Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9335235
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગર—189

દીપક મહેતા|Opinion - Opinion|25 March 2023

મુંબઈમાં રસ્તાનાં નામમાં ઝાડ, ડુંગર, બેકરી

વન મહાલ લેન બની ગઈ બેનહામ હોલ લેન       

 આપણા જ્ઞાની કવિ અખાની એક પંક્તિ છે : 

કહ્યું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું.

મુંબઈના રસ્તાઓની બાબતમાં પણ કેટલીક વાર આવું બન્યું છે. ગામદેવી વિસ્તારમાં બે રસ્તા આવેલા છે : એલેકઝાન્ડ્રા રોડ અને લેબર્નમ રોડ. પહેલી નજરે લાગે કે આ તો છે કોઈ અંગ્રેજોનાં નામ. હટાવો. પણ હકીકતમાં આ બે નામને કોઈ અંગ્રેજ સાથે લાગતું વળગતું નથી. એ બંને તો છે ઝાડનાં નામ. એલેક્ઝાન્ડ્રા એ તાડ કે નાળિયેરી જેવું ઝાડ છે. તો લેબર્નમ એ ગરમાળા જેવું ઝાડ છે, ભરચક પીળાં ફૂલોવાળું. એક જમાનામાં આ બંને રસ્તા પર તે-તે જાતનાં વૃક્ષો હતાં એટલે પડ્યાં આ બે નામ. થોડાં વરસ પહેલાં લેબર્નમ રોડનું તો નામ બદલવાની માગણી પણ થયેલી. જે રસ્તા પર ગાંધીજીનું સ્મારક મણિ ભવન આવેલું છે એ રસ્તાનું નામ કોઈ બ્રિટિશ અમલદારના નામ પરથી? પછી વળી કોક જાણકારે કહ્યું કે ભાઈ, લેબર્નમ એ તો એક ઝાડનું નામ છે, કોઈ અંગ્રેજનું નહિ.

જેના પરથી બે રસ્તાનાં નામ પડ્યાં છે તે બે ઝાડ એલેકઝાન્ડ્રા અને લેબર્નમ

તો કેટલીક વાર સાવ સીધા-સાદા નામ અંગે પણ લાંબી લાંબી ચર્ચા થાય છે. કોટ વિસ્તારમાં કાવસજી પટેલ સ્ટ્રીટથી પીઠા સ્ટ્રીટ સુધીના રસ્તાનું નામ હતું બાર્બર લેન. ઘણા લોકો તેને હજામ મહોલ્લો પણ કહેતા. બહુ દેખીતી વાત કે જેમ સુતાર ચાલ, જેમ લુહાર ચાલ, જેમ ભોઈ વાડો, તેમ બાર્બર સ્ટ્રીટ કે હજામ મહોલ્લો. એ રસ્તા પર હજામોની ઝાઝી વસતી એટલે આ નામ. બોમ્બે ગેઝેટ નામના એ વખતના અંગ્રેજી અખબારના ઓક્ટોબર સાત, ૧૯૦૭ના અંકમાં આર.પી. કરકરિયાએ આ પ્રમાણે લખ્યું. અને તરત બૂમાબૂમ થઈ કે આ રસ્તાનું નામ બદલો. પણ એ વખતે તો કંઈ થયું નહિ. ખુદ મ્યુનિસિપલ કમિશનર પી.આર. કેડલ તરફથી નામ બદલવાની દરખાસ્ત રજૂ થઈ. એક આડ વાત : કેડલ રોડ નામ આ કેડલસાહેબના નામ પરથી જ પડેલું. એ રોડનું આજનું નામ છે સ્વાતંત્ર્ય વીર સાવરકર માર્ગ. એ જ રસ્તા પર તેમનું રાષ્ટ્રીય સ્મારક પણ આવેલું છે. કેડલે જણાવ્યું કે કોટ વિસ્તારમાં રહેતા ઘણા નાગરિકોએ માગણી કરી છે કે બાર્બર લેનનું નામ વહેલી તકે બદલવામાં આવે. જો કે બનવા જોગ છે કે આ નામ હજામ લોકો પરથી નહિ, પણ એક જમાનામાં ત્યાં રહેતા મિસ્ટર બાર્બર નામના એક પોલીસ અધિકારીના નામ પરથી પાડવામાં આવ્યું હોય. છેલ્લાં કેટલાંક વરસોમાં મ્યુનિસિપાલિટીએ આ રસ્તાને ઘણો પહોળો કર્યો છે અને એટલે હવે તે ‘લેન’ રહી નથી. સાધારણ રીતે હું રસ્તાનાં નામ બદલવાની તરફેણ કરતો નથી. પણ આ કિસ્સામાં એ રસ્તા પર કેટલાક પ્રતિષ્ઠિત નાગરિકોનાં રહેઠાણ આવેલાં છે. અને એ લોકોને આ નામ હીણપતભર્યું લાગે છે. એટલે આ નામ બદલવા લાયક છે એમ હું માનું છુ. એટલે હું આપ સૌ માનવંતા સભ્યો સમક્ષ દરખાસ્ત રજૂ કરું છું કે બાર્બર લેનનું નામ બદલીને બખ્તાવર સ્ટ્રીટ રાખવામાં આવે. ફારસી અને ગુજરાતી ભાષામાં ‘બખ્તાવર’નો અર્થ થાય છે ‘નસીબદાર.’

વીર સાવરકર રાષ્ટ્રીય સ્મારક

જ્યારે આ દરખાસ્ત રજૂ થઈ ત્યારે વી.એ. દાભોલકર નામના સભ્યે ‘સુખિયા સ્ટ્રીટ’ નામ સૂચવ્યું. ‘બખ્તાવર’ અને ‘સુખિયા’નો અર્થ તો ઘણે અંશે સરખો. પણ વધુમાં એ રસ્તા પર ડો. સુખિયા નામના એક કોર્પોરેટર રહેતા હતા. તો સર જમશેદજી જીજીભાઈએ Barbour Street નામ સૂચવ્યું. કારણ એ નામની જાણીતી કંપનીની દુકાન એ સ્ટ્રીટ પર આવી હતી. ઇન્ગ્લન્ડમાં ૧૮૯૪માં તેની સ્થાપના થઈ હતી. તેની શાખા આ લેન પર હતી. અલબત્ત, તેમાં વેચાતાં કપડાં કાં મોટા અંગ્રેજ અમલદારોને કે સર જમશેદજી જીજીભાઈ જેવા માલેતુજારોને જ પરવડે તેવાં હતાં. બીજાં નામો પણ સૂચવાયાં. પણ છેવટે હતા ત્યાંના ત્યાં.

પછી આર.ડી. કૂપર નામના પ્રતિષ્ઠિત નાગરિકે ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’માં લખેલા પત્રમાં જણાવ્યું કે હકીકતમાં આ વિસ્તાર ‘હજામ મહોલ્લા’ તરીકે જ ઓળખાતો હતો. અંગ્રેજોએ હજામનો અનુવાદ કરી નામ રાખ્યું બાર્બર લેન. તો બીજા એક વાચક એચ. સિબાલ્ડે લખ્યું કે હકીકતમાં અહીં જે મિસ્ટર બાર્બર રહેતા હતા તે પોલીસ ખાતામાં નહોતા, પણ એ વિસ્તારના એક જાણીતા ડોક્ટર હતા. મુંબઈના બારામાં નાંગરતાં વહાણોના ખલાસીઓની સારવાર માટે તેઓ જાણીતા હતા. ૨૦૦થી ૩૦૦ જેટલાં નાનાં વહાણો તો હંમેશ મુંબઈના બારામાં નાંગરેલાં રહેતાં. તેના ખલાસીઓની સારવાર કરીને એ ડોક્ટર મહિને ઓછામાં ઓછા સો રૂપિયા તો કમાતા. (એ જમાનામાં આ મોટી રકમ કહેવાય.) તેના જવાબમાં મિસ્ટર કરકરિયાએ લખ્યું કે આ ડોક્ટર બાર્બર તો છેક ૧૮૬૬માં અહીં રહેવા આવેલા. જ્યારે ‘બાર્બર લેન’ નામ તો તેનાથી કંઈ નહિ તો સો એક વરસ જૂનું છે. મને આ નામ ‘ધ બોમ્બે ગેઝેટ’ નામના અખબારના ૧૮૩૯ના અંકોમાં જોવા મળ્યું છે. આ બધી ચર્ચાનું પરિણામ એ આવ્યું કે એ નામ બદલાયું નહિ, અને બાર્બર સ્ટ્રીટ નામ એ વખતે તો કાયમ રહ્યું.

તો ક્યારેક અંગ્રેજ અમલદારો ‘દેશી’ નામ સમજી ન શકે તેથી પણ છબરડા થતા. ગિરગામ રોડથી ગિરગામ બેકરોડ તરફ જતા એક રસ્તાનું લોકોમાં પ્રચલિત નામ હતું બન (વન) મહાલ લેન. એ જમાનામાં અહીં વસ્તી નહિ જેવી. આ લત્તામાં ઝાડી ઝાંખરા પુષ્કળ. નજીકના ખેત વાડી વિસ્તારમાં ખેતરો. એ વખતે આ લેનમાં માત્ર એક જ બંગલો હતો, જેનું નામ હતું વન મહાલ. એટલે લોકો એ ગલ્લીને વન (કે બન) મહાલ લેન તરીકે ઓળખતા. પણ અંગ્રેજો આ નામનો અર્થ સમજી શક્યા નહિ એટલે તેમણે નામ આપ્યું બેનહામ હોલ લેન.

આવો હશે એ વન મહાલ?

તો આ નામ અંગે બીજી એક વાત પણ પ્રચલિત છે. ૧૮૯૦થી ૧૮૯૫ સુધી મિસ્ટર એકવર્થ મુંબઈના મ્યુનિસિપલ કમિશનર હતા. તેમનું વતન ઇન્ગ્લન્ડનું મેલવર્ન નામનું ગામ. અને ત્યાં તેઓ રહેતા હતા બેનહામ નામના બંગલામાં. એ જ વખતે તેમને બન મહાલ લેન પરના રહેવાસીઓના કેટલાક પત્રો મળ્યા. તેમને આ નામ જરા વિચિત્ર લાગ્યું. એટલે તેમણે બોમ્બે મ્યુનિસિપાલિટીને લખ્યું કે આ રસ્તાનું નામ બદલીને બેનહામ હોલ લેન કરી નાખો. પણ આ વાત માનવાનું મુશ્કેલ પડે તેમ છે. કારણ એક તો એ વખતે ભલે લોકશાહી નહોતી, પણ ઠોકશાહી પણ નહોતી. કોઈ પણ રસ્તાનું નામ બદલતાં પહેલાં કોર્પોરેશનમાં ચર્ચા થતી. જુદાં જુદાં નામો સૂચવાતાં. અને એ પછી પણ ઘણી વાર – જેમ બાર્બર લેનની બાબતમાં બન્યું તેમ – નામ બદલાતું નહિ.

તો ક્યારેક આજે આપણને સાવ મામૂલી લાગે એવી ઇમારત પરથી પણ રસ્તાનું નામ પડતું. આજના મુંબઈના નકશામાં પણ ગ્રાન્ટ રોડથી પરેલ (પરળ) રોડ સુધીના રસ્તાનું નામ છે બાપ્ટીઝ રોડ. ૧૯મી સદીમાં પણ એ જ નામ હતું. આ વિસ્તારમાં પારસીઓની વસ્તી ઝાઝી. એટલે કોઈને પણ થાય કે બાપ્ટી નામની કોઈ પારસી બાનુના નામ પરથી આ નામ પડ્યું હશે. પણ હકીકતમાં આ રસ્તા પર છે બાપ્ટી નામની બેકરી. એટલે તેના નામ પરથી એ રસ્તાનું નામ પડ્યું. આ નામવાળો રસ્તો જ નહિ, આ બેકરી આજે પણ હયાત છે – બાપ્ટીઝ નામે. અને તે જાણીતી છે તેનાં જાત જાતનાં કેક માટે.

વડાળાથી થોડે દૂર એક નાનકડી ટેકરી આવેલી છે, એન્ટપ હિલ. એનું નામ પણ કોઈ અંગ્રેજના નામ પરથી નથી પડ્યું. એક જમાનામાં આ વિસ્તારની ઘણી જમીન અન્તોબા નામના જમીનદારની માલિકીની હતી. તો વળી કેટલાક કહે છે કે આ નામ જમીનદારના નામ પરથી પડ્યું છે એ સાચું. પણ એ નહોતો હિંદુ, કે નહોતું એનું નામ અન્તોબા. એ તો હતો પોર્ટુગાલી, અને એનું નામ હતું એન્ટન. પણ હકીકતમાં એ હતો હિંદુ, નામ હતું અન્તોબા, અને આ વિસ્તાર ઉપરાંત ગિરગામ અને વરલી વિસ્તારમાં પણ તેની પાસે ઘણી જમીન હતી.

૧૯મી સદીના નકશામાં એન્ટપ હિલ

તો ક્યારેક એવું ય બન્યું છે કે મૂળના ‘દેશી’ નામને આપણે કોઈ અંગ્રેજનું નામ માની લીધું હોય અને એટલે આઝાદી પછીનાં વરસોમાં આપણે એ નામ બદલી નાખ્યું હોય. હોર્નબી રોડથી બજાર ગેટ સ્ટ્રીટ જતા એક રસ્તાનું નામ ગનબો સ્ટ્રીટ. એટલે કેટલાકે આ નામને બ્રિટિશ લશ્કરની તોપ (ગન) સાથે સાંકળવાનો પ્રયત્ન કર્યો. તો કેટલાકે માની લીધું આ ગનબો તો કોઈ અંગ્રેજનું નામ હશે. એટલે બદલો નામ. નવું નામ પાડ્યું રુસ્તમ સિધવા માર્ગ. હા, ગનબો સ્ટ્રીટ નામ આપેલું અંગ્રેજોએ. પણ એ નામ આપેલું એ સ્ટ્રીટ પર રહેતા એક જાણીતા હિંદુ ગણબા શેઠનું નામ કાયમ રાખવા. આ ગણબા શેઠ તે પ્રખ્યાત જગન્નાથ શંકરશેઠના પૂર્વજ. મૂળ વતન કોંકણ. ત્યાંથી કુટુંબ આવ્યું ઠાણે, અને પછી મુંબઈ. કોટ વિસ્તારમાં ગણબા શેઠ પોતાના મકાનમાં રહેતા. એટલે એ ગલ્લીનું નામ અંગ્રેજ સત્તાવાળાઓએ રાખ્યું ગણબા સ્ટ્રીટ. પછી ધીમે ધીમે અંગ્રેજો તેનો ઉચ્ચાર ‘ગનબો’ જેવો કરવા લાગ્યા. એટલે આપણે આઝાદી પછી માની લીધું કે આ નામ તો અંગ્રેજ લશ્કરની તોપો અહીં રહેતી એટલે પડ્યું છે. એટલે બદલીને કર્યું રુસ્તમ સિધવા માર્ગ. આ રુસ્તમજીનો જન્મ ૧૮૮૨માં હાલના પાકિસ્તાનના કરાચી શહેરમાં. પાકા કાઁગ્રેસી. કરાચી પોસ્ટ ઓફિસના એક ક્લાર્ક તરીકે કારકિર્દી શરૂ કરી. પહેલેથી રાજકારણમાં રસ. આઝાદી પછી બંધારણ સભાના સભ્ય તરીકે કાઁગ્રેસની ટિકિટ પર ચૂંટાઈ આવ્યા. બંધારણના ખરડા પરની ચર્ચામાં મહત્ત્વનો ભાગ લીધો. ૧૯૫૭ના ડિસેમ્બરની ૨૮મી તારીખે અવસાન.

આપણામાં કહેવત છે કે જૂનું એટલું સોનું. પણ રસ્તાનાં નામની બાબતમાં આ વાત આપણે સ્વીકારી નથી. રસ્તાનાં નામ બદલવાં એ રાજકારણીઓની મનગમતી રમત છે. આવી બીજી કેટલીક રમતની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 25 માર્ચ 2023

Loading

25 March 2023 દીપક મહેતા
← 1930 और 2023 
ભયમુક્તિમાં જે તાકાત છે એટલી તાકાત આ જગતમાં બીજી કોઈ ચીજમાં નથી →

Search by

Opinion

  • ‘શેતરંજ’ પર પ્રતિબંધનું પ્રતિગામી પગલું
  • જેઇન ઑસ્ટિન અમર રહો !
  • જેઇન ઑસ્ટિન : ‘એમા’
  • ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’: એક વિહંગાવલોકન
  • ગ્રામસમાજની જરૂરત અને હોંશમાંથી જન્મેલી નિશાળનો નવતર પ્રયોગ

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • નિર્મમ પ્રેમી
  • મારી અહિંસા-યાત્રા
  • ગાંધીનો હિટલરને પત્ર 
  • ઈશુનું ગિરિ-પ્રવચન અને ગાંધીજી
  • ગાંધી : ભારતની પ્રતિમા અને પ્રતીક

Poetry

  • વિમાન લઇને બેઠા …
  • તારવણ
  • હે કૃષ્ણ ! કોણ છે તું?
  • આ યુદ્ધ છે !
  • હાલો…

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved