લોગ યહાં સપનોં કી ધૂપ મેં ચલતે હૈ
એક હમ હૈં જો અપનોં કી છાંવ મેં ભી જલતે હૈ
રિશ્તોં કા બોજ હૈ કહીં, કહીં રિશ્તા હી બોજ હૈ
અપનોં કી ખોજ હૈ કહીં, કહીં અપની હી ખોજ હૈ …
— મનોજ તાપડિયા
‘જિંદગીનો એ જ સાચેસાચ પડઘો છે “ગની”, હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે’ આશા ભોસલેના સ્થૂળ દેહે ચિરવિદાય લીધી છે, પણ એમનાં ગીતો, એમની વાતો, એમની સ્મૃતિઓ ચારે બાજુ પડઘાઈ રહ્યાં છે. યુદ્ધ પણ જાણે પડદા પાછળ ચાલ્યું ગયું છે. કલાકારોની ને કદરદાનોની વાત ન્યારી છે. આશાજીના એક પ્રશંસકે એમની અંતિમ ક્રિયામાં સામેલ થતાં કહ્યું હતું કે ‘મારી આંખો ભીની છે, પણ હું શોક કરવા નથી આવ્યો. આઈ એમ હિયર ટુ સેલિબ્રેટ હર લાઈફ.’

આશા ભોસલે ‘માઈ’ ફિલ્મમાં
વાત કરવી છે અભિનેત્રી આશા ભોસલે અને એમની એકમાત્ર ફિલ્મ ‘માઈ’ની. આ ફિલ્મ ૨૦૧૩માં બની ત્યારે આશાજી ૭૯ વર્ષનાં હતાં. દિગ્દર્શક મહેશ કોડયાલે એમને ‘ચંદા કી બિંદિયા’ હાલરડું ગાવા બોલાવ્યાં હતાં. રેકોર્ડીંગ દરમ્યાન સાદી સાડી પહેરેલાં ને મેકઅપ વગરનાં આશાજીને જોઈ એમને થયું કે મારે જે મા જોઈએ છે તે આવી જ છે. એમણે આશાજીને પૂછી જોયું. આશાજી કહે, ‘ગાના ગાને બુલાયા થા ના? હો ગયા?’ અને ડ્રાઇવરને બોલાવી જતાં રહ્યાં. બે દિવસ પછી વાર્તા સાંભળવા તૈયાર થયાં. વાર્તા સાંભળી કે તરત હા પાડી દીધી. આમ ‘માઈ’ બની એમની પહેલી ને એકમાત્ર ફિલ્મ.
ફિલ્મમાં માઈનું કોઈ નામ નથી. એ મા છે, બાળકોને સર્વસ્વ માની જીવી ગયેલી ને પછી ઉપેક્ષિત થતી મા. માઈ ચાર બાળકોની વિધવા મા છે. એક માત્ર દીકરો પ્રશાંત એનો પ્રાણ છે. જો કે દીકરીઓને પણ એ ખૂબ ચાહે છે. સમય જતાં બધાં પરણી કરીને ગોઠવાઈ જાય છે. માઈ, પ્રશાંત સાથે રહે છે. પ્રશાંતને યુ.એસ. જવાની તક મળે છે ત્યારે એ માઈને વૃદ્ધાશ્રમમાં મૂકવાનું નક્કી કરે છે. બીજી બે દીકરીઓમાંની એક પોતે મુશ્કેલીમાં છે. બીજી મુશ્કેલીમાં મુકાવા માગતી નથી. છેવટે મોટી દીકરી મધુ (પદ્મિની કોલ્હાપુરે) માઈને પોતાને ત્યાં લઇ આવે છે. મધુના પતિ સુભાષ(રામ કપૂર)ને માઈનું આગમન પસંદ નથી, પણ ‘ઘર મારું પણ છે, અડધી ઈ.એમ.આઈ. હું પણ ભરું છું’ કહી મધુ તેને નિરુત્તર કરે છે. કિશોર વયની દીકરી ચારુને નાની સાથે રૂમ ‘શેર’ કરવાનું મન નથી. મધુ તેને પણ મનાવે છે અને માઈને લઇ આવે છે.
હસમુખી ને પ્રેમાળ માઈને અલ્ઝાઇમરની અસર છે. દીકરીને ત્યાં આવવું પડ્યું છે એ એને ગમ્યું નથી. એનું મન દીકરાને ઝંખ્યા કરે છે. સુભાષ અને ચારુનું વર્તન ઠંડું છે. મધુ ઘર, નોકરી, પતિ-પુત્રી વચ્ચે આમ પણ વહેંચાયેલી હતી, હવે એના માથે માઈને સાચવવાનું પણ આવ્યું છે. ધમાલભર્યા દિવસોની વચ્ચે મા-દીકરી થોડી પ્રેમભીની પળોને જીવી લે છે. પણ માઈ ક્યારેક અજબ રીતે વર્તે છે. દોહિત્રીના મિત્રોને માટે પકોડા બનાવવા ઊઠે છે ત્યારે ઘરની ખોવાતી ચીજો ‘તેં લીધી છે ને?’ એવું કામવાળી બાઈને વિચિત્ર અવાજે કહે છે. બાઈ ઝઘડો કરે છે ને મધુ માઈને ઠપકો આપે છે ત્યારે માઈ કહે છે, ‘આ બાઈને હું ઓળખતી નથી. મેં ક્યારે કઈં કહ્યું?’ ક્યારેક દોહિત્રીનું નામ ભૂલી જાય છે, ક્યારેક મધરાતે ઘંટડી વગાડી શ્લોકો બોલે છે, દોહિત્રીને કહે છે કે દીવાલો પર આટલા બધા ફોટા રાખ્યા છે, પણ એકે ભગવાનનો કેમ નથી? જમાઈને તબિયતની તકલીફોની ફરિયાદ કરે છે, દીકરો અમેરિકા જવાનો છે એ સાંભળીને કહે છે, ‘આ ઉંમરે મારે નવા દેશમાં જવાનું?’ મધુ કહે છે, ‘તારે નથી જવાનું. એ એના ફેમિલી સાથે જવાનો છે.’ ત્યારે ફેમિલીમાં હું નથી એનું દર્દ માઈના આખા શરીરમાં દેખાય છે. દીકરી એ સમજે છે : ‘શાખ સે જો ટૂટા વો ફિર નહીં લૌટતા હૈ માઈ, પોંછ ભીગે નૈના મૈં ભી તો હૂં તેરી જાઈ … જિસકા તુઝકો ઇતના ગમ હૈ, વો સચ નહીં એક ભરમ હૈ, જિસકે પીછે ભાગે પગલી વો બસ હૈ પરછાઈ’
આ પછી માઈનું ભૂલવાનું વધી જાય છે. એકલી એકલી બોલે, ભૂતકાળમાં સરી જાય, વસ્તુઓ ‘ઠેકાણે’ મૂકી પછી ભૂલી જાય. ગુમ થયેલી વસ્તુઓ એક દિવસ માઈની પેટીમાંથી નીકળે છે ત્યારે મધુ માઈને સકાયાટ્રિસ્ટ પાસે લઇ જાય છે. ડૉક્ટર કહે છે, ‘એમને અલ્ઝાઇમર છે – ચોથું સ્ટેજ. ઝડપથી પાંચમું, છઠ્ઠું સ્ટેજ આવે છે. પહેલા વરસાદમાં ભૂતકાળને યાદ કરી અગાશીમાં ભીંજાવા ચાલી ગયેલી માઈ ઘણી શોધાશોધ પછી અગાશીમાં બેહોશ મળે છે. ન્યૂમોનિયા થાય છે, બેહોશીમાં ઘણી છુપાવવા જેવી વાતો છતી થઈ જાય છે. ભાનમાં આવ્યા પછી જમાઈને દીકરો સમજી વિનવે છે, ‘દીકરીને ત્યાં રહેવું કઈં સારું લાગે? મને લઇ જા.’ જમાઈના પ્રમોશનની પાર્ટી છે એ દિવસે હાથમાં સાડી પકડી ઊભી રહી જાય છે, ‘કેવી રીતે પહેરું? યાદ નથી આવતું.’ ડૉક્ટરે કહ્યું છે, ‘આ ગાંડપણ નથી, એક રોગ છે. એનો ઈલાજ નથી, એને સમજો – પ્રેમ, સ્વીકાર આપો.’ સહેલું નથી. મધુએ પ્રમોશન તો છોડ્યું છે, હવે નોકરી પણ છોડવી પડે છે. તેના અને સુભાષના સંબંધો તંગ થાય છે: લોગ યહાં સપનોં કી ધૂપ મેં ચલતે હૈ, એક હમ હૈં જો અપનોં કી છાંવ મેં ભી જલતે હૈ, રિશ્તોં કા બોજ હૈ કહીં, કહીં રિશ્તા હી બોજ હૈ, અપનોં કી ખોજ હૈ કહીં, કહીં અપની હી ખોજ હૈ ..
શું કરે મા? દીકરી પણ શું કરે? પતિ ખરાબ નથી, પણ તેને આ ઉપાધિ જોઈતી નથી. ચારુને પણ. માઈના મનના ખેલ દયા, કરુણા, ગુસ્સો, કરુણ હાસ્ય ઉપજાવે એવાં છે. શ્રેણીબદ્ધ ઘટનાઓ પછી સુભાષ અને ચારુ માઈને પ્રેમથી સ્વીકારે છે પરંતુ તે મૃત્યુ પામે છે. અંતિમ દૃશ્યમાં સુભાષ લખે છે, ‘મૈંને માઈકો બેટી ઔર બેટી કો માઈ બનતે દેખા હૈ.’
ફિલ્મમાં ડ્રામાને પુષ્કળ અવકાશ છે, પણ દિગ્દર્શકે સંયમથી કામ લીધું છે. મધુ એની બહેનને કહેતી હોય છે કે માઈને અલ્ઝાઇમર થયું છે ત્યાં બહેનનો પતિ આવે છે. બહેન પતિને સમાચાર આપે છે. એને આઘાત લાગે છે, ‘હેં? ક્યારે? ગયા અઠવાડિયે તો હું એને મળ્યો હતો!’ બહેન કહે છે, ‘તારી માઈને નહીં, મારી માઈને.’ એ રાહત પામીને હો હો કરતો હસી પડે છે ને પછી સંકોચાઈ જાય છે. એક પ્રસંગે સુભાષ પ્રશાંતને કહે છે, તારે દીકરો છે ને, બીજું બાળક પ્લાન કરી લે. બેટી હોગી તો બુઢાપે મેં કામ આયેગી.’ વાસ્તવનો સ્પર્શ આપતા આવા ઘણા પ્રસંગો છે.
આશાજીનો અભિનય પણ એવો જ વાસ્તવિક છે. એમણે કહ્યું હતું, ‘માનો અભિનય કરવાનું મને અઘરું નથી પડ્યું. જાણે મારી, દરેક માની વાત ન હોય?’ આશાજીના જીવનની વાત કરતાં ‘સાઝ’ ફિલ્મ પણ યાદ આવે. બે બહેનોની સ્પર્ધા, એમના સ્વભાવ અને એમના જીવનના અમુક પ્રસંગો કલ્પનાના થોડા સંયોજન સાથે એમાં ખૂબ સરસ રીતે મુકાયા છે. બંને ફિલ્મ યુટ્યૂબ પર અવેલેબલ છે. ન જોઈ હોય તો જોઈ લેવા જેવી, અને જોઈ હોય તો ફરી જોઈ લેવા જેવી.
‘માઈ’ જેવી માઓ આપણી આસપાસ ઓછી નથી. આપણાં ઘરોમાં પણ હોઈ શકે. ફિલ્મ જોઈને એકવાર આપણને આપણા સ્વાર્થો અને ગણતરીઓની બહાર નીકળી એમના સંવેદનવિશ્વમાં દાખલ થવાનું મન થાય છે, એ એની સૌથી મોટી સફળતા છે.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 19 ઍપ્રિલ 2026
![]()

