નિવેદન – સુ૦
(આજકાલ ક્યારેક હું માર્ક્વેઝને પણ વાંચતો હોઉં છું. એમણે લખેલી એક વાર્તા છે, ‘બિટરનેસ ફૉર થ્રી સ્લીપવૉકર્સ’. આ વાર્તા ‘પહેલો પુરુષ કથનકેન્દ્ર’-થી લખાયેલી છે, પરન્તુ એ પહેલો પુરુષ ‘એકવચન’-માં નથી, ‘બહુવચન’-માં છે. એટલે કે, કથા આઇ – I – નથી કહેતો, we કહે છે. આ વાર્તાનું ગુજરાતી કરું તો વ્યાકરણ અનુસાર ‘we’ માટે મારે ‘અમે’ / ‘આપણે’ કહેવું પડે. સમગ્ર વાર્તાના વાચનથી એમ નક્કી થયું કે we એટલે અહીં તો ‘અમે’. જો હું ‘આપણે’ કરું તો એમાં you – તમે – આપોઆપ ઉમેરાઇ જાય! પણ મારે નિર્ણય કરવો પડે કે એ માર્ક્વેઝને મંજૂર છે કે કેમ. કથનકેન્દ્રની હાલ નહીં પરન્તુ અન્તિમ સારરૂપ ચર્ચામાં આ we-ને પણ દાખલ કરીશ.)
કાલ્વિનોની આ નવલ વિશે હું એક સમજૂતી ઊભી કરવા માગું છું. એમાં જરૂરત પ્રમાણે ઉત્તરોત્તર સુધારા-વધારા કરતો રહીશ. મારી સમજૂતી હાલ પ્રવાહી છે.
પહેલી વાત —
એ કે આ નવલની કે કોઈપણ નવલની સમગ્ર સંરચનાને અથવા નિરૂપણરીતિને અથવા વસ્તુગુમ્ફનને પામવા માટે ૩ સમ્પ્રત્યયોને બરાબર સમજી લેવા જરૂરી હોય છે : ૧ – લેખક, ૨ – કથક, ૩ – કથક જેને કથી સંભળાવે છે એ વાચક.
અહીં —
૧ : લેખક છે, ઇટાલો કાલ્વિનો.
૨ : કથક છે, જેને નામ નથી, પણ ‘હું’ – ‘I’ – એમ કહીને એના હોવા વિશે ખાતરી કરાવે છે.
૩ : વાચક છે / છીએ, હું અમે તું તમે તે તેઓ. (આ સમજૂતીમાં આ ૩ નમ્બરના વાચકને સર્વત્ર હું ‘વાચક’ અને ‘આપણે વાચકો’ કહીશ.)
— પણ એ ‘વાચક’ ઉપરાન્ત અહીં એક વિશિષ્ટ વાચક છે — ‘તમે’ સૅકન્ડ પર્સન ‘you’.
— એ ‘તમે’ તે કોણ? અગાઉ એકથી વધારે વાર કહ્યું છે કે આ નવલમાં, વાચકને ‘તમે’ કહીને કથકે / કાલ્વિનોએ કથામાં બેસાડ્યો છે, અને જુક્તિ એવી કરી છે કે ક્રમે ક્રમે એ એક પાત્ર બની જાય છે. પણ તેથી થાય છે શું? એ જે કંઇ વિચારે છે, બોલે છે, વર્તે છે, અનુભવે છે, એથી એવી લાગણી પ્રગટે છે કે એ બધું કરનારા ‘આપણે વાચકો’ છીએ. ‘તમે’ સાથે સ્થપાતી આ સમાન્તરતા અને એકરૂપતા કાલ્વિનોને અપેક્ષિત છે. (આ સમજૂતીમાં સર્વત્ર આ ‘તમે’-ને હું ‘You’ કહીશ.)
— આજે, કથક વિશે જાણીએ : (એ માટે, જરૂરિયાત પ્રમાણે નવલમાંથી અવતરણો આપીશ.)
નવલના પ્રારમ્ભે કહેવામાં આવ્યું છે કે —
“You are about to begin reading Italo Calvino’s new novel, If on a winter’s night a traveler. Relax. Concentrate. Dispel every other thought. Let the world around you fade. Best to close the door; the TV is always on in the next room. Tell the others right away, ‘No, I don’t want to watch TV!’ Raise your voice—they won’t hear you otherwise—‘I’m reading! I don’t want to be disturbed!’” (P. 3 –Vintage 1983)
(અહીં ઉદ્ધૃત કરેલા આ અને બીજા ફકરાનો ગુજરાતીમાં અનુવાદ નથી કરતો, કેમ કે સુગમ છે.)
આ જેને કહેવાયું છે એ ‘વાચક’ અથવા ‘આપણે વાચકો’ છીએ.
સવાલ એ થાય કે આમ કહેનાર કોણ છે? બધી કથાઓમાં હોય છે એમ, એ કથક છે અથવા લેખક છે. કાલ્વિનોની આ નવલ ખરીદવા કથક ‘વાચક’ને અને તમને (you) બુકસ્ટોર પર લઈ જાય છે. ત્યાં વિધવિધનાં પુસ્તકો છે : Books You Needn’t Read; Books Read Even Before You Open Them, Since They Belong To The Categorof Books Read Before Being Written; Books You’ve Been Planning to Read for Ages; Books That Everybody’s Read So It’s As If You Had Read Them, Too. And more. (P. 5 –Vintage 1983)
પણ આ કથક પહેલા પ્રકરણમાં પોતાને વિશે કહે છે –“I am called ‘I’ and this is the only thing that you know about me.” એને ‘I’ અથવા ‘હું’-નો દરજ્જો આપનાર લેખક છે. એને એની જાણ છે એટલે કહે છે, “By the very fact of writing ‘I’ the author feels driven to put into this ‘I’ a bit of himself, of what he feels or imagines he feels.” કાલ્વિનોને લાગે કે આ ‘I’-માં મારું કંઈક મૂકું એટલે એમણે ‘I’ એમ લખ્યું છે.
આ નિર્દેશો એમ સૂચવે છે કે કથક અથવા ‘I’ જે કંઇ કહે છે એ વત્તેઓછે અંશે લેખકે કહ્યું હોય છે. બીજા શબ્દોમાં એમ કહેવાય કે કથકે કહેલું ઘણુંબધું અહીં ‘પહેલો પુરુષ એકવચનના કથનકેન્દ્ર’-થી નિરૂપણ પામ્યું છે.
પ્રકરણ -8
કથક સિલાસ ફ્લૅનરી નામનો લેખક છે, એ ડાયરી લખતો હોય છે. લેખન માટે દરરોજ ટાઇપરાઇટરે પ્હૉંચે, પણ બાલ્કનીએ જઈ સ્પાય-ગ્લાસિસથી એક સ્ત્રીને જોતો હોય છે. સ્ત્રી ડેક-ચૅરમાં બેસીને પુસ્તકવાચન કરતી હોય છે. એ લખતો હોય છે ત્યારે, ક્યારેક, એમ વિચારતો હોય છે કે એ સ્ત્રી એ જ વાંચી રહી છે જે પોતે લખી રહ્યો છે. જેમ એ એને વાંચતી જુએ છે એમ એ એને લખતો જુએ છે.
ક્યારેક આ કથકને એમ લાગે છે કે પોતાનાં પુસ્તકો છે ખરાં પણ એને સુવાચ્ય રૂપમાં મૂકવાં જોઈશે. એની પાસે બે લેખકોની વાર્તાનો એક આઇડિયા છે. એક લેખક પ્રોડક્ટિવ છે, બહુલખુ, અને બીજો છે ટૉર્મેન્ટેડ, દુ:ખી. બહુલખુ લેખક દુ:ખી લેખકની રચનાને વખોડી નાખે છે, પણ દુ:ખીને જ્યારે એ સંઘર્ષ કરતો જુએ છે, એને થાય છે – અરે, આ તો મારી રચના છે, વળી, કેટલી ફિસ્સી છે.
આ કથકે (એટલે કે સિલાસ ફ્લૅનરી નામના લેખકે) એક યુવતી તડકે બેસીને પુસ્તક વાંચતી હોય છે એવી એક વાર્તા કલ્પેલી. યુવતી બહુલખુ લેખક પાસેથી તેમ જ દુ:ખી લેખક પાસેથી હસ્તપ્રત મેળવતી રહે છે; એને એ સમજવું હોય છે કે બન્નેની હસ્તપ્રતો એકબીજાને મળતી આવે છે કે કેમ. અથવા એ કદાચ બન્ને હસ્તપ્રતોની અદલાબદલી કરી નાખે છે, એટલું જ નહીં, પહેલાની બીજાને અને બીજાની પહેલાને આપી બેસે છે; પેલા બન્ને પરેશાન થઇ જાય છે. આ કથક કલ્પે છે કે હસ્તપ્રતોની અદલાબદલી કરવાની બીજી પણ રીતો છે.
વાર્તાની દુનિયામાં નહીં, પણ વાસ્તવિક દુનિયામાં, આ કથકના ટાઇપરાઇટર પર પારકી પંચાત કરનારું કે ચાડી ખાનારું એક પોસ્ટર છે — It was a dark and stormy night… એ વંટોળભરી અંધારી રાત … પોસ્ટર વાંચીને એને મજા પડી જાય છે, એને થાય છે, ‘એ’ એમ ચીંધે છે કે કશુંક બની રહ્યું છે, પણ કોના બારામાં, કેમ, તે નથી સૂચવાતું. કથક વિચારે છે કે પ્રારમ્ભ અને બીજું ઘણું સૂચવતા આ પોસ્ટરને અહીંથી કાઢી નાખવું જોઈશે, કેમ કે એને લીધે પોતાનાં કામોમાં ગરબડભર્યું ભંગાણ ઊભું થાય છે.
આ કથક દૉસ્તોએવસ્કીની નવલકથા “Crime and Punishment”-માંથી ઉતારા કરતો હોય છે, એ જાણવા કે કથાનો સરસ પ્રારમ્ભ કરવો હોય તો કેવી રીતે કરાય. આ કથકનાં પુસ્તકોના અનુવાદ કરવા ઇચ્છતા કોઈકનો બોલાવ્યો એ જાય છે, કેમ કે પેલાએ એને જણાવેલું કે — તાજેતરમાં તમારાં પુસ્તકોના અનધિકૃત અનુવાદો ઘણા ફૂટી નીકળ્યા છે. પણ હકીકત એ છે કે એ પુસ્તકો કથકે કદી લખ્યાં જ નથી! એ જૂઠથી કથક અપમાન અનુભવે છે, જો કે ઉત્સુકે ય થાય છે, ખુશ પણ થાય છે. એને અવગત થાય છે કે એનાં પુસ્તકોનો એ અનુવાદક, એર્મિસ મારન છે!
એર્મિસ મારન કથક આગળ ખુલાસો કરે છે કે હાલ પોતે જપાનમાં છે, પણ એકાએક બીજી વાત કરવા લાગે છે – સિદ્ધાન્ત સમજાવતો હોય એમ કહે છે કે લેખકો શું છે એ સમજીએ – લેખકો બીજા લેખકોએ પોતાની વાર્તાઓ માટે ઉપજાવી કાઢેલાં પાત્રો છે! મારનની આ વાત કથકને કેટલાક દિવસો પછી યાદ આવે છે, અને એને થાય છે કે સાલું, આ તો મારાં જ લેખનને લાગુ પડે છે! એને વિચાર આવે છે કે કુરાન તો મોહમ્મદ પયગમ્બરનું અને એઓ જે વદ્યા તેનું લેખન કરનારા લહિયાનું સંયુક્ત સર્જન કહેવાય. મોહમ્મદ પયગમ્બરે કુરાનની અન્તિમ પંક્તિઓ પણ લહિયાને લખવા દીધી. તેથી લહિયાને ભલે મજા ન આવી, બાકી, હકીકત એ હતી કે કુરાનમાં છેલ્લે શું લખવું તે અલ્લાહને અધીન હતું.
આ કથકને એની નવલકથાના પ્રકાશનને વિલમ્બમાં નાખનારા પ્રકાશકો અને સાહિત્ય-દલાલોની સાઠગાંઠ યાદ આવે છે. કથક ડુંગરાળ રસ્તે ચાલવા જાય છે, ત્યાં કેટલાક છોકરાઓને જુએ છે. છોકરાઓ ‘ઊડતી રકાબીઓ’-ને તાકતા હોય છે. તેઓ કથકને કહે છે કે – નજીકમાં એક લેખક છે, એ સંકટમાં ઘેરાયો હોય ત્યારે, પરગ્રહવાસીઓ એના મગજમાં વિચારો મોકલતા હોય છે, જો કે, એની એને ખબર નથી પડતી. છોકરાઓ ઉમેરે છે કે – આવું અમે સાંભળ્યું છે. કથકને થાય છે – મારા લેખનને શું પરગ્રહવાસીઓ નિશ્ચિત કરે છે …
આ કથકને કે’દાડાનો ‘રાઇટર્સ બ્લૉક’ છે. લોતારિયા એની એક નવલકથા પર થીસિસ કરતી હોય છે, એ એને મળવા આવે છે. કથક એટલા માટે નિરાશ થાય છે કે થીસિસ લોતારિયાએ પહેલેથી નક્કી રાખેલી પોતાની વિચારણા મુજબ ગોઠવી કાઢ્યો છે. કથક ઇચ્છે છે કે લોકો એની નવલમાં સારું શું છે તે જાતે શોધી લે, એવું કે જેની એને પણ ખબર ન હોય! પણ લોતારિયા કહે છે, એ તો પૅસિવ રીડિન્ગ થયું કહેવાય – સુસ્ત વાચન; કહે છે – મારી બહેન લુદ્મિલા એ જ કરતી હોય છે. લોતારિયાની માન્યતા છે કે વાચનની એક રીત એ પણ છે કે એથી સિલાસ ફ્લૅનરી જેવા, એટલે કે આ કથક જેવા, નીરસ લેખકોને પણ સારી પેઠે પામી શકાય.
એ સાંજે આ કથકને થયું કે કોઈ અજાણ્યા ઓળા સરકી રહ્યા છે. એને થાય છે કે કોઈ લોકો એની ચીજવસ્તુઓમાં ખાંખાખૉળા કરી રહ્યા છે. પોતાની હસ્તપ્રતો તપાસી જોતાં એને યાદ નથી આવતું કે લખ્યું છે એ બધું પોતાનું છે કે કેમ.
આ કથક લોતારિયાને કેટલાંક પુસ્તકો આપે છે, પણ લોતારિયા જણાવે છે કે પોતે નહીં વાંચી શકે કેમ કે પોતાની પાસે કમ્પ્યૂટર નથી – કમ્પ્યૂટર પર એ પુસ્તકોનાં વિશ્લેષણ કરતી હોય છે – અને એ પ્રકારે કોઈપણ પુસ્તકને પાંચ જ મિનિટમાં વાંચી નાખતી હોય છે. પુસ્તકમાં સામાન્યપણે વપરાયેલા શબ્દો એ ફટ શોધી કાઢે છે, અને બાકીના શબ્દોથી પુસ્તક કેવું થયું છે તે ઝટ કહી દે છે. કથકને લોતારિયા એવા શબ્દોની અનેક યાદીઓ પણ બતાવે છે.
લોતારિયાની પુસ્તકવાચનની એ રીત જાણીને કથક એ વાતે દુ:ખી થાય છે કે એનાં પુસ્તકો પણ એ એમ જ વાંચતી હશે ને! એ પછી, કથકને લુદ્મિલા મળે છે, અને પુસ્તકવાચનની ‘ઉત્તમ’ ગણાતી રીતો વિશે ઉગ્ર પ્રતિભાવો આપે છે, ત્યારે કથકને એમ થાય છે કે લુદ્મિલા લોતારિયાના વિચારો પર પ્રહાર કરી રહી છે; પણ હકીકતે એ એર્મિસ મારનની ટીકા કરતી હોય છે. કથક એને પૂછે છે કે શું પોતે એની અપેક્ષા પ્રમાણેનો છે, તો લુદ્મિલા ‘હા’ ભણે છે, ઉમેરે છે કે મારનને પોતે એના લેખનોમાં તપાસશે.
લુદ્મિલા લેખનને એક શારીરિક ક્રિયા ગણે છે અને પોતાના એ મન્તવ્યનું ગૌરવ કરતાં જણાવે છે કે એ કારણે જ સાહિત્ય-શબ્દનું સત્ય હાથ આવે છે. કથક સમ્મત થાય છે અને નજીક સરકીને લુદ્મિલાને ભેટવા કરે છે, પણ લુદ્મિલા એને ખસેડી નાખે છે, કહે છે – ગલત સમજ્યા છો મને; હું તમારી સાથે સૅક્સ પણ કરું ને, તો ય આપણાથી સિલાસ ફ્લૅનરીના સત્ય લગી નહીં પ્હૉંચાય. લુદ્મિલા આમ એટલા માટે કહે છે કે એના ચિત્તમાં નવલકથાકાર ફ્લૅનરી ચૉંટેલો છે.
લુદ્મિલાના ગયા પછી, કથક સ્પાય-ગ્લાસિસ લઈને ડેકચૅરમાં બેસેલી પેલી સ્ત્રીને જોવા માગે છે, પણ ત્યાં એ નથી હોતી. મૉડેથી, લુદ્મિલા સાથેની એક બીજી વાતચીત દરમ્યાન, પોતે જોતો હતો એ સ્ત્રી વિશે એ લુદ્મિલાને જાણ કરે છે. લુદ્મિલા પૂછે છે કે સ્ત્રી પરેશાન દેખાતી’તી કે શાન્ત. લુદ્મિલા વાતનો સાર પકડે છે કે સ્ત્રી જો પરેશાન દેખાતી’તી, તો એનો અર્થ એ કે એ પરેશાન કરી દે એવાં પુસ્તકો વાંચતી’તી.
(આ પ્રકરણ દીર્ઘ છે, માટે અટકું.)
તારણ :
કથક કહેવાતો લેખક સિલાસ ફ્લૅનરી, અનુવાદક એર્મિસ મારન, વાચક ‘તમે’ – you, ‘અન્ય વાચક’ લુદ્મિલા, એની બહેન લોતારિયા – એ સૌ વચ્ચે રચાતી ખરા કે ખોટા લેખનની તેમ જ ખરા કે ખોટા વાચનની ગૂંચ.
ક્રમશ:
(27 May 24 : A’bad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર