૨૦૧૫
બરેલી્માં મિલ્કતની લે-વેચનો ધંધો કરતા વેપારીના મોટા દીકરાએ એક ડેરી ફાર્મ શરૂ કર્યું હતું. તેમાં આધુનિક વિજ્ઞાન વાપરવાનું શીખવા તે ઇજ્જતનગરમાં આવેલી પશુ-સંવર્ધનની શોધખોળ કરતી સંસ્થામાં (IVRI) તાલીમ લેવાનું વિચારતો હતો. બી.કોમ.નું ભણતો ૧૯ વર્ષનો તેનો નાનો ભાઈ પ્રતીક પણ તેની સાથે ખાલી ફરવા જ ઇજ્જતનગર ગયો હતો. આમ તો તે સી.એ. થવા તલપાપડ હતો. તે માટેની પ્રારંભિક યોગ્યતા મેળવવાની પરીક્ષા પણ તેણે પસાર કરી દીધી હતી.
તેના ભાઈના ડેરી ફાર્મમાં છાણ અને ખાણનો કચરો બને તેટલી જલદીથી મામૂલી ભાએ વેચીને દૂર કરાતાં હતા. પણ પ્રતીકને ઇજ્જત નગરમાં એક વ્યાખ્યાનમાંથી જાણવા મળ્યું કે, આ બધાંમાંથી સેન્દ્રિય ખાતર બનાવી શકાય અને તે વાપરીને બનતી ખેત પેદાશો બજારમાં ઊંચો ભાવ કમાઈ આપે.
આ સાથે પ્રતીકના જીવનની દિશા બદલાઈ ગઈ. તેણે આ બાબત ઊંડા ઉતરવાનું નક્કી કર્યું. તે પણ એ સંસ્થાના એક ટ્રેનિંગ કોર્સમાં જોડાઈ ગયો. છ મહિના આ જ લગન, આ જ વિષયનું વાંચન, અને અવનવા પ્રયોગો. છેવટે તેણે બાપુને કહી દીધું કે, તે સી.એ. થવાનો નથી. બાપુને આ પસંદ તો ન જ પડ્યું, પણ પ્રતીકની મા એના દીકરાની અવનવું કરવાની લગન સમજી ગઈ અને તેમણે બાપુને સમજાવી દીધા. પ્રતીકે જ્યારે તેની પહેલી પેદાશમાંથી મળેલ મોટી રકમનો ચેક બાપુના હાથમાં મુક્યો, ત્યારે એ વેપારી માણસને સમજતાં વાર ન લાગી કે,
પ્રતીકને છાણમાંથી સોનાની ખાણ મળી ગઈ છે!
બાપુએ પ્રતીકને પરઢોળી ગામમાં સાત વીંઘા જમીન ખરીદી આપી. પ્રતીકની ગાડી હવે ધમધમાટ દોડવા લાગી. તેણે સેન્દ્રીય ખાતરનું ઉત્પાદન મોટા પાયે શરૂ કરી દીધું.
૨૦૧૭
પ્રતીક તેને મળેલી તાલીમ પરથી અવનવા કચરા વાપરી જુએ છે અને તેમને કહોવાવાની અવનવી રીતો શોધી કાઢે છે. એમાં મંદિરોમાંથી કચરા ભેગા થતાં ફૂલોનો પણ સમાવેશ થાય છે ! તેમાં લીમડાનાં પાન અને ગૌમૂત્ર વાપરીને આ ખાતરમાં જંતુનાશક તત્ત્વ પણ પ્રતીકે ઉમેર્યું છે. બે જ વર્ષમાં તે પોતાના પગ પર ઊભો થઈ ગયો, એટલું જ નહીં; તેણે બીજી થોડીક જમીન પણ ખરીદી લીધી અને જાતે ખેતી કરવા લાગી ગયો.
પોતાની ઉન્નતિની સાથે સાથે પ્રતીકે બીજા ખેડૂતોને પણ આ રીત અપનાવવા પ્રેર્યા છે, અને તેની દોરવણી હેઠળ ૪૨ ખેડૂતો પણ સેન્દ્રીય ખાતર વાપરતા થઈ ગયા છે. રાસાયણિક ખાતર માટે એક એકરે ૪,૫૦૦ ₹ જેટલો ખર્ચ આવતો હોય છે, જ્યારે આ ખાતર માટે માત્ર ૧,૦૦૦ ₹. જ ખર્ચ આવે છે. આ ખાતર વાપરીને રાસાયણિક ખાતર કરતાં મોટા દાણા વાળા ઘઉં પકવી શકાય છે, અને બજારમાં તેના વધારે ભાવ પણ મળે છે. બાવીસ જ વર્ષના આ તરવરતા તોખારની સહયોગી બાયોટેક નામની કમ્પનીનું ખાતર બરેલી ઉપરાંત નોઈડા, ગાઝિયાબાદ અને શાહજહાંપુરમાં વેચાતું થઈ ગયું છે. પ્રતીક ‘ये लो खाद’ના નામથી સેન્દ્રીય ખાતર વેચે છે અને વર્ષે બાર લાખ રૂપિયા રળી લે છે.
પ્રતીકના જ શબ્દોમાં
“હું રોજ દસ કલાક સતત વાંચીને કદાચ સી.એ. થયો હોત પણ એનાથી મને એટલો આનંદ ન થયો હોત જેટલું આ કામમાં અટક્યા વિના, રચ્યા પચ્યા રહેવામાંથી મળે છે. દરેકે પોતાનો જુસ્સો શેમાં સૌથી વિશેષ છે, તે જાણી લેવું જોઈએ. તો જ કામમાં મજા આવે.”
સંદર્ભ –
http://www.thebetterindia.com/101810/prateek-bajaj-vermicompost-ye-lo-khaad-sehyogi-biotech/
E.mail : surpad2017@gmail.com