ભૂતકાળને વળગી રહેલા અમુક લોકોના આ સમૂહને ભારતની અંદરના અને બહારના અનિષ્ટ તત્ત્વોનો ટેકો મળે છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલતાઓ વધારશે
2023નું વર્ષ ભારતીય રાજકીય નેતૃત્વ માટે સાવ સહેલું નથી એ ચોક્કસ. ભલેને સંજોગો એકનાં એક હોય, પરિસ્થિતિ એકની એક હોય પણ જે રીતે ખાલિસ્તાની આંદોલને ફરી માથું ઉંચક્યું છે એ મૂંઝવણમાં વધારો જ કરે તેવી બાબત છે. વળી, એક સમયે જ માત્ર દેશમાં ખાલિસ્તાનીઓએ અફરાતફરી મચાવી હતી પણ હવે તો વિદેશમાં પણ આ આંદોલનના પડઘા પડી રહ્યા છે. વળી ઘર આંગણે અને વિદેશમાં ખાલિસ્તાનીઓ જે અરાજકતા ફેલાવી રહ્યા છે એમાં સરકારે બન્નેનો તફાવત, પ્રભાવ અને પરિણામોની ત્રિરાશી માંડીને નિર્ણય લેવાના રહે.
અત્યારે જે થઇ રહ્યું છે તેનાં મૂળિયાં 1929માં કાઁગ્રેસના લાહોર અધિવેશનમાં રોપાયા, જ્યારે મોતીલાલ નહેરુએ પૂર્ણ સ્વરાજની વાત કરી. આ સમયે મુસ્લિમ લીગ, દલિતો અને શિરોમણી અકાલી દળના સમૂહોએ પોતાના નેતાઓ અનુક્રમે જિન્નાહ, આંબેડકર અને માસ્ટર તારા સિંહ મારફતે પૂર્ણ સ્વરાજના પ્રસ્તવાનો વિરોધ કર્યો. શીખો માટે અલગ રાજ્યની માંગ તો થઇ પણ 1947માં આ માંગણી આંદોલનમાં ફેરવાઇ અને તેને નામ અપાયું પંજાબી સૂબા આંદોલન. જે પંજાબ ભારતમાં રહ્યું તેમણે શીખ સૂબાની એટલે અલગ શીખ પ્રદેશની માંગ ચાલુ રાખી અને આ આંદોલનો લગભગ બે દાયકા ચાલ્યા. ઇંદિરા ગાંધીની સરકારે અમુક બદલાવ કર્યા પણ. આ બધી માથાકૂટ બહુ લાંબી ચાલી. જરનૈલ સિંહ ભિંડરાવાલે એંશીના દાયકામાં શીખ કટ્ટરવાદના જનક તરીકે ઓળખાયા. શીખ ધર્મનું શિક્ષણ આપનારી સંસ્થા દમદમી ટકસાલના અધ્યક્ષ બન્યા પછી રાજકીય ચિત્રમાં લોહીનો રંગ પુરાવા માંડ્યો. ભિંડરાવાલે આનંદ સાહિબ રિઝોલ્યૂશનના કટ્ટર સમર્થક હતા, તે હિંદુઓની હત્યા કરવા શીખોને ઉશ્કેરતા, તેમણે શિરોમણી અકાલી દળ સાથે મળીને અસહકાર આંદલોનનને સશસ્ત્ર બળવામાં ફેરવ્યું. નિરંકારી સંત અને દમદમી ટકસાલ એકબીજાની સામે હતા. નિરંકારી સંતની તરફેણ કરનારા ‘પંજાબ કેસરી’ના તંત્રી લાલા જગત નારાયણની હત્યા કરાઇ અને ભિંડરાવાલેએ સરેન્ડર પણ કર્યું પણ પુરાવાના અભાવે તે છૂટી ગયા. સરકાર અને કટ્ટરવાદી શીખો વચ્ચે સંઘર્ષ વઘતો રહ્યો, ભિંડરાવાલે માથાભારે થતા ગયા, બેફામ હિંસા પણ ચાલુ રહી અને 1984માં ઑપરેશન બ્લૂસ્ટાર પાર પાડ્યું અને ભિંડરાવાલે અને તેમના સમર્થકોને ઠાર મરાયા. જો કે તેમાં 83 જવાનના મોત થયા અને 249 ઘાયલ થયા. બ્લૂસ્ટાર પાર પડ્યા પછી હિંસાનો દૌર નવા સ્તરે પહોંચ્યો વડા પ્રધાન ઇંદિરા ગાંધીની ગોળી મારીને હત્યા કરાઈ, એ પછી શીખ વિરોધી રમખાણો ફાટી નીકળ્યા, ખાલિસ્તાનીઓએ ફ્લાઇટમાં બોમ્બ બ્લાસ્ટ કરી ભિંડરાવાલેના મોતનો બદલો લીધો. ખાલિસ્તાની આતંકવાદ ચરમ સીમાએ હતો પણ પંજાબ પોલીસ વડા કે.પી.એસ. ગિલને કારણે તે સમયે ખાલિસ્તાની ચળવળ પર પૂર્ણવિરામ મૂકાયું.
જો કે અત્યારે ભારતમાં અને વિદેશમાં જે રીતે ફરી ખાલિસ્તાની ચળવળના ભડકા થવા માંડ્યા છે તે સાબિતી છે આ કોઇપણ નક્કરતા વગરનો ઘોંઘાટ છે. બહારનાં તત્ત્વો ખાલિસ્તાનીઓને ઉશ્કેરી રહ્યા છે અને આ બહારના તત્ત્વોમાં પાકિસ્તાન પણ સામેલ છે. વળી એમાં અમૃતપાલ સિંઘનો વારિસ પંજાબ દેનું લોકલ છોગું પણ ઉમેરાયું છે. સરહદ પરના રાજ્યમાં અમૃતપાલ સિંઘ અરાજકતા ફેલાવી રહ્યા છે તો વિદેશમાં આપણા જ ડિપ્લોમેટિક મિશન્સ પર હુમલા થઇ રહ્યા છે. ઑસ્ટ્રેલિયા અને બીજા દેશોમાં હિંદુ મંદિરો પર હુમલા કરાયા છે. ખાલિસ્તાની આંદોલનને નામે અત્યારે ભારતમાં થઇ રહેલી હિંસક પ્રવૃત્તિઓ પર કડક પગલાં લેવાય તે જરૂરી છે, તો વિદેશના સંજોગોમાં આપણે અગમચેતી ભર્યાં પગલાં લેવાં પડશે નહીંતર મામલો ધાર્યા કરતાં વધુ બિચકશે.
અમૃતપાલ સિંઘ અને તેના સાથીઓએ ગયા મહિને અજનાલા પોલીસ સ્ટેશનમાં ઘુસી જઇને પોલીસકર્મીઓને ઘાયલ કર્યા. ફ્રિન્જ – કોરે રહેલા ઉગ્ર ગણગણાટને મુખ્ય પ્રવાહમાં આવતા વાર નથી લાગતી. જો આ ઝડપથી કાબૂમાં નહીં લેવાય તો હિંદુ-શીખ વચ્ચેના સામાજિક સંબંધો પર ભારત જ નહીં પણ વિદેશમાં પણ તિરાડ પડશે. ખાલિસ્તાનીઓને એટલું જ જોઇએ છે. ખાલિસ્તાની કટ્ટરવાદ એંશીના દાયકામાં પણ દેશની એકતા માટે જોખમી પુરવાર થઇ ચૂક્યો છે. અત્યારે દિલ્હીમાં જે ચાલી રહ્યું છે તેને કાબૂમાં લાવવા માટે કેન્દ્ર, કૉંગ્રેસ, અકાલી દળ, વહીવટી તંત્રમાં છે એવી આમ આદમી પાર્ટી બધાંએ એક સાથે મળીને પોલીસ દળોને ટેકો આપવો જોઇએ. આપણે જો રાજકારણની હુંસાતુંસીમાં રહી જઇશું તો પંજાબમાં આપણે અલગાવવાદી રાક્ષસને વધુ જોરાવર થવા દેવાની ભૂલ કરીશું. મોદી સરકારે આ વાત તમામ પક્ષ સાથે મળીને એ દૃષ્ટિકોણ પર ગંભીરતાથી વિચાર કરવો જોઇએ કે જો ખાલિસ્તાની જૂથો ફરી સક્રિય થશે તો અત્યારના કોઇ પણ રાજકીય પક્ષની સુસંગતતાનું ઠેકાણું નહીં રહે. યુ.કે., યુ.એસ., કેનેડા અને ઑસ્ટ્રેલિયામાં ચાલી રહેલી ખાલિસ્તાની પ્રવૃત્તિઓને ઠારવા માટે જુદો અભિગમ જોઇશે. અત્યારે તો મુત્સદ્દીભરી રાજનીતિથી બધું સાચવી લેવાશે પણ વૈશ્વિક સ્તરે ભારતનું નીચાજોણું થાય એ માટે જે તત્ત્વો કામે લાગ્યા છે એમને ઉઘાડા પાડવા માટે આપણી પાસે એક રાષ્ટ્ર તરીકે નક્કર દલીલો જોઇએ. વિદેશમાં ખાલિસ્તાનીઓ જે કરી રહ્યા છે એ કરવા માટેની મોકળાશ તેમને શા માટે મળી રહી છે?
શીખો વિદેશમાં રહેતા હોય કે ભારતમાં – પશ્ચિમી રાષ્ટ્રો તેમને લઘુમતીમાં ગણે છે અને માટે જ તેમની સાથેનો તેમને વહેવાર બહુ કાળજીપૂર્વકનો રહ્યો છે. પશ્ચિમી સરકારો તેમની લઘુમતી સામેના ગુનાઓ સંભાળવાને મામલે વધુ પડતી ચિવટ રાખે છે. વળી ઉત્તર અમેરિકા, યુરોપ અને ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાં ઉદારમતવાદી વલણ છે અને ખાલિસ્તાનીઓના દેખાવો અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારમાં ગણાઇ જાય છે. પશ્ચિમમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારને એટલો ગંભીરતાથી લેવાય છે કે તેનો ગેરલાભ લેનારાઓ પાછું વળીને જોતા નથી અને સામે આતંકીઓ બદલો લેવાનું છોડતા નથી. વળી યુ.કે. અને કેનેડાના સીમાંત મતવિસ્તારોમાં મુસ્લિમ અને શીખ મત અગત્યનો છે. આવામાં પાકિસ્તાનીઓ ખાલિસ્તાનીઓને ટેકો આપે તો હિંદુ વિરોધી અથવા ભારત વિરોધી પ્રવૃત્તિઓ પર સીધી અસર પડે. વિદેશમાં ખાલિસ્તાની તરફીઓ પોકળ ઘોંઘાટ કરીને માહોલ ખરાબ કરે છે, તેમને એ નથી સમજાતું કે આંતરારષ્ટ્રીય સ્તરે તેમને ત્યાંથી કોઇ ટેકો નથી મળવાનો. અમુક નવરાઓ ખાલિસ્તાનનો મુદ્દો ગુજરાન ચલાવવાને માટે ચગાવી મારે છે અને વિદેશમાં થતા ચાળાને રોકવા ભારતે પોતાના વિરોધીઓને ત્યાંના રાજકારણીઓ સામે ઉઘાડા પાડી, તેમની સામે ગંભીરતાથી પગલાં લેવાય તેવી માંગ સાથે રાજનૈતિક ચર્ચા છેડવી જોઇએ. જરૂર પડે તો કેન્દ્ર સરકારે વિદેશી સરકારની મદદ લઇને વિદેશમાં ખાલિસ્તાનના અવાજને નાથવો જોઇએ.
બાય ધી વેઃ
ખાલિસ્તાનના મુદ્દાને અગ્રિમતા આપીને ઉકેલવો જરૂરી છે નહીંતર તણખામાંથી ભડકો અને એમાંથી દાવાનળ જેવી સ્થિતિ થતા વાર નહીં લાગે. આ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ છે અને ભા.જ.પા. સરકારને અત્યારે આવી કોઈ પણ વધારાની પળોજણ પોસાય તેમ નથી. અમૃતપાલના સંગઠનને ડૃગ માફિયાઓનું ફંડિગ છે તો પાકિસ્તાની એજન્સી આઇ.એસ.આઇ. સાથે પણ તેના તાર જોડાયેલા છે. અમૃતપાલની આનંદપુર ખાલસા ફૌજ ખાલિસ્તાનના અલગ દેશ બનાવવાની માંગ માટેની લડાઈ કરવાની હતી. ભૂતકાળને વળગી રહેલા અમુક લોકોના આ સમૂહને ભારતની અંદરના અને બહારના અનિષ્ટ તત્ત્વોનો ટેકો મળે છે, હા તેને કારણે અચાનક બધું ખતમ થઇ જાય એમ નથી પણ તેનો અર્થ એવો ય નથી કે જે ત્વરિત પગલાં આપણે લેવાં જોઇએ એમાં આપણે મોડા પડીએ.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 માર્ચ 2023