બાળક જન્મે છે ત્યારે તેને ખબર નથી હોતી કે તે છોકરો છે કે છોકરી. છોકરી તરીકે જન્મીને પોતે, પોતાના જ કુટુંબની મુશ્કેલી વધારી છે એવું ભાન પણ છોકરીને હોતું નથી. એને ભાન નથી હોતું ને કુટુંબ નાનેથી જ ભાન કરાવતું રહે છે કે તે અનિચ્છનીય છે. આજે દીકરીના જન્મની બહુ છોછ નથી રહી, છતાં કેટલાંક કુટુંબોની માનસિકતા નથી જ બદલાતી. એવું જ છોકરાને પણ ખબર નથી કે પુત્ર તરીકે જન્મીને તેણે વિશેષ શું સિદ્ધ કર્યું છે? પણ કુટુંબ તેના જન્મથી રાજી થાય છે ને એ રાજીપો ઉછેર દરમિયાન પડઘાતો રહે છે. છોકરીના ઉછેરમાં તેના પર એક પ્રકારનો દાબ વર્તાય છે. એ દાબ છોકરાના ઉછેરમાં ખાસ વર્તાતો નથી. એને અભિવ્યક્તિની મોકળાશ મળતી રહે છે. આ મોકળાશ દીકરીને ઓછી જ મળે છે. એટલે કે છોકરાને મળે છે, તેના કરતાં ઓછી. નાનેથી જ તે વર્તન બાબતે, પહેરવા ઓઢવાને મામલે, ખાવાપીવાની બાબતે ટોકાતી રહે છે. સૂચનો, સલાહો, સાવચેતીનાં ખડકલાં તેની આસપાસ થતાં જ રહે છે ને એ બોજ રોજ બ રોજ વધતો જ જાય છે. આ બોજ વધારવામાં ઘરના પુરુષો ઉપરાંત ઘરની સ્ત્રીઓનો ફાળો પણ ઓછો હોતો નથી. ઘણું ખરું તો મા, દીકરીને પોતાના બીબાંમાં જ ઢાળતી રહે છે, તે એટલે કે એની માતાએ પણ તેને તેનાં બીબાંમાં જ ઢાળી છે. આ બધું છતાં દીકરો કે દીકરી, મા કે બાપની ઝેરોક્સ કોપી જેવાં નથી થતાં કારણ કે કુદરત નથી ઇચ્છતી કે દુનિયા ઝેરોક્સ કોપી બનીને ઠેરની ઠેર રહે. અનેક દબાણ વચ્ચે પણ માણસ અપૂર્વ વિચાર શક્તિ ધરાવતો આવ્યો છે ને એટલે જ દુનિયા સાવ વાસી થતી બચી ગઈ છે.
સ્ત્રીને વિચારની મોકળાશ નથી અથવા તો ઓછી છે એ વિચાર પણ પેલી અપૂર્વતાનું જ પરિણામ છે. માણસ માત્રની ઇચ્છા ગુલામ રહેવાની હોતી નથી. મોડો વહેલો તે ગુલામીમાંથી છૂટવા મથે જ છે. કોઈ લાંબો સમય દબાયેલું રહે કે ઓછો સમય, તે સ્ત્રી હોય કે પુરુષ, ગુલામી કોઈને માન્ય નથી. એમાં સૌથી વધુ તાબામાં સ્ત્રી રહેતી આવી છે. નાની બાળકી પોતીકી રીતે વિચારી શકતી નથી. વિચારે તો કોઈ વિચારવા દે એવું ઓછું જ બને છે. પોતે કોઈ જુદી વાત કરશે તો તરત પિતા કે માતા કે ઘરની વ્યક્તિ તેને રોકશે ને સમજાવી, પટાવીને તેને પોતાની ઘરેડમાં લાવીને જ છોડશે. છોકરી કે છોકરો માથું ફેરવીને કૈં કરવા જશે તો ડરાવી ધમકાવીને વડીલો ઠેકાણે લાવશે. ઘરમાં પિતાનો અને અન્ય પુરુષોનો તીવ્ર દાબ સ્ત્રીને સ્વતંત્ર રીતે વિચારવાની તક લગભગ આપતો નથી ને જો કોઈ વિચારે તો એટલી દખલ હોય છે કે કોઈ વિચારસરણીનો સ્વતંત્ર ઉદય ભાગ્યે જ થાય છે.
એમાં જો કોઈ કન્યા પરણીને સાસરે આવે છે તો રહી સહી વિચારસરણીનો છેદ ઊડી જવાની પૂરી શક્યતા હોય છે. અપવાદો પિતાને ત્યાં કે સાસરામાં હોય જ છે, પણ સામાન્ય સ્થિતિ એવી હોય છે કે આજના મોડર્ન લાગતાં સમયમાં પણ સ્ત્રીએ, પિયર હોય કે સાસરું, મૌલિક વિચારોને ક્યારેક તો દફનાવી જ દેવા પડતા હોય છે. એમાં પિયરમાં તો થોડી ઘણી તક હોય પણ છે, પણ સાસરામાં તો બ્રેઇન વોશ કરવા માટે પતિ, સાસુ, સસરા, દિયર, જેઠ, દેરાણી, જેઠાણી, નણંદની આખી ફોજ હોય છે. ક્યાંક ને ક્યાંક ને ક્યારેક ને ક્યારેક તો શિકાર થઈને જ રહે છે. એક સગવડ કન્યાને પક્ષે એ રહે છે કે મોટે ભાગે જે પુરુષ તેનો પતિ બનવાનો હોય છે તેના ઘરનો ને તે ઘરની વ્યક્તિઓનો તેને પરિચય હોય છે, એટલે ખાસ અજાણ્યું તેને લાગતું નથી. નવી ને આવનારી વ્યક્તિ તરીકે તેનો ખ્યાલ પણ રખાય છે ને તેની સગવડો પણ સચવાય છે, પણ જેવી તે વહુ તરીકે કાયમી ધોરણે સાસરે આવે છે કે ક્રમશ: તે ઘરમાં દટાતી જાય છે. તેના પર ઘરની નાની મોટી વ્યક્તિઓનો એવો પ્રભાવ વધતો આવે છે કે તે બધાના વિચારોને ઝીલતું રિસિવિંગ સ્ટેશન જ બની રહે છે. તે લાંબું ના વિચારી શકતી હોય તો ગમે તેના વિચારોનો પ્રભાવ તે ઝીલે છે ને તેને અનુરૂપ વર્તતી રહે છે. સૌથી વધારે સંપર્કમાં તે પતિના આવે છે એટલે તેનો પ્રભાવ તેના પર વધુ પડે છે. તેમાં જો તે તેને ચાહતી હોય તો તેની વર્તણૂક, તેની બોલચાલની લઢણો, તેની પસંદગી, નાપસંદગી … વગેરેનો પ્રભાવ તેના પર પડે છે. પતિ જેવા થવાનું તેને ગમે છે ને તેના રંગમાં રંગાવાનું તેને પોતાનું અહોભાગ્ય લાગે છે, ધીમે ધીમે તે હુકમો ઉઠાવતી પૂતળી જ બની રહે છે, તે ત્યાં સુધી કે સંતાનો પર પ્રભાવ પાડવાને બદલે, તે સંતાનોના પ્રભાવમાં રહેતી થઈ જાય છે. એવું પણ બને છે કે થોડું ઘણું વિચારી શકતી આ દાસી ધીમે ધીમે પોતાપણું જ ગુમાવી દે છે ને એવી સ્થિતિમાં રહે છે કે તે સૌની માનીતી બની રહે અથવા તો સૌની મજાકનું પાત્ર બની રહે.
પણ જો કન્યા સ્વતંત્ર રીતે વિચારનારી હશે ને એવું વિચારવાની અનુકૂળતા તેના ઘરમાં હશે તો તે હા-માં હા કરનારી નહીં જ હોય. તે જ્યાં પણ જશે, તેની મૌલિક વાતો પર લોકો વિચાર કરશે ને તેનું માન પણ સમાજમાં વધશે. એમાં બધાં જ તેની વાત સ્વીકારી લેશે એવી અપેક્ષા તો વધારે પડતી છે. એવું બને કે તે એકાએક ન સમજાતી હોવાને કારણે તેનો વિરોધ પણ થશે. વિરોધ થશે તો તે પોતાની વાત સાચી હશે તો સમજાવવાની કોશિશ કરશે અથવા તો સામે સાચી વાત હશે તો સ્વીકારશે પણ ખરી. કારણ કે તે સ્ત્રી છે, તેને એકાએક સ્વીકૃતિ નહીં મળે એમ બને. જો તેની વાતમાં સચ્ચાઈ હશે અને તેની દલીલો તર્કબદ્ધ હશે તો મોડી મોડી પણ તેની વાતો સ્વીકારાશે. ઘણું ખરું તે સ્વમાની હશે એટલે પતિ તો ઠીક છે, બોયફ્રેંડ કે ફ્રેન્ડને પણ પોતાના વિચારો ઠસાવવાની કોશિશ તે કરશે. તે એકાએક લગ્ન કરવા પણ રાજી નહીં થાય. તેને કશુંક નોખું કરવાનું ગમતું હોય છે ને વિચિત્રતા એ છે કે એ ઘણાંને ગમતું હોતું નથી. ભૂલેચૂકે જો એ પરણે છે તો તે તેને ભાગ્યે જ પતિ સાથે કે તેના કુટુંબની વ્યક્તિઓ સાથે બને છે. ક્યાં તો તે છૂટાછેડા લે છે અથવા તો તે અપમૃત્યુ વહોરે છે. તે જો પતિ કે તેના કુટુંબના સભ્યોનું માનીને સમાધાન કરે છે તો ધીમે ધીમે તે પોતાનું સત્વ ને સ્વત્વ ગુમાવી દે છે. જો સ્ત્રી તેવું નથી કરતી તો તેને ઘણું વેઠવાનું આવે છે. અનેક લોકોના વિરોધનો સામનો કરવાનો તેને આવે છે. શરૂઆત પતિના વિરોધથી થાય છે. આમ પણ પત્ની, પતિથી જુદો વિચાર ધરાવતી હોય તો તે પતિને ગમતું હોતું નથી. ઘણીવાર તો પતિ, પત્નીએ શું જુદું કહેવું છે, એ સાંભળવા પણ તૈયાર હોતો નથી. પતિ ઘણી છૂટ આપતો હોય તો પણ તે પતિએ આપેલી છૂટ છે. એમાં જો સ્ત્રી પોતે કોઈ મોકળાશ શોધી લે તો તેનાથી પતિના અધિકાર પર તરાપ પડે છે એવું પતિને લાગે છે. એવા કિસ્સાઓ પણ છે કે પત્ની કોઈ જુદો વિચાર લઈને આવે તો તેને રોકાય ને તે ન માને તો વાત હિંસા ને હત્યા સુધી પણ લંબાય છે. એ તો ઠીક, સંતાનો પણ સમજણા થાય છે તો મમ્મી તેમને નાસમજ લાગવા માંડે છે. સામાન્ય વાતોમાં આ સ્થિતિ હોય તો કોઈ સર્જનાત્મક વિચાર સ્ત્રી પ્રસ્તુત કરે તો તેને સ્વીકૃતિ નહિવત મળે છે.
આ સ્ત્રીને માટે જ છે એવું નથી, કોઈ પુરુષ પણ કોઈ અપૂર્વ વાત લઈને આવે છે તો તેને સ્વીકૃતિ ભાગ્યે જ મળે છે. પૃથ્વી ફરે છે એવું કહેનારની શી સ્થિતિ થઈ છે એ આપણાથી અજાણ્યું નથી. કોઈ એવું સત્ય જે પહેલી વખત પ્રગટ થતું હોય તો તેને સ્વીકૃતિ મળતાં સમય લાગે છે, એમાં જો એ કોઈ સ્ત્રી દ્વારા પ્રગટ થાય છે તો મુશ્કેલી ઑર વધે છે ! તે એટલે કે તે ઘરેડથી અલગ પડે છે ને એવું માની લેવામાં આવે છે કે સ્ત્રી પાસે મૌલિકતા હોતી નથી, પણ સાવ એવું નથી. આ પૃથ્વી પર ઘણા આવિષ્કારો સ્ત્રીઓએ પણ કર્યા છે ને તે એટલે શક્ય બન્યું છે કેમ કે અનેક મુશ્કેલીઓ વચ્ચેથી પોતાની વાત કહેવાની મોકળાશ તેણે મેળવી છે, ઊભી કરી છે. સાચી વાત તો એ છે કે સમાજે સ્ત્રી હોય કે પુરુષ, તેની જુદી ને સાચી વાતને સમજવી જોઈએ ને તે એ વાત કરી શકે એવી મોકળાશ તેને આપવી જોઈએ. બાકી, જેને સત્ય લાધે છે તે તો જગતને પહોંચાડીને જ જંપે છે. જગત તેને સ્વીકારે તો તે વહેલું પ્રગટ થાય છે ને જો નથી સ્વીકારતું તો વાર લાગે છે, પણ અટકી જતું નથી. સૂર્ય થોડો વખત ઢંકાય છે, પણ તેને કાયમ માટે ઢાંકી શકાતો નથી. સત્યનું પણ એવું જ છે ….
000
e.mail : ravindra21111946@gmail.com