પ્રસિદ્ધ વાર્તાકાર / નવલકથાકાર / નિબંધકાર હિમાંશી શેલતને 12 જાન્યુઆરી 2025ના રોજ સાંજે 5થી 7 વચ્ચે, જિતેન્દ્ર દેસાઈ મેમોરિયલ હોલ, નવજીવન ટ્રસ્ટ કેમ્પસ, અમદાવાદ ખાતે સાંભળ્યા અને થયું કે હાશ, કોઈક તો છે સામાજિક નિસ્બતને પ્રાધાન્ય આપનારું ! હિમાંશી શેલત સાથેના સંવાદમાં પ્રશ્નો પૂછનાર હતા રામ મોરી.

રામ મોરી અને હિમાંશીબહેન શેલત
હિમાંશી શેલતે કહ્યું : “બાળપણથી જ પ્રાણીઓ પ્રત્યે મને લગાવ છે. આત્મિયતા છે. મેં વર્ષોથી જાતને વચન આપેલ કે મારે ઘેર જે કોઈ પ્રાણી પોતાની મેળે આવશે તેને જાકારો નહીં આપું. એટલે આવતાં જ ગયાં. ખૂબ બધાં કૂતરાઓ, ખૂબ બધી બિલાડીઓ. ધીરે ધીરે સખ્ય ભાવ કેળવાયો. આટલો બધો સંકોચ વગરનો, ગણતરી વગરનો, કેવું દેખાશે તેની ચિંતા વગરનો પ્રેમ જો કોઈની પાસેથી મળે તો તે પ્રાણીઓ પાસેથી જ મળે, માણસ પાસેથી ક્યારે ય નહીં…”
“પહેલીથી મારી પ્રકૃતિમાં છે કે મને લાગે કે આમાં પડવા જેવું નથી, કે આ મને સ્વીકાર્ય નથી, ત્યારે ના કહેતી વખતે બહુ વિચાર ન કરવો, કે ગણતરી ન કરવી, આમ કરવાથી હું અપ્રિય થઈશ કે કોઈની ગુડ બૂકમાં નહીં રહું, અથવા આમ કરવાથી કોઈ વસ્તુ ગુમાવવી પડશે. નામ કે કીર્તિ નથી જોઈતી. મારામાં સમાધાનની-બાંધછોડની વૃત્તિ ન આવી. કંઈ નથી જોઈતું ! આ કંઈ નથી જોઈતુંમાંથી ના મજબૂત થઈ. તેના કારણે મેં કશું ય ગુમાવ્યું નથી પણ ઘણાં સાથે બગડ્યું છે. મેં સમય મુજબ ઘણું છોડ્યું છે. નોકરી છોડી. ટ્રસ્ટ છોડ્યું, સુરત છોડ્યું. મેં કોઈ પરાક્રમ કર્યું છે એવું પણ નથી. સાદું જીવન જીવવા માટે પૂરતું છે. એક છાપરું જોઈએ. મેં સરસ પગારની નોકરી છોડી તે મારા જીવનનો સારામાં સારો નિર્ણય હતો, કેમ કે મારાં ઉત્તમ વર્ષો મને મનગમતાં કામને આપ્યાં, પૂરો સમય આપ્યો. આપણી પાસે બધું હોય છે, સમય જ નથી હોતો. જેને જરૂર છે તેને સમય આપવો બહુ મહત્ત્વની વાત છે.”
“વાર્તાનું પહેલેથી ખેંચાણ હતું. હું કથા સાહિત્ય જ વાંચતી. ઉત્તમ વાંચું. 1987માં મારો પહેલો વાર્તાસંગ્રહ પ્કશિત થયો. એના ત્રણેક વર્ષ પહેલાં મેં વાર્તાઓ લખવાનું શરૂ કર્યું હશે. જેમ જેમ જીવનની નજીક આવતી ગઈ તેમ તેમ વાર્તાઓ લખાતી ગઈ. મને રસ માણસોમાં છે. પહેલાં મને પાત્ર મળે. પછી વાર્તા આવે. ઝૂંપડપટ્ટીઓમાં જવા લાગી, રેડ લાઈટ એરિયામાં જવા લાગી, રેલવે પ્લેટફોર્મ પર જવાનું શરૂ કર્યું, એટલે એટલાં બધાં માણસો મળ્યા, એટલાં બધાં પ્રશ્નો, એટલી બધી પીડા; આ બધું પ્રત્યક્ષ થયું. ત્યારે મારી કલમ વેગમાં ચાલવા લાગી … મારી સ્પષ્ટ સમજ હતી કે વાર્તા ખોવાઈ જવી ન જોઈએ. સીધી ભાવકના હ્રદયમાં પહોંચવી જ જોઈએ. મેં જ્યારે લખવાનું શરૂ કર્યુ ત્યારે એવો ઝોક હતો કે વાર્તા જેટલી ન સમજાય એટલી વાર્તા ઉત્તમ ! લખ્યું અને સમજાઈ ગયું તેને વાર્તા થોડી કહેવાય? ન સમજાય તેવી વાર્તા સમજાવવા વિવેચકો કલમ ઉપાડે તે તો અઘરું જ ! વાર્તા તો આવી ન જ હોવી જોઈએ. વાર્તામાં શું ન હોવું જોઈએ એની ખબર પડી. શું હોવું જોઈએ એની પછી ખબર પડી. ભાષાની ચબરાકી ઓછામાં ઓછી હોવી જોઇએ. સીધી વાત વધારેને વધારે હોવી જોઈએ. તમારે માણસના હ્રદય સુધી જ પહોંચવાનું છે. સંવેદનો પોતીકા બનતા ગયાં. જે લોકો બીજાનું જીવન જીવી શકે છે તે નસીબદાર છે. માત્ર પોતાનું જીવન જીવતાં નથી. આપણે કેટલાં બધાંનું જીવન જીવી શકીએ છીએ. મર્યાદિત જીવનમાં, એક સાથે કેટલાં બધાં જીવન જીવી શકો છો, કોઈના જીવનમાં ઊંડા ઊતરી શકો છો, એ કેટલાં ભાગ્યની વાત છે. મેં લોકોની આંખો વાંચવાની સાધના કરી. એ બોલતો નથી પણ આંખોમાં પીડા છે. એ માણસની હોય કે પ્રાણીની હોય કે બાળકની હોય. એ પીડા પામવાનું કામ અને પછી એને વ્યક્ત કરવાનું કામ, કરવા જેવું છે એવું લાગ્યું અને લખાયું.”
“મને ઘણાં બધાં વાર્તાકારોમાં રસ પડ્યો. મારાં સમકાલીન મોહન પરમાર, કિરીટ દૂધાત, બીપીન પટેલની વાર્તાઓમાં રસ પડ્યો જ. ધીરુબહેન પટેલ, સરોજ પાઠક, જયંત ખત્રી આ બધાંની વાર્તાઓમાં રસ પડ્યો. સૌથી વધારે પ્રભાવ રહ્યો તે કેથરિન મેન્સફિલ્ડનો, જે માત્ર 34 વર્ષ જીવ્યાં અને 75 જેટલી સરસ વાર્તાઓ આપી. મરાઠીમાં જયવંત દળવીથી હું ખૂબ પ્રભાવિત થઈ હતી. મહાશ્વેતા દેવીથી પણ પ્રભાવિત હતી. હિન્દીમાં ફણિશ્વરનાથ રેણુ … આપણા જે ઉત્તમ વાર્તાકારો છે તેમનું કશુંકને કશુંક મને સ્પર્શતું રહ્યું. કોઈ વાતાવરણ કેવું સરસ ઊભું કરે છે, કોઈકની ભાષા કેવી સરસ છે, કોઈક આરંભ કેવો સરસ કરે છે, કોઈકનો અંત કેવો સરસ આવે છે, કોઈએ વિષય કેવો સરસ પસંદ કર્યો છે. જુદા જુદા વાર્તાકારો જ્યાં તેઓ ઉત્તમ વ્યક્ત કરી શક્યા હોય તે મને સ્પર્શે છે.”
“આપણી સંવેદનાઓને કેવો ભયંકર લૂણો લાગ્યો છે. આપણે ભયંકરમાં ભયંકર ઘટનાઓને સહજ માની બેસી રહીએ છીએ ! જાહેર રસ્તામાં કોઈ છોકરીનાં ગળા પર છરી ફેરવી દે કે છોકરીનાં મોં પર એસિડ ફેંકે ત્યારે એનો વીડિયો ઉતરે પણ દોડીને એવી ઘટના અટકાવે તેવું ભાગ્યે જ બને છે. આ હિંસાચાર / મોબ લિંચિંગ સામે આપણે ઉગ્ર પ્રતિભાવ આપ્યો જ નથી. કારણ કે આપણે કલ્પનાથી જે અનુભવી શકાય તે અનુભવવાની આપણામાં ખોટ છે. આપણે એ અનુભવી શકતા જ નથી. કથા સાહિત્ય પાસે એટલે જવાનું છે કે કાલ્પનિક અનુભવો તમને કેટલું બધું આપી શકે છે. આપણે એ ચૂકી ગયા છીએ. આપણે ભયંકર હિંસાચારમાં ખદબદી રહ્યા છીએ. મારી પેઢીના લોકોને લાગશે કે હવે જીવવા જેવું રહ્યું નથી. હવે ટકવું હશે તો શું જોઈને ટકીશું? કોની સામે નજર નાખીશું. એકલા પડ્યાનો અનુભવ થાય છે. એના વિશે વિચાર કરવાની દાનત પણ ઓછી થતી જાય છે. બસ આનંદ કરો, ઉત્સવ કરો, મજા કરો. આ કરો, તે કરો. દોડો, દોડો. દોડો ! બીજું કંઈ નહીં. જરા શાંતિથી વિચારીને ઊંડા ઊતરીને, અંદર જોઈને વિચાર કરીએ તો આપણો સમાજ ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે ! શું આને વિકાસ કહી શકીએ?”
— 2 —
આપણા જ લોહીમાં આપણે તરબોળ ઊભા છીએ અત્યારે !
‘અંધારી ગલીમાં સફેદ ટપકાં’ / ‘એ લોકો’ / ‘અંતરાલ’ / ‘ખાંડણિયામાં માથું’ / ‘ઘટના પછી’ વગેરે વાર્તા સંગ્રહો આપનાર હિમાંશી શેલત કહે છે : “રેલવે પ્લેટફોર્મનાં બાળકોની અને રેડ લાઇટ એરિયાની બહેનોની પીડાનાં કારણે મારું ભાવવિશ્વ બદલાયું. જાતમાંથી નીકળી જવાની વાત છે. આવાં કામમાં પડીએ એટલે પહેલું કામ એ થાય છે કે આપણે પોતાનામાંથી બહાર નીકળી જઈએ છીએ. આપણી નાનીનાની પળોજણોને પડકારે છે આ લોકો. બાળકો પડકારે, બહેનો પડકારે છે. તમે ક્યાં જીવન જોયું છે? મુસાફરી દરમિયાન મને થતું કે આ બાળકો જે પોલિશ કરે છે, વસ્તુઓ કોઈ વેચે છે, તેની સાથે કામ ન થાય? મેં રેલવે પ્લેટફોર્મ પર કામ શરૂ કર્યું. છોકરાં બહુ મનમોજી. શાળાએ જતાં બહુ રડે. કહે કે ‘સાલા હમે નહીં બનના કુછ !’ આ આઠ વરસના છોકરાએ ખુમારીથી કહેલું વાક્ય મને વીંધી ગયું. વાર્તાથી શરૂઆત કરી, પછી નાસ્તો. 4-5થી શરૂ કરીને 40-50 છોકરાઓ થયાં. તે વાંચતાં લખતાં થયાં.
રેડ લાઇટ એરિયાનો અનુભવ ખિન્ન કરનારો હતો. માણસજાતમાંથી વિશ્વાસ હચમચી ગયો. સંબંધોનું આટલું બધું પોલું હૂંફ આ પહેલા મેં ક્યારે ય જોયું ન હતું. એ લોકો કોઈ પણ પ્રકારના આધાર વગર, પોતાની પરિસ્થિતિને કેટલી હિમ્મતથી સ્વીકારે છે, એ પણ મેં પહેલાં ક્યારે ય જોયું ન હતું. મેં નાનીનાની બાબતમાં ફરિયાદ કરતી, રડતી, કકળતી ઘરને સ્મશાન બનાવી દેતી સ્ત્રીઓ જોઈ છે મારા જીવનમાં, પણ આવી પરિસ્થિતિમાં આટલી બધી હિંમતથી જીવવું બહુ અઘરું કામ છે. જીવનનાં બધાં બહુ વરવાં રૂપો અને બહુ તાકાત માંગી લે એવા પ્રતિભાવો, આપણી અંદર જે કંઈ સત્વ હોય તે નીચોવી નાખવું પડે, એવા જીવનનાં રૂપો જોયાં છે. સાચું કહું તો હું બદલાઈ ગઈ. હું જે હતી તે રહી નહીં. બહુ જ બદલાઈ ગઈ. મારા પોતાના જે કંઈ ગમા અણગમા, અભાવ, આ બધું જે હતું તે વળોટીને બહાર નીકળી જવાની આખી પરિસ્થિતિ ઊભી થઈ તે આ કારણે. ઘણીવાર તીવ્ર દુઃખોનો કોઈનો અનુભવ જો આપણે પામી શકીએ તો એનાથી માણસનું વ્યક્તિત્વ આખેઆખું પલટાઈ જાય !”
“ઘટના પછી અને ધારો કે આ વાર્તા નથી – આ બન્ને રચનાઓ મને હચમચાવી મૂકી હોય તેવી ઘટનાઓમાંથી બની છે. નાગરિક તરીકે મારી રાજકીય સભાનતા જે કંઈ હું અનુભવતી હતી તેને વાર્તામાં પ્રવેશવા દેવી તેની મને ખબર ન હતી. કલબુર્ગીની હત્યા, એ ‘ધારો કે આ વાતા નથી’નું મૂળ. એવી રીતે ઘણીબધી વાર્તાઓ કોઈ એવી ક્ષણે આવી કે જાણે એ ઘટનાઓ પચાવવાની બહુ તકલીફ પડી હોય. ડાભોલકરની હત્યા, ગૌરી લંકેશની હત્યા આપણે ખમી શકતા નથી. જે સમાજ પોતાની વ્યાપક ઉદારતા / કરુણા વિશે સતત હંમેશાં ગળું ફૂલાવી ફૂલાવીને બોલે છે, સર્વત્ર બોલે છે તે સમાજ આટલો અસહિષ્ણુ કેમ? કોઈ વ્યક્તિની હાજરી તમે ખમી શકતા નથી? કોઈ 80 વરસનો સ્કોલર-વિદ્વાન પોતાના ઘરનું બારણું ખોલે અને તેને ધડ ધડ ગોળીઓ મારે ! આ બધી ઘટનાઓએ મને વિચલિત કરી મૂકી, એમાંથી જે કંઈ જન્મ્યું તે આ રચનાઓ.
હાલ પણ આપણે કેટલા બધા અસહિષ્ણુ છીએ. આપણે અસહિષ્ણુ છીએ તે કબૂલ કરવામાં પણ શરમ આવે છે. આપણે દંભી છીએ. પોતાની જાતનો દોષ નહીં જોવાની વાત છે. આ વાત અસહ્ય લાગે છે. હમ ન થાય તો બે શક્યતા છે, કાં તમે ગાંડા થઈ જાવ કાં તમે આત્મહત્યા કરો. મેં એક વાર્તા લખી છે – ‘આજે રાત્રે હું આત્મહત્યા કરીશ !’ એ હદે ખરેખર મારો વિચાર પહોંચી ગયો કે આજે રાત્રે હું આત્મહત્યા કરીશ. પછી ડહાપણ કામ લાગ્યું કે તું મરી જઈશ તો પણ જે થવાનું છે થશે જ ! તો મરવાથી કંઈ ફરક પડવાનો નથી. તો શા માટે મરવાનું? ઊલટાના પાછળવાળા રડીને મરી જશે, તેનો વિચાર કર. એટલે વાર્તા એ જીવવા માટેનું સંતુલન છે. જો સંતુલન નહીં હોય તો પતી જશો. નહીં પતી જવાની મથામણ તે આ વાર્તાઓ. વાર્તાઓએ મને સમતુલા સાચવવામાં મદદ કરી છે. ટકી રહ્યા, મગજ ચસકી ન ગયું, ખોટું પગલું પણ ન ભર્યું, જેટલું આયુષ્ય છે તે સરખી રીતે જીવવું છે. તો ટકી રહેવામાં વાર્તાઓનો ટેકો બહુ જ મોટો છે. ‘ઈમેજિનેટિવ એક્સ્પિયરન્સ’ તમને મોક્ષ આપે છે, તમને બધી પીડામાંથી મુક્ત કરે છે.”
“ભાગેડું વૃત્તિ, સેલ્ફ પ્રિજર્વેશન, જાતને ઘસરકો પડવો જોઈએ નહીં, બીજું જે થતું હોય તે થાય, ચાલ્યા કરે. આ સેલ્ફ પ્રિજર્વેશનની લાગણી બૌદ્ધિકોમાં પણ પ્રબળ છે. સર્જકોમાં પણ પ્રબળ છે. રાજકારણમાં તો પ્રબળ છે જ, સર્વત્ર સેલ્ફ પ્રિજર્વેશનની ભાવના એટલી બધી પ્રબળ છે કે આપણે આપણા સમાજને દગો દીધો છે, એ વાત પણ આપણે કબૂલ નથી કરતા. ક્યાંક આપણે ચૂક્યા છીએ. ક્યાંક ભૂલ કરી છે. શિક્ષણનું ક્ષેત્ર જૂઓ. સારા વિદ્વાનો / સ્કોલરોએ પાયામાં જે સડો છે તેના વિશે એક હરફ ઉચ્ચાર્યો કોઈ દિવસ? એક સમયે યુનિવર્સિટીઓમાં એવા વાઈસ ચાન્સેલર નિમાતા કે જઈને માથું નમાવવાની ઈચ્છા થતી, આજે જે રીતે વાઈસ ચાન્સેલરો નિમાય છે તે કોઈ દિવસ બોલ્યા કે કેમ આવું ચાલે છે? આપણે પોતપોતાની શૈક્ષણિક સિદ્ધિઓ, આ કે તે, તેમાં ગળાડૂબ રહ્યા. પણ આ આખું મોટું તંત્ર ખાડે જઈ રહ્યું છે, તમારી નજર સામે, ડૂબી રહ્યું છે જહાજ, એના માટે કોઈએ સામૂહિક રીતે કંઈ કહ્યું? આજે ગુજરાતમાં શિક્ષણની શી હાલત છે? તમે જાણો તો થથરી જાવ. આપણા સ્નાતકો / આપણા અનુસ્નાતકોને ચાર સવાલ પૂછો, શું જવાબ મળે છે ! શું ભણ્યા તેઓ? દળી દળીને કુલડીમાં પણ નહીં, ક્યાં નાખ્યું તે ખબર નથી ! આ સ્થિતિ ઊભી થઈ તેના માટે આપણી જાતને જવાબદાર ગણીએ છીએ? સોશિયલ રિસ્પોન્સિબિલિટી, એ આખો કન્સેપ્ટ જ બાદ કરી દીધો છે. ક્ષેત્ર ગમે તે હોય, પણ આટલી હદે બધું ખાડે જતું હોય ત્યારે ઊભા થઈને બોલવાની તાકાત હોવી જોઈએ, તે તાકાત કેળવવામાં માણસને કેટલાં વર્ષો લાગે? તમે નિવૃત્ત થઈ જાવ તો પણ તાકાત ન કેળવી શકો? એટલે પાયામાં જ ખોટ છે. આવો ક્યાં ય ન ખપે તેવો માલ કેમ થયો? ચૂક તો થઈ છે, કબૂલ કરવું પડે. સગવડો બધી છે, કાલે બુલેટ ટ્રેનમાં મુંબઈ જશો. પણ જે નથી એ એટલું મહત્ત્વનું નથી, કે આ બધું હોવા છતાં કશું જ નથી !”
“કરુણા, લાગણી, કોઈપણ જાતની અપેક્ષા વગરનો પ્રેમ, આ બધી વસ્તુઓ માટે તમારે બાળકને જન્મ આપવાની કોઈ જરૂર હોતી નથી. આ તમે ક્યાં ય પણ કોઈને આપી શકો છો. તમારી પાસે બીજું કંઈ ન હોય તો એક હ્રદય છે. જે આ બધી લાગણીઓ અનુભવવા માટે સક્ષમ છે. દરેક માણસ પાસે એક હૃદય હોય છે. એ હ્રદયનું શું કરવું તે આપણે જોવાનું હોય છે.
માને મેં એ રીતે જોઈ છે કે નિરપેક્ષ પ્રેમ કરી શકે તે મા, કોઈ ગણતરી વગર પ્રેમ કરે તે મા, સામું પાત્ર શું કરે છે તેનો ભાગ્યે જ વિચાર કરે અને પોતાને જે કરવું છે તે સતત કર્યા જ કરે તે મા. આના માટે પોતાનું બાળક હોવું જરૂરી નથી, આ પ્રેમ ગમે તે રીતે ક્યાં ય પણ આપી શકો છો. આ ભાવ જુદીજુદી વાર્તાઓમાં પ્રગટ થયો છે. ‘ગર્ભગાથા’ પણ એ છે. સ્ત્રી આટલું બધું દુઃખ, આટલી બધી પીડા સહન કરીને કોઈ બાળકને જન્મ આપે, મોટું કરે, ઉછેરે, આટલો સમય આપે તો એને કંઈક શિરપાવ મળવો જોઈએને? કંઈક તો મળવું જોઈને? એટલે માતૃપદને ઉત્તમ ગણો ! સ્ત્રીના જીવનમાં ઉત્તમ સ્થિતિ કઈ? મા બનવાની. આ ઠોકીઠોકીને કહેવું પડે કેમ કે આટલું દુઃખ વેઠવાનું છે, એની જો ખબર હોય તો સ્ત્રી વખત વિચારે કરે ! જે મેં કર્યો. તો એ વિચાર ન કરવાનો ક્યારે હોય? અરે તું મા નથી, મા બનવું જ પડે ! મા બન્યા વિના તારું જીવન અધૂરું છે. બાળક એક તો હોવું જોઈએ. આ બધું ઉપરથી આરોપિત છે.
મને વિચાર આવે છે કે ગાઝા પટ્ટીમાં માતાઓની શું સ્થિતિ હશે? આટલું દુઃખ વેઠીને જે બાળકોને જન્મ આપ્યો છે, તાલિબાન શાસિત પ્રદેશમાં સ્ત્રીઓની આટલી ખરાબ સ્થિતિ છે, તો એ પ્રદેશમાં માતાઓની કઈ સ્થિતિ હશે? એને એવું નહીં થતું હોય કે એક પણ માણસને મેં જન્મ આપ્યો ન હોત તો કેટલું સારું થાત? તો આટલું મોટું સૈન્ય ઊભું ન થાત ! કારણ કે આ જ પુરુષોને એણે જન્મ આપ્યો છે, જેનાથી તે અપમાનિત થાય છે. રહેંસાય છે. એને રમવાનું નથી, બહાર જવાનું નથી, મોં ઢાંકીને રહેવાનું છે. આખી દુનિયા ચૂપચાપ જૂએ છે. બાળકોની હત્યા થાય છે. સ્ત્રીઓ પર આટલાં બધાં અત્યાચાર થાય છે. છે કોઈ રણીધણી? ઉપરવાળો? નીચેવાળો? આજુબાજુ વાળો છે? છે કોઈ રોકનાર? કોઈ નથી ! આપણે પૃથ્વીને એટલી બઘી લોહિયાળ કરી મૂકી છે કે આપણા જ લોહીમાં આપણે તરબોળ ઊભા છીએ અત્યારે ! માણસજાત આપણી જ જાત છે. માણસજાત મંગળના ગ્રહમાંથી નથી આવી. ખુદના લોહીમાં આપણે તરબોળ છીએ છતાં તેની ભીનાશ આપણને અડે નહીં, તો આપણે આપણી જાતને જ પૂછવું પડે કે તમે એવા તે કેવાં? તમે એવા તે કેવાં?”
15 જાન્યુઆરી 2025
—3—
નિર્ભ્રાંત થવું એ સુખની ચરમસીમા છે !
હિમાંશી શેલત કહે છે : “મારી કૃતિઓ ‘ગર્ભગાથા’ / ‘મુક્તિવૃત્તાંત’ / ‘ભૂમિસૂક્ત’ મને વધુ ગમે છે. ગર્ભગાથામાં જુદાજુદા દૃષ્ટિકોણથી બહુ જ પાયાની વાત મૂકી છે. આપણા જન્મ સાથે, આપણી હયાતી સાથે, આપણા કુળ સાથે સંકળાયેલી વાત છે. ભૂમિસૂક્તમાં આપણે જે માટી પર ઊભા છીએ તેની બિલકુલ દરકાર નથી કરતા તેની વાત છે. સામાજિક રીતે, રાજકીય રીતે, ધાર્મિક રીતે, બધી જ રીતે, ભૂમિની સદંતર અવગણના કરી છે. ભાષા, ભૂમિ અને નદીની આપણે અવગણના કરીએ છીએ, એ એટલી બધી ભયાનક છે કે આપણો વિનાશ નક્કી છે. વિશ્વામિત્રીને જૂઓ, વડોદરામાં પૂર આવ્યું, બધી નદીઓ સાથે આવું થયું. ગંગાને જૂઓ. તેની શું હાલત છે? આપણે ગમે તેટલા વચનો આપ્યા, ગંગાને ચોખ્ખી કરીશું, આપણે એક પણ વચનનું પાલન કરી શકતા નથી. આપણે આપણી સમૃદ્ધિ સિવાય બીજા કશાયનું પાલન કરી શકતા નથી ! કોઈ પણ વચનનું પાલન કરી શકતા નથી. ભૂમિસૂક્ત એ રીતે જન્મી છે. એ મારી અંગત પીડા છે. જંગલો ઓછાં થાય છે. દક્ષિણ ગુજરાતમાં તમે એક આંટો મારો. વલસાડથી ધરમપુર સુધી, કેટલી બધી વાડીઓ કપાઈ ગઈ છે. આંબાના ઝાડ, ચીકુની વાડીઓની જગ્યાએ વિલાસિતા માટેના ફાર્મ-હાઉસ બની ગયા છે. માણસ ગાંડો થઈ ગયો છે, બેફામ બધું કરે છે. આ જે બેફામપણે જે થઈ રહ્યું છે તેની સામેની એક ચીસ એ ભૂમિસૂક્ત. મારી જ નહીં કેટલાં બધાં પ્રાણીઓની ચીસ ! દીપડાઓ તો અબ્રામા સુધી આવી ગયાં ! આપણે જંગલો ખતમ કરી નાખ્યાં છે. આપણે પોતાની ઘોર ખોદવા બેઠાં છીએ !”
“લગ્ન ન કરવા, બાળક ન કરવું, એવું નક્કી કરેલ. 47 વરસની ઉંમરે વિનોદ મેઘાણી સાથે પરિચય થયો અને હાથ પીળા કર્યા વિના, મંગળસૂત્ર પહેર્યા વિના, બંગડી નહીં, ચાંદલો પણ નહીં, અમે રજિસ્ટર્ડ મેરેજ કર્યા. મેં નક્કી કરેલ કે જે ઓળખથી મારી જાતિ ઓળખાય તેવું કોઈ ચિહ્ન હું કબૂલીશ નહીં. મારે કોઈ ઓળખ ધારણ કરવી નથી. જેને કારણે ખબર પડે કે આ ફલાણું. વિનોદ બહુ જ સિદ્ધાંતવાદી. મંચ પર રાજકારણ અને ધર્મકારણ ન જોઈએ, તેવું માનતા અને કાર્યક્રમ દરમિયાન કોઈ નેતા આવી જાય તો ‘હું મંચ શેર નહીં કરું’ તેમ કહીને મંચ પરથી ઊતરી ગયાના દાખલા છે. વિનોદ સાથે ધીમે ધીમે પરિચય વધતો ગયો. એક દિવસ તેમણે મને કહ્યું કે ‘આપણે સાથે રહેવું હોય તો એ વિચાર તમને કેવો લાગે છે?’ મેં કહ્યું કે ‘એટલો બધો સરસ નથી લાગતો !’ હું બરાબર ઓળખ્યા વિના સાહસ ન કરું. મેં મકરંદભાઈને (કવિ મકરંદ દવે – નંદીગ્રામ) વાત કરી, તેમણે કહ્યું કે ‘વિનોદ બહુ અઘરો માણસ છે. તમારી વચ્ચે પ્રેમ હોય તો બરાબર છે.’ વિચાર કરતાં મને થયું કે વિનોદ બહુ નોબલ માણસ છે. લોકોને મદદ કરવાની, ઘસાઈ છૂટવાની વૃતિ છે, માણસો માટે મરી પડે. આવું હ્રદય તો બહુ ઓછા લોકો પાસે હોય છે. એટલે મને થયું કે સાથે રહી શકાશે, વાંધો નહીં આવે. એમ માની લગ્ન કર્યા. મારા દાદી બહુ રાજી થયા, વિનોદના કારણે નહીં પણ ઝવેરચંદ મેઘાણી મારા સસરા એ વાતથી.”

વિનોદ મેઘાણી
“ઝવેરચંદ મેઘાણીએ આત્મકથા નથી લખી. પણ તેમણે એક વચનમાં ઘણી વાતો લખી છે. આખા પરિચ્છેદો મૂકી શકાય. મેં અને વિનોદે એ એકત્ર કર્યું, સંકલન કર્યું. અઠવાડિયામાં બે દિવસ મુંબઈ જતા. ‘જન્મભૂમિ’માં બેસીને ફાઈલો ઉથલાવતા. ટાંચણ કરતા. એ રીતે ‘અંતરછબિ’ પુસ્તક તૈયાર થયું. આ રીતે ‘હું આવું છું’નું કામ થયું આ બે કામ અમારી જિંદગીનાં સારાંમાં સારાં થયાં. વિનોદ ઉગ્ર હતો, હુંપણ ઉગ્ર ખરી. મેં હંમેશાં એક વાત યાદ રાખેલ કે બહુ જ ઊંચી કક્ષાના માણસ સાથે હું જીવું છું. બહુ જ વિશાળ હ્રદય. એની પાસેથી હું એ શીખી કે ‘બધા માણસોને આપણી હાજરી પસંદ જ હોય એવું કોણે કહ્યું? બધા માણસોને આપણી સાથે વાત કરવાનું, આપણને મળવાનું ગમે જ, એવો કોઈ નિયમ છે?’ આ વાત મેં વિનોદ પાસેથી અંકે કરી. કોઈનો અનાદર તકલીફ આપે છે. આ સમજણના કારણે, આજે કોઈ નજીકનો માણસ ખરાબ રીતે વર્તે તો તેની પીડા મને બહુ ઓછી થાય છે.”
“સ્વામી આનંદનું ગદ્ય બહુ જ ગમે. જીવનને જોવાની અને મૂલવવાની એમની દૃષ્ટિ પણ મને બહુ ગમે. પોતાની વાત સોંસરી મૂકવાની, તંતોતંત પ્રમાણિકતા, નિષ્ઠા હોય એ ગમે. મને પ્રમાણિક અને પારદર્શક માણસોનું બહુ જ આકર્ષણ રહ્યું છે. સ્વામીદાદાના પત્રો મારા હાથમાં હોય ત્યારે મને લાગતું કે હું સ્વામીદાદાના હાથને સ્પર્શી રહી છું. ગાંધીજીએ બાપુજી (ઝવેરચંદ મેઘાણી) પર લખેલી ચિઠ્ઠી પકડતાં જે રોમાંચ થયો એવો જ રોમાંચ સ્વામીદાદાના પત્રો હાથમાં લેતા થયો હતો. આ ભાવ તમે કોઈ રીતે સમજાવી ન શકો કે આવું કેમ થાય? વ્યક્તિને પામવાની કેટકેટલી રીતો હોય છે. આપણે સંબંધોને બહુ જ સપાટ બનાવી દઇએ છીએ. પછી તેના ગુણાકાર ભાગાકાર, તાળો મેળવવાનું. એવું નથી. માણસોને પામવાની બહુ બધી રીતો હોય છે. એ રીતે સંબંધોમાં માણસને પામવાની અનેક રીતો હોય છે. એટલે જે ચોકઠાં કે ત્રાજવાં આપણે કાયમ વાપરતાં હોઈએ એ બધા સંબંધોને મૂલવવામાં વાપરવાં જોઈએ નહીં. કેટલીક વસ્તુ આપણી સમજની બહાર પણ હોય છે.”

મકરંદ દવે
“મકરંદભાઈની પ્રસન્નતા મને ગમે. એમની આદ્યાત્મિક વાતો મને સમજાતી ન હતી. હું એમાં માનતી પણ નથી, એવું મેં કહેલું. મને ગામડાંમાં કામ કરવું ગમે છે એટલે હું નંદીગ્રામ આવું છું, નહીં કે આદ્યાત્મિકતા, અનુષ્ઠાન માટે. ભાષા પર એમની પકડ, અદ્દભુત અનુવાદો, એમની પાસે જે રીતે કાવ્યો આવતાં તે મને અદ્દભુત લાગતું. ‘અમે રે સૂકું રૂનું પૂમડું’ આ પંક્તિ કેવી રીતે આવી હશે? મકરંદભાઈના વ્યક્તિત્વમાં એવું હતું કે બધાને બહુ જ ખેંચતું. તે પ્રસન્નતા હોય, અલગારીપણું હોય. બધાં સાથે એમનું વર્તન સહજ અને સરળ રહેતું. આ બધી વસ્તુઓથી હું ઘણી પ્રભાવિત થઈ હતી. એ વ્યવહારના માણસ ન હતા, ટ્રસ્ટનું કામ સંભાળી શકે તેવી કોઈ સંભાવના ન હતી. આ કામમાં પડ્યા ન હોત તો પોતાનાં મનગમતાં કામમાં વધુ કરી શક્યા હોત. સ્વામીદાદા કહેતા કે કામ કરવું હોય તો એકલપંડે કરવું, સંસ્થા કરવી નહીં. કેમ કે સંસ્થા એટલે માણસ એટલા બધાં ઘટાટોપમાં ડૂબી જાય કે કામ બાજુ પર રહી જાય. નંદીગ્રામમાં ટ્રસ્ટ પાસેથી કામ લઈ શકાય તેવું કુંદનિકાબહેન(કાપડિયા)નું પોત ન હતું. એટલે એ પાછા પડ્યાં. મકરંદભાઈ અને કુંદનિકાબહેનથી ખેંચાઈને ઘણા બધા લોકો આવ્યા, દુર્ભાગ્યે થયું એવું કે એમની સાથે માણસો ટક્યાં નહીં. મારે પરણવું નથી, ગામડાંમાં કામ કરવું છે, બહુ મજા આવશે, એવા ખ્યાલથી હું નંદીગ્રામ ગઈ હતી. મકરંદભાઈ અને કુંદનિકાબહેનના કારણે નહીં. પછી નિર્ભ્રાંત થતાં બહુ વાર ન લાગી. હવે મને લાગે છે કે નિર્ભ્રાંત (ભ્રાંતિ વિનાનું) થવું એ સુખની ચરમસીમા છે !”

સ્વામી આનંદ
“સ્વામીદાદા, મકરંદભાઈની જેમ આધ્યાત્મિક માણસ ન હતા. મકરંદભાઈ કહે કે ‘મને પીડા થઈ અને માને પ્રાર્થના કરી એટલે પેટનો ગોળો મટી ગયો’ તો સ્વામીદાદા કહે કે ‘ આટલી નાની વાતમાં માને ફરિયાદ શું કામ કરવાની? પોતાના દુઃખ માટે ફરિયાદ કરાય? માને બીજાં કામ નથી?’ આ સ્વામીદાદાનો અભિગમ. તે હ્રદયના માણસ. પણ બન્ને વચ્ચે સ્નેહનો સંબંધ હતો.”
“નવી પેઢીના વાર્તાકારોને એટલું કહીશ કે પ્રગટ થવાની ઉતાવળ ન કરવી. જો ઉત્તમ હશે તમારું કશુંક તો તે પ્રગટ થશે જ. એ ઢંકાયેલું નહીં રહે. કવિતા / વાર્તા લખવી એ કેટલું બધું અઘરું કામ છે. એમાં ઘણું વલોવવાનું હોય, તમારે પોતે પણ વલોવવાનું હોય, સળગવાનું હોય, બળવાનું હોય. મેધાણી કહે છે કે ‘રગરગ કડાકા ચાય !’ થોડીક ધીરજ, થોડુંક તપ. તપવું તો પડે જ. ભાષાને તો પામો. ભાષાની આરાધના કરો. થોડું વાંચો. થોડાં ઊંડા ઊતરો. થોડુંક શબ્દભંડોળ વઘારો. આ પછી લખવાનું થાય. લેખન જ નહીં દરેક ક્ષેત્રે આ થવું જોઈએ. એક સંગીત જ એવો વિષય છે જેમાં સાધના વિના સ્ટેજ પર જવાતું નથી. ત્યાં ફિયાસ્કો થવાની શક્યતા છે. બાકીના ક્ષેત્રોમાં કોઈ પૂછનાર જ નથી. કરુણ વાત એ છે કે વિવેચન રહ્યું નથી. આપણી પાસે વિવેચનનું એક પણ સામયિક નથી. હવે ‘પ્રત્યક્ષ’ પણ નથી. વાર્તા કેવી રીતે કોઈ વાર્તાકારે સિદ્ધ કરેલ છે તે શીખવું જ પડે. એ શીખ્યા વગર તમે કશું જ ન કરી શકો. જો તમારી તાલીમ અધૂરી છે તો લાંબુ નહીં ચાલે. તમારે તપશ્ચર્યા કરવી પડે. વાર્તા એમને એમ નહીં આવે. તમારે ટકવું હશે તો બધાંનો પ્રભાવ ઝીલવો પડશે. પ્રભાવ ઝીલ્યાં વગર કોઈ કામ થશે નહીં. એના કારણે તમારી મૌલિકતા નષ્ટ નહીં થાય. મૌલિક હશો તો એ નિકળવાની જ છે. મૌલિક નહીં હો તો કોઈનો પ્રભાવ ઝીલો કે ન ઝીલો કશું નિકળશે જ નહીં. કોરુંધાકોર રહેશે … મને સમય મળે તો થોડી ઉત્તમ રચનાઓ, ગદ્યની અને પદ્યની Anthology (સંકલન) અંગ્રેજીમાં તૈયાર કરવી છે. આપણું કશું બહાર તો જતું નથી. આપણી પાસે અંગ્રેજીમાં મૂકવાનું કશું જ નથી. આપણી પાસે સારા અનુવાદકો છે, તેમને જોતરવાનું બાકી છે. વિનોદની સ્મૃતિમાં આ કામ કરવું છે.”
17 જાન્યુઆરી 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર