હાલમાં બેરોજગારી, મોંઘવારી અને આર્થિક હાડમારી – આ ત્રણેય એની ચરમસીમાએ છે. આ માપદંડોમાં વર્તમાન સરકારે પાછલી તમામ સરકારોના રેકોર્ડ્સ ધરાશાયી કરી દીધા છે. આંકડાની ભ્રામક માયાજાળમાં ના પડીએ તો પણ એ દીવા જેવું છે કે આ ત્રણેય પરિબળોની સીધી અસર સમગ્ર અર્થતંત્ર અને પરિણામે સામાજિક-આર્થિક જીવન પર પડી છે. વાસ્તવમાં પરિસ્થિતિ એવી છે કે દેખાય એટલું સોનું નથી. એક સાવ ખખડધજ થઈ ગયેલ ઝૂંપડીને એ માત્ર સારી દેખાય એટલા ખાતર ઉપરછલ્લી ગાર માટીથી લીંપીગૂપી એના પર ચુનાનો સફેદો ચોપડી દેવામાં આવે તો બહારથી જોનારને તો એમ જ લાગે કે વાહ ઝૂંપડી કેટલી સુંદર દેખાય છે. પણ કહેવાતી આ સુંદર ઝૂંપડી અંદરથી કેટલી મજબૂત અને ઝંઝાવાતો સામે ઝીંક ઝીલી શકે એમ છે એ તો એની અંદર રહેતા લોકોને જ વધારે ખબર હોય. વરસાદનું એકાદ ઝાપટું કે વાવાઝોડાની એકાદ થપાટ કે મહામારીની એકાદ લહેર પણ આ ઝૂંપડીને તહસનહસ કરવા માટે પૂરતી હોય છે. હાલમાં ભારતીય અર્થતંત્રના સંદર્ભમાં પણ કંઈક આવું જ કહી શકાય. બહારથી મજબૂત અને વિરાટકાય દીસતું અર્થતંત્ર વાસ્તવમાં એટલું પોલું અને બોદું થઈ ગયું છે કે કોરોના જેવી મહામારીની એકાદ લહેર પણ તે ખમી શક્યું નથી. એક અર્થમાં કોરાનાની આ મહામારીએ અર્થતંત્રના સંદર્ભમાં ઘણાં બધાં તથ્યો ઉજાગર કરી દીધાં છે. જેની કળ હજુ સુધી લોકોને વળી નથી.
હાલની સ્થિતિએ આ દેશમાં અત્યારે અમીર કે ગરીબ સૌ કોઈ એક યા બીજી વેદનાથી પીડાઈ રહ્યા છે. અમીર વર્ગ એ વેદનાને હળવી કરવામાં ફાવી જાય છે જ્યારે બાકીના બધાની સ્થિતિ એવી છે કે એક પીડામાંથી બહાર આવે ત્યાં તો બીજી પીડા સામે જડબું ફાડીને ઊભી જ હોય. પ્રજા પોતાના ખુદના વાંકે પીડાય એ તો સમજ્યા પણ શાસકીય અણ-આવડતનો ભોગ પ્રજાએ બનવું પડે એ દુ:ખ કોને કહેવા જવું! આ તો એવું થયું કે પાડાના વાંકે પખાલીને ડામ! અને છતાં ય પ્રજાને માત્ર કોરા આશ્વાસનો પીરસ્યે રાખતા શાસકો આપવાહીમાંથી નવરા નથી પડતા. આને લોકશાહીની કરમની કઠણાઈ ન કહેવાય તો બીજું શું કહેવાય!! લોકશાહી પ્રજા વડે, પ્રજા માટે અને પ્રજા મારફતે ચાલતી શાસન-વ્યવસ્થા છે એ વાત વર્તમાન સરકારે સાવ વિસારે પાડી દીધી હોય એમ લાગે છે. પાંચ વર્ષના સમયગાળા માટે પ્રજા દ્વારા ચૂંટીને મોકલવામાં આવતી સરકાર સત્તાનો અમરપટ્ટો લઈને આવી હોય એ રીતે વર્તે ત્યારે એનો પહેલો ભોગ મત આપનારી પ્રજા બને ત્યારે થાય કે શું શાસકને ચૂંટવામાં પ્રજાએ કોઈ ભૂલ તો નથી કરીને!
લોકશાહીમાં સત્તારૂઢ સરકારે હંમેશાં એક વાત યાદ રાખવી જોઈએ કે પ્રજાએ શાસકોને ખુદની વાહવાહી માટે જનકોષ લૂંટાવવા ચૂંટીને નથી મોકલ્યા. શાસન જો પ્રજાના હિતમાં કામ ન કરે તો વિરોધ તો શું પ્રજા શાસનના કાન પણ આમળી શકે છે અને સોંપેલ ખુરશી વખત આવ્યે મતાધિકાર વડે ખાલી પણ કરાવી શકે છે. અને આવી તૈયારી હોય એમણે જ ‘લોકસેવા’નો સહેરો માથા પર બાંધી લોકશાહીના પવિત્ર મંદિર સંસદ ભવનમાં પગ મૂકવાની તૈયારી રાખવી, અન્યથા ૧૩૫ કરોડની વસ્તીમાંથી અનેક વિકલ્પો મળી શકે છે. કોઈ ભૂલથી પણ એવું ન માની બેસે કે આ દુનિયામાં પોતાના જેવું શાણું, સમર્થ અને બુદ્ધિશાળી બીજું કોઈ નથી. કોઈ વ્યક્તિ ત્યાં સુધી જ શાણી, સમર્થ અને બુદ્ધિશાળી છે જ્યાં સુધી એનો વિકલ્પ સામે નથી આવતો.
લોકો શાસકોને પારકા પૈસે તાગડધિન્ના અને મોજશોખ કરવા ચૂંટીને નથી મોકલતી. પ્રજા એ આશ પર લોક પ્રતિનિધિઓને ચૂંટીને મોકલતી હોય છે કે ચૂંટાયેલ જનપ્રતિનિધિ મારફતે તેમની પીડા સંસદ સુધી પહોંચે, તેમની હાડમારી, વેદના અને વ્યથાઓની વાત સરકારના કાને અથડાય. જે પ્રતિનિધિઓ તેમના મતદારોનો અવાજ, તેમની વેદના, વ્યથા અને પીડા સરકારના બહેરા કાને નથી નાખતી તેઓ તેમનું કર્તવ્ય નહિ આચરીને પ્રજાદોહ કરે છે. આવા પ્રતિનિધિઓ હોય કે ન હોય એનાથી પ્રજાને કોઈ ફેર પડતો નથી.
સરકાર અને શાસકો પ્રજામત થકી છે, પ્રજા સરકાર અને શાસકો થકી નથી. પ્રજા અને રાષ્ટ્ર કાયમ છે, સરકારો તો આવે ને જાય. મર્યાદિત અર્થમાં સરકાર પ્રજાની માઈબાપ ખરી પણ જો એ માઇબાપની જેમ વર્તે તો.વળી સરકાર એ રાષ્ટ્રની રખેવાળ છે સરકાર પોતે રાષ્ટ્ર નથી. કોઈ રખે એવું માની લે કે સરકારનો વિરોધ કરવો એ રાષ્ટ્રનો વિરોધ કર્યો ગણાય. આજે આપણે ખુલ્લેઆમ જોતા ફરીએ છીએ કે ચૂંટાયા પછી શાસકો સત્તાના મદમાં છાકટા અને બેફામ બની પ્રજા સાથે એ રીતે વર્તન કરતા હોય છે જેનાથી એમ લાગે કે પ્રજાએ એમને ચૂંટીને મોટી ભૂલ કરી છે. એવું નથી કે આજે જ આવું થાય છે, આવું તો પહેલા પણ થતું હતું, પરંતું વર્તમાનમાં જે સ્થિતિ પ્રવર્તે છે એ એની ચરમસીમાએ છે. પ્રજા પોતાનો પ્રશ્ન કે સમસ્યા પણ શાસન સમક્ષ રજૂ ન કરી શકે એને તો કેવી લોકશાહી ગણવી. જે રીતે પહેલા લોકો પોતાની સમસ્યા લઈને સરકાર સુધી પહોંચી શકતા હતા એ રીતે આજે નથી પહોંચી શકતા. આજે મત આપી દીધા પછી પ્રજા જે રીતે બિચારી-બાપડી, હતાશ, નિરાશ, મજબૂર બનતી જાય છે એવું તો પહેલા ક્યારે ય નથી થયું. પ્રજા સરકારનો કાન આમળતી અને સરકારો એને સ્વીકારતી પણ ખરી! આજે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે સરકાર પ્રજાનું ગમે તેટલું અહિત કરે તો પણ કોઈ એની સામે અવાજ ઉઠાવવા તૈયાર નથી. જ્યાં પણ થોડો ઘણો અવાજ ઉઠાવવામાં આવે છે ત્યાં એમની સાથે દુ:શ્મન જેવો વ્યવહાર કરવામાં આવે છે. લોકશાહીમાં વ્યક્તિ પોતાની સમસ્યાને લઈને કોઈ પ્રશ્ન કરે છે તો એ પ્રશ્ન કરવાનો અને એનો જવાબ લેવાનો એનો બંધારણીય અધિકાર છે જેના પર ખુદ સરકાર પણ તરાપ મારી શકે નહીં. જેમના મત થકી જનપ્રતિનિધિ સંસદમાં પહોંચે છે એ પ્રજા તરફ જનપ્રતિનિધિઓની જવાબદારી ખરી કે નહીં!
મત લેવા માટે વિના પરવાનગીએ પ્રજાના દ્વાર સુધી પહોંચી જતા શાસકો ચૂંટાઈને જ્યારે સત્તાના આસન પર બિરાજતા થઈ જાય પછી એમને મળવા માટે પ્રજાએ પરવાનગી લેવી પડે અને એ માટે પણ સાત કોઠા વિંધવા પડે એને તો કેવા પ્રકારની લોકશાહી ગણવી!! પ્રજાપીડાની સદાય અવગણના કરતી સરકાર ગમે તેટલી મજબૂત હોય તો પણ ઘડીના છઠ્ઠા ભાગમાં હતી ન’તી થઈ જતા વાર નથી લાગતી એ વાત દરેક સત્તાધીશે ગાંઠે બાંધી લેવી જોઈએ. એના દાખલા ક્યાં ય શોધવા જવા પડે એમ નથી. પોતાની પીડા લઈને પ્રજા શાસન સુધી પહોંચે એ પહેલા શાસક અને શાસન પ્રજા સુધી પહોંચી જાય એ હિતાવહ છે અન્યથા શાસનને તેમની જગ્યાએ પહોંચાડી દેવામાં પ્રજા કોઈની રાહ નહિ જુએ.
e.mail : h79.hitesh@gmail.com