લાગે છે, આખરે ટ્રમ્પે ભરધમપછાડે પણ બાઈડનના વિજયની વાસ્તવિક્તા સ્વીકારી લીધી છે. આપણે જરૂર રાજી થઈશું, લગરીક હાશ અને ઠીક ઠીક રાહત પણ અનુભવીશું કે છેક જ બેજવાબદાર અને ધરાર નીંભર નેતૃત્વથી અમેરિકા છૂટકારો મેળવી રહ્યું છે; અને કેનેડી-ક્લિન્ટન-ઓબામા પરંપરાનો શોભીતો પ્રમુખીય મણકો તરતમાં વૉશિંગ્ટનની ગાદીએ હોવામાં છે. વિશ્વભરમાં છેલ્લાં વર્ષોમાં, જેને કોઈ વિશેષ ઓળખને અભાવે જમણેરી કહેવાનો ચાલ છે એવાં પરિબળો સત્તારૂઢ થતાં માલૂમ પડતાં રહ્યાં છે એની વચ્ચે આ એક જમાતજુદેરો દાખલો છે. ટ્રમ્પની ફરતે અમેરિકામાં જે ‘હિંદુ’ લૉબી જામેલી મનાતી હતી તે આ ઘટનાક્રમમાં રહેલી પુનર્વિચારસામગ્રીને પિછાણે છે અને બૂઝે છે કે કેમ તે જોવું રહેશે. ટ્રમ્પ મોદીને અનુસરે છે એવો જે રાજીપો આપણે ત્યાં કોઈક તબક્કે હતો એણે પણ નિજમાં ઝાંખવાં જેવું છે તે છે.
પરંતુ, જે વાના પરથી નજર ન હટવી જોઈએ તે એ છે કે ટ્રમ્પનું જવું તે ટ્રમ્પવાદનું જવું નથી. ટ્રમ્પના શાસનકાળમાં અને કથિત ટ્રમ્પિઝમ્સમાં જે એક સંજ્ઞાની સર્વાધિક પ્રતિષ્ઠા વિશ્વસમસ્તે જોઈ તે ‘ન્યૂ નૉર્મલ’ છે. જેમ ભાવો વધેલી સપાટીએ જ સ્થિર થાય છે તેમ ટ્રમ્પના જવા છતાં ન્યૂ નૉર્મલ અબખે પડી જવાને નિરમાયેલ છે. કોઈ નિઃસારવાદીની પેઠે નહીં પણ વાસ્તવદર્શી ધોરણે આ નોંધ લેતી વેળા જે એક વાતે સભાનતા છે તે એ કે અંધારા બોગદાને છેડે દેખાતા પ્રકાશકિરણ પછી પણ લાંબી મજલ કાપવી રહે છે.
ઓબામાની પ્રમુખપોશી પ્રસંગે આપણે વાજબીપણે જ હરખાયા હતા. શ્વેત મહિલા અને અશ્વેત (આફ્રિકી અમેરિકી) પિતાનું સંતાન વ્હાઈટ હાઉસમાં પહોંચ્યું એમાં અમેરિકી લોકશાહીની માનવીય ક્ષમતાના અહેસાસે આપણે રાજી હતા, અને એ ખોટું પણ નહોતું. આ જ માનવીય ક્ષમતા ને સંભાવના ટ્રમ્પને મુકાબલે ઉદારમતિ જૉ બાઈડન અને ભારતીય મૂળનાં એશિયાઈ અમેરિકી કમલા હૅરિસના ઉદય સાથે ઓર એક વાર અંકે કરીએ તે પણ સહજ છે.
જો કે, કેવિયેટનુમા અંદાજમાં કોઈકે આ ક્ષણે કહેવું રહે છે કે અમેરિકા અને યુરોપસમગ્ર કહેતા ‘પશ્ચિમ’નું આપણું જે ખેંચાણ, યુરોપીય રિનેસાંસ તેમ અમેરિકી સ્વાતંત્ર્ય સંગ્રામ અને ફ્રેન્ચ ક્રાન્તિશાં રોમહર્ષક ઇતિહાસપગલાં થકી એ ખોટું નથી; પણ કદાચ પૂરતું પણ નથી. સામે છેડે, આજકાલ જે પ્રકારના રાષ્ટ્રનું અહોગાન આપણે ત્યાં ફૅક્ટરી ઍક્ટની લગારે તમા વગર અહોરાત્ર ચાલે છે એ પણ વિચાર માંગી લે છે. જ્યાં સુધી પશ્ચિમનો સવાલ છે, વિમર્શની પૃષ્ઠભૂ રૂપે સોલ્ઝેનિત્સિનની એક મૂલગામી નિરીક્ષા બસ થઈ પડશે. સોવિયત રશિયાની બહાર અમેરિકામાં આશ્રય મળ્યો એને સારુ આ સમર્થ સર્જક અહેસાનમંદ અવશ્ય હતા, પણ અમેરિકી લોકશાહીના કંઈક કાયલ છતાં એમણે એક વાત (ખરું જોતા વેદના) અસંદિગ્ધ શબ્દોમાં મૂકી હતી. અને તે એ કે આપણા મુલ્કો, પછી તે સામ્યવાદી રશિયા હોય કે લોકશાહી (મૂડીવાદી) અમેરિકા હોય, બેઉની મુશ્કેલી એ છે કે બંને એક જ દેવના હેવાયા છે. બેઉ ‘ભૌતિક’ દોટમાં પડ્યા છે, નકરા ‘મેમન’ની ઉપાસનાની એમને કળ જ વળતી નથી.
ચોક્કસ જ એક બુનિયાદી મુદ્દો ઉઠાવ્યો હતો સોલ્ઝેનિત્સિને – જેને વિશે નુક્તેચીની કરતાં ઉમાશંકરે આ જ સ્થાનેથી – ‘આધ્યાત્મિક ખાલીપો’ પ્રવર્તતો હોવાની જિકર કરી હતી. કેટલાક દશક પછી, પાછળ નજર કરી આજના સંજોગોમાં, કેટલાંક વાનાં વિશેષરૂપે નોંધવા રહે છે. સોવિયત રશિયાના વિઘટન પછી ફુકુયામાનો એ થીસિસ એકવીસમી સદીના આરંભે ખાસો ગાજેલો છે કે આપણે રાજકીય-માનવીય સંભાવનાઓની ઇતિહાસખોજના લગભગ છેડે છીએ. ‘એંડ ઑફ હિસ્ટરી’માં ઊઘડતું, અંકે થતું, સમજને સાષ્ટાંગ આલિંગતું ભાવિદર્શન શું છે? ફુકુયામા કને એનો સરલસપાટ ઉત્તર હતો કે હવે એક જ રસ્તો રહે છે, અમેરિકાનો-મૂડીવાદી તેમ બંધારણીય લોકશાહીનો … ન અન્ય પંથા : વિદ્યતે અયનાય. જાણે ઋષિવચન કે કવિમનીષીનો ઉદ્ગાર.
જરી લાંબે પટે આ વાતમાં જવાનું લાજિમ લાગ્યું તે એ કારણે કે અમેરિકી લોકશાહીમાં રહેલી માનવીય સંભાવનાઓ પરત્વે આદરપૂર્વકના આશાવાદ સાથે અને છતાં આપણું ચિંતન, ત્રીજી દુનિયાના ભારતછેડે, માત્ર એમાં જ બંધાઈ રહે તે ઈષ્ટ નથી. બલકે ખુદ અમેરિકામાં પણ લોકમતે ઓબામા-બાઈડન-કમલા વિચારદુર્ગમાં નહીં બંધાતાં સિતારોંસે આગે વિમર્શ શક્યતાઓ ઝકઝોરવાની જરૂર છે. સરેરાશ અમેરિકી બૌદ્ધિક આજે જે ખુદ સચ્ચાઈવાદમાં ગરકાવ માલૂમ પડે છે એ ટ્રમ્પવાદને વટવાને વાસ્તે અશક્ત છે, કેમ કે અમેરિકી કે બીજા યુરોપીય ઉદારમતવાદોની ગતિમતિ પણ પૂરતી સક્ષમ ને સરાહનીય, શ્રદ્ધેય મોડેલ કદાચ નથી. ઠંડા યુદ્ધનાં વર્ષો કહો, વિયેટનામ સંડોવણી કહો, બીજા બનાવો સંભારોઃ ગલત પગલાં ને ગલત કારવાઈનો એકાદ દસકો એમ જ વીતી ગયા પછી લિબરલ અમેરિકી આત્મા જાગતો હોય છે અને વિશ્લેષકો તે સંદર્ભમાં ટીકાત્મક ટિપ્પણો આરડી આરડીને કરતા હોય છે – અને એશિયા છેડેથી આપણે એમની આ અભિનવ જાગૃતિને વધાવતા હોઈએ છીએ તે પછી આ ઈન્ટેલેક્ચ્યુઅલ સર્વિસ કલાસ ‘આપણી’ (પશ્ચિમની) લોકશાહી આત્મજાગૃતિમાં નિજનું મોચન લહતો હોય છે. આપણે, બિનપશ્ચિમ છેડે, એના જાનૈયા ને વધૈયા લેખે પોરસાતા હોઈએ છીએ.
રેનેસાંપુરુષ રાજા રામમોહનરાય ફ્રેન્ચ ક્રાન્તિ પરત્વે આદરઓચ્છવના ભાવથી પ્રીતિભોજન યોજે કે વિવેકાનંદ ‘ચોથી જુલાઈ’ (અમેરિકી સ્વાતંત્ર્ય દિવસ) વિશે કવિતા કરે અગર તો જયપ્રકાશ ‘હું તમારી યુનિવર્સિટીમાં જ નહીં ખેતરકારખાનાંની મજદૂરીથીયે ઘણું લાભ્યો છું’ એમ કૃતજ્ઞતાભાવ પ્રગટ કરે એમાં કશું ખોટું નથી. પણ નમૂના દાખલ કોઈ ખાસ ગણતરી વગર આ જે નામો લીધાં તે ન તો પુરાણપંથી પોંગા પંડિતોના ખાનામાં પડે છે, ન તો રાઈટ ઑર રૉંગ વેસ્ટર્ન ઓળખના ખાનામાં. સૌથી મોટા જેવો દાખલો તો કદાચ ‘હિંદ સ્વરાજ’ના લેખકનો છે. પશ્ચિમની જે લિબરલ લોકશાહી – એનું જે સાંસ્થાનિક કોચલું, એમાં આ સૌ બંધાય શાના.
ટ્રમ્પ-નમો તરંગલંબાઈનું કથિત મળતાપણું આ સૌની પડછે તળેઉપર તપાસ માંગી લે છે. વિદેશનીતિમાં યથાપ્રસંગ કોઈ સ્થાયી મિત્રો નથી હોતા, પણ સ્થાયી હિતો જરૂર હોય છે. એ ન્યાયે હાઉડી મોદી, નમસ્તે ટ્રમ્પ, ફિર એક બાર ટ્રમ્પ સરકાર આદિ દાખડા-દેખાડાથી હટીને ભારત સરકાર બાઈડન તંત્ર બાબતે પણ ઘટતો મૈત્રીવ્યવહાર દાખવશે જ. અને તે પોતે કરીને કોઈ ખોટી વાત પણ અલબત્ત નથી. પરંતુ એની તળે ઉપર તપાસનો (એનું ઓઠું લઈ આપણા સૌનીયે જાતતપાસનો) મુદ્દો તો ઊભો જ રહે છે. છેલ્લા સૈકાઓમાં યુરોપીય સંસ્થાનવાદ સામે લડનારા સૌ રાષ્ટ્રની વિભાવનાથી માંડીને શાસનરીતિ સમેતની બાબતમાં આદર્શો પણ ત્યાંથી લઈ આવ્યા. આ સાંસ્થાનિક માનસિકતા ઘણાબધાને સમજાતી નથી, પણ એમાં ‘નેશન ફર્સ્ટ’ સ્કૂલ કદાચ સૌથી મોખરે છે. આ દેશને ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં અને ૨૦ મી સદીના પૂર્વાર્ધમાં રવીન્દ્રનાથ અને ગાંધી મળ્યા; ‘ઘરેબાહિરે’, ‘ગોરા’ અને ‘હિંદ સ્વરાજ’ મળ્યાં, પણ હજુ એને મેમનની ઉપાસનાની અને રાષ્ટ્રવાદની મૂર્છાની કળ વળી નથી.
જૉ બાઈડન અને કમલા હેરિસને સારુ તહેદિલ સ્વાગતવચનો પછી અને છતાં આમૂલ પુનર્વિચારના ઇંગિતરૂપે ઊહ અને અપોહની આ થોડી એક ચેષ્ટા.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2020; પૃ. 01-02