આપી જૂઓ
શાંત મનને એ કસક આપી જૂઓ,
ક્ષણ ફકત એક આક્રમક આપી જૂઓ.
સ્વપ્નમાં તો સ્વપ્નમાં કોઈક વાર,
આપની, ગમતી ઝલક આપી જૂઓ.
પૃથ્વી આ પરિમલસભર દઇશું કરી,
દિલથી ક્ષણ એક દિલધડક આપી જૂઓ.
તૃણવત્ સમજી નહીં સ્પર્શું ય એ,
આપ આખ્ખી યે ખલક આપી જૂઓ.
મૌજ-મસ્તી એ પછી પણ બરકરાર;
ના ફકત મિલન તલક આપી જૂઓ.
સત્તા-સંપત સહુને અર્પણ; બસ ! મને,
મૌજ-મસ્તીનું મલક આપી જૂઓ.
સહુ મજા ભૂલી જશો વાસંતી પણ,
પાનખરને એક તક આપી જૂઓ.
બંધ પિંજરમાં ‘પ્રણય’ ક્યાંથી ઉડે ?
ઊડવા ખુલ્લું ફલક આપી જૂઓ.
તા. ૦૯/૧૦-૦૭-૨૦૨૨
•••
કમ નથી
રામ કોʼક જ છે ! ને રાવણ કમ નથી,
સિંહ જેવો ફક્ત એક જણ કમ નથી.
તારો અસલી ચહેરો જોવો હોય તો,
તારી આંખો સામે દર્પણ કમ નથી.
કોʼક શબ્દો થઇ શકે ગમતી ગઝલ,
ફૂલને ખીલવાને આંગણ કમ નથી.
હો ભલે નાનકડો એવો શેર એ,
કિન્તુ એમાં પણ મથામણ કમ નથી.
કઇ અદાથી તું બચી શકવાનો છે ?
એની પાસે રૂપ-કામણ કમ નથી.
છેડી જૂઓ એની પથ્થરતા અહીં,
કાળમીંઢો માંહે રણઝણ કમ નથી.
સાંત્વન એ વાતનું છે કે ‘પ્રણય’,
જીવવા માટેના કારણ કમ નથી.
તા. ૧૯/૨૦-૦૭-૨૦૨૨