મુંબઈના કોટનો પહેલો દરવાજો એપોલો ગેટ
ગ્રીકોરોમન દેવ એપોલો સાથે એને કશી લેવાદેવા નથી
ગ્રીષ્મની રમણીય સંધ્યા અંધકારમાં લય પામતી હતી. સાતમ-આઠમનો અડધો ચંદ્ર ધીમે ધીમે તેજસ્વી થતો જતો હતો. મુંબઈ જવાનો રસ્તો આ વખતે શૂન્ય અને ભયંકર લાગતો. આસપાસનાં ઝાડોની ઘટા સમસમાટ કરતી, દૂર બોલતા કોહલાઓની ભયંકર ચીસો કોઈ કોઈ વખત ભયાનક રીતે આ શાંતિનો નાશ કરતી હતી. આવા નિર્જન રસ્તા પર બે ઘોડેસ્વાર ઝપાટાબંધ કોટ તરફ જતા હતા.
છોકરાએ એક રાહદારી ગામડિયાને પૂછ્યું : દરવાજો કેટલો દૂર છે?
આ બે ખેતરવા; આ રસ્તેથી જાવ. કહી ગામડિયાએ રસ્તો દેખાડ્યો.
ઘણું મોડું થઈ જશે. કોટના દરવાજા બંધ થઈ જશે તો ભોગ મળશે.
પણ ત્યાં તો કોટનો દરવાજો આવ્યો. તેનાં બારણાં બંધ થવાની તૈયારીમાં હતાં. બન્ને સવારોએ મૂંગે મોએ દરવાજો વટાવ્યો.
૧૯૧૬માં પ્રગટ થયેલી કનૈયાલાલ મુનશીની ઐતિહાસિક નવલકથા ‘પાટણની પ્રભુતા’ના પહેલા પ્રકરણની શરૂઆતના શબ્દોમાં અહીં થોડો ફેરફાર કર્યો છે એટલું જ. બાકી મધ્યકાલીન પાટણમાં જે સ્થિતિ હતી તે જ ૧૮૬૫ પહેલાં મુંબઈની, અને મુંબઈના કોટ કહેતાં ફોર્ટની પણ હતી. મુનશીનાં પાત્રોને તેમને રસ્તે જવા દઈને આપણે જઈએ મુંબઈના કોટ તરફ.
એપોલો ગેટ
કિલ્લો અને તેના દરવાજા એક બાજુથી લોકોનું રક્ષણ કરે તેમ બીજી બાજુથી તેમની હેરફેર પર કાપ પણ મૂકે. મુંબઈના કોટને ત્રણ દરવાજા હતા : એપોલો ગેટ, ચર્ચ ગેટ, અને બજાર ગેટ. રોજે રોજ સૂર્યાસ્ત થાય ત્યારે પહેલા બે દરવાજા બંધ થઈ જતા. એ બંધ થાય ત્યારે તોપ ફૂટતી. બજાર ગેટ સૂર્યાસ્ત પછી અડધા કલાકે બંધ થતો, અને ત્યારે ત્રીજી તોપ ફૂટતી. દરવાજા બંધ થયા પછી કોઈને કોટમાં દાખલ થવા દેતા નહિ. ના, અંગ્રેજોને પણ નહિ. કોટમાં રહેતા અંગ્રેજ અમલદાર પરેલના ગવર્નર હાઉસમાં ડિનર માટે ગયા હોય અને રાતે અગિયારેક વાગે પાછા ફરે, તો તેમને પણ દાખલ થવા દેતા નહિ, એવું સરકારી ચોપડે નોંધાયું છે. હા, તમને પહેલેથી ખબર હોય કે બહારથી પાછા આવતાં મોડું થવાનું છે તો આગલે દિવસે લશ્કરની ઓફિસમાંથી પાસ મેળવી શકો. પણ એકલા પાસથી ન ચાલે. સાથે પાસવર્ડ પણ આપે. બીજે દિવસે મોડા આવો ત્યારે પાસ અને પાસવર્ડ બંને બરાબર જણાય તો જ દાખલ થવા દે. આ પાસની સગવડ ફક્ત ગોરાઓ માટે જ હતી.
પણ આપણે ચિંતા કરવાની જરૂર નથી કારણ આપણે તો સવારના પહોરમાં નીકળી પડ્યા છીએ. તો પહેલાં ક્યાં જશું? જઈએ એપોલો ગેટ. એપોલો બંદરની પાસે આ દરવાજો આવેલો હતો એટલે તેને એ બંદરનું નામ આપ્યું. પણ આ નામને ગ્રીકોરોમન દેવતાના નામ સાથે સ્નાનસૂતકનો ય સંબંધ નથી. બંદરને આ નામ તો આપ્યું પરદેશીઓએ. અસલ નામ પાલવા બંદર.
ગેટ વે ઓફ ઇન્ડિયા – બંધાતો હતો ત્યારે
આ લખનાર નાનપણમાં કુટુંબીજનો સાથે ઘણી વાર ત્યાં ફરવા જતો ત્યારે ઘરમાં બધા તેને પાલવા બંદર જ કહેતા. આપણે ત્યાં જેને પ્રમાણભૂત માનવામાં આવે છે તે સાર્થ ગુજરાતી જોડણીકોશ જોવાથી ‘પાલવા’નો અર્થ નહિ જડે. પણ ભગવદગોમંડળ કોશ ‘પાલ’ શબ્દના અનેક અર્થોમાંનો એક, વહાણવટાની પરિભાષામાં ‘સઢ’ એવો આપે છે. મરાઠીમાં પણ ‘પાલ’ એટલે શઢ અને પાલવ કે પાડવ એટલે શઢવાળું વહાણ. દેશ-વિદેશથી આવતાં આવાં શઢવાળાં વહાણ જ્યાં નાંગરતાં એ પાલવા બંદર. આ પાલવા બંદર ઘણું જૂનું – મુંબઈમાં અંગ્રેજો જ નહિ, પોર્ટુગીઝો પણ આવ્યા તે પહેલાંનું. એ નામ ન સમજાયું એટલે પરદેશીઓએ નામ પાડ્યું એપોલો બંદર. આજે જ્યાં નેવલ ડોકિયાર્ડનો લાયન ગેટ આવેલો છે તે જગ્યાની નજીકમાં આવેલો હતો આ એપોલો ગેટ.
તાજ મહાલ હોટેલ અને ગેટ વે ઓફ ઇન્ડિયા
આ પાલવા બંદર સાથે બાળપણની કેટલી બધી સાંભરણો જોડાયેલી છે. એક જમાનામાં અમારે ઘરે બહારગામથી આવતા મહેમાનોનો સતત આવરોજાવરો. મહેમાનો સાથે પાલવા બંદર ફરવા જવાનું હોય તો તેની જાહેરાત ઘરમાં અગલા દિવસથી થઈ જાય. જવાને દિવસે મારાં માનું કામ વધી જાય. એ જમાનામાં બહારનું તો કશું જ ખવાય નહિ, એટલે સાથે લઈ જવાનો નાસ્તો બનાવે. મસાલા પૂરી કે મેથીનાં ઢેબરાં. હા, ગુજરાતમાં જેને ‘થેપલાં’ કહે તેને કાઠિયાવાડીઓ ‘ઢેબરાં’ કહે. એક લોકગીતમાં – જે ઘણાએ ઝવેરચંદ મેઘાણીને નામે ચડાવ્યું છે – પણ ઢેબરું શબ્દ આવે છે : ‘મારે ઘેર આવજે માવા, ઊનાં ઊનાં ઢેબરાં ખાવા.’ ‘ગરમને બદલે ઊનું શબ્દનો ઉપયોગ એ પણ કાઠિયાવાડી બોલીની ખાસિયત. પણ પાછા માના નાસ્તા પર જઈએ. પૌવાનો કોરો ચેવડો, મરાઠી સ્ટાઈલનો, એટલે ખાંડ નાખવાની નહિ. ગોળ પાપડી. મોડી બપોરે બધો નાસ્તો પિત્તળના ટિફિન બાસ્કેટમાં ભરાય. (એ વખતે સ્ટેનલેસ સ્ટીલનો પગપેસારો થયો નહોતો. અને થયા પછી ય તે ઘણાં વરસ સુધી મારાં મા તેના વિરોધી રહ્યા. કહેતાં, લોઢાના વાસણમાં તે કાંઈ રંધાય-જમાય? પિત્તળના કુંજામાં પીવાનું પાણી સાથે લેવાય. (એ વખતે કોઈએ પ્લાસ્ટિકનું તો નામ પણ નહોતું સાંભળ્યું. આજે ઘણી વાર વિચાર આવે છે : અડધી જિંદગી તો પ્લાસ્ટિક વગર હેમખેમ ગઈ. પણ પછી ચોર પગલે તે ક્યારે ઘરમાં ઘૂસી ગયું તેની ખબરે ન પડી. અને હવે તો માન ન માન, મૈં તેરા મહેમાન! કપડાની ઝોળીમાં (ફરી, ગુજરાતમાં જેને ‘થેલી કહે, તે કાઠિયાવાડમાં ‘ઝોળી’ કહેવાય.) ટિફિન બાસ્કેટ અને કુંજા સાથે બે પાંચ જૂનાં છાપાં મૂકાય.
આ બધો સરંજામ લઈને સાંજે પાંચેક વાગે અમારું ધાડું નીકળે. ચીરા બજારના સ્ટેન્ડ પરથી મ્યુઝિયમ જતી સાત નંબરની ટ્રામ પકડવાની. બે માળવાળી હોય તો કૂદતા કૂદતા ઉપરને માળે. એક માળની હોય તો બારીની સીટ માટે પડાપડી. આખા મુંબઈમાં ગમે ત્યાં જાવ, એક આનાની ટિકિટ. (એક આનો એટલે આજના છ પૈસા) ઉંમર બાર વરસ કરતાં ઓછી હોય તો ટિકિટ અડધો આનો, એટલે કે એક ઢબુ. ગિરગામથી ધોબી તળાવ, બોરી બંદર, ફાઉન્ટન થઈને ટ્રામ પહોંચે મ્યુઝિયમ. કેટલીક ત્યાં પૂરી થાય, કેટલીક આગળ કોલાબા સુધી જાય. પણ અમારે તો મ્યુઝિયમ ઊતરી જવાનું. ત્યાંથી ચાલતાં પાલવા બંદર. એ વખતે પણ ગેટ વે અને તાજ મહાલ હોટેલ તો ખરાં, પણ બીજાં મકાનો ઓછાં. શીંગ-ચણા અને સૂકી ભેળ વેચનારા ફેરિયા. ફોટા પાડી આપનારા ધંધાદારી ફોટોગ્રાફરો. ઘૂઘવતો દરિયો. એક નંબરની જેટી પર શઢવાળાં વહાણ ડોલતાં હોય. બે નંબરની જેટી પર સ્ટીમ લોન્ચ હાલકડોલક થતી હોય. ચાર આનામાં વહાણ પોણો કલાક-કલાક દરિયામાં ફેરવે. સ્ટીમ લોન્ચની ટિકિટ આઠ આના, પણ અડધા કલાકમાં તો પાછા કિનારે ઉતારી દે.
અમે તો શઢવાળા વહાણમાં જ બેસીએ. પૂરતાં છડિયાં (પેસેન્જરો) આવી જાય એટલે માલમ લંગર ઉપાડવાનો હુકમ કરે. લંગર ઉપાડ્યા પછી બે-ત્રણ ખારવા ધક્કા મારી મારીને વહાણને થોડા ઊંડા પાણીમાં ધક્કેલે. પછી કૂદકો મારીને વહાણમાં ચડી જાય. ફરી માલમ હુકમ કરે એટલે ધીમે ધીમે શઢ ખોલે. એ વખતે પાલવા બંદર પરનાં બધાં વહાણ એક શઢવાળાં. પવન પડી ગયો હોય તો ચારેક ખારવા હલ્લેસાં મારવા મંડી પડે. અને મને ન્યૂ ઈરા સ્કૂલમાં પિનુભાઈ(પિનાકિન ત્રિવેદી)એ શીખવેલું તેમનું જ લખેલું ગીત યાદ આવે :
હલ્લેસાં માર, હલ્લેસાં માર,
હલ્લેસાં માર માર હલ્લેસાં,
જવું દૂર દૂર દેશ, માર હલ્લેસાં.
શઢમાં હવા ભરાય એમ વહાણનો વેગ વધતો જાય. હવે એક ખારવો દરેક જણ પાસે જઈને ટિકિટના ચાર કે બે આના ઉઘરાવે. બે-ચાર સહેલાણીઓ સાથે થોડી ચકમક ઝરે.
ખારવો : આ છોકરાની ઉંમર બાર વરસ કરતાં વધુ છે. એટલે એના ચાર આના આપો. છોકરાનો બાપ જવાબ આપે તે પહેલાં તેની મા કૂદી પડે : ‘ભાઈ! વો તો હાડ કા બડા હૈ ને, એટલે ઐસા દિખતા હૈ. બાકી અભી તો દસ સાલ ભી પૂરા નથી કિયા.’ ખારવો બબડતો બબડતો બે આની લઈ લે. વહાણના ફડફડતા શઢની જેમ છોકરાની માના મોઢા પર વિજયનું સ્મિત ફડફડતું હોય.
પાલવા બંદરે શઢવાળાં વહાણ
નાખુદા ઈશારો કરે એટલે શઢ પાડી નખાય. સુકાની એકાગ્ર બનીને વહાણને અર્ધ ગોળાકાર ફેરવીને ઊંધી દિશામાં વાળે. ફરી શઢ ફરફરે, હલ્લેસાં મરાય. એક નંબરની જેટી નજીક આવે એટલે કિનારા પરના ખલાસી દોરડાં ફેંકે. વહાણ પરના ખલાસી એને ખેંચી ખેંચીને વહાણને કિનારે લઈ જઈ નાંગરે. એક પછી એક છડિયાં ઊતરી જાય. ઊતર્યા પછી કોઈ છોકરો ફરી બેસવાની હઠ કરે તો તરત બાપ તેને ચૌદમું રતન દેખાડી દે. છોકરીને તો ગળથૂથીમાંથી જ શીખવ્યું હોય કે કશું મગાય જ નહિ, જે મળે તેમાં જ સંતોષ માની જીવવાનું એટલે એ બિચારી તો ક્યાંથી હઠ કરે?
અમે ઊતરીને ગેટ વેની નીચે પહોચીએ. સાથે લીધેલાં જૂનાં છાપાં જમીન પર પથરાય. એ જ ડાયનિંગ ટેબલ, અને એ જ અમારી ડાઈનિંગ ચેર. ટિફિનમાંથી કાઢેલો બધો નાસ્તો વચ્ચોવચ ગોઠવાય. આજુ બાજુ અમે બધાં. થોડી વારમાં તો બધો નાસ્તો સાફ! ખાતાં ખાતાં તાજ મહાલ હોટેલનું ભવ્ય મકાન જોઈએ ને વિચાર આવે કે આ હોટેલમાં અંદર જવાનું મળે તો કેવું સારું!
બે-ત્રણ વરસે કોઈ VIP મહેમાન આવે ત્યારે તેમને એલિફન્ટાની આખા દિવસની સહેલગાહે લઈ જવાના. આ ‘એલિફન્ટા’ નામ તો આજે લખાઈ ગયું. એ વખતે તો એનું નામ ઘારાપૂરી. એ વખતે ત્યાં સ્ટીમરમાં જવું પડે. જલ લક્ષ્મી અને કાલા પાની નામની બે સ્ટીમર આંટાફેરા કરે. પાલવા બંદરના કાંઠાનાં પાણી છીછરાં એટલે એ કિનારે ન આવી શકે. દરિયામાં થોડે દૂર ઊભી હોય. સ્ટીમ લોન્ચ મુસાફરોને સ્ટીમર સુધી લઈ જાય. બધાં ચડી જાય એટલે કેપ્ટન હોર્ન વગાડે. બે મોટાં ભુંગળાંમાંથી કાળો ધુમાડો ઊભરાય. અને સ્ટીમર ચાલવા લાગે. ઘારાપૂરીને કિનારે તો સ્ટીમ લોન્ચ પણ નહિ. નાની હોડીઓ મુસાફરોને સ્ટીમરમાંથી કાંઠે લઈ જાય. એ વખતે ત્યાં નહિ વીજળી, નહિ નળનું પાણી. રેસ્તોરાનું તો નામ નિશાન નહિ. ગુફાઓ સુધી જવાને રસ્તે માછીમાર બાઈઓ તાડ ગોળા, લીલી વરિયાળી, બોર, વગેરેની નાની નાની ઢગલીઓ કરી વેચતી હોય. એકાદ મોપલો લીલાં નાળિયેર લઈને બેઠો હોય. આજે ૬૦-૭૦ કે તેથી વધુ રૂપિયામાં મળતું નાળિયેર ત્યારે ચાર આનામાં મળે, પણ ઘણા સહેલાણીને તો તે મોંઘુ લાગે. એકાદો ફેરિયો રોજર્સ કે ડ્યુક, કે પાલનજીનાં ઠંડાં પીણાં વેચતો હોય. જો કે બરફ તો દુર્લભ, એટલે આ પીણાં માત્ર નામ પૂરતાં કોલ્ડ ડ્રિન્ક. મેટલનાં કેન, પ્લાસ્ટિકની બાટલીઓ, કે ટેટ્રા પેકનું તો નામ નિશાન નહોતું. કોલ્ડ ડ્રિંક પીધા પછી ખાલી બાટલી પાછી આપી દેવાની. પૈસા અને પર્યાવરણ, બંનેની બચત. હા, કેટલાક સહેલાણી અત્રતત્રસર્વત્ર, કાગળના ડૂચા, કે બીજો કચરો નાખતા જાય. ત્યારે તો કોઈએ એ શબ્દ સાંભળ્યો નહોતો, પણ આજની ભાષામાં ઘણોખરો કચરો ‘બાયોડિગ્રેડેબલ.’
વાચક મિત્રો આજે મનમાં ને મનમાં ‘ચલતી કા નામ ગાડી’ ફિલ્મમાં કિશોર કુમારે ગાયેલું પેલું ગીત ગણગણતા હશે :
જાના થા જાપાન, પહુંચ ગયે ચીન.
પણ બાળપણની નહિ, બોમ્બેના ફોર્ટની વાતો હવે પછી, આઈ શપ્પ્થ.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 20 એપ્રિલ 2024)