
રમેશ સવાણી
25 જુલાઈ 2013ના રોજ ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે મોદીજીએ અમદાવાદમાં કહ્યુ હતું : “મનમોહન સરકાર અને રૂપિયામાં ગગડવામાં હરીફાઈ થઈ છે. ડોલરના મુકાબલે રૂપિયો ઝડપથી બિમાર થઈ રહ્યો છે. રૂપિયો 60ના સ્તરે પહોંચી ગયો છે અને સરકાર કોઈ પગલાં લેતી નથી ! ડોલર મજબૂત બની રહ્યો છે. રૂપિયો કમજોર બની રહ્યો છે, વિશ્વ-વેપારમાં ભારત ટકી શકશે નહીં. આપણા વેપારીઓ સહન નહીં કરી શકે. દિલ્હીની સરકાર જવાબ આપતી નથી. નેપાળના રૂપિયાને કોઈ વાંધો નથી, બાંગ્લાદેશની કરન્સીને કોઈ પ્રોબ્લેમ નથી, પાકિસ્તાનની કરન્સીને કોઈ પ્રોબ્લેમ નથી, શ્રીલંકાની કરન્સીને કોઈ પ્રોબ્લેમ નથી, આપણી આજુબાજુના નાના નાના દેશોની કરન્સીને કોઈ પ્રોબ્લેમ નથી, દેશ જાણવા માંગે છે, પ્રધાન મંત્રીજી, એવું શું કારણ છે કે આજે માત્ર ભારતનો રૂપિયો જ ડોલરના મુકાબલે ગગડી જ રહ્યો છે, ગગડી જ રહ્યો છે, કેમ ગગડી રહ્યો છે? આ માત્ર આર્થિક કારણોસર નથી થયું, આ તો દિલ્હીની ભ્રષ્ટ રાજનીતિના કારણે બન્યું છે !”
કેટલાંક લોકો કહે છે કે ‘મોંઘવારી / બેરોજગારી / શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાના વેપારીકરણ માટે લોકો જ જવાબદાર છે. તેઓ મત આપતી વખતે કંઈ વિચારતા નથી. નકલી ધર્મવાદ અને નકલી રાષ્ટ્રવાદના નશામાં નોન-બાયોલોજિકલને મત આપી દે છે !’
આ વાતમાં તથ્ય તો છે જ, સામાન્ય લોકોનો વાંક છે જ, પરંતુ જેમને પેટ ભરવાની ચિંતા નથી તેવા ધનવાન લોકો પણ ‘નકલી ધર્મવાદ અને નકલી રાષ્ટ્રવાદ’ના નશામાં લોકોને ગેરમાર્ગે દોરતા હોય તો કોને ફરિયાદ કરવી? ધનવાન લોકો મૂંગા કેમ થઈ જતાં હશે? એમને કોનો ડર લાગતો હશે? વિદ્વાન વડા પ્રધાન મનમોહન સિંહની સરકારની આલોચના હિમ્મતપૂર્વક કરી શકતા હતા, તો ‘વાદળોમાં રડાર કામ ન કરે / અબ કી બાર ટ્રમ્પ સરકાર તેમ કહેનાર અજ્ઞાન’ વડા પ્રધાન સામે કેમ બોલતા નહીં હોય?
2013માં અન્ના હઝારે / બાબા રામદેવ / શ્રી શ્રી રવિશંકર / ચેતન ભગત / અમિતાભ બચ્ચન / જુહી ચાવલા / શિલ્પા શેટ્ટી / અનુપમ ખેર / વિવેક અગ્નિહોત્રી વગેરે 1 ડોલરના મુકાબલે રૂપિયાની કિંમત 60 હતી ત્યારે વિરોધ કરતા હતા; 2014 પછી રૂપિયો સતત ગગડતો રહ્યો છે. 13 જાન્યુઆરી 2025ના રોજ ડોલરના મુકાબલે રૂપિયો ગગડીને 86.69 પર પહોંચી ગયો છે ! આ મહાનુભાવો 2014થી 2025 દરમિયાન એક શબ્દ બોલ્યા નથી ! રૂપિયો ગગડીને ડોલરના મુકાબલે 100 પર પહોંચશે તો પણ તેઓ બોલવાના નથી ! આ મૌનનું કારણ શું હશે? શું તેઓ 2013માં એટલે બોલતા હતા કે તેમને વાસ્તવમાં રૂપિયાની ચિંતા હતી? કે કોઈ કાવતરાના ભાગરૂપે બોલતા હતા?
કાર્ટૂન સૌજન્ય : મંજૂલ [Manjul]
ડોલરના મુકાબલે જ્યારે રૂપિયાની કિંમત ઘટે ત્યારે આયાત મોંઘી પડે છે અને મોંઘવારી વધે છે. હાલ મોંઘવારી આકાશે આંબી છે છતાં 2013માં ગોકીરો કરનારા મહાનુભાવો ચૂપ કેમ છે? શું લોકોની પીડા તેમને દેખાતી નહીં હોય?
ચેતન ભગત લેખક છે. ચેતન ભગતની માફક ગુજરાતના મોટાભાગના લેખકો / પત્રકારો પણ ‘ભગત’ બની ગયા છે ! ચેતન ભગતે 20 જૂન 2013ના રોજ લખ્યું હતું : “રૂપિયો 60ની સપાટીએ. આ તો ખૂબ જ અરાજકતા છે. આર્થિક કટોકટી નજીક છે. પણ સરકાર ચૂપ છે.”
અભિનેતા અમિતાભ બચ્ચને 1 સપ્ટેમ્બર 2013ના રોજ લખ્યું હતું : “અંગ્રેજી શબ્દકોશમાં નવો શબ્દ ઉમેરાયો : RUPEED (ru – pee – d), ક્રિયાપદનો અર્થ : નીચે તરફ ખસેડો.”
અભિનેત્રી જુહી ચાવલાએ 21 ઓગસ્ટ 2013ના રોજ બે ટ્વીટ કર્યાં હતાં : “ભગવાનનો આભાર, અપુન કે અન્ડરવેર કા નામ ‘ડોલર’ હૈ, ‘રૂપી’ હોતા તો બાર બાર ગીરતા રહેતા ! પોતાને બચાવવાનો રૂપિયા પાસે એકમાત્ર રસ્તો એ છે કે ડોલરને રાખડી બાંધીને કહેવું – મેરી રક્ષા કરના !”
અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ 20 ઓગસ્ટ 2013ના રોજ લખ્યું હતું : “મેં વાંચેલી રમૂજી વાત. ડોલર એસ્કેલેટર પર. રૂપિયો વેન્ટિલેટર પર. દેશ આઈ.સી.યુ.માં ! આપણે કોમામાં ! ડુંગળી શોરૂમમાં ! ભગવાન ભારતનું ભલું કરે !”
પ્રોપેગેન્ડા ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીએ 24 જૂન 2012ના રોજ લખ્યું હતું : “તમારી ખુશી પેટ્રોલની કિંમતની જેમ વધે ! તમારું દુ:ખ ભારતીય રૂપિયાની જેમ ઘટે ! ભારતમાં ભ્રષ્ટાચારની જેમ તમારા હૃદયમાં ખુશી છલકાઈ જાય !”
અભિનેતા અનુપમ ખેરે 28 ઓગસ્ટ 2013ના રોજ લખ્યું હતું : “સબ કુછ ગીર રહા હૈ. રૂપિયે કી કિંમત ઔર ઇન્સાન કી કિંમત ! હમ ઉસ દેશ કે વાસી હૈ જીસ દેશ મેં ગંગા રોતી હૈ !”
આપણે જેને આદર્શ માનીએ છીએ તે સમાજસેવક / યોગગુરુ / ધર્મગુરુ / લેખકો-પત્રકારો / અભિનેતાઓ / અભિનેત્રીઓ / ફિલ્મ નિર્માતાઓ કેટલાં જુઠ્ઠા છે, સ્વાર્થી છે, પૂર્વગ્રહથી પીડિત છે, લોકોને મૂર્ખ સમજે છે, તેની સમજ કેળવવાની જરૂર છે. જ્યારે રૂપિયો 1 ડોલરના મુકાબલે 60ની સપાટીએ હતો ત્યારે ખૂબ જ અરાજકતા, આર્થિક કટોકટી લાગતી હતી પણ રૂપિયો ગગડીને 86.69 પર પહોંચી ગયો ત્યારે લેખકો-પત્રકારોને તેમાં વિકાસ દેખાય છે ! ફિલ્મ અભિનેતા-અભિનેત્રીઓના અન્ડરવેર હવે ઊતરી જતા નહીં હોય? હવે રૂપિયો વેન્ટિલેટર પર, દેશ ICUમાં નથી? આપણે કોમામાં નથી? ડુંગળી શો-રૂમમાં નથી? શું પેટ્રોલની કિંમત ઘટી છે? ભ્રષ્ટાચાર ઘટ્યો છે? શું બધું ગગડી રહ્યું નથી?
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર