થોડા સમાચારો જોઈએ :
21 એપ્રિલ, 2024 1. સૂરતમાં કેરી સહિત ફ્રૂટનો અખાદ્ય જથ્થો વેચતા 56 વેપારીઓને નોટિસ ફટકારાઇ. એક ફ્રૂટ માર્કેટમાં 270 કિલો કેરી કાર્બાઈડથી પકવવામાં આવી હોવાથી ખાવા લાયક રહી ન હતી. 2. દિલ્હીમાં કારની નકલી એર બેગ બનાવતા વર્કશોપનો પર્દાફશ થયો. ત્રણની ધરપકડ થઈ. 1.85 કરોડની કિંમતની 921 એરબેગ કબજે લેવાઈ જે રેનોલ્ટ, ટાટા, ટોયોટો, હોન્ડા, ફોર્ડ વગેરે કંપનીની નકલ હતી. 3. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ફૂડ વિભાગે માર્ચ-એપ્રિલમાં જુદી જુદી હોટેલોમાંથી લીધેલા પનીર, બટર, મલાઇ, વેજ મન્ચુરિયનના નમૂના તપાસમાં સબ સ્ટાન્ડર્ડ નીકળ્યા.
20 એપ્રિલ, 2024 1. કેન્દ્ર સરકારે નેસ્લેના સેરેલેકની તપાસનો આદેશ આપ્યો છે. સેરેલેકમાં વધુ પ્રમાણમાં સ્યુગર હોવાની વાત સામે આવી છે. કમાલ એ છે કે ભારતમાં વેચાતા આ પ્રોડક્ટમાં સ્યુગરનું પ્રમાણ 2.7 ગ્રામ છે, જ્યારે બ્રિટન, ફ્રાંસ, સ્વિત્ઝરલેન્ડમાં એ કંપનીનાં એ જ પ્રોડક્ટમાં સ્યુગર નથી. સ્વિત્ઝર્લેન્ડની આ કંપની પોતાને ત્યાં સેરેલેક વેચે છે તેમાં ખાંડ હોતી નથી, જ્યારે ભારત, આફ્રિકા જેવામાં ખાંડનું પ્રમાણ વધારે છે. એથી બને છે એવું કે એના ઉપયોગથી ભારતીય બાળકોમાં ગળ્યું ખાવાની ટેવ પડે છે. નેસ્લે જેવી કંપનીનાં આ ડબલ સ્ટાન્ડર્ડ્સ ચિંત્ય છે. 2. સૂરતના લિંબાયત વિસ્તારમાં 7 દુકાનોમાં બનાવટી કપાસિયા તેલનાં 97,740ની કિંમતનાં 15 લિટર વજનનાં 54 ડબ્બા કબ્જે લેવાયા. દુકાનદારો જાણીતી કંપનીનું સ્ટિકર ડબ્બા પર લગાવી બનાવટી તેલ વેચતા હતા. આ વેપલો અગાઉ આ જ રીતે 23 મે, 2023ને રોજ મોડાસામાં પણ થયો હતો.
10 એપ્રિલ, 2024. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે તમામ ઇ-કોમર્સ કંપનીઓને બોર્નવિટાને ‘હેલ્થ ડ્રિંક્સ’ની શ્રેણીમાંથી દૂર કરવાનું સૂચવ્યું છે. આ સ્થિતિ ઊભી થવાનું કારણ એ છે કે એક વીડિયોમાં બોર્નવિટાની એમ કહીને ટીકા કરવામાં આવી કે પાવડરમાં વધુ પડતી ખાંડ, કોકો અને કેન્સર સાથે સંકળાયેલ હાનિકારક રંગો છે. કંપનીએ કાનૂની નોટિસ ફટકારતાં એ વીડિયો દૂર કરાયો. બોર્નવિટા કંપનીનો દાવો છે કે તેમની આ પ્રોડક્ટ પોષણશાસ્ત્રીઓ અને ખાદ્ય વૈજ્ઞાનિકોની બારીક તપાસમાંથી પસાર થાય છે. જો કે, નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ(એન.સી.પી.સી.આર.)એ નોંધ્યું છે કે બોર્નવિટા એફ.એસ.એસ.એ.આઈ. અને ગ્રાહક સુરક્ષા અધિનિયમ દ્વારા દર્શાવાયેલ માર્ગદર્શિકા અને નિયમો અનુસાર ફરજિયાત જાહેરાતો પર્યાપ્ત રીતે પ્રદર્શિત કરતું નથી. કમિશને એક સપ્તાહમાં જવાબ આપવા કંપનીને નોટિસ બજાવી છે.
19 ઓકટોબર, 2023ના સમાચારમાં વિગતો એવી છે કે બોટાદના બુબાવાવ ગામેથી નકલી મિનિ ફેક્ટરીમાંથી 400 લિટર નકલી દૂધના જથ્થા સહિત 91,000નો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો હતો. 21 માર્ચ, 2024ના સમાચારમાં સુરતનાં કોર્પોરેશને પાંડેસરામાંથી નકલી પનીર પકડ્યું હતું, જેમાં મિલ્ક ફેટની જગ્યાએ પામ ફેટ વપરાયું હતું. આ ઘટનાના થોડા જ કલાકોમાં રાંદેર પોલીસે 39,630ની કિંમતનું નકલી ઘી પકડી પાડ્યું હતું ને આરોપીએ નકલી ઘી બનાવવાનો ડેમો પણ આપ્યો હતો. ઘી એટલી હદે અસલી હતું કે લેબોરેટરીમાં તપાસ વગર ખબર જ ન પડે કે તે નકલી છે. આવી જ રીતે નકલી ઘીના 50 ડબ્બા 16 જુલાઈને રોજ ઉનાથી પણ પકડાયા હતા. આ ઉપરાંત દવાઓમાં ભેળસેળ અને નકલી દવાઓનો વેપાર એટલી હદે વકરેલો છે કે કેન્સર જેવા રોગોમાં નકલી દવા કેવળ ઘાતક જ પુરવાર થાય છે. અલબત્ત ! એનું ભાન આ વેપાર કરનારાઓને નથી.
સમાચારો અહીં આપ્યા એટલા જ નથી, એ તો ગણ્યા ગણાય નહીં, એટલા છે. અહીં જે થોડી ઘટનાઓ લીધી છે તે કોઈકને કોઈક રીતે માણસના આરોગ્ય સાથે સંકળાયેલી છે. આઘાતજનક તો એ છે કે બાળકોનાં આરોગ્ય જોડે થતાં ચેડાંની પણ નેસ્લે કે બોર્નવિટા જેવી કંપનીઓને કોઈ શરમ નથી. મા પોતાનાં બાળકોને સેરેલેક કે બોર્નવિટા એટલા વિશ્વાસથી આપે છે કે તેને પોતાનાં દૂધ કરતાં એના પર ભરોસો વધુ હોય. સૌથી વધુ દુ:ખદ અને શરમજનક તો એ છે કે નેસ્લે જેવી કંપની એક જ પ્રોડક્ટ સ્વિત્ઝરલેન્ડ અને ભારતને જુદાં જુદાં ધોરણો સાથે વેચે છે. ભારતને તે સસ્તું આપે છે માટે સેરેલેકમાં ખાંડ ઉમેરે છે એવું નથી. ભારતને તે કદાચ મોંઘું વેચતું હોય એમ બને. એમ કરીને તે ભારતીય બાળકોને તેમનાં કોઈ વાંક વગર વધુ જોખમ અને વધુ નબળાઈ તરફ ધકેલે છે. એવું જ બોર્નવિટાનું પણ છે. તે હેલ્થ ડ્રિંક તરીકે જ બાળકો માટે ઉપયોગમાં લેવાય છે. જો કે, ભારત સરકાર પાસે હેલ્થ ડ્રિંકની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા ન હોવાથી બોર્નવિટાને હેલ્થ શ્રેણીમાંથી દૂર કર્યું છે, મતલબ કે કોઈ ડ્રિંક તો છે જે તેણે એ શ્રેણીમાં રાખ્યું છે, નહીં તો સરકારે ડ્રિન્કને નહીં, આખી શ્રેણીને જ દૂર કરી હોત !
અમીર કે સાધારણ માણસ સગવડ, સલામતી માટે કાર ખરીદે છે. કાર સાથે જ તે એરબેગ પણ ખરીદે છે, તે એટલે કે અકસ્માતમાં બચાવ થાય. હવે એવી ખબર પડે કે તેણે ખરીદેલી કારમાં અપાયેલી બેગ જાણીતી કંપનીની તો છે, પણ નકલી છે, તો વગર અકસ્માતે પણ ધક્કો લાગે એમ બને. દિલ્હીમાં એવી 1.86 કરોડની સેંકડો નકલી એરબેગ પકડાઈ. આ તો લાખો રૂપિયા ખર્ચીને ઊંચા જીવે મુસાફરી કરવા જેવું જ થયુંને ! આ દેશમાં એટલી તો નકલી ને જીવલેણ ચીજ વસ્તુઓ વેચાય છે કે આપણે કેમ કરતાં બચી જઈએ છીએ એનું આશ્ચર્ય જ થાય !
સવારની ચામાં નંખાતું નકલી દૂધ હોજરીમાં જાય ત્યાંથી જ જોખમો શરૂ થઈ જાય છે. કહેવાય તો છે એ દૂધ, પણ તે દૂધ સિવાય બીજું જ કૈં છે. રામ જાણે એમાં શું ય નખાતું હશે. આપણને એમ હોય છે કે અસલી ઘી ખાઈ રહ્યાં છીએ, પણ ડાલ્ડા ઘી ને હળદર કે એવું કૈં કૈં નાખેલું હોજરી ઓગાળતું રહે છે ને આપણે ચોખ્ખું ઘી ખાધું હોવાના વહેમમાં ગજવાં ખાલી કરતાં રહીએ છીએ. આવું નકલી પાછું વેચાય તો છે અસલીને ભાવે જ ! પોલીસ નકલી બધું પકડે તો છે, પણ એ તો આઇસબર્ગની ટોચ જેટલું જ છે. કેટલું ય એવું હશે જે પકડાતું જ નહીં હોય ને માણસો તેનો ઉપયોગ કરીને આવરદા ખુટાડતાં હશે.
હવેની ફેશન એવી છે કે આપણે શનિ-રવિ તો લગભગ ઘરે જમતાં જ નથી. હોંશે હોંશે હોજરી લઈ જઈને હોટેલેથી ભરી આવીએ છીએ. એમાં વળી પનીરની સબ્જીનો ચટાકો એવો છે કે હોટેલમાં જ નહીં, લગ્નોમાં કે પાર્ટીઓમાં પણ પનીર વગર હોજરી ભરાતી નથી. એ પનીરમાં પામ ફેટ વપરાય છે. એટલું છે કે ભલે, ચીંથરાં જેવું હોય, પણ તે ખાઈ શકાય એવું તો રહ્યું છે, પણ આગળ જતાં તેમાં ઘણું એવું ઉમેરાવાનું છે જે જીવવાનું અટકાવી શકે. ઝેરી શરાબથી કે ખોરાકી ઝેરથી મરવાના દાખલાઓની નવાઈ નથી. આમ પણ સંભારમાંથી કે બર્ગરમાંથી વાંદા, ગરોળી નીકળવાના સમાચારો પણ આપણે ચાવી ચૂક્યા છીએ. અશુદ્ધિ જ હવે શુદ્ધિનો પર્યાય છે. સૌથી શુદ્ધ હોવો જોઈએ, એ ખોરાક આપણે એવો તો જોખમી કરી દીધો છે કે જીવી જવું અકસ્માત જ લાગે.
ઘણી બાબતોમાં સરકારને દોષ દેવાય છે ને તે છે પણ ખરી, પણ આપણે પણ ઓછાં નથી. બાળકોનાં ખોરાકથી માંડીને દૂધ, પનીર, ઘીમાં બનાવટ સરકાર કરે છે? એ કરનાર આપણાં જ માણસો છે. હરામનું શોધતા વેપારીઓ, દુકાનદારો ને નામી-અનામી કંપનીઓ આ પાપ કરે છે. એમને એ વિચાર આવે તો છે કે આવી ભેળસેળથી કોઇની પણ જિંદગી પર જોખમ ઊભું થઈ શકે છે, પણ એ પાપ કરવા આ નમૂનાઓ તૈયાર થાય છે, તે એટલે કે હરામની કમાણીની એમને લત લાગી છે. એ લતને લાત લાગવી જોઈએ, પણ નથી લાગતી. ભેળસેળ કરનારને કાયદો દંડ કરે છે. એ દંડ કરેલી કમાણીની સામે કૈં નથી. એમને જેલમાં નાખી શકાય, પણ ત્યાંથી પણ પૈસા વેરીને છૂટી શકાય છે. સાચું તો એ છે કે કમાણી એટલી થાય છે કે કોઈ પણ આફતને પૈસા વેરીને પાર કરી શકાય છે. બીજી તરફ આપણને આ બધું કોઠે પડી ગયું છે. કોઈ પણ ખોટી વાતનો જડબેસલાક વિરોધ હવે આપણાં લોહીમાં જ નથી. તેનું એક કારણ એ પણ ખરું કે આપણે પણ આમાં ક્યાંક જવાબદાર છીએ. પૈસા જરૂરી છે એ ખરું, પણ માણસની જિંદગી કરતાં વધારે જરૂરી નથી ને આપણે એ ભેગા કરવાની લ્હાયમાં કોઈનું પણ ભડથું કરી શકીએ એમ છીએ. સંવેદના, લાગણી, સહાનુભૂતિ વગર પણ જીવી શકાય છે, એવું માનીને આપણે મશીન થઈ ઊઠ્યાં છીએ.
માણસો તો ઢગલો જડે છે, નથી જડતી તે માણસાઈ !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 22 એપ્રિલ 2024