
રમેશ ઓઝા
ભારતમાં ભક્તિપરંપરા પ્રાચીન છે. મોક્ષ માટે ત્રણ માર્ગ બતાવવામાં આવ્યા છે જેમાં જ્ઞાન (કેવળજ્ઞાન કે પરમજ્ઞાન) અને ધ્યાન (સાધના-ઉપાસના) ઉપરાંત ભક્તિનો પણ સમાવેશ થાય છે. તેના માટે યોગ વિશેષણ પણ વાપરવામાં આવે છે. જ્ઞાનયોગ, ભક્તિયોગ અને ધ્યાનયોગ. મૂળ ઇસ્લામમાં ઈશ્વર સાથે એકાકારનો અનુભવ કરનારી ભક્તિ નથી, એટલે સૂફી પરંપરા વિકસી હતી. મૂળભૂતવાદી મુસલમાનો સૂફીઓને ધિક્કારે છે, તેનું કારણ એ છે કે તેમના કહેવા મુજબ સાચો મુસલમાન ખુદાથી ડરનારો, તેની તાબેદારી સ્વીકારનારો, દાસ હોવો જોઈએ; ખુદા સાથે લાડ કરનારો, તેની સાથે તુંકારાનો સંબંધ રાખનારો અને તેની સાથે ઈશ્ક કરનારો ન હોવો જોઈએ. કવિ ઇકબાલ આવા એક સૂફી પરિવારમાંથી આવતા હતા એટલે તેમની શરૂઆતની રચનાઓ દ્વેષમુક્ત કે ચડિયાતાપણાથી મુક્ત એવી પ્રેમથી છલકાતી જોવા મળતી હતી. ઇકબાલની સારે જહાંસે અચ્છા તમે જાણો છો. પાછળથી ઇકબાલે ઇસ્લામનો અભ્યાસ કર્યો અને તેઓ સૂફી ઇસ્લામનો અને તમે એમ કહી શકો કે તેઓ ભારતીય ઇસ્લામના વિરોધી બની ગયા. તેમણે કહ્યું હતું કે સૂફી પરંપરા પર હિંદુ પ્રભાવ છે અને માટે બીદ્દત (માર્ગ ભૂલવો, ભટકી પડવું) છે. પછીના ઇકબાલ પાકિસ્તાનના શિલ્પકાર હતા.
આમ ભક્તિ હિંદુઓના લોહીમાં છે. તેની લાંબી પરંપરા છે. નારદનાં ભક્તિસૂત્ર તો બહુ જાણીતાં છે. બીજા દાર્શનિકોએ પણ ભક્તિનો મહિમા કર્યો છે. આધુનિક યુગમાં રામકૃષ્ણ પરમહંસે ભક્તિનો મહિમા કર્યો છે અને સાચા ભક્ત બનીને જીવ્યા છે. આપણા મધ્યકાલીન યુગને તો ભક્તિયુગ તરીકે ઓળખવામાં આવે છે. નરસિંહ મહેતાને ભક્ત નરસૈયો તરીકે ઓળખવામાં આવે છે, આચાર્ય નરસિહ તરીકે નહીં. શંકર આચાર્ય તરીકે ઓળખાયા એટલે શાંકરવેદાંતીઓએ શંકરને વિજયી બનાવવા માટે શંકરદિગ્વિજયનો ઘટાટોપ રચવો પડ્યો અને એ પછી અનુવર્તી આચાર્યો અને તેમના અનુયાયીઓ આપસમાં જે બાખડ્યા છે તેનો લાંબો ઇતિહાસ છે. કેટલાક લોકોનો તો અભિપ્રાય છે કે આચાર્ય પરંપરાએ હિંદુઓનું અને ભારતનું નુકસાન કર્યું છે. જગત મિથ્યા છે, પણ હાથી આવે તો જીવ બચાવવા નાસી જવું જોઈએ. ના, હાથી પણ મિથ્યા હતો અને નાસી જવું પણ મિથ્યા હતું. આવી મલ્લીનાથી સદીઓથી ચાલતી આવી છે. શ્રમણ અને બ્રાહ્મણથી શરૂ કરીને આચાર્યો સહિતનાઓએ બાલની ખાલ ઊતારી છે. જો કે આજના યુગના મોટા વિચારક અમર્ત્ય સેન તો કહે છે કે એ આપણી વિમર્શ પરંપરા હતી. ભિન્ન મત ધરાવવાની અને મતને લઈને લડવાની મોકળાશ આપણે ત્યાં હતી જે હવે લુપ્ત થતી જાય છે.
પણ બાલની ખાલ ઉતારનારી, પ્રત્યેક શબ્દને પીંજી નાખનારી, પ્રતિદ્વંદ્વીનો જાન નહીં છોડનારી અને પાછો વિવાદ શિષ્યો દ્વારા વારસામાં આપી જનારી આ પરંપરા જોઇને અમર્ત્ય સેન ભલે રાજી થયા હોય, પણ કેટલાક લોકોને એમ લાગતું હતું કે આમાં ઈશ્વર તો હાથમાં આવતો જ નથી. ઈશ્વર એની જગ્યાએ છે અને તેને નામે ચાલતું બૌદ્ધિક ધીંગાણું બીજી જગ્યાએ છે. કેટલાક લોકોને એમ લાગ્યું કે ઈશ્વરે એક જ આયખું આપ્યું છે જે મૂલ્યવાન છે તે આવી મલ્લીનાથી કરવામાં ખર્ચવાનું કે પછી ઈશ્વર માટે ખર્ચવાનું? અને ઈશ્વર સાથે એકાકાર થવા માટે નથી બુદ્ધિની જરૂર, નથી તર્કશક્તિની જરૂર, નથી વાક્શક્તિની જરૂર, નથી અનુયાયીઓનાં સંખ્યાબળની જરૂર, નથી ગ્રંથોની જરૂર, નથી પંથોની જરૂર, નથી ભાષ્યકારોની જરૂર કે નથી કોઈના સમર્થનની જરૂર. સાવ એકલા અટુલા હોઈએ તો પણ શો ફરક પડે છે? ભક્તનાં ટોળાં ન હોય, ચોક્કસ વિચારધારામાં માનનારાઓનાં ટોળાં હોય.
ઓશોએ તેમના એક વક્તવ્યમાં બહુ સરસ પ્રસંગ ટાંક્યો છે. એકવાર એક નદીમાં પૂર આવ્યું. બે સાંઠીકડા તેમાં તણાઈ રહ્યા હતા. એક સાંઠીકડું પૂરથી બચવા માટે અને પોતાની જગ્યા પકડી રાખવા માટે આકાશપાતાળ એક કરતું હતું. દરેક ઉપાય અજમાવવતું હતું. બીજું સાંઠીકડું પાણી જ્યાં લઈ ત્યાં જવા તૈયાર હતું. મારી ચિંતા પૂર લાવનારે કરવાની છે, હું અહી હોઉં કે બીજે તેનાથી શો ફરક પડે છે. પહેલું લક્ષણ જ્ઞાનીનું છે, પણ સાચો જ્ઞાની. મારી જગ્યા અને મારો માર્ગ હું નક્કી કરીશ, બીજું કોણ જે મારી જગ્યા અને માર્ગ નક્કી કરે. તૂટી જઈશ, ખતમ થઈ જઈશ પણ જ્યાં સુધી કોઈની વાત ગળે ન ઉતરે ત્યાં સુધી કોઈને ય શરણે નહીં જઉં. બીજું લક્ષણ ભક્તનું છે. મારે શીદને ચિંતા કરવી જોઈએ! હું ક્યાં મારી ઈચ્છાથી આ દુનિયામાં આવ્યો છું. જેની ઈચ્છાનું હું પરિણામ છું એ ચિંતા કરશે. બન્ને પ્રામાણિક છે અને બન્ને શૂરવીર છે. એક સરખાં, ન કોઈ ઉપર ન કોઈ નીચે.
ભક્ત ચર્ચામાં નથી ઉતરતો, ભક્ત પ્રતિવાદ નથી કરતો. ભક્ત માત્ર ઈશ્વર સાથે અને પોતાની જાત સાથે સંવાદ કરે છે. ભક્તની ભક્તિ પ્રેમલક્ષણા હોય છે. ભક્ત નિ:શંક રહે છે. ભક્ત ધ્રુવ જેવો અચલ હોય છે એટલે ભક્ત ટીકાથી વિચલિત નથી થતો. ભક્ત નિર્ભય હોય છે. ભક્ત પોતાની મસ્તીમાં રહે છે. ભક્તની આંખમાંથી પ્રેમ વરસતો હોય છે અને બીજાનું દુ:ખ જોઇને કવચિત આંસુ. દ્વેષ અને કટુવચન શું કહેવાય એ ભક્ત જાણતો જ નથી હોતો. વિચારના પ્રદેશમાં એ પ્રવેશતો જ નથી, કારણ કે વિચારનો સ્વભાવ જ વાડા બનાવનારો અને વાડા અલગ કરનારો હોય છે. વિચારવાની તે આદત પણ કેળવતો નથી અને તેની કોઈ જરૂર પણ નથી હોતી. ભક્ત તેના ભગવાનનો રખેવાળ, ચોકિયાત કે તેનો ગુરખો બનીને જીવતો નથી કારણ કે તેને તેના ભગવાન પર ભરોસો હોય છે.
આ ભક્તનાં લક્ષણ છે અને ઓશોએ મારી જગ્યા હું નહીં છોડું અને છોડીશ તો મારી ઈચ્છાથી જ છોડીશ એવું સાંઠીકડાનું રૂપક આપીને કહ્યું એ જ્ઞાનીના લક્ષણ છે. માટે વિચારની ઉપાસના કરવી હોય તો જ્ઞાનીના લક્ષણ જાણી લેવાં અને ભક્તિ કરવી હોય તો ભક્તનાં લક્ષણ જાણી લેવાં. અન્યથા ન સરખી ભક્તિ થાય કે ન બે વાક્યો કહેવા જેટલો વિચાર સાથ આપે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 05 મે 2024