મુંબઈની ઓટો રિક્ષાના પહેલા પ્રવાસી હતા પંડિત જવાહરલાલ નેહરુ
વર્ષ ૧૯૪૮. મહિનો એપ્રિલ. તારીખ ૨૪-૨૫-૨૬ના ત્રણ દિવસ. ઓલ ઇન્ડિયા કાઁગ્રેસ કમિટીની બેઠક મળી હતી મુંબઈમાં. ગાંધીજીની વિદાય પછીની આ પહેલી બેઠક. મુખ્ય એજન્ડા હતો દેશમાં ફેલાયેલી કોમી હિંસાની આગને કઈ રીતે કાબૂમાં લેવી, અને પછી ઠારવી. એ મીટિંગના કેન્દ્રસ્થાને હતા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ. તેમનો ઉતારો હતો ગવર્નર્સ હાઉસમાં. એક સવારે પંડિતજી અને બીજા ત્રણ-ચાર જણા ગવર્નર્સ હાઉસના પોર્ચમાં આવીને ઊભા હતા. પોર્ચમાં ઊભું હતું એક વાહન. તેના પર નંબર પ્લેટ હતી : BMN 1008. પંડિતજીની બાજુમાં ઊભા હતા નવલમલ કુંડલમલ ફિરોડિયા. આઝાદી માટેની લડતના એક આગેવાન અને એક અગ્રણી ઉદ્યોગપતિ. તેઓ પેલા વાહન વિષે પંડિતજીને કશુંક સમજાવી રહ્યા હતા. થોડી વાતો પછી પંડિતજી અને ફિરોડિયા એ વાહનમાં બેઠા, અને પહેલેથી હાજર રહેલા ડ્રાઈવરે વાહન ચલાવીને ગવર્નર્સ હાઉસના વિશાળ આંગણામાં ફેરવ્યું. પાંચેક મિનિટની મુસાફરી પછી બંને મુસાફરો એ વાહનમાંથી ઊતર્યા ત્યારે પંડિતજીએ ફિરોડિયાને કહ્યું: ‘મને લાગે છે કે માણસ વડે ખેંચાતી રિક્ષાની જગ્યા તમારી આ ઓટો રિક્ષા લઈ શકાશે. તેનું વ્યાપારી ધોરણે ઉત્પાદન કરવાની હું મંજૂરી આપું છું.’

વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને પહેલવહેલી ઓટો રિક્ષા
પંડિત નેહરુની સામે ઊભેલી ઓટો રિક્ષાને જરા ધ્યાનથી જોઈએ. પહેલું, એનું માથું ઉઘાડું છે. એટલે વરસાદમાં કે ઉનાળાની ગરમીમાં તેનો ઉપયોગ કરવો મુશ્કેલ. એટલે જ પછીથી ‘બંધ’ રિક્ષા આવી. અહીં ફોટામાં જે રિક્ષા દેખાય છે તેની નંબર પ્લેટ નોંધી? નંબર છે: BMN 1008. એ વખતે રાજ્ય અને શહેરનું પણ સત્તાવાર નામ મુંબઈ નહિ, Bombay હતું. એટલે BMN સિરીઝ તો સમજાય. પણ ૧૦૦૮ નંબર? પહેલી રિક્ષાનો નંબર ૧૦૦૮ કઈ રીતે હોઈ શકે? કૈંક ગરબડ લાગે છે. ના, જી. આપણે ત્યાં જૈન સમુદાયમાં (અને બીજા કેટલાક સમુદાયમાં પણ) ૧૦૦૮ના આંકડાને શુભ, શુકનિયાળ માનવામાં આવે છે. આ રિક્ષા બનાવનાર ફિરોડિયા કુટુંબ જૈન હોવાથી તેમણે ખાસ અરજી કરીને આ શુકનિયાળ નંબર મેળવ્યો હોય. આજે પણ વધારાની ફી આપીને ‘સ્પેશિયલ નંબર’ જેમ કે ૯૯૯૯ મેળવી શકાય છે. તેવી જ રીતે આ ૧૦૦૮ નંબર.

નવલમલ કુંડલમલ ફિરોડિયા
મુંબઈમાં ટેક્સીની શરૂઆત ૧૯૧૧માં થઈ ત્યારે તેને માટે કોઈ એક જ રંગ નક્કી થયો નહોતો. ૧૯૭૦ના દાયકામાં બધી ટેક્સી માટે કાળો અને પીળો રંગ ફરજિયાત બન્યો. ઉપલો ભાગ પીળો એટલા માટે કે દૂરથી પણ ટેકસીને આવતી પારખી શકાય. અને નીચેનો અડધો ભાગ કાળો જેથી તે જલદી ગંદો કે ખરાબ ન થાય. આ કલર સ્કીમ સમાજ સેવક અને રાજકારણી વિઠ્ઠલ બાળકૃષ્ણ ગાંધી (૧૮૯૬-૧૯૬૯) દ્વારા સૂચવાઈ હતી. જ્યારે મોટે પાયે ઓટો રિક્ષા શરૂ થઈ ત્યારે તેને માટે પણ આ જ કલર સ્કીમ ફરજિયાત બનાવાઈ. અલબત્ત, જુદાં જુદાં રાજ્યોમાં જુદા જુદા રંગ નક્કી થયા છે. જેમ કે ગુજરાતની ઓટો રિક્ષા પીળી-લીલી હોય છે. છેલ્લાં થોડાં વરસમાં મુંબઈની રિક્ષામાં એક નવો રંગ ઉમેરાયો છે: પિંક કહેતાં ગુલાબી રંગ. રિક્ષા ચલાવવાનો ઈજારો માત્ર પુરુષોનો જ શા માટે હોય? સ્ત્રીઓ પણ કેમ ન ચલાવી શકે? એટલે સ્ત્રી ચાલકો દ્વારા ચાલતી રિક્ષા માટે પસંદ થયો પિંક કલર. સાથોસાથ રિક્ષા માટેના કુલ પરવાનાના પાંચ ટકા પરવાના પિંક રિક્ષા માટે અનામત રાખવાનું પણ ઠરાવાયું.
શરૂઆતથી જ ઓટો રિક્ષાને પરાંઓ પૂરતી જ મર્યાદિત રખાઈ. વાંદરા અને સાયનની ઉત્તરે જ એ ચલાવી શકાય. જેને ઘણા ‘તળ’ મુંબઈ કહે છે તે દક્ષિણ મુંબઈમાં ખાનગી રિક્ષા પણ ન ચલાવી શકાય. પરાંઓમાં રિક્ષાને સૌથી વધુ લોકપ્રિય બનાવી ‘શેર અ રિક્ષા’ની યોજનાએ. ઘણાંખરાં પરાંઓમાં રેલવે સ્ટેશનોની બહાર આવી રિક્ષાની અલગ લાઈન. તે ક્યાં જશે અને કયે રસ્તે થઈને જશે એ પહેલેથી નક્કી. જેમ કે, વાંદરા પૂર્વ સ્ટેશનથી બીકેસી. ત્રણ છડિંયા બેસે કે તરત રિક્ષા ઊપડે. તેનું ભાડું પણ અગાઉથી નક્કી. દરેક પેસેન્જરે અલગ અલગ એ ચૂકવવાનું, ડ્રાઈવરને. એક જમાનામાં બાળકોને સ્કૂલે લઈ જવા માટે પણ રિક્ષા વપરાતી. ત્યારે તેમાં ઘેટાં-બકરાંની જેમ બાળકોને ઠાંસતા. હવે પોલીસની કડકાઈને કારણે એ ઘણે અંશે બંધ થઈ ગયું છે. જો કે મુંબઈ બહાર, અને બીજાં રાજ્યોમાં, હજી આ ‘સ્કૂલ રિક્ષા’નો ધંધો ચાલે છે.
શરૂઆતમાં બધી રિક્ષા પેટ્રોલથી ચાલતી. પછી આવ્યું ડીઝલ, સી.એન.જી., અને પી.એન.જી. રિક્ષા ભલે ગમે તે ઇંધણથી ચાલતી હોય, પણ ભાડું તો બધી રિક્ષા માટે સરખું જ. અને પેટ્રોલ-ડીઝલ મોંઘાં. એટલે આજે હવે મોટા ભાગની રિક્ષા ગેસથી ચાલતી થઈ. હજી થોડા દિવસ પહેલાં, જુલાઈની ૧૭મી તારીખે, દેશમાં પહેલવહેલી ‘હાઈડ્રોજન ટ્રેન’ શરૂ થઈ. કોને ખબર, કાલ ઊઠીને ‘હાઈડ્રોજન રિક્ષા’ પણ શરૂ થાય!
ઓટો રિક્ષા શરૂ થઈ ત્યારથી તેની ડિઝાઈનમાં બહુ મોટા ફેરફાર થયા નથી. ત્રણ મુસાફરની સંખ્યા પણ પહેલેથી જ નક્કી. હા, પહેલાં એન્જિન આગળના ભાગમાં રહેતું તે પાછળના ભાગમાં ગયું. મુંબઈના ગાંડાતૂર વરસાદમાં મુસાફરોને થોડા ઓછા ભીંજાયાનો સંતોષ થાય એ માટે બંને બાજુ પડદા ઉમેરાયા. છેલ્લા કેટલાક વખતથી ઘણી રિક્ષામાં નાનું બારણું પણ ગોઠવાય છે. મુસાફર જમણી બાજુથી ચડે-ઊતરે નહિ એ માટે એ બાજુથી ચડી-ઊતરી ન શકાય એવી વ્યવસ્થા તો ઘણાં વરસથી થઈ છે.
રિક્ષાના ડ્રાઈવરોના પણ બે મુખ્ય ભાગ : એક, માલિક પોતે ચાલક પણ હોય. બે, માલિક પાસેથી ભાડે લઈને રિક્ષા ચલાવતો ચાલક. બંનેના યુનિફોર્મ અને બિલ્લા જુદા જુદા પ્રકારના. તેવી જ રીતે દિવસે અને રાતના ચાલતી રિક્ષાઓ પણ અલગ. અને હા, મુંબઈની રિક્ષાની એક ખાસિયત: સામાન્ય સંજોગોમાં એ મીટર પ્રમાણે ભાડું વસૂલે. રેલવે સ્ટેશન, એરપોર્ટ, અસાધારણ વરસાદના દિવસો, લોકલ ટ્રેનો ખોટકાઈ હોય એવા દિવસો, એમાં અપવાદ ખરા.
પહેલી ઓટો રિક્ષા ભલે મુંબઈમાં આવી હોય. તેનો પહેલી વાર મોટા પાયા પર ઉપયોગ થયો તે તો પૂણેમાં. નામદાર આગાખાન પૂણે પધારે ત્યારે સંખ્યાબંધ લોકો તેમના દિદાર માટે પૂણે રેલવે સ્ટેશનથી આગાખાન પેલેસ જાય, બળદ ગાડાં કે ઘોડા ગાડીમાં. ખાસ્સો સમય લાગે, અને ખરચ પણ વધારે થાય. એક વખત ફિરોડિયાએ પૂણે સ્ટેશનની બહાર હારબંધ રિક્ષાઓ ઊભી કરી દીધી. આગાખાન પેલેસ સુધી ૪૦ મિનિટમાં પહોંચાય, અને ભાડું પણ બળદ ગાડાં કરતાં સારું એવું ઓછું. આજે તો માત્ર શહેરોમાં જ નહિ, ગામડાંઓમાં પણ રિક્ષા પહોંચી ગઈ છે.

પિંક રિક્ષા ‘હમ કિસી સે કમ નહિ’
પણ ફિરોડિયાને આવું ત્રણ પૈડાંવાળું વાહન બનાવવાનો વિચાર આવ્યો કઈ રીતે? દેશને આઝાદી મળી તે પહેલાં, ૧૯૪૭ના ફેબ્રુઆરીમાં બોમ્બે સ્ટેટની વિધાન સભામાં એક સભ્યે મુદ્દો ઊઠાવ્યો હતો, ઘણી જગ્યાએ હાથ-રિક્ષા હતી તેના ચાલકોની દયનીય સ્થિતિ વિષે. એ વખતે બોમ્બે સ્ટેટના હોમ મિનિસ્ટર હતા મોરારજી દેસાઈ. તેઓ આવી સ્થિતિ દૂર કરવી જરૂરી છે એ વાત સાથે સહમત થયા. પણ તરત સવાલ આવીને ઊભો રહ્યો : હાથ-રિક્ષા પર પ્રતિબંધ મૂકીએ તો એને બદલે બીજું કયું વાહન લોકો વાપરી શકે? આ સવાલનો જવાબ એ વખતે કોઈ પાસે હતો નહિ. એટલે એ વખતે તો કોઈ ઠરાવ થયો નહિ.
પણ આ સમાચાર જાણીને એ જમાનાના જાણીતા ઉદ્યોગપતિ શ્રી ફિરોડિયા વિચારતા થયા : આ હાથ રિક્ષાની જગ્યાએ વાપરી શકાય એવું કોઈક વાહન બનાવવું જોઈએ. અને તેમણે બનાવ્યું એવું વાહન. આગલો ભાગ એ વખતે, મોટર સાઈકલ જેવો. પણ પાછળ એક નહિ, બે પૈડાં. ડ્રાઈવરની પાછળ બે, કે બહુ બહુ તો ત્રણ જણ બેસી શકે એવી સીટ. માથે છાપરું નહિ. અને એમ જન્મ થયો આપણા દેશની પહેલવહેલી ઓટો રિક્ષાનો.
પછી ફિરોડિયાએ બીજા દેશો તરફ નજર દોડાવી. જાણવા મળ્યું કે ઇટલી અને યરપના બીજા કેટલાક દેશોમાં ત્રણ પૈડાંવાળું એક વાહન વપરાય છે, બ્રેડ, ફૂલો, કેક જેવી વસ્તુઓ દુકાનો સુધી પહોંચાડવા માટે. અલબત્ત, એ બધી બાજુથી બંધ, ફક્ત એક બાજુ નાનો દરવાજો. એના ફોટા અને બીજી માહિતી મેળવી. માલ-સામાન માટે નહિ, પણ માણસોની હેરફેર માટે પેલી પહેલી ઓટો રિક્ષામાં થોડા ફેરફાર કર્યા. માથે છાપરું. બેસવાની સીટ પાસે બંને બાજુ ચડવા ઊતરવાની સગવડ. આવી ઓટો રિક્ષાનું વ્યાપારી ધોરણે ઉત્પાદન શરૂ થયા પછી મુંબઈ સરકારે આખા રાજ્યમાં હાથ-રિક્ષા પર પ્રતિબંધ મૂકી દીધો. હા, તેમાં એક અપવાદ રાખ્યો, માથેરાન.

ફિલ્મ ‘દો બીઘા જમીન’માં હાથ રિક્ષા ખેંચતા બલરાજ સાહની
આ લખનાર જેવા આજન્મ મુંબઈકરના મનમાં એક સવાલ ઊઠ્યા વગર રહે નહિ : શું ખરેખર મુંબઈ શહેરમાં હાથ-રિક્ષાનો ઉપયોગ ક્યારે ય વ્યાપકપણે થતો હતો ખરો? પાલખી, બળદ ગાડી, રેંકડો, વિક્ટોરિયા, ઘોડાથી ખેંચાતી અને પછી વીજળીથી ચાલતી ટ્રામ, બસ, ટેક્સી, લોકલ ટ્રેન, આ બધું જ હતું. પણ હાથ રિક્ષાનો વ્યાપકપણે ઉપયોગ થતો ખરો? એકમાત્ર અધિકૃત ગણાતો ફોટો ૧૯૧૪નો મળે છે. તેમાં બે હાથ-રિક્ષામાં એક-એક અંગ્રેજ બેઠા છે. ફોટામાં નીચે કોઈએ ભૂરી શાહીથી લખ્યું છે : Bombay 1914. પણ ફોટામાં મુંબઈની ઓળખ આપતી નથી દેખાતી કોઈ ઇમારત, કે નથી દેખાતો ઓળખી શકાય એવો કોઈ વિસ્તાર. ફોટાનો આગલો ભાગ જોતાં લાગે કે જ્યાં બાંધકામ ચાલી રહ્યું હોય તેવો આ કોઈ વિસ્તાર હોઈ શકે. બંને રિક્ષા-ચાલકે અને પાછળ ઊભેલા ચોપદારોએ લગભગ યુનિફોર્મ કહી શકાય તેવાં એક સરખાં કપડાં પહેર્યાં છે. એ જોઈ વિચાર આવે કે કોઈ સરકારી ખાતાની તો આ હાથ-રિક્ષા નહિ હોય ને? હા, માલ-સામાનની હેરાફેરી માટે દાયકાઓ સુધી ‘હાથ-લારી’ વપરાતી, ખાસ કરીને બજારોના વિસ્તારોમાં. ઘરે ઘરે પાણી પહોંચાડવા માટે, કેરોસીન વેચવા માટે, બળદ ગાડાંનો ઉપયોગ તો હજી હમણાં સુધી થતો જોયો છે. કોઈક વિસ્તારોમાં આજે ય થતો હોય તો નવાઈ નહિ. પણ મારા જેવા આજન્મ મુંબઈકરે હાથ-રિક્ષા માત્ર ‘દો બીઘા જમીન’ જેવી ફિલ્મોમાં જ જોઈ છે. સગી આંખે મુંબઈમાં ક્યારે ય નહિ. અને છતાં હાથ રિક્ષા ખેંચતા બલરાજ સાહનીની છબી કાયમ માટે મનમાં કોતરાઈ ગઈ છે. અને કાનમાં ગુંજ્યા કરે છે પેલું ગીત:
अजब तोरी दुनिया हो मोरे रामा
पर्वत काटे सागर पाटे, महल बनाए हमने
पत्थर पे बगिया लहराई फूल खिलाए हमने
हो के हमारी हुई न हमारी
अलग तोरी दुनिया हो मोरे रामा
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 25 જુલાઈ 2026
![]()

