બર્થા વોન સટનર નોબેલ શાંતિ પુરસ્કાર મેળવનારા વિશ્વના સૌપ્રથમ મહિલા હતાં અને મેરી ક્યુરી પછી નોબેલ પુરસ્કાર મેળવનાર બીજા મહિલા હતાં. પણ આપણને એ ખબર નથી કે જો બર્થા સટનર અને આલ્ફ્રેડ નોબેલ વચ્ચે એક અનોખી દોસ્તી અને સમૃદ્ધ પત્રવ્યવહાર ન હોત, તો કદાચ આજે દુનિયા પાસે ‘નોબેલ શાંતિ પુરસ્કાર’ ન હોત.
વીસમી સદીની શરૂઆતમાં, પ્રથમ વિશ્વયુદ્ધની ભૂમિકા હજુ તૈયાર થઈ રહી હતી ત્યારે ઑસ્ટ્રિયાની એક મહિલાએ કરેલા વિધાનો આજની બે બે વિશ્વયુદ્ધોને પચાવી ગયેલી અને એની ભયાનકતામાંથી કઈં ન શીખેલી એકવીસમી સદીની યુદ્ધખોર દુનિયાને પણ એટલાં જ લાગુ પડે છે : ‘આવનારી સદી કાં તો યુદ્ધોનો અંત લાવશે, અથવા તે આપણો (માનવજાતનો) અંત લાવશે.’ ‘યુદ્ધ એ કોઈ કુદરતી આપત્તિ નથી કે જે આપમેળે આવી પડે; તે માણસ દ્વારા જ ઊભી કરવામાં આવેલી આપત્તિ છે.’ ‘શાંતિ એ માત્ર યુદ્ધની ગેરહાજરી નથી, પરંતુ તે એક એવી વ્યવસ્થા છે જે ન્યાય અને સહકાર પર આધારિત હોય છે.’ ‘જ્યાં સુધી હથિયારો અસ્તિત્વમાં છે, ત્યાં સુધી યુદ્ધ થવાનું જોખમ હંમેશાં રહેશે. સાચી શાંતિ માટે હથિયારો હેઠા મૂકવા જ પડશે.’ આ વિધાનો છે પ્રથમ શાંતિ નોબેલ ઈનામ વિજેતા બર્થા વોન સટનરનાં. બર્થા નોબેલ શાંતિ ઈનામ મેળવનાર જ નહીં, એને પ્રેરિત કરનાર પણ હતાં. વિશ્વ શાંતિદિન નિમિત્તે એમના જીવન વિષે થોડી વાતો કરીએ.

બર્થા વોન સટનર
ઑસ્ટ્રિયન-જર્મન બર્થાનો જન્મ 1843માં પ્રાગમાં એક આદરણીય કુલીન-લશ્કરી પરિવારમાં થયો હતો. પિતા 75 વર્ષની ઉંમરે તેના જન્મ પહેલાં જ મૃત્યુ પામ્યા હતા. મા પિતાથી 45 વર્ષ નાની અને મધ્યમવર્ગનું ફરજંદ હતી. બર્થાને તેના ‘મિશ્ર’ વંશના કારણે ઑસ્ટ્રિયન ઉમરાવ કુટુંબમાં અસ્વીકાર મળ્યો. એ ઓસ્ટ્રો-હંગેરિયન સામ્રાજ્યના કઠોર નિયમોમાં ઉછરી, વિષમ સંજોગો વચ્ચે પણ ચાર ભાષાઓમાં નિપુણ, કુશળ પિયાનોવાદક અને સારી ગાયિકા બની.
ત્રીસ વર્ષની ઉંમરે એ બેરોન વોન સટનરના વિયેનીઝ ઘરમાં ગવર્નેસ બની અને તેના સૌથી નાના પુત્ર, આર્થરના પ્રેમમાં પડી. સટનર પરિવારને સંબંધ મંજૂર ન હતો એટલે એ પેરિસ ચાલી ગઈ અને એક સ્વીડિશ ઉદ્યોગપતિ આલ્ફ્રેડ બર્નહાર્ડ નોબેલ(નોબેલ પ્રાઇઝ આપનાર)ને ત્યાં નોકરીએ રહી. બે અઠવાડિયા પછી આર્થરે તેને બોલાવી લીધી અને બંનેએ ભાગીને લગ્ન કરી લીધાં. પણ ત્યાં સુધીમાં તે અને નોબેલ ગાઢ મિત્રો બની ચૂક્યાં હતાં. બંને વચ્ચે સમૃદ્ધ પત્રવ્યવહાર પણ રહ્યો.
પરિવારના વિરોધને લીધે આર્થર અને બર્થા લગભગ એક દાયકા સુધી કાકેશસ જઈને રહ્યા. ત્યાં ભાષા શિક્ષક તરીકે સંઘર્ષ કરતાં તેમણે ખૂબ વાંચ્યું અને લેખન-કારકિર્દી શરૂ કરી. હર્બર્ટ સ્પેન્સર, અર્ન્સ્ટ હેનરિક ફિલિપ ઓગસ્ટ હેકેલ, ચાર્લ્સ ડાર્વિન અને હેનરી થોમસ બકલના વિચારોથી પ્રભાવિત થઈ તેમણે પરંપરાગત ધર્મ છોડી દીધો. તેમની શ્રદ્ધા હવે તર્કસંગતતા, રાજકીય-સામાજિક સંબંધોમાં સકારાત્મક ઉત્ક્રાંતિની શક્યતા અને વિશ્વશાંતિની આવશ્યકતા પર હતી.
૧૮૮૮માં એમનું ‘દાસ મશીનેન્ઝાઇટાલ્ટર’ પ્રગટ થયું, જેમાં તે સમયે પ્રચલિત અતિરેકભર્યો રાષ્ટ્રવાદ, લશ્કરવાદ, શિક્ષણ, માનવ સંબંધો, પ્રેમ, મહિલાઓની સ્થિતિ અને યુદ્ધ અંગેના જૂના વિચારો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ પુસ્તકની વ્યાપક નોંધ લેવાઈ, પરંતુ ૧૮૮૯માં પ્રગટ થયેલી ‘ડાઇ વાફેન નિડર!’ (લે ડાઉન યોર આર્મ્સ) નામની નવલકથાએ તેમણે આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ અપાવી. આ નવલકથાનું મુખ્ય પાત્ર માર્થા મધ્યયુગની લડાઇઓમાં બે પતિઓ ગુમાવે છે અને નાની શાંતિ ચળવળો શરૂ કરે છે, જે અનંત પત્રિકાઓ, ઉપદેશો, વ્યાખ્યાનો અને સમાજોની સભાઓથી પણ વધારે અસરકારક પુરવાર થાય છે. એનાં યુદ્ધભૂમિનાં વર્ણનો ખૂબ વખણાયાં હતાં. બે દાયકામાં જાપાની અને રશિયન સહિત સોળ ભાષાઓમાં તેની દસ લાખથી વધુ નકલો પ્રગટ થઈ.
બર્થાની શાંતિપ્રવૃત્તિઓ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી હતી. ઉમદા સાથીઓ સાથે એમણે ખૂબ શાંતિકાર્યો કર્યાં. આર્થરના મૃત્યુથી ભાંગી પડવાની ક્ષણે આ શાંતિકાર્યોએ જ બર્થાને ટકાવી રાખ્યાં. અમેરિકાના રાજદ્વારીઓને એમણે ભારપૂર્વક કહ્યું કે જો આધુનિક સમાજને શાંતિ તરફ આગળ વધવું હોય તો જાહેર, રાજકીય ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી આવશ્યક અને વાજબી છે. નોબેલ પુરસ્કાર સ્વીકારના ભાષણમાં તેણે કહ્યું, ‘સંસ્કૃતિના બે યુગ એકબીજા સાથે લડી રહ્યા છે. આપણે આંતરરાષ્ટ્રીયકરણ અને એકીકરણના એક નવા યુગ તરફ જવાનું છે.’ ‘વિજ્ઞાન અને પ્રગતિનો હેતુ જીવન બચાવવાનો અને તેને સુધારવાનો હોવો જોઈએ, જીવનનો નાશ કરવાનો નહીં. કોઈપણ દેશની સાચી મહાનતા તેના સૈન્યની તાકાતમાં નથી, પરંતુ તેના નાગરિકોના કલ્યાણ અને તેની નૈતિકતામાં રહેલી છે. માનવજાતનો વિકાસ પરસ્પર પ્રેમ અને સમજણથી જ શક્ય છે.’ સ્ત્રીઓને તેમણે કહ્યું, ‘સ્ત્રીઓનો અવાજ શાંતિ સ્થાપવા માટે સૌથી વધુ મહત્ત્વનો છે, કારણ કે યુદ્ધની સૌથી મોટી કિંમત માતાઓ અને બહેનો ચૂકવે છે. અન્યાય સામે મૌન રહેવું એ પણ એક પ્રકારનો ગુનો છે. જો તમે શાંતિ ઇચ્છો છો, તો તમારે તેના માટે મોટેથી બોલવું પડશે.’
બીજી હેગ શાંતિ પરિષદમાં હાજરી આપનાર બર્થા એકમાત્ર મહિલા હતાં. એ દરમ્યાન તેમને વિશ્વશાંતિના બીજાં જર્મન ચેમ્પિયન અન્ના બર્નહાર્ડિન એક્સ્ટેઇન અને અંગ્રેજ યુદ્ધવિરોધી કર્મશીલ કેરોલિન પ્લેન મળ્યાં. કેરોલિને પાછળથી સટનરનું પ્રથમ જીવનચરિત્ર લખ્યું.
1914ના જૂન મહિનામાં તેઓ કેન્સરથી મૃત્યુ પામ્યાં. સાત દિવસ પછી તેમના રાષ્ટ્રના સિંહાસનના વારસદાર, ફ્રાન્ઝ ફર્ડિનાન્ડની હત્યા થઈ અને એના પગલે પહેલું વિશ્વયુદ્ધ થયું. જેને રોકવા માટે તેણે જીવનભર સંઘર્ષ કર્યો એ થઈને જ રહ્યું.
પોતાની લેખન કારકિર્દી અને આદર્શોને પ્રોત્સાહન આપવા માટે, તેમણે કુલીન વર્ગના પોતાના સંપર્કો અને આલ્ફ્રેડ નોબેલ જેવા શ્રીમંત વ્યક્તિઓ સાથેની મિત્રતાનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય સ્તરના અગ્રણીઓ સુધી પહોંચવા કર્યો. શાંતિવાદ ઉપરાંત, તેમના કાર્યમાં બે સામાન્ય મુદ્દાઓ ધર્મ અને લિંગ-સમાનતા છે. કેટલીક ભવ્ય ધાર્મિક પ્રથાઓ અને નેતાઓ દ્વારા યુદ્ધના બહાના તરીકે થતો ધર્મનો ઉપયોગ આ બંને પ્રત્યે એમને ભારે અણગમો હતો. બર્થાને ઘણીવાર મહિલામુક્તિ ચળવળના નેતા માનવામાં આવે છે. સ્ત્રીઓનો કોઈ અવાજ ન હતો એવાં સમયમાં તેમણે એક લેખક અને કર્મશીલ તરીકેના પોતાનાં કાર્ય દ્વારા લૈંગિક અવરોધોને તોડી નાખ્યા. જો કે, તેઓ જાણતા હતા કે સંઘર્ષ ફક્ત ત્યારે જ ટાળી શકાય છે જો પુરુષો અને સ્ત્રીઓ બંને શાંતિ માટે સાથે મળીને મહેનત કરે. શાંતિ ચળવળમાં સામેલ લોકો પર આજે પણ બર્થા સટનરનો મોટો પ્રભાવ છે.
બર્થાની યુદ્ધવિરોધી પ્રખ્યાત નવલકથા ‘ડાય વાફેન નીડર!’એ આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ આંદોલનને વેગ આપ્યો અને નોબેલ પણ તેનાથી ખૂબ પ્રભાવિત થયા. નોબેલ માનતા હતા કે શસ્ત્રો એટલાં શક્તિશાળી હોવાં જોઈએ જેના ડરથી દેશો યુદ્ધ કરવાનું બંધ કરી દે. જ્યારે બર્થા સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણ અને શાંતિપૂર્ણ મધ્યસ્થતામાં માનતાં હતાં. આલ્ફ્રેડ નોબેલ સાથે તેમનો અંગત સંપર્ક ટૂંકો રહ્યો હોવા છતાં, 1896માં તેમના મૃત્યુ સુધી બંને વચ્ચે પત્રવ્યવહાર રહ્યો. બર્થા વોન સટનરે નોબેલને શાંતિ ચળવળ માટે નાણાકીય મદદ કરવા અને આ દિશામાં કંઈક મોટું કરવા સતત વિનંતી કરી હતી. આલ્ફ્રેડ નોબેલે ૧૮૯૩ના એક પત્રમાં બર્થાને વચન આપ્યું હતું કે તેઓ શાંતિ માટે કંઈક મોટું કરશે. પરિણામે, ૧૮૯૬માં જ્યારે નોબેલનું અવસાન થયું, ત્યારે તેમના વસિયતનામામાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, તબીબી વિજ્ઞાન અને સાહિત્યની સાથે પાંચમો પુરસ્કાર ‘શાંતિ પુરસ્કાર’ પણ જોડવામાં આવ્યો હતો. આલ્ફ્રેડ નોબેલના મૃત્યુનાં થોડાં વર્ષો બાદ, 1905માં બર્થા વોન સટનરને નોબેલ શાંતિ પુરસ્કારથી નવાજવામાં આવ્યાં હતાં. તેઓ આ પુરસ્કાર મેળવનારા વિશ્વના સૌપ્રથમ મહિલા બન્યા હતાં અને મેરી ક્યુરી પછી નોબેલ પુરસ્કાર મેળવનાર બીજા મહિલા હતાં. જો બર્થા વોન સટનર અને આલ્ફ્રેડ નોબેલ વચ્ચેની એ અનોખી દોસ્તી અને પત્રોનો સંવાદ ન હોત, તો કદાચ આજે દુનિયા પાસે ‘નોબેલ શાંતિ પુરસ્કાર’ ન હોત.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 20 સપ્ટેમ્બર 2026
![]()

