Opinion Magazine
Number of visits: 10015372
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સોનમ વાંગચુકથી કોને ચૂંક ઊપડે એમ છે…?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|20 July 2026

રવીન્દ્ર પારેખ

લદાખના મેગ્સેસે એવોર્ડ વિજેતા, પ્રસિદ્ધ શિક્ષણશાસ્ત્રી અને ટેકનોક્રેટ સોનમ વાંગચુક વીસેક દિવસથી ભૂખ હડતાળ પર છે. દિલ્હીના જંતરમંતર પર કોક્રોચ જનતા પાર્ટી, શિક્ષણ સંદર્ભે મહિનાએકથી વિરોધ પ્રદર્શન કરી રહી છે ને તેમના સમર્થનમાં વાંગચુક પણ આમરણ ઉપવાસ પર ઊતર્યા છે. તેમાં નીટ સહિતની ઘણી પરીક્ષાઓનાં પેપરો ફૂટ્યાં, પણ તે રોકવાના પ્રયત્નો સરકાર દ્વારા ન થયા, એટલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગવાની વાત કોક્રોચ પાર્ટીએ અને વાંગચુકે કરી છે. કાઁગ્રેસના ને વિપક્ષના નેતા રાહુલ ગાંધીના મતે છેલ્લા દાયકામાં 152 જેટલાં પેપર લીક થયાં છે, પણ જવાબદારોને કોઈ સજા થઈ નથી. આની અસર કેન્દ્ર સરકારને થઈ હોય એવું પણ દેખાતું નથી … વાંગચુકના આટલા દિવસનાં અનશન છતાં સરકારના પેટનું પાણી હાલતું નથી એ દુ:ખદ છે.

વાંગચુક તો દિલ્હીનાં જંતરમંતર પર ભૂખ હડતાલ પર અડગ હતા, પણ પોલીસે સારવાર માટે તેમને પરાણે હોસ્પિટલે ખસેડ્યા છે, એટલે હવે ૨૦મીએ સંસદ સુધી કૂચ કરવાનો કાર્યક્રમ કેટલો સફળ થાય છે, તે જોવાનું રહે. જો કે, ભા.જ.પે. વાંગચુકને હોસ્પિટલે ખસેડવાનું પગલું યોગ્ય ગણાવ્યું છે. કદાચને વાંગચુક સંસદ કૂચમાં હાજર ન રહે તો તેમની પત્ની ગીતાંજલિએ કૂચની આગેવાની લેવાનું જાહેર કર્યું છે. કોક્રોચ જનતા પાર્ટીના સરકાર સામેનાં વિરોધને અને સંસદ માર્ચને ટેકો હોવાનું ખુદ વાંગચુક કહી ચૂક્યા છે.

વાંગચુકને પોલીસ હોસ્પિટલ લઈ ગઈ ત્યારે તેમની પત્નીએ સ્પષ્ટ કર્યું કે મારી મંજૂરી વગર એમને કંઇ આપશો નહીં. એટલું થયું છે કે ઉપવાસ આંદોલનનો પોલીસે ફિયાસ્કો કરી દીધો છે. બને કે આખો હેતુ જ માર્યો જાય અને કેન્દ્ર સરકારને ફાવતું આવી જાય. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગવાની વાત મોળી પડી જાય ને સંસદ માર્ચને પોલીસ ધરપકડો કરીને નિરર્થક ઠેરવે એમ બને. તે એટલે પણ કે આ લખાય છે ત્યાં સુધીમાં સંસદ માર્ચની પરમિશન કોક્રોચ પાર્ટીએ લીધી નથી.

સોનમ વાંગચુક

સોનમ વાંગચુકના આ ઉપવાસની એકંદરે વ્યાપક અસરો ન થઈ, પણ તેમને પરાણે હોસ્પિટલ ધકેલવામાં તો આખો દેશ છંછેડાઈ ઊઠ્યો છે. એની સમાંતરે આ આંદોલન તોડવા અફવાઓનું બજાર પણ ગરમ રહ્યું છે. વાંગચુકનો વિરોધ કરનારો વર્ગ પણ સક્રિય હતો ને તેણે ઉપવાસ દરમિયાન ચીકનસૂપ પીધો હોવાનો કે સી.સી.ટી.વી. ખસેડીને પોતે ખાય છે જેવી વાતો ફેલાવીને વાંગચુકનાં આંદોલનનું જોર નરમ પાડવાની કોશિશ કરી છે. બાકી, હતું તે ફિલ્મ અભિનેતા આમીરખાને પૂરું કર્યું. તેણે ‘થ્રી ઇડિયટસ’ વાંગચુક દ્વારા પ્રેરિત હતી, એ વાતનો છેદ ઉડાવતા કહ્યું કે પોતે એ ફિલ્મ પૂરી થઈ ત્યાં સુધી વાંગચુકને ઓળખતો ન હતો, તે તો ઠીક, પણ દિગ્દર્શક રાજકુમાર હિરાણી પણ વાંગચુકને જાણતા ન હતા. જો કે, આમિરનો દાવો બહુ ટક્યો નહીં, આમિરના જ અગાઉના મેસેજ પરથી તેના ચાહકોએ શોધી કાઢ્યું કે આમીર અને રાજકુમાર હિરાણી વાંગચુકને ઓળખે છે. આમીરે વાંગચુકના ઉપવાસ સંદર્ભે ચિંતા પણ વ્યક્ત કરી છે.

માની લઈએ કે વાંગચુક સામે હજાર વાંધા હોય ને તે સાચા પણ હોય, તો ય એ સાચું નથી કે પેપરો લીક થયા છે? નીટની એક્ઝામનું પેપર લીક થયું અને ફરી પરીક્ષાના ડરમાં 20 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી, એ ખરું છે કે કેમ? એ સંદર્ભે જંતરમંતર તરફથી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું મંગાય ને તેને માટે સંસદ માર્ચ 20મી જુલાઈએ નીકળે એ ખોટું છે? જો કે મંત્રીઓ આજકાલ રાજીનામું આપવાના મૂડમાં હોતા નથી, એટલે શિક્ષણ મંત્રી પણ રાજીનામું ન આપે તો આઘાત ન લાગે. વાંગચુક સામે વાંધા હોય તો પણ તે શિક્ષણ સુધારવા મથે છે ને એ ન કરવા જેવું કામ છે? ખાસ તો આખા દેશના શિક્ષણની પથારી ફરી ગઈ હોય ત્યારે?

વાંગચુકના ઉપવાસની અસર આમ પણ એટલે ઓછી રહી કે તે અન્ના હજારે જેવી વ્યાપક લડત ન હતી. અન્ના હજારેમાં બધાંને સ્પર્શતો મોંઘવારીનો મુદ્દો હતો, એટલે હજારેનું આંદોલન વધુ વ્યાપક રહ્યું, જ્યારે વાંગચુકનો મુદ્દો માત્ર શિક્ષણને સ્પર્શતો હતો, એટલે પણ તે મોંઘવારી જેવો બધાંને સ્પર્શતો મુદ્દો ન બન્યો. એ કારણે પણ વાંગચુકનું ઉપવાસ આંદોલન ધારી અસર ઉપજાવી ના શક્યું. તેનો અર્થ એવો નથી કે કોક્રોચ જનતા પાર્ટી અને વાંગચુકનો શિક્ષણ સુધારણા માટેનો પ્રયત્ન કાઢી નાખવા જેવો છે.

વાંગચુકની ભૂખ હડતાલ પર ખુદ અન્ના હજારેની પ્રતિક્રિયા આવી છે. વાંગચુક હાલ સફદરજંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, ત્યાં પણ તેમના ઉપવાસ તો ચાલુ જ છે. હોસ્પિટલે તેના બુલેટિનમાં જણાવ્યું છે કે વાંગચુક ને તાત્કાલિક મેડિકલ હેલ્પની જરૂર છે. એવે વખતે અન્નાએ હાકલ કરી છે કે સરકારે વાર્તાલાપ શરૂ કરવો જોઈએ. સરકારે વાંગચુક સંદર્ભે કોઈ મોટી દુર્ઘટના કે ગંભીર પરિણામની રાહ ન જોવી જોઈએ. આંદોલનકારીઓ સાથે સત્તાવાર સ્તરે વાતચીત કરવામાં સરકારને કોઈ નુકસાન નથી. લોકશાહીમાં જનતાના મુદ્દાઓ સાંભળવા એ શાસકોની પ્રાથમિક ફરજ છે અને સરકારે આ ગંભીર વિષયો પર તુરંત ટેબલટોક શરૂ કરવી જોઈએ- અન્ના હજારેની આ પ્રતિક્રિયાએ વાંગચુકનાં આંદોલનને એક ઔર વળ ચડાવ્યો છે. જો કે, આંદોલન સમેટાઈ ગયું છે, એવું નથી. ખાસ કરીને આજની કોક્રોચ પાર્ટીની સંસદ કૂચનું શું થાય છે તે પછી જ ખબર પડે કે આંદોલન સફળ રહ્યું કે નિષ્ફળ?

એટલું સમજાય છે કે સોનમ વાંગચુકનાં આંદોલનની હવા કાઢી નાખવાનું પોલીસે કર્યું છે. પોલીસનું કહેવું છે કે તેણે વાંગચુકની સારવાર કરાવવાના ને અન્ય જોખમોથી બચાવવાના હાઈ કોર્ટના આદેશનું પાલન જ કર્યું છે.  ઉપવાસ આંદોલનનો એક હેતુ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવાનો હતો, એમાં પોલીસની દખલથી સફળતા મળવાની તકો ઘટી ગઈ છે. એટલું  તો લાગે છે કે શિક્ષણ મંત્રીનું રાજીનામું પડે તો એ ચમત્કાર જ હશે. જો કે, ઉપવાસ અંદોલન અટક્યું નથી. વાંગચુકને પોલીસ લઇ ગઈ કે તરત કોક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેએ અનિશ્ચિત મુદ્દતની ભૂખ હડતાલની જાહેરાત કરી દીધી છે. આ ઉપરાંત વાંગચુક ઉપવાસમાં એકલા નથી. તેમની સાથે 21 જણાએ અનિશ્ચિત ભૂખ હડતાલને ચાલુ રાખી છે. વાંગચુક પૂરેપૂરી સભાન અવસ્થામાં છે ને શરીરને 20 ટકા નુકસાન થયું હોવા છતાં આજની સંસદ કૂચ અંગે નિવેદન પણ આપ્યું છે. તેમણે ફરી જંતરમંતર જવું છે ને પોતાની લડત ચાલુ રાખવી છે. સરકારનાં ઉત્તરદાયિત્વ વિષે વાન્ગ્ચુકને શંકા નથી. ઉત્તરદાયિત્વને મુદ્દે જ ભૂતકાળમાં એક વાર કેન્દ્ર સરકાર અને દિલ્હી તથા રાજસ્થાન સરકારનું પતન થયેલું, જ્યારે આજે તો ખાલી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવાનું છે, તો એટલું ય ન થાય?

59 વર્ષની ઉંમરે પણ સોનમ વાંગચુક ઉત્તરદાયિત્વ નિભાવી જાણે છે, તેના મૂળમાં તેમના પિતા સોનમ વાન્ગ્યાલ છે. સોનમ વાંગચુકે ભૂખ હડતાલ કરી ને હવે દેશનું ધ્યાન ગયું, એવી જ રીતે 4 દાયકા પહેલાં વાનગ્યાલે અનુસૂચિત જનજાતિ (ST)ના દરજ્જા માટે આંદોલન છેડ્યું હતું. વાન્ગ્યાલ રાજકીય નેતા જ નહોતા, પણ 23 વર્ષની સૌથી નાની ઉંમરે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર સાહસિક વિજેતા પણ હતા. તે પછી તેઓ જમ્મુ-કાશ્મીરની વિધાન પરિષદના સભ્ય, ધારાસભ્ય, મંત્રી પણ બન્યા. 1980ના દાયકામાં વાન્ગ્યાલે લદાખને અનુસૂચિત જનજાતિનો દરજ્જો અપાવવા મોટું આંદોલન છેડ્યું હતું. 1984માં વાન્ગ્યાલ  ભૂખ હડતાલ પર ઊતર્યા ત્યારે તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ લેહની મુલાકાત લીધી હતી અને તેમને સમર્થનની ખાતરી આપી, ત્યારે વાન્ગ્યાલે ઉપવાસ છોડ્યા હતા. વાન્ગ્યાલને મળવા ઇન્દિરા ગાંધી જઈ શકતાં હોય, તો સોનમ વાંગચુક માટે એવું સૌજન્ય કોઈ મંત્રી દાખવે જ નહીં એ દુ:ખદ છે.

તો, આ વાત છે.

સોનમ વાન્ગ્ચુક નામના પર્યાવરણવિદ શિક્ષણના સુધાર માટે અનશન પર ઊતરીને જિંદગી દાવ પર લગાવે, એમાં તેમની પોતાની પ્રાપ્તિ શું છે? ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે તો વાંગચુકને શું મળવાનું છે? નીટને નિમિત્તે 20 આત્મહત્યાઓ થઈ ને એ આખી ઘટના બાજુ પરથી પસાર થઇ જાય ને કોઈનું રૂંવાડું પણ ન ફરકે, ત્યારે કોક્રોચ જનતા પાર્ટી ને સોનમ વાંગચુક સંસદ માર્ચ કરે તેમાં ખોટું શું છે? ખરેખર તો રાજીનામું મંગાય તે પહેલાં નૈતિકતાને ધોરણે સામેથી રાજીનામું અપાય તે અપેક્ષિત છે. એવું ન થાય તો રાજીનામું માંગવામાં શું ખોટું થાય છે તે સમજાતું નથી. મંત્રીઓ ધીટ હોય છે, પણ ધર્મેન્દ્ર પ્રધાન જેવા પણ હોય છે, એ આઘાતજનક આશ્ચર્ય છે ….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 20 જુલાઈ 2026

Loading

20 July 2026 Vipool Kalyani
← આધુનિકતાની વ્યાખ્યા શી?
ભૂખ્યા યૌવનનો વિચારાગ્નિ જાગશે : જંતરમંતર પર યુવાનોની ભૂખ હડતાલ  →

Search by

Opinion

  • અમદાવાદમાં પણ ચાલ્યો જંતરમંતરનો જાદુ : સરસ વ્યૂહરચના સાથે
  • ભૂખ્યા યૌવનનો વિચારાગ્નિ જાગશે : જંતરમંતર પર યુવાનોની ભૂખ હડતાલ 
  • આધુનિકતાની વ્યાખ્યા શી?
  • આપણી શિક્ષણવ્યવસ્થાનો સારઃ ગોટાળા, વિરોધ, અનિશ્ચિત ભાવિ અને યથાવત્ મંત્રી
  • ધર્મ આધારિત રાજકારણ !

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved