(હળવો લેખ)

રવીન્દ્ર પારેખ
હમણાં હમણાં લાર્સન એન્ડ ટુબ્રોના ચેરમેન સાહેબે એક વીડિયોમાં અઠવાડિયામાં 90 કલાક કામ કરવાની હિમાયત કરી છે. એવી જ હિમાયત ગયે વર્ષે ઈન્ફોસિસના ચેરમેન સાહેબે પણ કરેલી. તેમણે 70 કલાક કામ કરવાનું કહેલું. ચાલો, વર્ષમાં અઠવાડિયાના 20 કલાક તો વધ્યા ! આને કહેવાય વિકાસ ! કૈં થાય કે ન થાય, વિકાસ તો થાય જ છે. સાચું તો એ છે કે આપણી પાસે બગાડવા માટે સમય જ સમય છે. હજારો લોકો નેતાનું ભાષણ સાંભળવા દોડે છે, તો સેંકડો લોકો સવાર સાંજ કથા સાંભળવા બેસે છે. કેટલા બધા લોકો અનેક મુશ્કેલીઓ વેઠીને મંદિરોમાં દર્શન માટે દોડે છે ને જરા કૈં છમકલું થાય છે તો કચડાકચડી ને ભચડાભચડીમાં જીવ ગુમાવે છે. ઘણા ઘાયલ થાય છે ને એમ હોસ્પિટલો ઉભરાતી રહે છે. આ હાલત હોય તો કોઈ ચેરમેન 90 કલાક કામની હિમાયત કરે તેમાં ખોટું કૈં નથી. પ્રોબ્લેમ શું છે કે લોકો પાસે કલાકો છે, પણ કામ નથી. બેકારી એટલી છે કે સરકારી નોકરી મળતી નથી. સરકારીમાં શું છે કે કામ ઓછું ને પગાર વધારે, એટલે સરકારી, તરકારી બને કે તકરારી, લોકો શોધે તો સરકારી જ !
જો કે, સરકાર પણ થોડી કંજૂસ થઈ ગઈ છે. પોતાનું પેન્શન પહેલાં પાકું કરી લે છે, પણ માસ્તરોને આપવું પડે એટલે કાયમી કરતી નથી. એ જ કારણે સરકારે કામચલાઉ માસ્તરો રાખવાનું શરૂ કર્યું છે. ખાનગીમાં શું છે કે ફી અને કામ વધારે ને પગાર ઓછો. બીજે પણ કામદારો 90 કલાકથી વધુ કામ કરે છે, પણ દેવું કાયમ માથે રહે એટલો જ પગાર હોય તો એવા 90 કલાક વિષે પણ કોઈ સાહેબ બોલે તો કર્મચારીનો ઉત્સાહ વધે. સવાલોનો સવાલ એ છે કે કંપનીના સાધારણ કર્મચારીને 90 કલાક કામ કર્યા પછી ચેરમેનને મળે છે એટલો વર્ષે 51 કરોડનો પગાર મળે એમ છે? એણે આંગળા ચાટીને જ પેટ ભરવાનું હોય તો 90 કલાકનું ખેંચાણ એને કેટલુંક રહે? એ જાણે છે કે આખી જિંદગીમાં 51 કરોડ કદી એની હોજરીમાં પડવાના નથી તો જિંદગી પણ લોન લીધી હોય તેમ હપ્તેથી જ જીવશે કે બીજું કૈં? વિચાર તો એવો પણ આવે કે એક જ માણસને 51 કરોડ કેટલા બધાંના કોળિયા ઝૂંટવીને અપાતા હશે …
એલ. એન્ડ ટી.ના ચેરમેને 90 કલાકનું ઠીકરું તો ફોડ્યું, પણ બીજા બે બોલ સ્ફોટક પણ કહ્યા. એક તો રવિવારે પણ કામદારોને કામે બોલાવવા. તે એટલે કે સાહેબ પોતે પણ રવિવારે કામ કરે છે. ઘણા સાહેબો કંપનીમાં જ રહેતા હોય તેમ ઘણાં કલાકો કામ કરે છે ને એટલું કરે છે કે રવિવારે પણ ઓફિસમાં જ રહે છે. એ કંપનીમાં મોજ કરે ને ફેમિલી ઘરે મજા કરે. શક્ય છે કે ફેમિલી મજા કરી શકે એટલે જ કદાચ સાહેબ રવિવારે પણ ઓફિસમાં રહેતા હશે. કેટલાક સાહેબોનું એવું છે કે એ ઓફિસમાં વોન્ટેડ ને ઘરમાં અનવોન્ટેડ હોય છે. કેટલાક તો ઓફિસમાં પણ અનવોન્ટેડ જ હોય છે, પણ સાહેબ હોવાને નાતે ઓફિસ નાછૂટકે એમને ચલાવી લે છે.
આમાં ન સમજાય એવું એ છે કે ઓફિસે વધુ દોડવું ન પડે એટલે ફાઇવ ડે વીકની વાત ચાલે છે, સેકન્ડ-ફોર્થ સેટરડે રજા રાખીને અઠવાડિયું પાંચ દિવસનું કરવાની વાત હોય ત્યાં શનિવારે તો ઠીક, રવિવારે પણ દુકાન ખુલ્લી રાખવાની વાત, ગધેડાને તાવ આવે એવી છે. જો કે, કેટલાક ગધેડા માણસ પણ હોય છે, એટલે તેમને તાવ નથી આવતો, પણ તે ઘણાંને તાવ લાવી દે એવા હોય છે. એક તરફ 90 કલાક કામ કરવાની વાત છે, તો બીજી તરફ કામના કલાકમાં પણ, કામ કેમ ન થાય તેની યુક્તિ અજમાવતા કર્મચારીઓ પણ છે. એક કાળે રિસેસ હોય તો પણ બેન્કોમાં કાઉન્ટરો ચાલુ રહેતાં હતાં. કર્મચારી કાઉન્ટર બીજાને સોંપીને રિસેસ ભોગવતો. તે આવે કે બીજો જતો. હવે તો કેટલીક બ્રાન્ચમાં રિસેસમાં બારણાં જ બંધ કરી દેવાય છે, એટલે ગ્રાહક એટલો સમય ભગવાનનાં દર્શન કરવાનો હોય તેમ દ્વાર ખૂલવાની રાહ જોતો ટીંગાઈ રહે છે. કોઈ ગ્રાહક ફરિયાદ કરે તો બ્રાન્ચ હેડ મગરનાં આંસુ સારતાં કહે છે કે શું કરીએ, સ્ટાફને સાચવવો પડે છે. આવી રીતે એટલા બધાં મગરનાં આંસુ સાહેબો સારે છે કે મગરનાં આંસુ હવે મગરને પણ આવતાં નથી. એક તરફ કામ ન કરીને કલાકો વિતાવાય છે, તો બીજી તરફ વધુ કલાક કામ કરવાની હાકલ થાય છે.
અહીં સવાલ એ થાય કે મહત્ત્વનું શું છે, કામ કે કલાક? કલાકો ફાજલ હોય, પણ કામ કરવાની જ દાનત ન હોય તો, 100 કલાક હાજર રહેવા છતાં કામ ન થાય એમ બને. મોંકાણ શું છે કે યોગ્ય જગ્યાએ અયોગ્ય વ્યક્તિ અને અયોગ્ય જગ્યાએ યોગ્ય વ્યક્તિ ગોઠવાયેલી છે, એટલે કલાકો પસાર થવા છતાં કામ નથી થતું. કલેકટરની લાયકાતવાળો કારકૂની કરે છે. બેંકમાં જવું છે તે પ્રાઇમરી ટીચર થઈને રહી જાય છે. લેબમાં હોવી જોઈતી વ્યક્તિ સ્લેબ ભરે છે. કોઈએ વાંસળી વગાડવી છે, તો તેની પાંસળી સરખી નથી ને કોઈએ સિતાર વગાડવી છે, તો તે તારેતાર થયેલો છે. મતલબ કે જેમાં રસ નથી તે કામ કરવાનું આવે તો કામમાં ભલીવાર ન રહે ને કલાકો વેડફાય તે નફામાં, પણ ગમતું કામ હશે તો 90 શું 100 કલાક પણ કોઈ વિસાતમાં નથી.
કેટલી બધી ગૃહિણીઓ 10-12 કલાક રાંધવામાં, વાસણકૂસણમાં, ધોવા-નિચોવવામાં ભરતગૂંથણમાં, બાળઉછેરમાં આયખું ખુટાડી દે છે ! તેને ગમે કે ન ગમે, પણ તે કરે છે ને એ કરે છે તે કુટુંબ પ્રત્યેના પ્રેમને કારણે. એનું એને શું મળે છે? એનાં કામ બીજા પાસે કરાવીએ તો પગાર ખૂટી પડે. એ બધું ગૃહિણી માંદી હોય તો પણ, લાગણીથી કરે છે. એક તરફ કામ ન કરીને કલાકોની હાજરી ભરીને મોટો પગાર પાડનારા છે, તો બીજી તરફ કલાકો જાત ઘસીને પ્રશંસાના બે બોલ પણ ન પામનારી ગૃહિણીઓ છે. એમાં કેટલીક તો નોકરી કરે છે ને ઘરકામ પણ કરે છે. એને 90 કલાક તો રમતમાં થતા હશે, પણ ઓફિસમાં કે ઘરમાં તે ભાગ્યે જ અપમાન સિવાય કૈં પામતી હશે. કહેવાનું એ છે કે રસ હોય કે ફરજ બજાવવાની હોય તો કોઈ કહે કે ન કહે, વ્યક્તિ જિંદગી ખર્ચી કાઢે છે ને રસ ન હોય તો કલાક કાઢવાનું પણ અઘરું થઈ પડે છે.
સાહેબે 90 કલાકનું કીર્તન તો કર્યું ને વધારામાં એમ પણ કહ્યું કે ક્યાં સુધી પત્નીને જોયા કરશો કે પત્ની તમને જોયા કરશે? આ વાતે મહિલાઓ મટકાં ફોડે તો નવાઈ નહીં ! સાહેબને પત્ની છે કે નથી તે નથી ખબર. હોય તો તેને કેટલું જુએ છે તે પણ નથી ખબર, પણ રવિવારે ઓફિસે જાય છે એ પરથી લાગે છે કે પત્નીને ઓછું જ જોતાં હશે, પણ બીજાને એમ કહેવું કે ક્યાં સુધી એકની એક પત્નીને જોયા કરશો, તો એમાં પત્નીને ટાળવાની વાત છે ને તે ટાલ પાડી દે એવી છે. સાહેબને કેમ એવું લાગ્યું કે તેમના કર્મચારીઓ પત્નીને જ જોયા કરે છે, પડોશ સારો હોય તો તે જોવા પણ કોઈ ઘરે રહે, એવું નહીં? લાગે છે સાહેબને પડોશ સારો નહીં મળ્યો હોય, પણ તેમના કર્મચારીઓ નોકરીમાં નહીં, તો છોકરીમાં નસીબદાર હોય એમ બને. એવું થોડું છે કે કર્મચારી ઘરે રહે તો પત્નીને જ જોયા કરે? પત્નીને પણ કામ હોયને ! એવું પણ નથી કે રવિવારે નોકરીમાં રજા હોય એટલે ઘરે પણ રજા જ હોય ! રવિવારે પત્ની આરામ કરતી હોય ને માટી, ઘાટીની જેમ કચરાંપોતાં કરતો હોય એવું પણ બનેને ! અઠવાડિયામાં એક રવિવાર જ તો મળતો હોય, તો એક દિવસ ઘરકામમાં મદદ કરે એટલામાં પતિ થોડો પતી જવાનો હતો !
સારું થયું કે સંસદીય સમિતિના એક સભ્યે મંત્રીને લખ્યું કે અઠવાડિયામાં કર્મચારીઓ નક્કી કરાયેલા 48 કલાકથી વધુ કામ ન કરે તે જુએ. મંત્રી, પત્નીને જોવામાં પડ્યા હોય ને ન જુએ કે મોડું જુએ એમ બને, પણ કર્મચારી કમાતો હોય છે તો માબાપ, પત્ની ને બાળકો માટે જને ! કુટુંબ જ ન હોય તો કોઈ પણ વૈતરું શું કામ કરશે? ઘરે થોડું રહેવાથી કર્મચારી આજુબાજુમાં કંપની પ્રોડક્ટની વાત કરે તો એમાં કામ કંપનીનું પણ થાય છે. કર્મચારીનું માથું દુ:ખે તો માથું દબાવવા પત્ની જોઈએ, તે કંપની દબાવી આપવાની હતી? પત્ની પોતાની કે બીજાની જોવામાં જે રાહત છે, તે કંપનીને જોવાથી થવાની હતી? ને કંપની ગમે એટલી ઉત્તમ હોય તો પણ તે ઘરનો વિકલ્પ નથી જ ! ઘરમાં પત્ની-બાળકોને મળવાથી આનંદ થતો હોય ને બીજે દિવસે ફ્રેશ થઈને, ફરી વાસી થવા કર્મચારી નોકરીએ આવતો હોય તો કોઈને પણ દુખાવો શું કામ થવો જોઈએ? ઑફિસેથી વૈતરું કરીને આવે ને પત્નીને જોતાં જ થાક ઊતરી જતો હોય તો તે પત્નીને નહીં તો શું ડાઘીયા કૂતરાને જોવાનો હતો? જેમને પત્નીને જોતાં જ તાવ ચડતો હોય તે સાહેબો ભલે ઓફિસમાં સેક્રેટરી જુએ, પણ જેમને પત્નીને જોવાથી શાંતિ મળતી હોય, તેમને માટે કોઈ સાહેબે શાંતિપાઠ કરવાની જરૂર નથી. ઈઝ ધેટ ક્લીયર?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 13 જાન્યુઆરી 2025