બાબા રામદેવ સુપ્રીમ કોર્ટમાં બરાબર ભરાયા છે. દેશમાં જ્યારે કોરોનાનો હાહાકાર ચાલતો હતો ત્યારે, બાબાએ તેમની ‘કોરોનિલ’ નામની આયુર્વેદિક દવાનો પ્રચાર કરવા માટે થઈને, એલોપથિને ‘બેવકૂફ અને દેવાળું ફૂંકેલું વિજ્ઞાન’ ગણાવ્યું હતું અને એવો પણ દાવો કર્યો હતો કે કોરોનાથી થયેલાં મોત માટે એલોપથિ જવાબદાર છે. આ મામલે, ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન સુપ્રીમ કોર્ટ પહોંચ્યું હતું અને એ કેસ બાબતે બતાવેલી અડિયલબાજીમાં બાબા ફસાઈ ગયા છે.
તાજા સમાચાર એ છે કે રામદેવ અને પતંજલિ આયુર્વેદના એમ.ડી. બાલકૃષ્ણએ લોકોને ગેરમાર્ગે દોરતી એ જાહેરખબર બદલ માંગેલી બિનશરતી માફીને સ્વીકારવાનો સુપ્રીમ કોર્ટે ઇન્કાર કરી દીધો છે અને સજા ભોગવવા માટે તેમને તૈયાર રહેવા કહ્યું છે. આ કેસની આગામી સુનાવણી 16 એપ્રિલે છે.
કોર્ટે આ અંગે ઉત્તરાખંડ સરકારને પણ લબડધક્કે લેતાં ચેતવણી આપી હતી કે કેન્દ્રએ 2020માં આ મામલો ઉત્તરાખંડ સરકારને સોંપ્યો હતો. પણ તે નિષ્ક્રિય રહી હતી. હવે તે અધિકારીઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ. કોર્ટે અધિકારીઓને પૂછ્યું કે તમે અત્યાર સુધી કેસ કેમ દાખલ કર્યો નથી? અમે એવું કેમ ના માનીએ કે આમાં તમે પણ મળેલા છો? આ અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ.
જસ્ટિસ કોહલીએ પૂછ્યું હતું “ડ્રગ અધિકારી અને લાઇસન્સિંગ અધિકારીનું કામ શું છે? તમારા અધિકારીઓએ કંઈ કર્યું નથી.” જસ્ટિસ અમાનુલ્લાએ કહ્યું હતું, “અધિકારીઓ માટે ‘બોનાફાઇડ” શબ્દના ઉપયોગ સામે અમારો સખત વાંધો છે. અમે તેને હળવાશથી નહીં લઈએ. અમે ફુરચા ઉડાવી દઈશું.”
આ કેસમાં શું થયું છે તે થોડું સમજવા જેવું છે. પતંજલિએ કરેલા ભ્રામક પ્રચારના કારણે લોકો કોરોનાની રસી મુકાવા માટે અચકાયા હતા તેવા દાવા સાથે 2022માં સુપ્રીમ કોર્ટમાં ગયેલા આઈ.એમ.એ.ની અરજી પર, 21 નવેમ્બર 2023ના રોજ પહેલી સુનાવણી થઇ હતી. તે વખતે, જસ્ટિસ અમાનુલ્લાએ મૌખિક રીતે પતંજલિને તેમનાં ઉત્પાદનો રોગોને સંપૂર્ણપણે મટાડી શકે છે તેવા દાવા કરવા સામે ચેતવણી આપી હતી. આ ઉપરાંત, તેમણે દરેક ઉત્પાદન પર 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવાની પણ ધમકી આપી હતી. પતંજલિ તરફથી વરિષ્ઠ વકીલ સાજન પૂવય્યાએ કોર્ટને જણાવ્યું હતું કે તેઓ કોઈ પણ કાયદાનું ઉલ્લંઘન નહીં કરે.
તે વખતે, બાબા રામદેવે પત્રકારો સમક્ષ શેખી મારી હતી કે અમે કશું ખોટું નથી કર્યું અને ખોટું સાબિત થાય તો 1000 કરોડ રૂપિયાનો દંડ ફટકારજો, અમે મોતની સજા માટે પણ તૈયાર છીએ. તેમણે આરોપ લગાવ્યો હતો કે ડોકટરોનું એક જૂથ આયુર્વેદની વિરુદ્ધમાં કામ કરી રહ્યું છે.
15 જાન્યુઆરી, 2024ના રોજ, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ચંદ્રાચુડ અને જસ્ટિસ અમાનુલ્લાહને એક નનામો પત્ર મળ્યો. તેમાં વિગતે એવી માહિતી હતી કે પતંજલિની ભ્રામક જાહેરખબરોનું પ્રકાશન જારી છે.
પતંજલિએ ચેન્નાઈના એક અખબારમાં પ્રથમ પાનાની જાહેરાત પ્રકાશિત કરી હતી જેમાં બ્લડ પ્રેશર, સંધિવા, ડાયાબિટીસ, અસ્થમા, યકૃતની નિષ્ફળતા, કિડનીની નિષ્ફળતા અને કેન્સર અને હૃદયની સમસ્યાઓને દૂર કરવાનો દાવો કરવામાં આવ્યો હતો.
પત્રની નોંધ લઈને, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાની ખંડપીઠે 27 ફેબ્રુઆરીએ રામદેવ અને તેમના એમ.ડી. આચાર્ય બાલકૃષ્ણને કોર્ટના અવમાનની નોટિસ ફટકારી.
તે અંગે સરકારનો પણ જવાબ માંગતાં કોર્ટે કહ્યું હતું કે, “આખા દેશને ચક્કરમાં નાખી દીધો છે. ડ્રગ્સ કાનૂન જ્યારે કહેતો હોય કે આ પ્રતિબંધિત છે ત્યારે તમે બે વર્ષ સુધી રાહ જોતા રહ્યા?” તે પછી કોર્ટે આગામી આદેશો સુધી પતંજલિ ઔષધીય ઉત્પાદનોની અન્ય કોઈપણ જાહેરાત અથવા બ્રાન્ડિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો હતો.
જેવું ભ્રામક જાહેર ખબરો રોકવાના આદેશમાં કર્યું હતું, તેવું જ અવમાનનામાં કર્યું. રામદેવ અને બાલાકૃષ્ણએ તે નોટિસનો કોઈ જવાબ ના આપ્યો. એટલે કોર્ટ વધુ ભડકી અને માર્ચ મહિનામાં બંનેને વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર થવા ફરમાન કર્યું હતું.
પતંજલિના એમ.ડી.એ ત્યારે સોગંદનામું દાખલ કરીને બચાવ કર્યો હતો જાહેરાતોમાં માત્ર સામાન્ય નિવેદનો હતાં પરંતુ તેમાં અજાણતાં વાંધાજનક વાક્યો સામેલ થઇ ગયાં હતા. એમ.ડી.એ અન્ય વિભાગ પર દોષ ઢોળતાં કહ્યું હતું, “જાહેરાતો પ્રમાણિક હતી અને અને પતંજલિના મીડિયા વિભાગના કર્મચારીઓને કોર્ટના નવેમ્બરના આદેશની જાણ નહોતી.”
રામદેવ અને બાલકૃષ્ણ કોર્ટમાં આવવાનું ટાળતા રહ્યા હતા અને ન છુટકે છેક છેલ્લી તારીખે હાજર થયા હતા. કોર્ટે બાલકૃષ્ણના સોગંદનામા અંગે પોતાનો વાંધો વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે આ ખાલી દેખાડો છે. કોર્ટે કહ્યું હતું કે બંને સોગંદનામા રેકોર્ડ પર મુકવાની જરૂર હતી.
કોર્ટે બાબાને ફટકાર લગાવતાં કહ્યું હતું, “તમે દેશની સેવા કરવાનું બહાનું ના બનાવો. કોર્ટના આદેશને ગંભીરતાથી લો. તમે ગમે તેટલા મોટા હો, કાયદો તમારાથી ઉપર છે અને કાયદાની મહિમા સૌથી ઉપર છે.” આ અંગે રામદેવના વકીલે કહ્યું કે ભવિષ્યમાં આવું નહીં થાય. અમે ભૂલ માટે માફી માંગીએ છીએ. તે જ સમયે રામદેવે સુપ્રીમ કોર્ટમાં હાથ જોડીને માફી માંગી હતી. કોર્ટે તેનો અસ્વીકાર કર્યો છે અને વધુ કરાવાઈનો સંકેત આપ્યો છે.
તે વખતે કોર્ટમાં હાજર, ઉત્તરાખંડ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનના સંયુક્ત નિર્દેશક ડો. મિથિલેશ કુમારે બે હાથ જોડીને દયાની ભીખ માંગતાં કહ્યું હતું કે, “હું તો જૂન 2023માં આવ્યો હતો … આ બધું મારા પહેલાં થયું હતું,” ત્યારે કોર્ટે કહ્યું હતું, “અબ ઘર પે ટાઇમ બિતાઈએ.”
ભારતના ડ્રગ કાયદા હેઠળ, ઉત્તરાખંડ પાસે પતંજલિ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો અધિકાર છે કારણ કે કંપનીના ઉત્પાદન એકમો ત્યાં સ્થિત છે.
કુન્નુરના રહેવાસી ડૉ. બાબુ કે.વી. છેલ્લાં પાંચ વર્ષથી પતંજલિ અને આવી અન્ય કંપનીઓની કામગીરી અને પ્રમોશન પર સતત સંશોધન કરી રહ્યા છે અને પત્રવ્યવહાર, આર.ટી.આઇ. અને દસ્તાવેજો દ્વારા તેમણે એકત્રિત કરેલી માહિતીએ પતંજલિ સામે આઇ.એમ.એ.ના કેસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
2022માં, પતંજલિએ જાહેરાત કરવાનું શરૂ કર્યું કે ટાઇપ ટુ ડાયાબિટીસ ધરાવતાં બાળકો ઇન્સ્યુલિન છોડીને તેમની દવા લઇ શકે છે અને સાજા થઈ શકે છે. ડો. બાબુએ કહ્યું હતું, “આ જાહેર આરોગ્ય માટેની એક મોટી તબાહી હતી.”
ડો. બાબુએ કહ્યું હતું કે “લોકોને વૈજ્ઞાનિક પુરાવા વિના સારવાર બંધ કરવા માટે અને તેમની દવાઓ આજમાવવા માટે ભરમાવા એ તેમના જીવન સાથે રમવા સમાન છે. આ બંધ થવું જોઈએ.”
પતંજલિ સામે અવમાનનાનો કેસના સૂચિતાર્થો ઘણા છે. ખાસ તો તેમાં સાર્વજનિક સ્વાસ્થ્યનો મુદ્દો સામેલ છે. ભારત જેવા દેશમાં જ્યાં લાખો લોકો અભણ અને ગરીબ છે તે જાત-ભાતની દવાઓ, નુસખાઓથી આસાનીથી ભ્રમિત થઇ જાય છે. ભારતમાં ભ્રામક જાહેરખબરોનો પ્રભાવ વ્યાપક છે, જે ગ્રાહકોની શું ખરીદવું તેની પસંદને જ પ્રભાવિત કરે છે એટલું જ નહીં તેમના સ્વાસ્થ્યને પણ અસર કરે છે.
પતંજલિનાં ઉત્પાદનો તો પાછલાં કેટલાં ય વર્ષોથી વૈકલ્પિક દવા તરીકે વેચાઈ રહ્યાં છે, જે વાસ્તવમાં પોષક તત્ત્વો છે અને શરીરને પોષણ આપે છે, પણ તે કોરોના જેવી ઘાતક બીમારીને ઠીક કરી દે છે તેવો દાવો જોખમી છે.
આ કેસ એવી કંપનીઓ માટે એક ચેતવણી સમાન છે કે જે કોઈ નિયમ કે કાનૂનનું પાલન કર્યા વિના, લોકોને ભ્રમિત કરીને નફો રળે છે. કોર્ટે એવું કહ્યું પણ છે કે, “અમે દેશને સંદેશો આપવા માંગીએ છીએ. આ કોઈ એક કંપનીની વાત નથી. આ કાનૂનના ઉલ્લંઘનનો મામલો છે.”
ભારતમાં કોરોનાના ચેપનો પ્રથમ કેસ નોંધાયો તેના ત્રણ મહિના પછી, પતંજલિ કંપનીએ બાબા રામદેવના હસ્તે કેન્દ્રના બે પ્રધાનોની ઉપસ્થિતિમાં કોરોનિલ ટેબ્લેટ લોન્ચ કરી. તે વખતે રામદેવે દાવો કર્યો હતો કે કોરોનિલ કોવિડ-19 માટેનો “પહેલો પુરાવા આધારિત ઉપચાર” છે.
તે પછી મુંબઈના એક ડોક્ટર અને આઈ.એ.એમ.ના મહા મંત્રી જયેશ લેલેએ આર.ટી.આઈ. કરીને આયુષ્ય મંત્રાલયને પૂછ્યું હતું કે મંત્રાલયે આ દવામાં સહયોગ આપ્યો છે અને શું વિશ્વ આરોગ્ય સંગઠનની માર્ગદર્શિકાનું એમાં પાલન થયું છે? મંત્રાલયે કહ્યું હતું કે એવી કોઈ મંજૂરી આપવામાં આવી નથી અને કોરોનિલને ‘ઈમ્યુનિટી બુસ્ટર’ તરીકે માન્યતા આપવામાં આવી છે.
તે પછી લેલે અને આઈ.એમ.એ. પતંજલિના દાવાઓનું પગેરું દાબવાનું શરૂ કર્યું હતું અને અંતે તે મામલાને સુપ્રીમ કોર્ટમાં લઇ ગયા હતા.
અંતે, જે ઈલાજ સરકારે કરવાનું હતો તે કામ સુપ્રીમ કોર્ટે કર્યું છે.
લાસ્ટ લાઈન:
“સાર્વજનિક સ્વાસ્થ્યની ચિંતા કરવી એ રાજનેતાની પ્રથમ ફરજ છે.”
– બેન્જામિન ડિઝરાયલી
(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 14 ઍપ્રિલ 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર