જાહેરમાં એક પુરુષ સ્ત્રીને પોતાની મિલકત માનીને વસૂલીની વાત કરે અને લોકો તાળીઓ પાડીને ખિખિયાટા કરે એ આ આખી ઘટનાનું સૌથી વધુ ચિંતાજનક પાસું હતું. સમાજને પેલી 370ની ટિપ્પણી કરનારો હિમાંશુ જાંગરા નડે એ સારું જ છે પણ છતાં ય તેની પર હસનારા લોકો સમાજની ખરી સમસ્યા છે.

ચિરંતના ભટ્ટ
370 રૂપિયાની બિરયાની!!! ખરેખર, હવે આ કહેવાતા આધુનિક સમાજમાં આપણે આ મુદ્દે વાત કરવાનો વખત આવ્યો છે. આધુનિકતા સાથે શાલિનતા અને સંસ્કાર મફતમાં મળતા નથી એની સાબિતી એટલે કૉમેડિયન પ્રણિત મોરેના શોમાં જઇને પોતાના ડેટિંગ અનુભવની વાત કરનારા છોકરા વાળો વિવાદ. હિમાંશુ જાંગરા નામના એ છોકરાનું કહેવું કંઇક એમ હતું કે પોતે પૈસા ખર્ચ્યા એટલે છોકરી પાસેથી ‘કંઇક’ વસૂલવું પડે. પહેલા એ વાયરલ થયો અને પછી નોકરી વગરનો પણ થઈ ગયો. તાજા સમાચાર અનુસાર પ્રણિત મોરે, હિમાંશુ જાંગરા અને આ જ કૉમેડિયનના શોમાં જઇને કૂલ દેખાવા માટે પોસ્ટમોર્ટમ વિશે એલફેલ બોલી આવેલી ડૉક્ટર સેજલ પવાર, એ ત્રણેય પર એફ.આઇ.આર. કરવામાં આવી છે. પણ અહીં વાંક આ બકવાસ કરનારા ત્રણ જણનો જ છે? આ એક વિવાદે એવો મધપૂડો છંછેડ્યો કે એનો ડંખ લાગશે એ માણસ સીધો થઇ જશે.
370 રૂપિયા ખર્ચનારા અથવા તો કોઈ પણ સ્ત્રી માટે પૈસા ખર્ચનારા પુરુષને લાગે છે કે એણે પાકીટ ખોલ્યું એટલે હવે તે સ્ત્રી પાસે જે ઇચ્છે એ કરાવી શકશે. કમનસીબે આર્થિક રીતે સ્વતંત્ર થયેલી સ્ત્રીઓ પણ હવે ‘મન કી બાત’ કહી દે છે અને તેમને ના પાડતા પણ આવી ગયું છે. કમનસીબ એટલે પુરુષોનું કમનસીબ કારણ કે આપણા પિતૃસત્તાક સમાજમાં પુરુષોને ના સાંભળવાની ટેવ જ નથી પડી. કોઇ રડ્યાંખડ્યાં પુરુષો સ્ત્રીની મંજૂરી, તેની ^ચ્છા, તેની હા કે નાને ગણતરીમાં લેતા હોય તો તેમની છાને ખૂણે ઠેકડી ઉડાડનારા મવાલીઓનો તોટો નથી. દમન કરી શકનારો, પોતાની માગણી મનાવી શકનારો અને એમ કહી શકનારો પુરુષ કે તેને પોતાના સમર્પિત રહે, સબમિસિવ હોય, પોતાની વાતમાં હાએ હા કરે એવી છોકરી જ ગમે છે તો એણે ઢાંકણીમાં પાણી લઇને ડૂબી મરવું જોઇએ.
સારી વાત છે કે સોશ્યલ મીડિયાને કારણે આ બકવાસ કરનારો છોકરો, પેલો કહેવાતો હાસ્ય કલાકાર બધાં રડારમાં આવ્યા, ચર્ચાને વાવટે ચડ્યા અને જે પગલાં લઇ શકાય એ લેવાયા. મને જે સૌથી વધારે ખૂંચે છે એ બાબત એ છે કે પેલા શોમાં જે વાત થઈ એમાં પૂછનારો અને બોલનારો તો બે જણ હતા પણ આખું ઑડિટોરિયમ ત્યાં બેઠું હતું અને બધાને આ કોમેન્ટ રમૂજી લાગી. ખુદ સ્ટેજ પરથી હસીને એને ‘પીક ગુરગાંવ કન્ટેન્ટ’ કહીને વધાવી લેવામાં આવી. સવાલ માત્ર એટલો જ કે, કેમ? આ બેહુદો બકવાસ સાંભળીને હસનારા લોકોમાં આપણા સમાજનો આયનો છે. આ આપણી માનસિકતા છે. કૂલ લાગવાના મોહમાં, પછાત ન લાગવાના મોહમાં આપણને બધું જ જાહેરમાં બોલવું છે. ડૉક્ટર સેજલ પવાર આનું બીજું ઉદાહરણ. એ જ શોમાં, એ જ કૂલ દેખાવાની હોડમાં, પોસ્ટમોર્ટમ અને ગુપ્તાંગ વિશે એલફેલ બોલીને એક આખા વ્યવસાયની શાલિનતાનો છેદ ઉડાડી દીધો, એવો વ્યવસાય જેને લોકો ઈશ્વર પછી બીજા સ્થાને મૂકે છે. આ વાત ખરેખર બિરયાનીની છે? 370 રૂપિયાની એક પ્લેટ રાષ્ટ્રીય મુદ્દો કેમ બની? વાત પૈસાની હતી? અહીં વાત માનસિકતાની છે. પુરુષ માને છે કે એ પૈસા ખર્ચે એટલે તેના બદલામાં તેને કંઇ મેળવવાનો અધિકાર મળી જાય છે. સ્ત્રી આખી લેવડ-દેવડ માટે કેટલી તૈયાર છે, કેટલી મંજૂરી આપે છે તેની સાથે એ પુરુષને કોઈ લેવાદેવા જ નથી. આ વલણનાં મૂળિયાં આપણે ત્યાં એટલે ઊંડે સુધી જડાયેલાં છે કે પુરુષો સ્ત્રીઓને એક સ્વતંત્ર, સ્વાયત્ત વ્યક્તિ તરીકે જોવા હજી તૈયાર જ નથી. તેમને માટે તો સ્ત્રી એટલે એવી સહભાગી જેના વહેવારો પર તેનું એટલે કે પુરુષનું નિયંત્રણ છે.
એક બાજુ ભોપાલની ત્વિષા શર્મા છે, જેના પરિવારનો આરોપ છે કે દહેજની માગણીએ તેનો જીવ લીધો, તો બીજી તરફ 370 રૂપિયાની બિરયાની છે. ગંભીરતાનો ક્રમ જુદો છે, મૂળ એક જ છે : સ્ત્રી એટલે લેવડ-દેવડની વસ્તુ. સ્ત્રી સંપત્તિ બની જાય છે, કોઇ પણ સંબંધ, સાથે ગાળેલી કોઈ સાંજ કે એક સાદું ડિનર ડેટ પુરુષ માટે ઇન્વેસ્ટમેન્ટ છે. હવે તો સ્ત્રીઓ આ પ્રકારના સંજોગોમાં ‘ખર્ચો’ વહેંચી લઇશું એમ કહેતી થઇ છે, કોઈ પુરુષ ક્યારેક આ માટે હા પાડે તો કોઈ ના પાડે અને એ બન્ને જણાંની અંગત સમજ પર આધારિત બાબત છે. પણ કમનસીબે સ્ત્રી-પુરુષ વચ્ચેના સંબંધોમાં પુરુષો રોકાણ અને વળતરની ગણતરી કરતા થયા છે. સ્ત્રીઓ બધી સતી છે એવું નથી, જરા ય નથી પણ છતાં ય હેરાન થનાર, બદનામ થનાર કે વેઠનાર તો મોટે ભાગે સ્ત્રી જ હોય છે એ પણ વાસ્તવિકતા છે. સમાજ સુધરતો નથી એટલે અમુક સ્ત્રીઓ ક્યારેક પોતાના મૂળ સ્વભાવથી પર જઇને સામી થાય છે. દર વખતે તેમની સામા થવાની શૈલી કે રીત સાચી કે યોગ્ય હોય એવું પણ નથી હોતું. પણ છતાં ય જાહેરમાં એક પુરુષ સ્ત્રીને પોતાની મિલકત માનીને વસૂલીની વાત કરે અને લોકો તાળીઓ પાડીને ખિખિયાટા કરે એ આ આખી ઘટનાનું સૌથી વધુ ચિંતાજનક પાસું હતું. સમાજને પેલી 370ની ટિપ્પણી કરનારો હિમાંશુ જાંગરા નડે એ સારું જ છે પણ છતાં ય તેની પર હસનારા લોકો સમાજની ખરી સમસ્યા છે.
લોકો કેવી વાતો પર હસી નાખે છે એ સાબિત કરે છે કે સમાજને શું ચાલે છે, સમાજ શું સ્વીકારે છે કે સહન કરી લે છે. સ્ત્રી પર ઊતરતી કક્ષાની કોમેન્ટ કરવી એ મનોરંજન હોય તો એ સમાજનો ચહેરો કેવો હોય? સોશ્યલ મીડિયાના જમાનામાં આવી બાબત પહેલાં વાયરલ થઇ અને પછી તેની પર સવાલો ઉઠ્યા. જોવાનું એ પણ છે કે આ વાયરલ જ કેમ થયું? ચાર લોકો વચ્ચે આ વાત પહોંચી પછી ચાળીસ, પછી ચારસો અને પછી વધારે અને તેનાથી વધારે અને પછી ક્યાંક કોઇને સમજાયું કે આ ચાલે એવું નથી અને વિવાદ થયો. આ કાર્યક્રમમાં, આ બોલાયું ત્યારે જ બબાલ થવી જોઇતી હતી અને એ વાયરલ થવા જેવું હતું. આ ટિપ્પણી એડિટ કરીને સોશ્યલ મીડિયા પર મૂકવામાં આવી, એ જ બતાડે છે કે આમ કરવા પાછળ એક સજાગ પસંદગી હતી, કોઈ આંધળુકિયાં નહોતાં. રમૂજ, વ્યંગ, અશ્લીલતા અને પ્રહસન વચ્ચેનો તફાવત ભૂંસાઈ રહ્યો છે. રાજુ શ્રીવાસ્તવ અને જસપાલ ભટ્ટી જેવા કલાકારો ખરા વ્યંગકાર હતા. અપમાન કરીને હાસ્ય પેદા કરવાની છીછરી આદત આપણને ગમતી હોય તો આપણે જાત તપાસ કરવાનો વખત આવ્યો છે. જેટલું અંગત એટલું દિલને સ્પર્શે એ વાત સર્જનાત્મકતા માટે સાચી છે પણ અંગત બાબતોમાં માન, સન્માન, ગરિમાને નેવે મૂકી દેવાની શરત તો ક્યાં ય નહોતી લખાઇ તો આપણે ત્યાં કાચા પડ્યા?
આપણે શું ચલાવી લઇએ છીએ એ આપણી માનસિકતા છતી કરે છે. બળાત્કાર, છેડતી, હત્યા જેવા ગુનાના સમાચારો આ વિકાસશીલ દેશમાં ઘટી નથી રહ્યા. સ્વતંત્ર બનેલી સ્ત્રીઓને સલામતી અનુભવવાની સો ટકા સ્વતંત્રતા તો નથી જ મળી. કોર્પોરેટ સી.ઇ.ઓ. હોય તો ભલે તે બતાવતી હોય કે તેને કોઈની સાડાબારી નથી પણ તેનાં કપડાં પર કોઇ ટકોર તો નહીં કરેને એવો એક વિચાર તો તેના મનમાં ય ક્યારેક ઝબકી જતો હશે. કોઇ પણ વ્યક્તિ, પરિસ્થિતિ કે લાગણીને છીછરી કરી દેવામાં આપણે કરુણા, ક્ષમા, દયા અને સંવેદનાની આખી સંસ્કૃતિનો છેદ ઉડાડી રહ્યાં છીએ. તકલીફ એ જ છે કે સ્ત્રીઓ તો આગળ વધી ગઇ છે, આધુનિક થઇ છે પણ પુરુષો હજી ય ક્યાંક ચોથી પાંચમી સદીની માનસિકતામાં જીવી રહ્યા છે. અને એ સદી બદલવાનું કામ કોઈ એફ.આઇ.આર. નહીં કરે, પિતૃસત્તાક સમાજમાં પુત્ર રત્નોને સરખી રીતે ઉછેરવાની કેળવણી દરેક માતા-પિતાએ મેળવવી અને કેળવવી પડશે, એ જ આજનું સત્ય છે.
બાય ધી વે:
એફ.આઇ.આર. ત્રણ જણ સામે નોંધાઈ છે, નામ, સરનામાં, સમન્સ સહિત. રાષ્ટ્રીય મહિલા આયોગે પણ નોંધ લીધી છે અને સુનાવણી થવાની છે. છોકરો નોકરી ગુમાવી ચૂક્યો છે, કૉમેડિયને પોતાનું ઇન્સ્ટાગ્રામ બંધ કરી દીધું છે. વ્યવસ્થાએ જે કરવાનું હતું એ બધું થઈ રહ્યું છે એવું લાગે, ખરુંને? પણ એ રાત્રે ઑડિટોરિયમમાં બેઠેલા સેંકડો લોકો, જેમના ખડખડાટ વગર આ ટિપ્પણી ‘કન્ટેન્ટ’ બની જ ન શકી હોત, તેમના નામની કોઈ યાદી નથી, કોઈ સમન્સ નથી, કોઈની નોકરી ગઈ નથી. કાયદો માઇક સુધી પહોંચી શકે છે, તાળીઓ સુધી નહીં. અંધારા ઑડિટોરિયમમાં હસનારાનું નામ ક્યારે ય બહાર નથી આવતું અને એ વાતનો તેમને પૂરો ભરોસો છે. એટલે જ એ બધા અત્યારે કદાચ આવતા શોની ટિકિટ બુક કરી રહ્યા હશે. ટિકિટનો ભાવ? 370 રૂપિયાથી તો વધારે જ હશે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 14 જૂન 2026
![]()

