આજે Aparna Anekvarna ના કાવ્યનો અનુવાદ.
માજુલી આસામમાં બ્રહ્મપુત્રા નદીનો એક ટાપુ છે. એ દુનિયાનો સૌથી મોટો નદીનો દ્વીપ છે. અલબત્ત, કવિતાનો માજુલી માત્ર ટાપુ નથી.
°
ડૂબવું
થોડો થોડો રોજ
ડૂબતો જાય છે માજુલી.
રોજ થોડી માટી
કિનારા પાસેથી માગીને
લઇ જાય છે બ્રહ્મપુત્ર.
ભૂલવા લાગ્યા છે લોકો
રોજ થોડી આવડત –
કાંતવા, વણવા, સીવવા,
ગૂંથવા, ભરવા, પરોવવાની.
ફૂલ, ફળ, કંદ,વેલી –
ધાનનાં કેટલાં ય પુરાણાં નામ –
રાંધણચીંધણ ભૂલવા લાગ્યા છે.
આગંતુકને ગોળ ધરીને પાણી આપવાનું
નથી આવડતું હવે બાળકોને.
આંગણું લીંપવાથી, છાજ છાજવાથી
ઉદાસીન થઇ ગયા છે.
રોજ બાંધે છે પુલ ગમનના
છોડે છે રોજ એક નાવ
ડૂબતા માજુલી તરફ પીઠ કરી
બસ ચાલ્યા જાય છે હલેસાં મારતા.
અને માજુલી, રોજ થોડો વધુ ડૂબી જાય છે.
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર