ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પહેલા પ્રમુખ હશે જેની સામે હવે જ્યુરી સમક્ષ ખટલો ચાલશે અને કદાચ સજા થશે. આવતા એક મહિનામાં ખટલાનો નિકાલ થઈ જશે. તેમની સામે કુલ મળીને ૩૪ આરોપ છે. આ સિવાય બીજા ત્રણ ખટલા છે જેનો કદાચ આવતા વર્ષે નિકાલ થશે. જો ટ્રમ્પને સજા થશે તો ઘણું કરીને તેઓ પ્રમુખપદની ચૂંટણીમાંથી હટી જશે, હટી જવું પડશે. ૨૦૧૬માં ટ્રમ્પે પ્રમુખપદ માટે ઉમેદવારી કરી ત્યારે અમેરિકામાં અનેક લોકો જાણતા હતા કે આ માણસ શિથીલ ચારિત્ર્ય ધરાવે છે. તેમની વેનિટી વેનમાં સ્ત્રીઓ સાથે અને સ્ત્રીઓ વિષે અશ્લીલ વાતો કરતો વીડિયો પણ બહાર આવ્યો હતો.
૨૦૦૬-૭ની સાલમાં ડોનાલ્ડ ટ્રમ્પનો અમેરિકન પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ સાથે સંબંધ હતો. તેમણે જ્યારે પ્રમુખપદની ચૂંટણીમાં ઝુકાવ્યું ત્યારે તેમને ડર હતો કે કદાચ સ્ટોર્મી મોઢું ખોલી શકે છે અને તેમના અમેરિકાના પ્રમુખ બનવાનાં સપનાને રોળી શકે છે. તેમણે તેમના એ સમયના વકીલ માઈકલ કોહેનને આદેશ આપ્યો કે તે સ્ટોર્મી સાથે મોઢું બંધ રાખવાનો કરાર કરે અને તે માટે જે આપવું પડે તે આપવામાં આવે. કોહેને સ્ટોર્મી સાથે મોઢું બંધ રાખવાનો સોદો ૧,૩૦,૦૦૦ ડોલર્સમાં કર્યો અને પોતાનાં ખાતામાંથી પૈસા ચૂકવી દીધા. પાછળથી એટલે કે પ્રમુખ બન્યા પછી ટ્રમ્પે તેમના વકીલને એ પૈસા ચૂકવી દીધા, પણ એકાઉન્ટ બુકમાં એ પૈસા કાનૂની સલાહ તરીકે બતાવ્યા. આ સિવાય ટ્રમ્પનો ‘પ્લેબોય’ નામનાં સામયિકની મોડેલ કેરેન મેકડોનાલ્ડ સાથે પણ સંબંધ હતો અને તેની સાથે પણ મોઢું બંધ રાખવાનો દોઢ લાખ ડોલર્સનો કરાર કરવામાં આવ્યો હતો. એક ૩૦ હજાર ડોલર્સનો કરાર તેમની કંપનીમાં કામ કરતી યુવતી સાથે કરવામાં આવ્યો હતો જે એ વાત જાણતી હતી કે ટ્રમ્પનો એક અનૌરસ પુત્ર છે.
અમેરિકામાં મોઢું બંધ રાખવાનો કરાર એ ગેરકાનૂની કૃત્ય નથી. તેને એ બે વ્યક્તિ વચ્ચેની અંગત સમજૂતી માનવામાં આવે છે. ટ્રમ્પ સપડાયા છે આવકવેરા ખાતાને ખોટી માહિતી આપવા માટે. સમજૂતીનો કરાર થયો છે એ હકીકત છે. એ કરાર કોહેન નહીં, પણ ટ્રમ્પ સાથે થયો છે. ટ્રમ્પ વતી પૈસા ચૂકવાયા છે અને સ્ટોર્મીએ તેનાં રીટર્નમાં આવક બતાવી છે અને ટ્રમ્પ કહે છે કે તેમણે કોહેનને લીગલ ફીઝ ચૂકવી છે. ટ્રમ્પ પાસે આનો કોઈ જવાબ નથી. વધુમાં વધુ જૂન મહિના સુધીમાં ટ્રમ્પનું નસીબ નક્કી થઈ જશે.
પણ જવાબ તો આપણે ત્યાં પણ આપણા સાહેબ પાસે નથી. ઈલેક્ટોરલ બોન્ડ્સની લેતીદેતી હવે જાહેર થઈ ગઈ છે. કોઈને ઈલેક્ટોરલ બોન્ડ્સ સામે લાભ કરી આપવામાં આવ્યા છે. કોઈને સતાવીને અર્થાત્ જેલમાં પૂરીને કે રેડ પાડીને ઈલેક્ટોરલ બોન્ડ્સ ખરીદવા અને બી.જે.પી.ને આપવા માટે મજબૂર કરવામાં આવ્યા છે. આખી દુનિયા જોઈ શકે એમ ઊઘાડી રીતે. આપો અને લાભ લઈ જાઓ અથવા આપો અને ગાળિયામાંથી પોતાની જાતને છોડાવો. અને આવા પાછા એક બે કેસ નથી, અનેક. આ દેશપ્રેમીઓએ કોવીડની બીમારીમાં મરતા લોકોની પણ દયા ખાધી નહોતી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ રેમ્ડીસીવર નામની દવા કોવીડ માટે ઉપયોગી નથી એવી સલાહ (એડવાઇઝરી) બહાર પાડી હોવા છતાં ભારતમાં આ દવા આપવામાં આવતી હતી. પાછી એ દવા ખામીયુક્ત હતી, તેની ખામી ધ્યાનમાં આવી હતી અને સરકારનું ધ્યાન પણ દોરવામાં આવ્યું હતું છે અને તે છતાં ય ધરાર એ દવા બજારમાં અને હોસ્પિટલોમાં વેચવામાં આવતી હતી. ૨૦૨૧માં ઉત્તર ભારતમાં નદીઓમાં મૃતદેહો તરતાં હતાં એ અરેરાટભર્યા દૃશ્ય યાદ હશે. એ આ અને આના જેવી બીજી દવાનું પરિણામ હતું. જાણીતા શાસ્ત્રીય સંગીતકાર પંડિત છન્નુલાલ મિશ્રનાં પત્ની અને પુત્રી આનો ભોગ બની ગયાં. પંડિત છન્નુલાલ મિશ્ર ૨૦૧૪ની સાલમાં વારાણસીમાં વડા પ્રધાનની ઉમેદવારીનું ફોર્મ ભરવા અને તેનું અનુમોદન કરવા તેમની સાથે ચૂંટણીપંચના કાર્યાલયમાં ગયા હતા. પંડિતજીએ પોતાનાં સ્વજને મોતથી બચાવવા વડા પ્રધાનને ફોન પણ કર્યો હતો પણ કાંઈ ન થયું. આવા તો અનેક લોકોએ પોતાનાં લાડકવાયા ગુમાવી દીધા પણ એ દવા ખરીદવાનું બંધ કરવામાં આવ્યું નહીં તે ન જ આવ્યું.
જે દવા કોવીડ માટે કામની નહોતી એ દવા પસંદગીની ફાર્મા કંપનીઓ પાસેથી લેવામાં આવી. ગુજરાતની ઝાયડસ અને ટોરેન્ટ આમાં મુખ્ય હતી. દવા ખામીયુક્ત હોવા છતાં લેવામાં આવી. પરાણે હોસ્પિટલોને આપવામાં આવી. ટપોટપ લોકો મરતાં હોવા છતાં આપવામાં આવી. નદીઓમાં મૃતદેહો તરતાં હોવા છતાં આપવામાં આવી. ડોકટરો અને બીજી મેડીકલ સંસ્થાઓની ચેતવણી અને વિરોધ છતાં ય આપવામાં આવી. પંડિત છન્નુલાલ મિશ્ર જેવા લોકોની અમારાં સ્વજનોને બચાવી લો એવી ગુહાર છતાં ય આપવામાં આવી. શા માટે? કારણ કે આ કંપનીઓએ ઈલેક્ટોરલ બોન્ડ્સ ખરીદ્યા હતા અને બી.જે.પી.ને આપ્યા હતા. પરસ્પર લાભાલાભની એટલે કે બોન્ડ્સ સામે લાભની જેમને ખાતરી કરવી હોય એ કરી લે. હવે તો વિગતો ખુલ્લી થઈ ગઈ છે, તમે પોતે ચકાસણી કરી શકો છો. આ પાપ છતું ન થાય એ માટે કેન્દ્ર સરકાર આકાશપાતાળ એક કરતી હતી.
જે મર્યા એ હિંદુ નહોતા? ૯૫ ટકા મૃતકો હિંદુ હતા. હિંદુ રાષ્ટ્રવાદનો આ ચહેરો છે. વિકૃત, ગોબરો, પિશાચી. પણ શો ફરક પડે છે.
ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ગુનો અને આ આપણા શાસકોના ગુના વચ્ચે સરખામણી કરી જુઓ. કયો ગુનો ગંભીર છે? ઇન્કમટેક્ષના રીટર્નમાં ખોટી માહિતી આપવી એ ગુનો ગંભીર ગણાય કે પછી આરોગ્યના સંકટનો લાભ લઈને લોકો મરતા હોવા છતાં ખામીયુક્ત દવાઓ આપવી એ મોટો ગંભીર ગુનો ગણાય? ટ્રમ્પ કોઈના મોતમાં ભાગીદાર નહોતા બન્યા. અહીં તો મોતમાં ભાગીદારી હતી. નાણાં પ્રધાન નિર્મલા સીતારામન્ના પતિ પારાકાલા પ્રભાકરે ઈલેક્ટોરલ બોન્ડ્સને વિશ્વના સૌથી કૌભાંડ તરીકે ઓળખાવ્યું છે.
અને છતાં ય આપણા સાહેબોને કશું જ થવાનું નથી, કારણ કે ન્યાયતંત્ર પાંગળું છે. ખુલાસો કરવા જેટલી પણ જરૂરત તેમને નથી લાગતી. અને હા, બાબા રામદેવની બેશરમી તો તમે જાણો જ છો. તેમણે પણ ૨૦૨૧ના આરોગ્ય સંકટનો લાભ લેવા કોવીડના ઈલાજ તરીકે કોરોનીલ નામની દવા બજારમાં મૂકી હતી અને તે પણ એ સમયના કેન્દ્રના આરોગ્ય પ્રધાનની હાજરીમાં. કમાવાનો અવસર છે કમાઈ લો. સત્તા ભોગવવાનો અવસર મળ્યો છે, હાથમાંથી સત્તા ન જવી જોઈએ. દેશપ્રેમી ઘેલાઓ છે ત્યાં સુધી ચિંતા કરવાની જરૂર નથી. માટે હું હંમેશાં કહું છું કે કાયદાના રાજમાં જ સામાન્ય માણસની સુરક્ષા છે. પંડિત છન્નુલાલ મિશ્રને એટલો આઘાત લાગ્યો છે કે તેમણે હવે ગાવાનું જ બંધ કરી દીધું છે. હિંદુ હોવા માટે ગર્વ લેનાર અને નરેન્દ્ર મોદીની ઉમેદવારીનું અનુમોદન કરનાર અત્યારે ખામોશ થઈ ગયા છે. આમાંથી કોઈ ધડો લેવો કે ન લેવો એ તમારે વિચારવાનું છે.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 18 ઍપ્રિલ 2024