૧૯૮૯માં લોકસભામાંથી ૬૩ સભ્યોને ૩ દિવસ માટે સસ્પેન્ડ કરાયા હતા, સાંસદના સસ્પેશનનો કિસ્સો પહેલીવાર ૧૯૬૩માં થયો હોવાની જાણકારી છે
શેક્સપિયરે લખેલું કે આ દુનિયા એક રંગમંચ છે અને બધાં સ્ત્રી પુરુષો માત્ર તેના અભિનેતાઓ!
ઊંડી ફિલસૂફી ધરાવતા આ વાક્યને જરા વધારે જ ડ્રામેટિક રીતે સમજનારા લોકોની આ દુનિયામાં કોઇ ખોટ નથી. એમાં પાછા રાજકારણીઓનું તો શું કહેવું! મન ફાવે ત્યારે વધુ પડતા ડ્રામેટિક થઇ જનારા સાંસદો અને નેતાઓના કિસ્સા ઘણાં છે. તાજેતરમાં થયેલા સંસદના સત્રની શરૂઆત જ તોફાની રહી. એટલો ડ્રામા થયો કે વિરોધ પક્ષના ૧૨ સાંસદોને તેમની ગેરવર્તણૂક બદલ ગૃહમાંથી સસ્પેન્ડ કરી દેવાયા. ઘણીવાર ઉપલા કે નીચલા ગૃહના સાંસદો સસ્પેન્ડ નથી થતા કારણ કે વર્તન એટલું બેહૂદું નથી હોતું પણ છતાં ય મનોરંજક બની રહે છે. જેમ કે, હજી ગયા અઠવાડિયે જયા બચ્ચને રાજ્ય સભામાં કોપ ભવનમાં એન્ટ્રી લઇ લીધી. પનામા પેપર્સ અને ઐશ્વર્યાને ઇડી સામે હાજર થવાની વાતનો ઉલ્લેખ થયો અને જયા બચ્ચને સખત ગુસ્સે ભરાઇને વિરોધ પક્ષના નેતાઓને એમ કહ્યું કે, ‘તમારા ખરાબ દિવસો પણ આવશે, તમારે અમને સાંભળવા નથી, બોલવા નથી દેવા તો અમારું ગળું જ દબાવી દો.’ આમાં જયા બચ્ચન જબરજસ્ત ટ્રોલ પણ થયાં. કોઇએ સોશ્યલ મીડિયા પર તેમને કળિયુગના દુર્વાસાનું ટાઇટલ આપી દીધું. જયા બચ્ચન તો આ પહેલાં પણ ગુસ્સે ભરાયાં છે. પણ ગેરવર્તણૂક માટે સાંસદો સસ્પેન્ડ થયા હોવાના કિસ્સાઓ પર નજર કરીએ.
એક સાથે રાજ્ય સભાના ૧૨ સાંસદો સસ્પેન્ડ થવાનો આ પહેલો કિસ્સો છે અને આ સાંસદો ધરણાં પર બેસીને વિરોધ પણ દર્શાવ્યો. આ સાંસદો નિયમ ૨૫૬ની અંતર્ગત ચોમાસું સત્રના છેલ્લા દિવસે તેમણે જે ગેરવર્તન કર્યું હતું તે બદલ અત્યારના શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ કરાયા છે. છેલ્લા સાત દાયકામાં ઘણીવાર નિયમ ૨૫૬નો ઉપયોગ કરીને સાંસદોની સાન ઠેકાણે લાવવાનો પ્રયાસ રાજ્ય સભા અથવા તો લોકસભા દ્વારા કરાયો છે. ૨૦૨૦ના ચોમાસું સત્રથી ખેડૂત ધારાને લઇને ગૃહમાં સંઘર્ષ થતો આવ્યો છે. આ સાંસદોએ ખેડૂત ધારાને મામલે અલગ કમિટી નિમી તેમનું વિશ્લેષણ કરવાની માંગ કરી હતી અને નાયબ અધ્યક્ષ સામે કાગળ ફંગોળ્યા હતા. ત્યારે છ જણાને સસ્પેન્ડ કરાયા હતા. આ વર્ષે પેગેસસ હેકિંગ સિસ્ટમ અને ખેડૂત ધારાને લઇને ચર્ચા કરવાની માંગ થઇ અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવ પેગેસસ અંગે સ્ટેમેન્ટ આપી રહ્યા હતા ત્યારે ટી.એમ.સી.ના સાંસદ શાંતનુ સેને તેમના હાથમાંથી કાગળ ખેંચી લીધા હતા. ઘોંઘાટ અને ઉગ્ર ચર્ચાઓ પછી શાંતનુ સેનને બાકીના સત્રમાંથી ઘર ભેગા કરાયા હતા.
રાજ્યસભાના અધ્યક્ષ એમ વૈંકેયા નાયડુએ ગયા વર્ષે આઠ સાંસદોને સસ્પેન્ડ કર્યા. આ પગલું ત્યારે લેવાયું જ્યારે ખેડૂત ધારો – જે હાલમાં પાછો ખેંચાયો તેની પર કામ થઇ રહ્યું હતું. હાલમાં સસ્પેન્ડ કરાયેલા ૧૨માંથી કેટલાક આ આઠની યાદીમાં પણ હતા. કાઁગ્રેસના રાજીવ સતવ, રિપુન બોરા, નઝીર હુસેન સાથે ટી.એમ.સી.ના ડેરેક ઓ’બ્રાયન અને ડોલા સેન તથા સી.પી.એમ.ના કે.કે. રાગેશ, ઇલામરમ કરીમ ઉપરાંત આપના સંજય સિંઘને સસ્પેન્ડ કરાયા હતા. તેમની ગેર વર્તણૂક બદલ પાર્લિયામેન્ટરી અફેર્સના રાજ્યમંત્રી વી મુરલીધરને તેમની સામે પગલાં લેવા માંગ કરી હતી.
આ પહેલાં જ્યારે ૨૦૧૦માં મહિલા અનામત ધારા પર રાજ્ય સભામાં ચર્ચા ચાલી રહી હતી ત્યારે ધારાના દસ્તાવેજને ફાડવામાં આવ્યું હતું અને અમુક મંત્રીઓએ બહુ હોબાળો કર્યો હતો. વિરોધ પક્ષના અમુક સાંસદોને સસ્પેન્ડ કરવાની માંગ તે સમયના પાર્લિયામેન્ટરી અફેર્સ, સ્ટેટના મંત્રી પૃથ્વીરાજ ચૌહાણે માંગ કરી હતી.
એક સમયે લોક સભામાંથી ૨૫ સાંસદોને સસ્પેન્ડ કરાયા હતા. ૨૦૧૫માં કાઁગ્રેસના સભ્યોએ સંસદના કામમાં અડચણ ખડી કરી અને તેને આડે રસ્તે ચઢાવવાનો પ્રયાસ કર્યો તેમાં આ નિર્ણય લેવાયો. જો કે સસ્પેન્ડ થયેલાઓને ટેકો આપવા માટે કાઁગ્રેસના બાકી સભ્યોએ આ આખી કામગીરીને બૉયકૉટ કરવાનું નક્કી કર્યું હતું. કાઁગ્રેસ પ્રુમખ સોનિયા ગાંધીએ આ દિવસને લોકશાહી માટેનો કાળો દિવસ ગણાવ્યો હતો. લોકસભામાંથી સભ્યો નિયમ ૩૭૪ અંતર્ગત સસ્પેન્ડ કરાયા હતા. ૧૯૮૯માં લોકસભામાંથી ૬૩ સભ્યોને ૩ દિવસ માટે સસ્પેન્ડ કરાયા હતા. સાંસદના સસ્પેશનનો કિસ્સો પહેલીવાર ૧૯૬૩માં થયો હોવાની જાણકારી છે.
વિરોધો અને દલીલો તો ઠીક પણ ૨૦૦૮માં જ્યારે ભા.જ.પા.ના નેતા વી.કે. મલહોત્રાએ અધ્યક્ષને સંબોધવાનું શરૂ કર્યું ત્યાં તેમના પક્ષના સાંસદોએ હો હો કરતાં આગળ ધસી ગયા. થોડી ક્ષણો તો કોઇને ગેડ ન પડી કે શું થઇ રહ્યું છે. ભા.જ.પા.ના અમુક સાંસદોએ મીડિયા ગેલેરી તરફ ત્રણ આંગળી ઊંચી કરીને કરોડ કરોડની બૂમો પાડી. શું એક સાંસદ માટે ત્રણ કરોડની વાત હતી કે ત્રણ સાંસદ માટે એક કરોડની વાત હતી. વળી આ આખા નાટકમાં સૌથી અગત્યની વસ્તુ હતી આ હોબાળો કરનારા સાંસદોના હાથમાં રહેલી કરન્સી નોટ્સ. કાઁગ્રેસ સાંસદો પણ આ નોટની ગડીઓ જોવા માટે આગળ ધસી ગયા અને પૈસા કોના છે, આ ખસેડો અહીંથી એવી બૂમરાણ થવા માંડી. ભા.જ.પા.ના સાંસદો એમ કહેવા ચાહતા હતા કે આ પૈસા કાઁગ્રેસ તરફથી આવ્યા છે. લોક સભામાં પહેલી વાર આ રીતે ટેબલ પર રોકડાની થોકડીઓ મુકાઇ. આ તદ્દન સાવ રિવર્સ સ્ટિંગ હતું. સો જેટલા સાંસદોની ધક્કા મુક્કી વચ્ચે આરગલ જેવા સાંસદોએ બેગમાંથી ૧૦૦૦ની નોટોની થોકડીઓ બહાર કાઢી હતી. વળી એક નોટનો થોકડો હવામાં ય ફંગોળાયો હતો. આ ધમાલમાં કાઁગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, તત્કાલિન વડા પ્રધાન મનમોહન સિંઘ અને વિદેશ મંત્રી પ્રણબ મુખર્જી સ્તબ્ધ થઇને આ હોબાળો જોઇ રહ્યાં હતાં. સ્વાભાવિક છે આ નાટકને પગલે ગૃહ સ્થગિત કરી દેવાયું. આ કિસ્સાની ચર્ચાઓ પણ લાંબી ચાલી અમર સિંઘ, અહેમદ પટેલથી માંડીને ઘણાંના નામો ભા.જ.પા.ના આ નોટનાં થોકડા ફરકાવવાના કાંડમાં ચર્ચાયા.
બાય ધી વેઃ
આપણા કુશળ રાજકારણીઓ ક્યાં ય પણ કંઇ પણ કરે છે. સ્થાનિક વિધાનસભાઓમાં પણ આવા ધાંધિયા થતા હોય છે. કાઁગ્રેસના સાંસદ લગડાપતિ રાજગોપાલે તેલંગણા તરફી સાંસદો પર ૨૦૧૪માં પેપર સ્પ્રે છાંટ્યુ હતું. ઉત્તર પ્રદેશની સભામાં ખુરશીઓ અને માઇક ફેંકાયા છે તો ઓરિસ્સાની સભામાં પણ ખુરશીઓ ઉછળી છે. એમ.એલ.એ. અબુ આઝમીએ એક એમ.એન.એસ.ના લેજિસ્લેટરને ધોઇ નાખ્યા કારણ કે તેણે હિંદીમાં શપથ લીધી હતી. હાથમાંથી ધારા લખેલી હોય એવા કાગળો ખેંચાઇ જવાનું પણ ઘણીવાર બન્યું છે. સાંસદોએ અમુક રીતભાત પ્રમાણે જ ગૃહમાં વર્તવાનું હોય છે, તેઓ કોઇ બોલતું હોય ત્યારે વચ્ચે ન બોલી શકે અથવા ચાલુ ભાષણએ કોમેન્ટ પાસ ન કરી શકે વગેરે. પણ આ ખુરશી ઉછાળનારા, નોટનાં થોકડા ઉડનારાઓ અને કાગળ ઝપટી લેનારાઓ ભૂલી જતાં હશે એમ લાગે છે. આ કારણે જ સ્પીકરને નવા નિયમ ૩૭૪એ અંતર્ગત ગૃહની કામગીરીમાં દખલ દેનારા એમ.પી.ને ઑટોમેટિકલી ૫ દિવસ માટે સસ્પેન્ડ કરવાની સત્તા મળી છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 ડિસેમ્બર 2021