આપણી શિક્ષણ પદ્ધતિ એક વિસિયસ સર્કલ છે, જે બસ આંખે પાટા બાંધીને ગોળ ગોળ ફરે જ રાખે છે .. અહીંયા દરેક ઘરે બાળકોને કયા માધ્યમમાં ભણાવવા, એ વિશે મત મતાંતર જોવા મળે છે. આપણે એટલા બધા અસ્પષ્ટ છીએ કે એનો અંત દેખાતો નથી. વિશ્વના કોઇપણ દેશમાં પ્રાથમિક શાળામાં બાળકને કયા માધ્યમમાં બેસાડવો, એની માથાકૂટ કરવાના કલાકોની ગણતરી કરવામાં આવે તો 1 થી 10 ક્રમમાં ભારતીયો જ આવે. અન્ય કોઈપણ દેશમાં કમસેકમ આવા દુર્ભાગ્યનો શિકાર તો નહીં જ હોય. અહીંયા તો બાળક ગુજરાતી માધ્યમ દાખલ થાય કે ઇંગ્લિશ માધ્યમમાં, બન્ને માધ્યમમાં પોતાનાં બાળકને બેસાડવાવાળા વાલીને પણ પોતાના મનમાં પોતાના નિર્ણય પર ખરેખર અવિશ્વાસ હોય છે! એ હું તાંબાના પતરા પર લખી આપું.
મૂળમાં હું અવ્યવસ્થામાં વ્યવસ્થા શોધવા માટેના પ્રયત્નો કરતો હોઉં છું. આપણું પ્રાથમિક શિક્ષણ અત્યારે એક પાગલખાનાથી પણ વધુ વિશેષ છે. શું કામ? અઢી વર્ષનાં બાળકને પરાણે સવારે ૮ વાગ્યે ઉઠાવીને નવ વાગ્યે પ્લે હાઉસ ભેગો કરવામાં આવે છે. 6 વર્ષનો થાય એટલે પેલા ધોરણમાં પીલવા માટે ફેંકી દેવામાં આવે છે. એની બુદ્ધિને વિકસવાનો શ્રેષ્ઠ સમયગાળો આવી રીતે કુદરત સાથે વિતાવવાની જગ્યાએ રાડો પાડતી મૅડમો વચ્ચે વેડફી દેવામાં આવે છે.
પ્રાથમિક શાળામાં ધોરણ છથી આઠમા હજુ પણ વેલેસ્લીની સહાયકારી યોજના, યુરોપિયન પ્રજાનું આગમન (છોકરાઓને એના તાલુકા, જિલ્લા, રાજ્યો, ભારત માંડ માંડ ભણાવી શકાય છે એ પરિસ્થિતિમાં) પ્લાસીનું યુદ્ધ, ડેલહાઉસીની ખાલસા નીતિ, વોરન હેસ્ટીંગઝની નીતિ, વિલિયમ બેંટીકના સુધારાઓ, 1857નો સંગ્રામ, લોદી, તુઘલક, બાબરની વંશાવલી વગેરે વગેરે ભણાવવામાં આવે છે, પણ … પણ પણ હું માનું છું કે ઇતિહાસ ભણવા માટેની આ ઉંમર નથી. કોણે કોને માર્યો, શહીદી વહોરી, ફાંસીને માંચડે લટકાવ્યા, અંધાધૂંધ ગોળીબાર કર્યો, કોરડા ફટકાર્યા, બોમ્બ બ્લાસ્ટ કર્યો. આ કરતાં બુદ્ધ, મહાવીર, નાનક, મીરાં, કબીર, વલ્લભઆચાર્ય, રાબિયા, હજરત ઇનાયત ખાન વગેરેએ શું સંદેશ આપ્યો, એમનાં જીવનચરિત્ર ભણાવવાં જોઈએ ….. ઇતિહાસ ભણવા માટેની ઉંમર હું માનું છું કે કોલેજકાળ દરમ્યાન શરૂ થવી જોઈએ. ત્યાં સુધી એકપણ લડાઈ ઝગડા યુદ્ધનો ઇતિહાસ ભણાવવા કરતાં ઇતિહાસનાં સુગંધી પુષ્પો વિશે જ અભ્યાસ કરાવવો જોઈએ. જાપાનની જેમ દસ વર્ષનું બાળક થાય ત્યાં સુધી એમની પરીક્ષા જ ન હોય.
દુનિયા એક કાલ્પનિક ખોટી સ્પર્ધામાં પોતાના બાળકોને જોઈ રહી છે. હકીકતમાં આવી કોઈ સ્પર્ધા ક્યાં ય પણ છે નહીં. બાળકને સમજ વિકસાવવામાં આપણે ખાલી ગાઇડ બનવાનું છે, બાકી એમની ઉંમર મુજબના અંતરાયો એ ખુદ પાર કરી શકતાં હોય છે, કમસેકમ એટલો ભરોસો પોતાના બાળકો પર રાખીએ. ભણવા ભણાવવાનું માળખું ખરેખર ચિંતાજનક છે. કોર્સ અને તેનું કન્ટેન્ટ આધુનિક યુગના નવીન સિદ્ધાંતો સાથે મેળ ખાઈ રહ્યા નથી, એ પણ દેખીતું છે પણ છતાં માતા પિતા થોડો અભ્યાસ કરશે તો ચોક્કસ બાળકોને મદદરૂપ થઈ શકે છે.
યુનિવર્સિટીમાં એક અભ્યાસુ પ્રોફેસર સાહેબ સાથે હું માધ્યમની ચિંતા વ્યક્ત કરી રહ્યો હતો, ત્યારે સાહેબે એક ખૂબ જ સરસ વાત કરી હતી. એમણે કહ્યું કે મારી દ્રષ્ટિએ ભાષાનાં માધ્યમ કરતાં બાળકને જે માધ્યમમાં ભણાવો એ માધ્યમની એની કક્ષા મુજબ તમે સુંદરમાં સુંદર રંગબેરંગી પુસ્તકો એને લાવી આપો. બાળકની રીડિંગ હોબી વિકસાવો. પરાણે નહીં પણ પુસ્તકો જોઈને એ વાંચતો થાય એટલે તમારું કામ થઈ ગયું! મૂળ મુદ્દો છે બાળકની રીડીંગ હોબી વિકસાવવાનો! આ વાત મને ગમી ગઈ.
દોડાદોડી કરતાં વાલીઓને એટલી મારી પ્રાથના છે કે પોતાનાં બાળકને વૈશ્વિક હરીફાઈમાં એક લડવૈયો છે એમ જોવા કરતા, મારા આંગણાનું સુગંધિત પુષ્પ છે, એની સુવાસને મંદ નથી પડવા દેવાની, એની તાજગી બરકરાર રહે એની ખેવના રાખશું તો પણ એક ક્રાંતિ થશે.
અસ્તુ!