને ગુજરાતીમાં ઉતારનાર ચિત્તરંજન વોરા લખે છે, તેમ આ રસ્કિનકૃત ચોપડીના મથાળાનો ગુજરાતીમાં અર્થ પૂરેપૂરો રજૂ કરવો હોય તો લખવું જોઈએ કે ‘વેતનમાં ન્યાય પામવાનો હક્ક જેટલો પહેલાનો છે, તેટલો જ છેલ્લાનો પણ છે.’

‘હિંદ સ્વરાજ’ને ગાંધીનો મેનિફૅસ્ટો ગણાવતા જાણીતા વિચારક-લેખક-સંપાદક તેમ જ કર્મઠ કર્મશીલ કાન્તિભાઈ શાહે ‘હિંદ સ્વરાજ’ : એક અધ્યયન પુસ્તકમાં લખ્યું છે તે ધ્યાનાર્હ છે :

‘તેવામાં 1904માં એક મોટા સીમાચિહ્ન રૂપ ઘટના બની, જેણે ગાંધીના જીવનમાં ધરમૂળથી પલટો આણી દીધો. ગાંધીની વય ત્યારે 35 વરસની. એકાદ વરસથી એમણે ‘ઇન્ડિયન ઓપીનિયન’ નામનું સાપ્તાહિક શરૂ કરેલું. તે ડરબનથી નીકળતું. આ છાપાના કામ માટે ગાંધીને એક વાર જોહાનિસબર્ગથી ડરબન જવાનું થયું. ચોવીસ કલાકની ટેૃનની મુસાફરી હતી. એમના પરમ અંગ્રેજ મિત્ર મિ. હેન્‌રી પોલાક સ્ટેશને મૂકવા આવેલા. “આ પુસ્તક રસ્તામાં વાંચી શકાય એવું છે. તે વાંચી જજો. તમને ગમશે.” − એમ કહી એક પુસ્તક એમણે ગાંધીના હાથમાં મૂક્યું.

‘ટેૃન ચાલી. ગાંધીએ પુસ્તક હાથમાં લીધું. એમના જ શબ્દોમાં : “આ પુસ્તકને લીધા પછી હું છોડી જ ન શક્યો. તેણે મને પકડી લીધો. ટેૃન સાંજે ડરબન પહોંચતી હતી. પહોંચ્યા પછી આખી રાત ઊંઘ ન આવી. મેં પુસ્તકમાં સૂચવેલા વિચારો મૂકવાનો ઇરાદો કર્યો.”’

‘આત્મકથા’માં ગાંધીજીએ ‘રાયચંદભાઈ’ પ્રકરણના અંતે લખ્યું જ છે : ‘… મારા જીવન ઉપર ઊંડી છાપ પાડનાર આધુનિક મનુષ્યો ત્રણ છે : રાયચંદભાઈએ તેમના જીવનસંસર્ગથી, ટૉલ્સ્ટૉયે તેમના ‘વૈકુંઠ તારા હૃદયમાં છે’ નામના પુસ્તકથી, ને રસ્કિને ‘અન્‌ટુ ધિસ લાસ્ટ’ - સર્વોદય નામના પુસ્તકથી મને ચકિત કર્યો.’

માર્ચ ૧૯૦૪માં જ્યારે ગાંધીએ રસ્કિનનું પુસ્તક 'અન્‌ટુ ધિસ લાસ્ટ' પુસ્તક વાંચ્યું, ત્યારે તેના વિશે એમણે પોતાની આત્મકથામાં લખ્યું છે : "આ પુસ્તકને લીધા પછી હું છોડી જ ન શક્યો. તેણે મને પકડી લીધો. પુસ્તકમાં સૂચવેલા વિચારો અમલમાં મૂકવાનો મેં ઇરાદો કર્યો.”

રસ્કિનના આ પુસ્તકમાંથી ગાંધીને નવા દર્શનની પ્રેરણા મળી. આ પુસ્તકના સારરૂપ સર્વોદયના મુખ્ય સિદ્ધાંતો એમણે આ મુજબ સમજાવ્યા છે :

સર્વની ભલાઈમાં આપણી ભલાઈ છે.

વકીલ અને વાળંદ બંનેના કામની કિંમત એકસરખી હોવી જોઈએ કેમ કે સ્વરોજગારી માટે દરેકને એકસરખો અધિકાર મળવો જોઈએ.

સાદું અને પરિશ્રમયુક્ત ખેડૂતનું જીવન જ સાચું જીવન છે.

સર્વોદયનો સિદ્ધાંત એવા વર્ગ, જાતિવિહીન અને શોષણવિહીન સમાજની સ્થાપના કરવા ચાહે છે કે જેમાં દરેક વ્યક્તિ અને સમૂહને, દરેકને પોતાનો સર્વાંગી વિકાસ કરવાનો મોકો મળે. અને એમાં પણ ગરીબોનું સ્થાન વિશેષ છે. ગાંધીએ લખ્યું છે કે મારા સ્વરાજ્યનું સ્વપ્ન એ ગરીબોનું સ્વરાજ્ય છે.

પ્રાધ્યાપક એમ.એલ. દાંતવાલા લખે છે, ‘ગાંધીજીએ ‘અન્‌ટુ ધિસ લાસ્ટ’ વાંચ્યા પછી અનુભવ્યું તે, એમણે લખ્યું : “આ પુસ્તકના આદર્શ મુજબ મારું જીવન બદલવાનો મેં નિશ્ચય કર્યો … જે થોડાં પુસ્તકો મેં વાંચ્યા છે તેને હું ઠીક પચાવી શક્યો છું, એમ કહી શકાય તેવાં પુસ્તકોમાં જેણે મારી જિંદગીમાં તત્કાળ મહત્ત્વનો રચનાત્મક ફેરફાર કરાવ્યો, એવું તો આ એક જ પુસ્તક કહેવાય.’ … (આત્મકથા, પાન 272) વળી અન્યત્ર એમણે કહ્યું છે : ‘અન્‌ટુ ધિસ લાસ્ટ’ એ શબ્દોમાં જે આશય છે તેને હું વળગી રહું છું … ‘અન્‌ટુ ધિસ લાસ્ટ’માં કહેલા સિદ્ધાન્ત પાળવાનું ને તેનો અમલ કરવાનું ખાસ જરૂરી છે, એમ હું માનું છું. તે સિવાય માણસ જાતિ તેના બંધુતા અને સમાનતાનાં ધ્યેયને જીવનમાં ઉતારી શકે નહીં અને આગળ વધી શકે નહીં.”(‘હરિજન, 25 ઑગસ્ટ 1946, પાન 281)

બાઇબલમાં સંત મેથ્યુને નામ એક કંડીકા છે. તે સરસ છે. ચિત્તરંજનભાઈએ તેનું રોચક ગુજરાતી કર્યું છે :

‘ભલા માણસ, હું તને તો કંઈ અન્યાય કરતો નથી,
તેં શું મારી સાથે મહેનતાણાની એક પેની કબૂલી ન હતી ?
તો પછી જેટલું તારું થાય છે તેટલું લઈને તો તારે રસ્તે પડ.
હું તો જેટલું તને તેટલું આ છેલ્લાને પણ આપીશ …’

આમ અહીં છેવાડાના માણસની વાત આવી … ગાંધીએ તદાનુસાર પોતાનું જીવન બદલવાનું રાખ્યું. ‘ઇન્ડિયન ઑપીનિયન’ના સંચાલનમાં ય તેને દાખલ કર્યું. તે સમયે આ જબ્બર ક્રાન્તિકારી પગલું લેખાયું. ડરબન પાસેની ફિનિક્સ વસાહતમાં પણ તે પ્રકારના વિચારને આચરણમાં લાવવામાં આવ્યું. ‘ઇન્ડિયન ઑપીનિયન’માં કામ કરનાર દરેકને વળતર તરીકે એક સરખું વેતન આપવાનું દાખલ થયું. ફિનિક્સ વસાહતમાંના વસવાટીને ય તદાનુસાર વળતર ચૂકવાતું. અને આ પ્રયોગ લાંબા અરસા સુધી કાયમ રહ્યો. જ્હોનિસબર્ગ પાસેની તોસ્લસ્તોય વાડીમાં ય આ પ્રયોગ દાખલ કરાયો હતો.

ગાંધી 1914માં દક્ષિણ આફ્રિકા છોડીને 1915ના આરંભે હિંદ પાછા ફર્યા હતા. તે પછી લાંબા અરસા સુધી તેનું ચલણ ચાલુ હતું. પરંતુ, હવે કદાચ સાપ ગયા અને લિસોટા રહ્યા …

રસ્કિન દીધા છેવાડાના માણસને ધ્યાનમાં લેવાની વાત, કે પછી ‘વૈકુંઠ તારા હૃદયમાં છે’-નો નાદ  ગજવનાર ટૉલ્સ્ટૉયની વાત કે વળી ગાંધીએ પ્રબોધેલા સર્વોદયની વાત જગતમાં, ભલા, કેટલે નભી હશે ? માર્ક્સવાદ તેમ જ સમાજવાદની અસર ચોમેર વર્તાવા લાગી તેમાં નીચલા સ્તરના સમાજને આવરી લેવાની વાત જરૂર છે, પણ તે બાબત સર્વોદય બનતી નથી. પશ્ચિમના કંઈકેટલા મુલકોમાં ‘કલ્યાણરાજ’ની કલમો રાજ કરતી ભાળીએ તેમાં ય આ સર્વોદય દેખા દેતો નથી. હા, છેવાડાના માણસની વાત નજર અંદાજ કરાઈ નથી, તેમ જરૂર વર્તાય.

આ પરિસ્થિતિ તપાસી લેવી રહી. પૂછીએ, જાણીએ કે અહીં ક્યાં ય સર્વોદયની ભાળ મળે છે કે ? તેની હાજરી વર્તાય છે કે ?

ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકે, ફિનિક્સ આશ્રમમાં, સર્વોદયની પ્રયોગભૂમિ સંવારવામાં હતા તે દિવસોમાં રશિયામાં લેનિન અને તેના સાથીદારો માર્ક્સ દીધા સામ્યવાદનો પરચમ લહેરાવવામાં વ્યસ્ત હતા. એમના એ આંદોલનમાં ગરીબ માણસની વાત કેન્દ્રસ્થ રહી. 1917માં ત્યાં સામ્યવાદ સ્થપાયો. ચોપાસ વિસ્તર્યો. તેમાં છેવાડાના માણસને જોડ્યો જરૂર હતો, પરંતુ તેમાં રસ્કિન, ગાંધી દીધા સર્વોદયની લગીરે ઝાંખી સુદ્ધાં નહોતી. આ સામ્યવાદના બીજાત્રીજા અવતાર ચીન સમેત કેટલેક ઠેકાણે જોવા મળ્યા છે. પરંતુ તેમાં હિંસાનું આચરણ જોડાયું. શાસકે શાસનને સારુ કોઈ પણ માર્ગ અપનાવવાના રાખ્યા છે. હવે તો રશિયામાં ય સામ્યવાદી શાસન નથી પણ તેના લિસોટા વર્તાય છે.

સામાન્ય માણસની વાતને લઈને પશ્ચિમ યુરોપમાં સમાજવાદની અસર વધવા માંડી, અને તેમના પ્રચાર અને પ્રભાવ હેઠળ ક્યાંક કલ્યાણરાજની ગોઠવણ પણ થઈ. સામાન્ય લોકોની સગવડ કેટલેક અંશે સચવાતી લાગે પણ આ આખું તંત્ર ખર્ચાળ બની બેઠું. વરસેવરસે શાસકો તેમાં કાપ મૂકતા ગયા છે. પરંતુ આમાં પણ ક્યાં ય સર્વોદયની હાજરી વર્તાઈ જાણી નથી.

જેમ સામ્યવાદ નિષ્ફળ રહ્યો છે તેમ મૂડીવાદ પણ નિષ્ફળ રહ્યો છે. ગાંધી દીધા હિંદ સ્વરાજને આધારે તેમ જ આ સર્વોદયના પ્રયોગને આ જગતે જોવો બાકી છે. કમભાગ્યે અત્યારે તો આ સઘળું આ વ્યવહારલક્ષી જગતને ચોક કલ્પનામંડિત રાજ્યવ્યવસ્થાથી વિશેષ કંઈ પણ હોય તેમ અનુભવાતું નથી.

e.mail : [email protected]

હેરૉ, 26 જૂન 2021 - 21 જુલાઈ 2021

પ્રગટ : “કોડિયું” ‘સર્વોદય’ વિશેષાંક, જાન્યુઆરી 2022; પૃ.  345-347

Category :- Ami Ek Jajabar / Ami Ek Jajabar