Opinion Magazine
Number of visits: 9906433
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નાગરિકને મળેલા અધિકારોનો વ્યાપ ઘણો વિશાળ છે

ચંદુ મહેરિયા|Opinion - Opinion|10 June 2026

ચંદુ મહેરિયા

શેરીઓ, રસ્તાઓ અને જાહેર સ્થળોએ રખડતા કૂતરાઓના ત્રાસ અંગેના ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે નાગરિકના જીવન જીવવાના અધિકારમાં તે કોઈ પણ પ્રકારના ડર વિના જીવે તેનો સમાવેશ થાય છે તેમ જણાવી, જોખમી અને હડકાયા કૂતરાઓને આશ્રયસ્થાનોમાં મૂકવા કે મારી નાંખવા આદેશ કર્યો છે. હાઈ કોર્ટસ અને સુપ્રીમ કોર્ટે નાગરિકોના અધિકારોના દાયરાને હંમેશાં વ્યાપકપણે પરિભાષિત કર્યો છે. હવે જીવન જીવવાના અધિકારમાં નિર્ભયતાથી કે ડર વિના જીવવાનો સમાવેશ કર્યો છે. નાગરિકો હડકાયા કૂતરાઓ કરડવાના ડરથી જીવે તેને જીવન જીવવાના અધિકારનો ભંગ ગણ્યો છે. 

થોડા મહિના પહેલા રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ સમક્ષ એવી ફરિયાદ દાખલ થઈ હતી કે ફરસાણ અને અન્ય ખાદ્ય ચીજો બનાવતા વેપારીઓ રાંધણ તેલનો એકાધિકવાર ઉપયોગ કરે છે. તેનાથી લોકોને કેન્સર, લિવર કે હાર્ટ સંબંધી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. જે તેમના માનવ અધિકારનો ભંગ છે. તેથી પંચે રાંધણ તેલનો વારંવાર ઉપયોગ કરતા ફૂડ વેન્ડર્સ સામે માનવ અધિકાર ભંગના પગલાં લેવા જોઈએ. નાગરિક અધિકારોનો વ્યાપ કેટલો વિશાળ હોઈ શકે છે તેના આ ઉદાહરણો છે.

હક કે અધિકાર તે નાગરિકને મળેલો વિશેષાધિકાર છે કે ન્યાયોચિત દાવો છે. અધિકાર વ્યક્તિને બંધારણ, ન્યાયિક વ્યાખ્યા અને વૈધાનિક કાનૂનો થકી પ્રાપ્ત થાય છે. અધિકારોથી નાગરિકોને આઝાદી અને સલામતી મળે છે. તેનો ભંગ અદાલતો સમક્ષ પડકરી શકાય છે.  ભારતીય નાગરિકોને ભિન્નભિન્ન અધિકારો મળેલા છે. તેમાં જન્મદત્ત કુદરતી કે નેચરલ રાઈટસ અને નૈતિક અધિકારો તો છે જ ઉપરાંત મૂળભૂત અધિકારો, બંધારણીય અધિકારો, વૈધાનિક અધિકારો અને કાનૂની અધિકારોનો સમાવેશ થાય છે. 

કુદરતી અધિકારો રાજ્યના અસ્તિત્વ પહેલા અસ્તિત્વમાં આવેલા છે. જીવન અને સ્વતંત્રતાનો અધિકાર વ્યક્તિનો જન્મદત્ત હક છે. આ હક કોઈ છીનવી શકતું નથી કે અદાલતોએ તેને લાગુ પાડેલા નથી. નાગરિકના પ્રાકૃતિક અધિકાર તેના જન્મ સાથે અવિભાજ્ય કે અભિન્ન રીતે જોડાયેલા છે. નૈતિક અધિકારો વિધિક જોગવાઈઓને બદલે નૈતિક સિદ્ધાંતો પર આધારિત હક છે. નૈતિક રીતે યોગ્ય-અયોગ્ય તે નક્કી કરે છે. 

ભારતીય બંધારણના ભાગ-૩, અનુચ્છેદ ૧૨થી ૩૫માં મૂળભૂત અધિકારોનો સમાવેશ કર્યો છે. બંધારણે નાગરિકોને છ મૂળભૂત અધિકારો આપ્યા છે : સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિરુદ્ધ અધિકાર, ધર્મ સ્વાતંત્ર્યનો અધિકાર, સંસ્કૃતિ અને શિક્ષણ સંબંધી અધિકાર અને બંધારણીય ઉપચારોના રક્ષણનો અધિકાર. એ છ મૂળભૂત અધિકારો છે. અગાઉ આ અધિકારોમાં મિલકત ધારણ કરવાનો હક મૂળભૂત અધિકાર હતો. ૧૯૭૮માં ૪૪મા બંધારણ સુધારાથી તેને મૂળભૂત અધિકારોની યાદીમાંથી રદ્દ કરવામાં આવ્યો છે. 

મૂળભૂત અધિકારો નાગરિકને મળેલું એક શક્તિશાળી હથિયાર છે. મૂળભૂત હકો વિરુદ્ધ સરકાર કાયદો ઘડી શકતી નથી કે તેનું ઉલ્લંઘન થાય તેવાં પગલાં લઈ શકતી નથી. અદાલતો તેના રક્ષણ માટે હંમેશાં તત્પર હોય છે. 

સમાનતાના મૂળભૂત અધિકારમાં રાજ્ય કોઈ પણ નાગરિક પર ધર્મ, વંશ, જ્ઞાતિ, લિંગ અને જન્મસ્થાનના આધારે ભેદ કરી શકતી નથી .. જો કે સરકારી નોકરીઓ, શિક્ષણ અને અન્યમાં અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગોનું પ્રતિનિધિત્વ ઓછું હોય તો તે માટે કરવામાં આવેલી અનામત સહિતની સવલતોની જોગવાઈઓ સમાનતાના અધિકારનો ભંગ ગણાતી નથી. સંવિધાનના મૂળભૂત અધિકારોના વિભાગમાં અનુચ્છેદ ૧૭થી આભડછેટનો અંત આણવામાં આવ્યો છે. અર્થાત કોઈની પણ સાથે અસ્પૃશ્યતાનું આચરણ મૂળભૂત અધિકારનો ભંગ છે અને તે દંડનીય અપરાધ ગણાય છે.

૨૦૦૨ના ૮૬મા બંધારણ સુધારાથી ૬થી ૧૪ વરસના બાળકોને શિક્ષણનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે. (અનુછેદ-૨૧-ક) જ્યારે નાગરિકની પોલીસ કોઈ કારણસર ધરપકડ કરે તો તેને ૨૪ કલાકમાં નજીકના ન્યાયાલયના જજ સમક્ષ રજૂ કરવાની જોગવાઈ પણ મૂળભૂત અધિકારોના પ્રકરણમાં કરી છે. આંતરિક કટોકટીમાં ઘણા નાગરિકોની ધરપકડો પછી તે ગુમ થયાના સમાચારો મળ્યા ત્યારે અદાલતોએ હેબિયસ કોર્પસ હેઠળ નાગરિકને જીવતો કે મૂઓ અદાલત સમક્ષ રજૂ કરવાના આદેશો કર્યા હતા. હવે તો તે નાગરિક અધિકારના ભંગ હેઠળની કાયદાકીય  જોગવાઈ બની છે. 

બંધારણના પાર્ટ-૩ની બહારના અધિકારો કે જે કેન્દ્ર અને રાજ્ય સરકારોના કાયદાઓ દ્વારા લાગુ પડે છે તે બંધારણીય અધિકારો છે. સંપત્તિ ધારણ કરવાનો અધિકાર, મુક્ત વ્યાપાર અને કાયદાના હક વિના કર ન લગાવવાનો અધિકાર બંધારણીય અધિકારો છે. આ અધિકારોને અદાલતોમાં પડકારી શકાય છે. 

સંસદ અને રાજ્યોના વિધાનગૃહોના સામાન્ય કાયદાઓ વડે અસ્તિત્વમાં આવતા અધિકારો વૈધાનિક અધિકારો છે. મનરેગા (હવે જી રામજી) દ્વારા કામનો અધિકાર, વન અધિકાર અધિનિયમ મારફ્ત આદિવાસીઓના અધિકાર, રાષ્ટ્રીય ખાધ્ય સુરક્ષા અધિનિયમ દ્વારા અન્નનો અધિકાર વગેરે વૈધાનિક અધિકારો છે. 

ભારતમાં નાગરિકોને મળેલા વિવિધ અધિકારોનો વ્યાપ બંધારણ અને કાયદા પોથીઓ કરતાં અદાલતોની વ્યાખ્યાઓથી ઘણો વિશાળ બન્યો છે. માર્ચ-૨૦૨૬માં સુપ્રીમ કોર્ટે મહિલાઓના પીરિયડસથી જોડાયેલા આરોગ્ય અને સાફ-સફાઈના મુદ્દાને મૂળભૂત અધિકારના અનુચ્છેદ ૨૧ હેઠળ જોડીને મૂળભૂત અધિકાર માન્યો છે. શિક્ષણ સંસ્થાઓમાં કિશોરીઓ પીરિયડસ સંબંધી વ્યવસ્થાઓના અભાવે ભણવાનું છોડે તેને મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન ગણી શાળાઓમાં બાળકીઓ માટે અલગ શૌચાલયો, સ્વચ્છ પાણી, પીરિયડસ સાથે જોડાયેલી અન્ય બાબતોની ઉપલબ્ધતા અને ફેંકવા માટે સાફ-સલામત સાધનોની કમી દૂર કરવા જણાવ્યું છે. આ ખરેખર મહિલા અધિકારો માટે મહત્ત્વની બાબત છે. 

૨૦૨૫ના જૂનમાં સર્વોચ્ચ અદાલતે ડિજિટલ સેવાઓ સુધી પહોંચને પણ મૂળભૂત અધિકાર ગણાવ્યો હતો. જ્યારે દેશમાં આવશ્યક સેવાઓ, વહીવટ, શિક્ષણ અને આરોગ્ય સેવાઓ તથા આર્થિક તકો સુધીની પહોંચ ડિજિટલ સેવાઓના માધ્યમથી ઝડપથી વધી રહી છે ત્યારે પ્રત્યેક નાગરિક સુધી તેની પહોંચ હોવી અનિવાર્ય છે. ડિજિટલ વિભાજન કે ડિજિટલ કમી દૂર કરવી તે સન્માન સાથે જીવન જીવવા જરૂરી હોવાનું અદાલતે જણાવ્યું હતું. 

માનવ અસ્તિત્વ માટે જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો સંબંધ અભિન્ન છે પ્રો. સાંઈબાબાના કેસમાં સુપ્રીમ કોર્ટે પ્રાઈવસી કે ગુપ્તતાના અધિકારને જીવનનો હક ગણ્યો હતો. પ્રાઈવસીનો હક માનવ ગરિમાનું અંગ હોવાનું અદાલતના આદેશમાં કહેવાયું હતું. સ્વચ્છ પર્યાવરણનો હક, દિલ્હી અને બીજા શહેરોમાં પ્રદૂષિત હવા સામે સ્વચ્છ હવાનો હક, પીવાના ચોખ્ખાં પાણીનો હક પણ જીવન જીવવાના હકમાં સામેલ છે. એ રીતે ઘણી બાબતો જે નાગરિકના જીવન સાથે જોડાયેલી છે તેને અધિકાર ગણવામાં આવી છે. 

અધિકારોનો વ્યાપ વિશાળ છે પરંતુ તે અસીમિત નથી. ગંભીર સ્થિતિમાં અને દેશહિતમાં સરકારો નાગરિક અધિકારોને સીમિત કરી શકે છે.  

e.mail : maheriyachandu@gmail.com

 

Loading

10 June 2026 Vipool Kalyani
← આ અનોખાં જીવને જંપ નહોતો 
‘માઈ’ – આહટોં કે પીછે કબ તક દૌડેગી કિતના ..  →

Search by

Opinion

  • કુછ દિલ ને કહા, કુછ ભી નહીં 
  • જૂઠાણાંથી ઘેરાયેલાં સત્યને કેવી રીતે ઓળખવું?
  • ‘માઈ’ – આહટોં કે પીછે કબ તક દૌડેગી કિતના .. 
  • આ અનોખાં જીવને જંપ નહોતો 
  • જ્યારે પાકિસ્તાનથી આવેલા લોકોએ કચ્છના રણમાં આખું શહેર વસાવ્યું

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved