બજેટ 2024 પછી મધ્યમવર્ગને પોતીકી લાગતી મોદી સરકાર અજાણી લાગવા માંડી છે ? — શું મધ્યમવર્ગને મોદી સરકારની અર્થતંત્રની સમજ અંગે શંકા જવા માંડી છે?
નિર્મલા સિતારમણ અને ભા.જ.પા.ની કેન્દ્રમાં સત્તાના ત્રીજા દોરના બજેટની ચર્ચા શમતી નથી. યુનિયન બજેટ કરતાં તો બજેટની જાહેરાત પછી બનેલાં મિમ્સ વધારે રસપ્રદ હતા. બજેટ બળાપાની મોસમ લાંબી ચાલવાની છે, એ ચોક્કસ. અમૃતકાળને નામે કેન્દ્ર સરકાર કંઇપણ ઝીંકી રહી છે અને આપણે બધાં એ વેઠવા સિવાય બીજું કંઇ કરી શકીએ તેમ નથી. બજેટની જાહેરાત થઇ એ પછી લોકો પોતે શું કરશે તો કરવેરો ભરવાનો વખત આવશે તેની યાદી બનાવવામાંથી નવરા નથી પડ્યા. મોદી સરકાર પર સૌથી વધારે ભરોસો મધ્યમવર્ગને હતો અને એક ટોક્સિક બૉયફ્રેન્ડની માફક મોદી સરકાર આડું-તેડું ઉપર-નીચે કશેય જોયા વિના આ ભરોસો તોડી રહી છે.
લાંબા સમય સુધી ભારતીય પ્રજા બચતમાં માનનારી પ્રજા જ રહી છે. આપણે આપણાં બધાંયનાં માતા-પિતાઓને બચત કરતાં, બચતની વાત કરતાં અને બચત કરવાના રસ્તાઓ શોધતાં જોયા છે. દોઢેક દાયકા પહેલાં એવો ફેરફાર આવ્યો કે મધ્યમવર્ગ બચતને બદલે રોકાણ તરફ વળ્યો. રોકાણ કરવું એટલે કે તમારી પાસે જે કમાણી છે તેનું રોકાણ કરી વધુ કમાણી કરવી. અંગ્રેજીમાં એને માટે શબ્દ છે – વેલ્થ ક્રિએશન અને ગુજરાતીમાં એક વાક્ય પ્રયોગ છે કે તમારો પૈસો તમારા માટે પૈસા કમાઇ લાવે એ જરૂરી છે. બચતમાંથી રોકાણ પર જતાં ભારતીય મધ્યમવર્ગને ખાસ્સો લાંબો સમય લાગ્યો કારણ કે આવડત, પહોંચ, પગારધોરણો, મોંઘવારી, બેરોજગારી એ બધાનો ચક્રવ્યૂહ પેચીદો છે. વળી રોકાણ કરવામાં કંઇ ખોટું નથી એ સમજવામાં પણ આપણને સમય લાગ્યો. માંડ માંડ રોકાણોની દિશામાં મધ્યમવર્ગે પોતાની ઝડપ પકડી અને નાણાં મંત્રીએ એવા તમામ વિકલ્પો પર એક યા બીજી રીતે કરવેરો ઝીંકી દીધો, જ્યાં મધ્યમવર્ગે રોકાણ કરીને પોતાની મહેનતનાં પૈસાથી જ થોડા વધારે પૈસા કમાવાનો પ્રયત્ન કરવાનું શરૂ કર્યું હતું. હોંશે હોંશે નરેન્દ્ર મોદીને મત આપનારા અને 400 પારના ઠેકડા મારનારા મધ્યમવર્ગના મ્હોંએ હવે તાળું મરાઇ ગયું છે કારણ કે મોદીનોમિક્સની આંટીઘૂંટી જે તેમને પહેલા વિકાસ અને પ્રગતિનો પથ લાગતી હતી તે હવે ભૂલભુલૈયા લાગે છે. અમૃતકાળ તો આવતા આવશે પણ અત્યારે તો ભા.જ.પા. અને મોદી સરકારને વફાદાર મધ્યમવર્ગને વધારે કરવેરા ભરવાનો વખત આવ્યો છે.
સ્ટૉક્સ અને ઑપશન્સની કમાણી પર વેરો નખાયો તો મોંઘાવરી સામે મિલકત વેચવા કાઢે ત્યારે જે ઇન્ડેક્સેશનનો લાભ મળતો હતો એ પણ હાથથી ગયો. લક્ઝરી ગૂડ્ઝ ટેક્સ પણ કમાલની ચીજ છે, મોંઘીદાટ વસ્તુ ખરીદવા પૈસા બચાવનારને તગડો ટેક્સ ભરવાનો આવશે પણ જે અતિ ધનિક હશે એ તો વીકેન્ડમાં દુબઇ જઇને બેને બદલે ચાર મોંઘી વસ્તુ લઇને પાછો આવી જશે અને ભારતીય ટેક્સના બોજથી પણ બચી જશે. કેન્દ્ર સરકાર સરળીકરણનું બહાનું આપીને બચાવ કરે છે અને સતત એમ મનાવવાનો પ્રયાસ કરે છે કે આ બધું કંઇ વધારે આવક એકઠી કરવા નથી કરાયું. વ્યક્તિગત કરવેરો કુલ કર આવકના 30 ટકા છે જે કંપનીઓ પાસેથી મેળવાતી 26 ટકા કર આવકથી પણ ચાર ટકા વધારે છે. 1.4 બિલિયન મધ્યમવર્ગીય ભારતીયો જે આ કરવેરાનો બોજ ઉપાડે છે તે એવા 800 મિલિયન ભારતીયો વચ્ચે પીસાય છે જેમાં ગરીબીની રેખા નીચે અથવા તેની નજીક જીવનારા અને મફતનું રાશન માંગનારા લોકો છે તો લગ્નોમાં 5,000 કરોડ ખર્ચી નાખનારા તવંગરો છે. દસમાંથી આઠ ભારતીયોને મહિને નિયમિત પગાર મળે છે અને તેમાંથી દસ ટકાથી ઓછાં મહિને પચાસ હજારથી વધુ કમાતા હશે. અમૃતકાળની રાહ જોતો અથવા તો અમૃતકાળ માટે તૈયાર દેશ, ક્રેડિટ કાર્ડ સહિતની રિટેલ લોન્સ, અસલામત દેવાઓ અને મોંઘવારી વચ્ચે આમથી તેમ ઝોલાં ખાઇ રહ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન વિરોધ પક્ષ પર શબ્દોના બાણ ચલાવનારા મોદીએ – તેઓ આ લઇ જશે, તે લઇ જશે, નળ કાઢી જશે અને બેમાંથી એક ભેંસ લઇ જશે – એવા વિધાનો કર્યા હતા. હવે બધું લઇ જવાનું કામ મોદી સરકાર જ કરી રહી છે.
મણિપુર હોય કે લદાખ હોય કે પછી મોરબી જ જોઇ લો, અને હા નવા સંસદ ભવનમાં ફેલાયેલું પાણી હોય – નરેન્દ્ર મોદીની સરકાર જે કરે એ બરાબર જ હોય એવું કહેનારાઓ બજેટને મામલે કોઇપણ પ્રકારનો અભિપ્રાય આપી શકે તેમ નથી. જ્યારે કોઇ રાજકીય વિચારધારાને લોકો ટેકો આપે – પોતાની વૈચારિક, સામાજિક અને આર્થિક ક્ષમતા સાથે – ત્યારે તેમને એવી અપેક્ષા હોય કે આ લોકો જે કહે છે એ કરશે – પણ ભક્તિમાં તેઓ એ જોવાનં ભૂલી જાય છે કે ખાસ કરીને ભા.જ.પા. દ્વારા આર્થિક બાબતોને લગતી કોઇ નક્કર વાત ક્યારે ય કરાઇ જ નથી. બધા ગપગોળા અને અષ્ટમ્પષ્ટમ્ વાતો ચાલતી આવી છે. હિંદુવાદ, વિકાસ, સ્વરાજ, પ્રગતિ, ગૌરક્ષા, અયોધ્યા, મુસલમાનોની વિરોધમાં દેકારો જેવા મુદ્દાઓ પર ભા.જ.પા. ઊગી છે, ઊભી થઇ છે અને જીતી છે. ખાનગીકરણને આગળ કરનારી આ સરકાર જાહેર સાહસોને નુકસાન નહીં કરે પણ તેમના વિસ્તાર પર પણ ધ્યાન નહીં આપે કારણ કે પક્ષના અર્થતંત્ર માટે ખાનગી સાહસો વધારે અગત્યનાં છે. આ વાત માત્ર મોદી સરકારના વખતની ભા.જ.પા.ની નથી, પણ જ્યારથી ભા.જ.પા.નું અસ્તિત્વ છે ત્યારથી માંડીને આજ સુધી અર્થતંત્ર અંગે કોઇ નક્કર મુદ્દાઓ રજૂ થયા હોય એવું બહુ બન્યું નથી. મધ્યમવર્ગ જે બે છેડા ભેગા કરવામાં, સમાજમાં આગળ આવવામાં જ પોતાની જિંદગી પસાર કરતો હોય છે તેને હવે ભા.જ.પા.થી અળગું લાગે છે. મોદી સરકારે ગરીબોને ખુશ કરવાના મોહમાં મધ્યમવર્ગનો રોષ વહોરી લીધો છે.
મધ્યમવર્ગને અવગણીને મોદી સરકારે જોખમ વહોર્યું છે. આ જ મધ્યમવર્ગે રાજીવ ગાંધીને સત્તા આપી તેને વખાણ્યા બાદ તેનો વિરોધ કર્યો હતો. વી.પી. સિંઘ સાથે પણ એમ જ થયું હતું અને મનમોહન સિંઘને વધાવનારા મધ્યમવર્ગને યુ.પી.એ. II સત્તા પર આવી ત્યાં સુધીમાં તેમના પરથી પણ મન ઉઠી ગયું હતું.
ચેન્નઇ એક્સપ્રેસ ફિલ્મમાં એક સંવાદ છે, “નેવર અંડરએસ્ટિમેટ પાવર ઑફ અ કોમન મેન” – રાજકારણીઓએ મધ્યમવર્ગના સંદર્ભે આ સંવાદ કોઇ કાળે ભૂલવો ન જોઇએ. રાષ્ટ્રનો મિજાજ નક્કી કરવાની સત્તા આ મધ્યમવર્ગમાં જ છે. મોટેભાગે રાજકારણીઓ સત્તા મળ્યા પછી મધ્યમવર્ગનું મહત્ત્વ ભૂલી જતા હોય છે. નરેન્દ્ર મોદીએ શરૂઆતનાં વર્ષોમાં તો મધ્યમવર્ગને સાથે રાખ્યો પણ હવે એ પણ બીજા રાજકારણીઓ જેવા જ સાબિત થઇ રહ્યા છે. એમાં એમનો કોઇ વાંક પણ નથી કારણ કે એ કંઇ સુખડ કે સોનામાંથી બનેલા રાજકારણી તો છે નહીં. આ નકારાત્મક ઝૂકાવને બદલવાનો એક જ રસ્તો છે – મધ્યમવર્ગને, પોતાના ટેકેદારોને બહેતર ભવિષ્યની અને દેશના ઘડતરમાં – પોતાની સત્તામાં – તેમના યોગદાનનું મૂલ્ય છે અને રહેશેની ગેરંટી આપવી. જો કે અત્યારે, ખાસ કરીને બજેટ પછી આ સરકાર એવું કશું ય કરવાના મૂડમાં હોય એવું લાગતું નથી.
મોંઘવારી મધ્યમવર્ગનો પગાર ખાઇ રહી છે, ટેક્સ ભરીશું તો સામે શું મળશે એની કોઇ ખાતરી નથી. અફલાતુન ટ્રેન્સના વચનો વારંવાર થતા ટ્રેન અકસ્માતોની વચ્ચે ભૂલાઇ ગયા છે, શિક્ષણ નીતિમાં પુસ્તકોના કેસરીકરણથી વધુ કંઇ દેખાઇ નથી રહ્યું, સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર્સ લીક થાય છે તો કોચિંગ સેન્ટરના ધંધાની ગેરરીતિઓમાં વિદ્યાર્થીઓ મોતને ભેટે છે. મધ્યમવર્ગને હળવાશથી લેનારી સરકારે ચેતી જવું પડશે નહીંતર મધ્યમવર્ગ સરકારને હળવાશથી ઉથલાવી શકે છે એ તેના પુરાવા મળતા વાર નહીં લાગે.
પ્રગટ : ‘Business મિત્ર plus’ પૃષ્ટ, “ગુજરાતમિત્ર”, 05 ઑગસ્ટ 2024; પૃ. 08