જે રીતે કોક્રોચ જનતા પાર્ટીનું આંદોલન આગળ વધી રહ્યું છે અને દેશભરમાં યુવાનોનો આક્રોશ રસ્તા પર ઠલવાઈ રહ્યો છે તે પરથી હાલની કેન્દ્રની સરકાર અને તેના સર્વોચ્ચ નેતા-વડા પ્રધાન નરેન્દ્ર મોદીની છબિ ખરડાઈ રહી છે. અત્યાર સુધી વર્તમાન કેન્દ્ર સરકાર સમક્ષ અનેક પડકાર આવ્યા, અને તે પડકારમાંથી ઝાઝા નુકસાન વિના સરકાર નીકળી ગઈ. તેમાં સવિશેષ વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની છબિ ખરડાઈ હોય કે તેમના પ્રત્યે ખૂબ રોષ જન્મ્યો હોય તેવું પણ ન દેખાયું. પરંતુ આ વખતે ‘કોક્રોચ જનતા પાર્ટી’નું જતંર મતંર ખાતે થઈ રહેલા આંદોલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મિમ બન્યા અને તેમના વિશે અણછાજતું બોલાયું. આખરે વિદ્યાર્થીઓના સમર્થનમાં ઘણાં બધાં સેલિબ્રિટીઝે પણ અવાજ ઊઠાવ્યો. ભા.જ.પ.ના સિનિયર નેતા મુરલી મનોહર જોશીએ પણ જે રીતે સરકારે પોલીસ દ્વારા ક્રૂરતા આચરી તેની ટીકા કરી. આ લખાય છે ત્યાં સુધી ‘કોક્રોચ જનતા પાર્ટી’ના પ્રતિનિધિ સાથે સરકારના બે મંત્રીઓની બંધ બારણે બેઠક થઈ ચૂકી છે, પરંતુ હજુ ‘કોક્રોચ જનતા પાર્ટી’ પોતાની ત્રણ માંગણી સાથે અડગ છે.

હાલની કેન્દ્ર સરકાર હજુ પણ મજબૂત છે તે રીતે પોતાની છબિ દાખવી રહી છે. આ આંદોલન ચાલી રહ્યું હતું અને જતંર મંતર ખાતે વિદ્યાર્થીઓ પર લાઠીઓ વરસી રહી હતી ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંસદના પરિસરમાં બિન્દાસપણે પ્રેસ બ્રિફિંગ કર્યું હતું. આ રીતે પ્રેસ બ્રિફિંગ કરીને તેમણે એવું દાખવવાનો પ્રયાસ કર્યો કે વિદ્યાર્થી આંદોલન કરી રહ્યા છે તેનાથી અમને કોઈ ફરક પડતો નથી! એક સમય સુધી ‘કોક્રોચ જનતા પાર્ટી’ના આંદોલનને કેન્દ્રની સરકારે ધ્યાને પણ લીધી નહોતી, એટલું જ નહીં આ આંદોલનની અવગણના કરવાનું સરકારે નિર્ધારીત કરી લીધું હતું. આ અગાઉ પણ કેન્દ્ર સરકારનું કે ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વલણ જોશો તો તેમાં ક્યાં ય નબળાઈ દર્શાય નહીં તેની તકેદારી રાખવામાં આવતી હતી. ઇરાન-અમેરિકાના યુદ્ધની સ્થિતિમાં દેશમાં જ્યારે ક્રૂડ ઓઇલ અને ગેસની તંગી સર્જાઈ ત્યારે પણ કેન્દ્રમાં કોઈ પણ મંત્રી કે નેતાને કશું ય પૂછવામાં આવે ત્યારે તેમની ચિંતા જાહેર થતી નહોતી. એ રીતે પેટ્રોલ મિશ્રિત ઇથનોલના મુદ્દે લોકોનો રોષ ઊભો થયો ત્યારે પણ સરકાર અડગ રહી અને આખરે ઇથનોલ-20 પેટ્રોલનો જ વિકલ્પ લોકો સામે મૂક્યો. આવા તો અનેક વિરોધની વાત કરી શકાય, જેમાં વર્તમાન કેન્દ્ર સરકારે વિરોધને ધ્યાને ન લીધો હોય. તેમાંનો એક વિરોધ મહિલા બોક્સરોનો ‘રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા’ના પ્રમુખ બ્રિજભૂષણ સિંઘ સામે હતો. બ્રિજભૂષણ ભા.જ.પ.ના સાંસદ હતા અને ઉત્તર પ્રદેશના બાહુબલિ નેતા તરીકેની તેમની ઓળખ રહી હતી. છ ટર્મ સુધી સાંસદ રહેનારા બ્રિજભૂષણ સિંઘ પર જ્યારે મહિલા બોક્સરોએ જાતિય સતામણીના ગંભીર આરોપ લગાવ્યા, તેમ છતાં કેન્દ્રની સરકાર બ્રિજભૂષણ વિરુદ્ધ કોઈ એક્શન લેવા તૈયાર નહોતી. આ અંગે પણ મહિલા બોક્સરોએ દિવસો સુધી જતંર મંતર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું, તેમ છતાં સરકાર સંવાદ કરવા તૈયાર ન થઈ. તે પછી બ્રિજભૂષણ પર કાર્યવાહીના નામે દિલ્હી પોલીસ દ્વારા ચાર્જશીટ થઈ, પરંતુ મહિલા બોક્સરોને લાગ્યું કે દિલ્હી પોલીસ બ્રિજભૂષણ સામે કોઈ ઠોસ પુરાવા એકઠા કર્યા નહોતા. અને તે પછી ‘રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા’ના પદ માટે ચૂંટણી યોજાઈ તો તેમાં બ્રિજભૂષણના સાથી જ ચૂંટાઈ આવ્યા. આ વિરોધમાં પણ કેન્દ્રની સરકાર પર માછલાં ધોવાયા પરંતુ તે પછી બધું ભૂલાવી દેવાયું.

હાલની ‘નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ’ની કેન્દ્રિય સરકાર આવા મુદ્દે ટસથી મસ નહોતી થતી તેનું એક કારણ ચૂંટણીમાં ભા.જ.પ.ને મળતું સતત મળતું જનસમર્થન છે. વર્તમાનમાં કેન્દ્રની આ સરકાર પાસે વોટિંગ શેરમાં ભા.જ.પ.નો હિસ્સો ગણીએ તો તે 36.56 ટકાનો છે. હાલમાં આપણા દેશની રાજકીય સ્થિતિ પ્રમાણે આ વોટિંગ શેર ઘણો સારો કહેવાય છે. એ પહેલાં 2019માં થયેલી લોકસભાની ચૂંટણીમાં ભા.જ.પે. 543માંથી 303 બેઠકો મેળવી હતી. આ અગાઉ આટલી સંખ્યામાં બેઠકો ભા.જ.પે. ક્યારે ય મેળવી નહોતી. 2019માં જ્યારે ભા.જ.પ. આ આંક સુધી પહોંચ્યો ત્યારે તેનો આ સુવર્ણકાળ હતો. અને તે અગાઉની ચૂંટણી એટલે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભા.જ.પ. દ્વારા લડાયેલી પ્રથમ લોકસભાની ચૂંટણીમાં બેઠકોનો આંક 543માંથી 282નો હતો. તે વખતે ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે અને દેશમાં એક વિકાસકાર્યોના પ્રેરકબળ તરીકે નરેન્દ્ર મોદીએ ખ્યાતિ મેળવી હતી. જ્યારે પ્રથમ વાર નરેન્દ્ર મોદી તરીકે વડા પ્રધાન પદના શપથ લીધા ત્યારે દેશમાં એક હવા પણ પ્રસરી હતી કે હવે દેશનું તંત્ર-વ્યવસ્થા બદલાશે. નાનાં-મોટા બદલાવ થયા પણ ખરા, અને કેટલાંક પ્રયોગશીલ વિચાર પણ મૂકાયા. પરંતુ જ્યારે 2016માં અચાનક નોટબંદી સરકાર લાવી, ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જે કંઈ કરે છે તેમના દીર્ઘદૃષ્ટિ પર પ્રશ્ન ઉઠવા લાગ્યા. તેમાં સરકાર જોરશોરથી કાળું નાણું નાબૂદ કરવાની વાત કરતી હતી. તદ્ઉપરાંત આતંકવાદીઓ મળતી રોકડને અટકાવવાનો સરકારનો પ્રયાસ હતો. અને સાથે સાથે ડિજિટલ પેમેન્ટ વ્યાપક બને તે પણ ઉદ્દેશ હતો. જો કે સૌથી પ્રાથમિક ઉદ્દેશ જેનો પ્રચાર સરકારે ખૂબ કર્યો હતો તે કાળા નાણાંને ઝાઝી અસર ન થઈ. અને આ પગલાંના કારણે દેશમાં અંધાધૂંધી થઈ અને લોકોના વેપાર-ઉદ્યોગ પડી ભાંગ્યા. નોટબંદીની જે રીતે અસર થઈ તેમાં અનેક અર્થશાસ્ત્રીઓએ તેને તરંગી વિચાર ગણાવ્યો.
નોટબંદીમાં જે કંઈ થયું તેનાથી સરકારની ટીકા થઈ પણ છબિને કાયમી કોઈ નુકસાન ન પહોંચ્યું. 2020-21માં કોરોના મહામારી દેશમાં આવી ત્યારે પણ સરકારની ભૂમિકા બેજવાબદારીભરી રહી હતી. એક ઝાટકે જે રીતે લોકડાઉન આપી દેવામાં આવ્યું, તેનાથી અનેક ગ્રામિણ લોકો શહેરોથી પલાયન કરવા માંડ્યા. આ પગલાંથી અનેક લોકોના જીવ ગયા અને સાથે સાથે કોરોનામાં સોશિયલ ડિસ્ટ્સિંન્ગ પાળવાનું હતું – તે પણ ન પળાયું. સરકાર સ્વાસ્થ્ય સુવિધા નિર્માણ કરવામાં ખાસ્સી જહેમત લીધી હતી, અને કોરોનાની વેક્સિનનું પણ પ્રોડક્શન ભારતમાં ઝડપભેર થયું. પરંતુ તે પહેલાં અનેક લોકોના મોત નીપજી ચૂક્યા હતા. મોતના આંકડામાં ખૂબ ઘાલમેલ થઈ. આ પડકાર વિશ્વભરનો હતો, પરંતુ તે દરમિયાન જે રીતે થાળી વગાડવાનું આહવાન વડા પ્રધાન દ્વારા થયું – તેનાથી તેમની ખૂબ ટીકા થઈ હતી. એ પછી કેન્દ્ર સરકાર સમક્ષ સૌથી મોટો પડકાર 2020-21નું ખેડૂત આંદોલન હતું. આ આંદોલનમાં સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ બિલનો વિરોધ હતો, ઉપરાંત ન્યૂનત્તમ ભાવની ગેરન્ટીની ખેડૂત માંગણી કરી રહ્યા હતા. આ આંદોલન પણ એક વર્ષ અને ચાર મહિના સુધી ચાલ્યું. સરકાર આ મુદ્દે પીછે હટ કરવા માંગતી નહોતી. પરંતુ ખેડૂત મક્કમ રહ્યા અને આખરે સરકારે બિલને પાછા ખેંચવા પડ્યા.
કેન્દ્રની સરકાર દ્વારા ‘એન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટ’[ઇડી]નો ભય, મુખ્યધારાના મીડિયામાં સરકારની જીહજૂરી, વિરોધ પક્ષને નાબૂદ કરવા અને બંધારણીય સંસ્થાઓને ખતમ કરવાના આરોપ સરકાર પર લાગતા રહ્યા. તેમાં ઘણે અંશે તથ્ય પણ હતા. કેન્દ્રની સરકાર આ મુદ્દે ક્યારે ય ખુલીને બોલી નહીં. આ બધા વચ્ચે ડિજિટલ મીડિયાનો જન્મ થયો અને વિશેષ કરીને યૂટ્યુબ ન્યૂઝ ચેનલોનો યુગ આવ્યો ત્યારે સરકારની કેટલીક વિવાદાસ્પદ બાબતો પર ટિપ્પણી થવા લાગી. મુખ્યધારાનું મીડિયા તો સરકારના હસ્તક થઈ ચૂક્યું હતું. પરંતુ યૂટ્યુબ ન્યૂઝમાં અનેક સ્વતંત્ર રીતે પત્રકારત્વ કરનારા આવ્યા અને તે રીતે સરકાર જ્યાં કંઈ પણ ખોટું કરે તો તે અંગે યૂટ્યુબ ન્યૂઝ પર ચર્ચા થવા લાગી. આ રીતે વર્તમાન કેન્દ્ર સરકારની એકાઉન્ટબિલિટીને જેમ મુખ્યધારાનું મીડિયા તપાસતું હતું, તે જવાબદારી હવે યૂટ્યુબ-ડિજિટલ મીડિયાની થઈ. વર્તમાન કેન્દ્ર સરકારની આ મજબૂતીની છબિનો એક મુખ્ય આધાર વિદેશમાં ઊભી થઈ રહેલી છબિ પણ હતી, પરંતુ આ બધું જ હવે કડડભૂસ થતું હોય તેમ દેખાઈ રહ્યું છે. યુરોપના પ્રવાસ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક મહિલા પત્રકાર કેમ તમે જવાબ આપતા નથી તેવો પ્રશ્ન કર્યો. અને હવે વિદ્યાર્થીઓના આંદોલનમાં પોલીસે દાખવેલી ક્રૂરતા અને સરકારની અસંવેદનશીલતાએ વર્તમાન કેન્દ્ર સરકાર અને મોદી છબિને કાયમી નુકસાન પહોંચાડ્યું છે. રામ મંદિરમાં થયેલી ચોરીના કારણે પણ ભા.જ.પી.ઓને મોઢું છૂપાવવાના દિવસો આવ્યા છે. આ અને આ સિવાયના અહીં ન ચર્ચાયેલા અનેક કારણોસર વર્તમાન ‘એન.ડી.એ.’ સરકારનું મજબૂત વલણ દાખવવાનું હતું, તે બાજી હવે ખુલ્લી થઈ ગઈ છે. તે જ કારણે વિદ્યાર્થીઓના એક મહિનાથી પણ ઓછા સમયના આંદોલને મોદી સરકારે સંવાદ કરવા લાવી શકી છે.
e.mail : kirankapure@gmail.com
![]()

