ધબ્બ
દઈને બંધ થઈ જાય
એ જ બારણું ?
આ તે હિમાલયને
ધબ્બ દઈને
બારણે બંધ કરવા
નિકળ્યા છે…
આ તે
કાશ્મીરના ખોળામાં
ખળખળ વહેતી
ઝેલમને
ધબ્બ દઈને
બારણે બંધ કરવા
નિકળ્યા છે.
ઋષિ મુનિઓએ
જ્ઞાનના હિમાલય પર
આરોહણ કર્યાં,
તર્કની તલવારો
હજારો વર્ષ
ચમકાવી, ટકરાવી
તલવારોના તણખાઓએ
પ્રકાશ પાથર્યો
કે
સસલાંને શિંગડાં
હોય
એ તો
કલ્પનાની પેલે પારની વાત
અને આકાશ કુસુમની
વાત ય
કલ્પનાને પેલે પાર.
આકાશ જેવડું ફૂલ
કોઈના સપનામાંય
સમાતું નથી!
આ તો
આકાશ જેવડું બારણું
ધબ્બ દઈને
વાસવા બેઠા છે!
આ તો ધબ્બ દઈને
ધબકતાં હ્રદયને
બારણે બંધ કરવા
ઊભા છે.
ધબકતાં હ્રદયની
ધમનીઓનાં બારણાં
ધબ્બ દઈને બંધ કરતા ડોક્ટરોને
કદી તમે જોયા છે ?
ડોક્ટરો
હ્રદયની બંધ નળીઓનાં
બારણે
ટકોરા મારે છે,
ખોલી નાંખે છે બંધ નળીઓનાં બારણાં,
ધબક ધબક ધબકે છે
હ્રદય.
શું
ધબ્બ દઈને
બંધ કરવા જ
બારણાં હોય છે ?
E-mail : manishijani@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑક્ટોબર 2019; પૃ. 14