દરેક શાસકની રાજકીય શૈલી હોય છે. જવાહરલાલ નેહરુની પ્રસન્નગંભીર રાજકીય શૈલી હતી, ઇન્દિરા ગાંધીની ચોંકાવનારી અને કૃતનિશ્ચયી રાજકીય શૈલી હતી, મોરારજીભાઇ દેસાઈની ભલે તૂટી જઉં પણ ઝૂકું નહીં એવી જિદ્દી રાજકીય શૈલી હતી, રાજીવ ગાંધીની કોઈના પ્રભાવ હેઠળ નિર્ણયો લેનારી સ્વ-આકલનના અભાવવાળી રાજકીય શૈલી હતી, પી.વી. નરસિંહ રાવની ઓછું બોલવું અને તરણું બનીને પણ તરી જનારી રાજકીય શૈલી હતી, અટલ બિહારી વાજપેયીની બને ત્યાં સુધી સંઘર્ષ નિવારનારી, હળવે હલેસે કામ લેનારી અને જે પાણીએ મગ ચડે એ પાણીએ ચડાવવાની રાજકીય શૈલી હતી અને ડૉ. મનમોહન સિંહની માત્ર અને માત્ર શાસનલક્ષી અને દુ:શ્મન પણ ભરોસો કરે એવી ખાનદાની રાજકીય શૈલી હતી.
આ બધામાં વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય શૈલી જુદી છે. જુદી એટલે, સાવ જુદી. આત્મકેન્દ્રી, જિદ્દી, આક્રમક, સતત તાણનો અનુભવ કરનારી તેમ જ તાણમાં રાખનારી અને અપરિવર્તનશીલ રાજકીય શૈલી. આવી રાજકીય શૈલી ધરાવનારાઓ માટે રાજકીય અનુકૂળતા જરૂરી હોય છે અને જ્યારે પ્રતિકૂળતા પેદા થાય ત્યારે બહુ મોટી કસોટી થતી હોય છે. નરેન્દ્ર મોદીની તેમની ત્રીજી મુદ્દતમાં કસોટી થઈ રહી છે, કારણ કે અનુકૂળતા પ્રતિકૂળતામાં ફેરવાઈ રહી છે.
અહી ઉપર મેં જે નામ ગણાવ્યાં એ એવા શાસકોનાં છે જેમણે વડા પ્રધાન તરીકે મુદ્દત પૂરી કરી છે અને કેટલાકે બે કે તેનાથી વધારે મુદ્દત રાજ કર્યું છે. મોરારજી દેસાઈ આમાં અપવાદ. પણ છતાં ય તેમનું નામ ઉમેર્યું છે, કારણ કે તેમણે ભલે મુદ્દત પૂરી નહોતી કરી, તેમની રાજકીય શૈલી વિષે તેઓ વડા પ્રધાન બન્યા એ પહેલાંથી ચર્ચા થતી હતી અને કેટલાક લોકો તો ક્હે છે કે બે વાર તેઓ તેમની રાજકીય શૈલીને કારણે વડા પ્રધાનપદ ચૂકી ગયા હતા અને જ્યારે મળ્યું ત્યારે પણ તેમનું નામ દરેકને સ્વીકાર્ય નહોતું. જયપ્રકાશ નારાયણે અને આચાર્ય કૃપાલાનીએ મોરારજી દેસાઈને વડા પ્રધાન તરીકે સ્વીકારવા આગ્રહ કરવો પડ્યો હતો. લચીલાપણાનો અભાવ એ તેમની મોટી મર્યાદા હતી જે વર્તમાન વડા પ્રધાન પણ ધરાવે છે. અહીં તેમનું નામ ઉમેરવા પાછળ આ સમાનતાનું કારણ છે.
ભલે સળંગ નહીં, પણ જેઓ એકથી વધુ વખત, પણ પૂરી મુદ્દત માટે વડા પ્રધાન બન્યા હતા એવા વડા પ્રધાનોમાં જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી, ડૉ. મનમોહન સિંહ અને નરેન્દ્ર મોદીનો સમાવેશ થાય છે. અટલ બિહારી વાજપેયી ત્રણ વાર વડા પ્રધાન બન્યા હતા, પરંતુ પાંચ વરસની મુદ્દત એક જ પૂરી કરી હતી. નરેન્દ્ર મોદીના ત્રણ પુરોગામી વડા પ્રધાનોમાં જવાહરલાલ નેહરુને કોઈ મોટા રાજકીય પડકારોનો સામનો નહોતો પડ્યો. દેશ તાજો આઝાદ થયો હતો, એકંદરે રાજકીય સર્વસંમતી હતી, વિરોધ પક્ષો હજુ શિશુ અવસ્થામાં હતા અને નેહરુ મોહક વ્યક્તિત્વ ધરાવનારા પ્રજાના લાડલા નેતા હતા. તેમનો વિરોધ પણ કરવો હોય તો જહેમત ઉઠાવવી પડે. નેહરુ પછી ચાલીસ વર્ષે વડા પ્રધાન બનેલા ડૉ મનમોહન સિંહને બીજી મુદ્દત આકરી નીવડી હતી. તેમની જૂઠી અને નિમ્ન સ્તરની બદનામી કરવામાં આવી હતી, પણ એ માણસે પોતાની ખાનદાની જાળવી રાખી હતી અને સ્તર નીચે નહોતું ઉતાર્યું. તેમણે યોગ્ય જ કહ્યું હતું કે ઇતિહાસ તેમને ન્યાય આપશે.
નરેન્દ્ર મોદીના ત્રણ પુરોગામીઓમાં પડકારોનો સામનો ઇન્દિરા ગાંધીને કરવો પડ્યો હતો અને એ પણ એક કરતાં વધુ વખત અને અલગ અલગ પ્રકારના પડકારો. ઇન્દિરા ગાંધીનો ૧૯૬૬થી ૧૯૭૭ એમ ૧૧ વરસનો વડા પ્રધાનપદનો પહેલો દોર હતો અને બીજો ૧૯૮૦ના પ્રારંભથી ૩૧ ઓકટોબર ૧૯૮૪માં તેમની હત્યા થઈ ત્યાં સુધીનો લગભગ પાંચ વરસનો. એની વચ્ચે અઢી વરસ વિરોધ પક્ષમાં રહીને પક્ષની અંદર સુદ્ધાં ઝંઝાવાતોનો સામનો કર્યો હતો. જેલમાં પણ ગયાં હતાં. એમાં આ ૧૧ અને પાંચ એમ કુલ ૧૬ વરસનાં શાસનમાં ઇન્દિરા ગાંધી અલગ અલગ હતાં. ૧૯૬૬થી ૧૯૬૯ સુધી કાઁગ્રેસના દિગ્ગજ નેતાઓથી ડરનારાં અને ઓછો આત્મવિશ્વાસ ધરાવનારાં હતાં. ડૉ. રામમોહન લોહિયાએ તેમને ગૂંગી ગુડિયા તરીકે ઓળખાવ્યાં હતાં. ૧૯૭૧થી ૧૯૭૪ સુધી તેઓ દુર્ગાનો અવતાર હતાં. ૧૯૭૪થી ૧૯૭૭નાં વર્ષોમાં ભાવવધારો, ભ્રષ્ટાચાર અને વિરોધ પક્ષોના સામૂહિક હુમલા સામે તેઓ કોઈ પણ માર્ગે લડતાં હતાં અને તેમાં ઈમરજન્સી લાદવાનો અને વિરોધ પક્ષોના નેતાઓને જેલમાં પૂરવાનો પણ સમાવેશ થતો હતો. ૧૯૮૦થી ૧૯૮૪નાં વર્ષોમાં પંજાબ અને આસામમાં દેશની અંદરથી પ્રજાકીય પડકારો પેદા થયાં હતાં અને દેશની એકતા અખંડતાનો પ્રશ્ન હતો. દેશને પહેલીવાર ત્રાસવાદનો પરિચય થયો હતો. સંજય ગાંધીનાં અવસાનને કારણે અંગત ખાલીપો અનુભવતાં હતાં. ૧૯૮૦થી ૧૯૮૪નાં વર્ષોમાં ઇન્દિરા ગાંધી કઠોર પણ વાત્સલ્યમૂર્તિ નજરે પડતાં હતાં. પ્રજા અને પક્ષ એ બે અલગ ચીજ છે એ તેઓ જાણતાં હતાં.
યાદ રહે, આ દરમ્યાન કાઁગ્રેસ વિભાજનને કારણે ૧૯૬૯થી ૧૯૭૧નાં બે વરસ છોડીને લોકસભામાં બહુમતીની તેમને ક્યારે ય ચિંતા નહોતી કરવી પડી. દરેક પડકાર વખતે તેમની પાસે બે-તૃતિયાંશ બહુમતી હતી. આમ છતાં ય એ મેડમ પરિસ્થિતિ બદલાય એમ પોતાને બદલતા રહેતાં હતાં. લગભગ બે દાયકા સુધી તેમણે ભારતનાં રાજકારણને પ્રભાવિત કર્યું હતું. તેનાં કેન્દ્રમાં હતાં. જો બરડ અને બરછટ હોત તો તેઓ આ ન કરી શક્યા હોત. એક સમયે બધાની ઐસીતૈસી કરીને એકલાં ચાલે (અને સામી છાતીએ આગળ પણ ચાલે) અને બીજા સમયે બધાને સાથે લઈને ચાલે. વિરોધ પક્ષની છાતી પર ચડી જાય, પણ વિરોધ પક્ષના કોઈ નેતાની ઠેકડી ઊડાડી હોય કે મળવા માટે વખત ન આપ્યો હોય કે તેમની સાથે તુચ્છકારવાળો વર્તાવ કર્યો હોય એવું બન્યું નથી. એવો એક પ્રસંગ યાદ કરી બતાવો. જેવી સ્થિતિ એવું વલણ. ભારતના એક પણ રાજકીય નેતાએ ઇન્દિરા ગાંધીએ જેવો સતત બદલાતો રાજકીય સમય જોયો હતો એવો જોયો નથી. હું એમ માનું છું કે ઇન્દિરા ગાંધી વડા પ્રધાનો માટે ટેક્સ્બૂક છે. અંગત ટ્રેજેડીથી લઈને શું નહોતું જોયું તેમણે? જેવી સ્થિતિ એવો પ્રતિસાદ.
સમય અને સંજોગો સતત બદલતાં રહેતાં હોય છે. ગાંધીજી સમય અને સંજોગોને બધો વખત પોતાને અનુકૂળ નહોતા કરી શક્યા તો બીજાની ક્યાં વાત કરીએ! ગાંધીજીએ પોતે કહ્યું છે કે મારા કહેણને અનુસરીને યજ્ઞની વેદી પર ચડી જનારા લોકો આજ મારું સાંભળતા નથી. આમ સમય અને સંજોગોને બદલાતાં રોકી શકાતા નથી, પરંતુ માણસ બદલાઈ શકે છે. જ્યારે સમય અને સંજોગો બદલાયાં અને ગાંધીજીએ પોતાનું બલીદાન આપીને ખપી જવાનો નિર્ણય લીધો ત્યારે કાઁગ્રેસના નેતાઓએ ભારે હ્રદયે અને આદરપૂર્વક ગાંધીજીને છોડ્યા હતા. પરસ્પર બન્નેને ખબર હતી કે કોણ શું કરી રહ્યું છે અને ક્યાં ય કોઈ અનાદર નહોતો. ગાંધીજીની અંદર નેહરુ અને સરદાર માટેના હેતમાં કોઈ ઘટાડો નહોતો થયો.
સમયને ઓળખવો અને તેને અનુકૂળ થવું એ ડાહ્યા માણસોનું લક્ષણ છે. એમાં રાજકારણ તો અંદર અને બહારના સત્તાના દાવેદારો સામે ટકી રહેવાનો ખેલ છે એટલે એમાં તો આ ગુણ વધારે આવશ્યક છે. ઉપર કહ્યું એમ ઇન્દિરા ગાંધી વર્તમાન અને ભાવિ વડા પ્રધાનો માટે પાઠ્યપુસ્તક છે. નરેન્દ્ર મોદીએ બદલાયેલા સંજોગોમાં બદલાવું જરૂરી છે, જેમ ઇન્દિરા ગાંધી પોતાને બદલતાં હતાં. બે-તૃતીયાંશ બહુમતી હોવા છતાં. તેમને ખબર હતી કે તાકાત સંખ્યામાં નથી, જીગર અને મસ્તિષ્કમાં છે.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 21 જુલાઈ 2024