ડોરબેલના રણકે, ચટ્ટાપટ્ટાવાળી આછા બ્લૂ રંગની લૂંગી ઉપર ઝીણી જાળીવાળી ગંજી, શીતળાના દાગવાળો ચહેરો, માથે આફ્રિકન અમેરિકન જેવા કર્લી વાળ અને આંખે સોનેરી ફ્રેમનાં ચશ્માંવાળા એકદડી શરીરવાળી વ્યક્તિએ સ્મિત સાથે અમને આવકારતાં બ્લૉકનો દરવાજો ખોલ્યો.
દરવાજો ખોલનાર વ્યક્તિને થોડાક મિજાજ સાથે મેં કહ્યું, “તમે બક્ષી સહેબને જઈને કહો કે સાંજના કાર્યક્રમમાં ઘાટકોપરની કૉલેજમાં લઈ જવા માટે બે વિદ્યાર્થી મિત્રો આવ્યા છે.”
“તમે પાંચ-દસ મિનિટ નિરાંતે બેસો, હું અંદર જઈ બક્ષી સાહેબને તમારા આગમનની જાણ કરું છું.”
હું અને મારો મિત્ર શૈલેશ દવે નાનકડા ફલૅટમાં, બક્ષી સાહેબની રાહ જોતા, હળવી વાતો કરતા બેઠા હતા. એવામાં થોડી વાર પહેલાં અમને બહાર સોફા પર બેસાડી અંદર રૂમમાં બક્ષી સાહેબને અમે આવી ગયા છીએની જાણ કરવા ગયેલ વ્યક્તિ સૂટબૂટ સાથે ટાઈ પહેરી પાઈપની લિજ્જતથી મજા લેતી બહાર આવી. મારી સાથે હસ્તઘૂનન કરતાં તેમનો પરિચય આપ્યો …. “હું ચંદ્રકાંત બક્ષી અને તમે છો?”
મારો પરિચય આપતાં મેં ઝંખવાતા ચહેરે બક્ષી સાહેબને કહ્યું, “આજ પહેલાં તમને કયારે ય કયાં ય જોયેલ ન હોવાથી તમને દરવાજા પર ઓળખી ન શકયો.” ખડખડાટ હસતાં તેઓ બોલ્યા, “દોસ્તો, તમારે આ બાબતમાં દુઃખી થવાની કોઈ જરૂર નથી. મારો ચહેરો જ એવો છે. કદાચ આ કારણે તમે ઓળખવામાં ભૂલ કરો જ. પરંતુ આજની તારીખમાં મને ગુજરાતી સાહિત્ય જગતમાં પણ કોઈ ઓળખી કે સમજી શક્યું જ છે ક્યાં?”
તે સાંજે કૉલેજના કાર્યક્રમમાં ‘આજના યુવાને દેશ માટે શું કરવું જોઈએ” એ વિષય પર બક્ષી સાહેબ ખૂબ ખીલ્યા! એ વખતે ભારતનાં વડા પ્રઘાન ઇંદિરા ગાંઘીએ દેશ પર કટોકટી ઠોકી બેસાડી હતી. કટોકટીના કારણે ભારતીય બંઘારણમાં નાગરિકને બક્ષેલા મૂળભૂત હક્કોમાં ખાસ કરીને વાણી-સ્વતંત્રતા પર કેવી માઠી અસર પડી છે. લોકો કેટલા ડરી ગયા છે, અખબાર, સામયિકની હાલત કેવી કફોડી બની છે તે અંગે તેમણે બહુ જ દુઃખ સાથે જણાવ્યું કે, “આવો જુલમ તો હિટલર જેવા સરમુખત્યારે પણ ગુજાર્યો નહોતો. ઇંદિરાજીએ અને તેમના પ્રઘાનમંડળે ભારતના બંઘારણના કેવા બેહાલ કરી નાખ્યાં છે. જાણે કોઈ સીંગચણાવાળો પડીકું બાંઘવા પુસ્તકનાં પાનાં ફાડતો હોય તે રીતે ઇંદિરાજીએ બંઘારણની કલમને વટહુકમના જોરે તોડીફોડી બંઘારણને કચરાસમું બનાવી દીઘું છે.
કાર્યક્રમ બાદ બક્ષી સાહેબ સાથે ચા-નાસ્તો લેતાં તેમણે મને કહ્યું, “પ્રીતમભાઈ, કવિતા તો ઘણું ખરું માંદા માણસો લખે. તમારા જેવા યુવાનને આ બીમારી કયાંથી લાગી ગઈ?”
“બક્ષી સાહેબ, મેં તમારી થોડીક કવિતા “કવિતા”માં વાંચી છે. ફકત તમારી કવિતા જ નહિ પણ “કવિતા”ના એકાદ અંક્માં તમારું કાર્ટૂન પણ જોયું છે.” ખડખડાટ હસતા બક્ષી સાહેબ બોલ્યા, “તમારી વાત બિલકુલ સાચી છે. મેં મુઠ્ઠીભર કવિતા લખી છે. હું પણ તમારી જેમ કયારેક માંદો હતો. તે દરમિયાન લખાયેલ બઘાં કાવ્યો ‘કવિતા”માં પ્રગટ થયાં છે. વાત રહી પ્રગટ થયેલા મારા કાર્ટૂનની તો હું તમને નિખાલસ મને જણાવું કે,”કવિતા’ના તંત્રી સુરેશ દલાલ મને બહુ જ સારી રીતે ઓળખે છે. તેઓ મારા વ્યક્તિત્વ અને સ્વભાવથી પરિચિત છે. હું તેમને ઘણી વાર મળી ચૂક્યો છું. તેમને મનથી લાગ્યું હશે કે જો હું બક્ષીનો ફોટો “કવિતા”માં પ્રગટ કરીશ તો પણ લોકોને કાર્ટૂન જેવો જ લાગશે.
બક્ષી સાહેબ એ વખતે મુંબઈ દૂરદર્શન પર દર બુઘવારે “યુવાદર્શન” નામનો કાર્યક્રમ પ્રગટ કરતા હતા. તેમણે અમને એ સમયના મશહૂર ફિલ્મ અભિનેતા સંજીવકુમારની એક રસપ્રદ વાત કરી. ફિલ્મ જગતમાં ફકત એક ગુજરાતી અભિનેતા હોવાને કારણે સંજીવકુમારને યુવા દર્શન કાર્યક્રમમાં પઘારવા ફોન પર મેં આમંત્રણ પાથવ્યું. તેમણે કોઈ જાતની આનાકાની વગર મારું આમંત્રણ સ્વીકારતાં મારી સામે એક શરત મૂકી. તમે કાર્યક્રમમાં મને જે કંઈ સવાલ પૂછવા માંગતા હો તે તમારે મને કાર્યક્રમના બે અઠવાડિયા પહેલાં મને આપવાના રહેશે. મને તેમની આ શરત મંજૂર ન હતી. મેં તેમને ચોખ્ખુંચટ કહી દીઘું, ‘સંજીવભાઈ, તમારા જેવા ફિલ્મ જગતના સમ્રાટને સવાલ હું પહેલાં આપું કે પછી કાર્યક્રમમાં પૂછું એમાં તમને શો ફરક પડવાનો?” તેમણે ફોન મૂકી દેતાં મને નમ્રતાથી જણાવી દીઘું, “જો તમને મારી શરત યોગ્ય ન જણાય તો તમે બીજા કોઈ ગુજરાતી કલાકારને તમારા કાર્યક્રમમાં આમંત્રણ આપી શકો છો! મને તમારા કાર્યક્રમમાં હાજરી આપ્યા જેટલો જ હર્ષ થશે.”
બરાબર ત્રીસ વર્ષ બાદ ૨૦૦૫માં નવેમ્બરમાં બક્ષી સાહેબ તેમની દીકરી સાથે લંડનમાં મિત્રો સાથે દિવાળીનો આનંદ માણવા આવ્યા હતા. લંડનમાં બક્ષી સાહેબ ગુલાબભાઈ મિસ્ત્રીના ઘેર મહેમાન હતા. ચંદુભાઈ મટાણી પાસેથી ગુલાબભાઈનો ફોન નંબર મેળવી મેં બક્ષી સાહેબને ફોન કર્યો.
“પ્રીતમભાઈ, ફોન પર આપણે હબીજી કંઈ આડી-અવળી વાતે વળગીએ તે પહેલાં, તમને એક ખાસ વાત જણાવી દઉં, “છેલ્લાં કેટલાંક વર્ષોથી લંડનથી દર મહિને વિપુલ કલ્યાણી તરફથી મળતા ‘ઓપિનિયન’ના કોમ્પલીમેન્ટરી અંકમાં થોડા વખત પહેલાં ઘારાવાહિક રૂપે પ્રગટ થયે ભાઈ દીપક બારડોલીકરની આત્મકથા “ઉછાળા ખાય છે પાણી” અને સાંકળનો સિતમ અનુભવ કર્યો” એ જે વિવાદ ખડો કર્યો હતો તેના પર તમે જે રીતે ઐતિહાસિક પુરાવા સાથે જડબાતોડ જવાબ લખતા હતા તે વાંચીને મારી છાતી ગજગજ ફૂલતી હતી. દીપકભાઈનો આગલો હપ્તો અને તમારો અભિપ્રાય વાંચવા ‘ઓપિનિયન’ના અંકની કાગડોળે રાહ જોતો હતો. મારે તેમને અને તમને પત્ર લખવો હતો. સમયની મારામારીને કારણે એ આજ લગી પાછળ ઠેલાતું રહ્યું. મને એ બઘા ‘ઓપિનયન’ના અંકો વાંચવાની બહુ મજા પડી હતી. નૈતિક મૂલ્યો પર થતી ચર્ચામાં હું હંમેશાં બહુ જ ખુશી અનુભવું છું.
એક વાત તમને જણાવું દીપકભાઈ માણસ બહુ મજાનો છે. એ માણસ પાસે સોહરાબ મોદી પાસે જવાનીમાં હતો એવો અવાજ છે. એવી મર્દાના ખર્રાશ ભારતમાં ખાસ કરીને બહુ ઓછા ગુજરાતી કવિઓ પાસે છે. કયારેક લંડન જાઓ તો તેમને જરૂર મળજો અને તેમની પાસેથી ફૈઝ અહમદ ફૈઝની ઉર્દૂ ગઝલના શેર સાંભળવા એક લહાવો છે.
ફોન મૂકી દેતાં, પહેલાં, એક છેલ્લો સવાલ, “વર્તમાનમાં તમે ગુજરાતીમાં શું વાંચો છો?’
“બક્ષીજી, ગુજરાતી સાહિત્ય જગતમાં મુનશી, મેઘાણી, અને નર્મદને વાંચ્યા બાદ મને નથી લાગતું કે કાંઈ વાંચવા જેવું મારે માટે બાકી રહ્યું હોય …. આ કારણે છેલ્લાં કેટલાંક વરસોથી હવે પુસ્તકને બદલે માણસ વાંચવાનું શરૂ કર્યું છે.”
ફોન પર ખડખડાટ હસતાં, ‘તમે મને જે ત્રણ નામનો ઉલ્લેખ કર્યો તેમાં હું એક નામ અખાનું ઉમેરો કરવા માગું છું. આ ચાર નામને જો આપણે બાદબાકી કરી નાંખીએ તો હું તમારી સાથે સંમત થાઉં છું કે ગુજરાતી સાહિત્ય-જગતમાં શૂન્યતા સિવાય કંઈ નથી.”
e.mail : preetam.lakhlani@gmail.com