ચેન્નઈથી એક મિત્ર કહે છે કે દરેક નાગરિકની રાજકીય જવાબદારી અંગે પૂરું કન્વિક્શન હોવા છતાં તેણે કદી રસ્તા પર આવીને દેખાવોમાં ભાગ લીધો નહોતો. આપણામાંના ઘણા આર્મચેર એક્ટિવિસ્ટ હોય છે અને ઘણાની પ્રકૃતિ શરમાળ પણ હોય છે. જે.એન.યુ.ની ફળદ્રુપ જમીન પર જ્યાં માણસ હોસ્ટેલમાંથી બહાર નીકળીને ચા પણ પીતો આવે અને બે દેખાવોમાં નારા પણ લગાવતો આવે, ત્યાં પણ આ મિત્રે ઈન્ટ્રોવર્ટ રહેવાનું પસંદ કરેલું. તેણે રસ્તે ચાલતા જતાં પોતાની જ વિચારધારાવાળા વિદ્યાર્થીઓનું પણ સરઘસ ઘેરી લે તો ય ધીમેથી કિનારો કરી લેવાનું પસંદ કરેલું. વીસ વરસ પછી આજે ભેદભાવપૂર્ણ નાગરિકતા કાયદાના મુદ્દે તેને લાગ્યું કે હવે સડક પર ઉતરવા સિવાય છૂટકો નથી. કદાચ એમ પણ લાગ્યું હશે કે અત્યારે નહિ તો પછી ક્યારે?
દરમિયાન, ગુજરાતમાં અને બીજે પણ બહોળા મધ્યમ વર્ગમાં નાગરિકતા કાયદાનો સુધારો જાણે ક્રિકેટમેચ કે બહુ કહો તો વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ બરાબરનો ખેલ હોય, એમ લાગે છે. અખબારી અહેવાલોમાં, ટી.વી. ચર્ચાઓમાં, સોશિયલ મીડિયા પર જાણે કે મોદીજી છેલ્લાં કેટલાંક વરસોથી જે રાબેતા મુજબના ધડાકા કરે એવો જ કોઈ ધડાકો થયો હોય એવું વાતાવરણ છે, જે પછી આપણું કામ તો માત્ર ઊંચા અંગૂઠાનો સંકેત કરવાનું જ હોય. સામાન્ય હકીકતો સાથે પણ લેવાદેવા વગરની બાળસહજ નાદાન રમૂજોથી માંડીને આ-પાર-કે-પેલે-પાર-ની બાંયો ચડાવવા સુધીની કવાયતો થઈ રહી છે. ઉપમા-અલંકારોમાં ઊધઈ, ધનેડા નીકળી રહ્યા છે. ચેન્નઈવાસી મિત્રને જે સમજાયું તે બાકીના સમજવા તૈયાર નથી, કે આપણે ભારતના બીજા વિભાજનની કગાર પર ઊભા છીએ!
બોંત્તેર વરસ પહેલાં ઝીણાએ નાગરિકતાનો આધાર ધર્મ ગણાવ્યો હતો, અને ગાંધી-નહેરુ-પટેલ-આંબેડકરના નેતૃત્વે એ વિચારને ફગાવી દીધો હતો. ભારત છોડો આંદોલન વખતે જે લોકો તમારા અને મારા દાદા-પરદાદાની જોડે નહોતા ઊભા રહ્યા, અંગ્રેજો પાસે માફી માગી હતી, તે આજે પાછલે બારણેથી મંચ પર ચડી આવ્યા છે અને કહે છે કે ગાંધી-પટેલ ભૂલી જાવ, ઝીણા ચીંધ્યે માર્ગે આગળ વધો. આજનો સવાલ બાળક પણ સમજી શકે તેવો સાફ છે : તમે ભારતને પાકિસ્તાનની હિન્દુ આવૃત્તિ બનાવવા માગો છો કે નહિ? જો આજે સરકાર જે કરવા જઈ રહી છે, તે સૌના હિતમાં હોય તો પછી ઝીણાએ જે કર્યું તે ખોટું ઠેરવી શકાય નહિ. કદાચ દુનિયાના સૌથી પૈસાદાર પક્ષની વગના કારણે, કે વોટ્સએપના જોરે, કે પછી અનુ-સત્ય કે પોસ્ટ-ટ્રુથના જમાનાને લીધે ઘણાને મૂળ વાત સમજાઈ નથી અને સમજાય તો એમાંના ઘણા આંદોલનની આગલી હરોળમાં ચાલતા થઈ જાય. એ સમજ સાચી ન હોય તો પણ પંપાળીને રાખવા જેવી છે, આક્રોશ અંકુશમાં રહે તે માટે.
નાગરિકતા કાયદા વિશે તો આ અંકમાં અન્યત્ર ઘણી સામગ્રી છે, અહીં એના પ્રત્યાઘાતોની વાત કરીએ છીએ. નાગરિક સમાજે ઘણા સમય પછી આ સ્તરે આંદોલન ચલાવ્યું છે, બંગાળ વગેરે સ્થાનિક અપવાદો સિવાય રાષ્ટ્રીય સ્તરે તે પક્ષીય રાજકારણ પૂરતું મર્યાદિત નથી, અને ઉત્તર પ્રદેશના અપવાદ સિવાય તેમાં એક કોમ નહિ પણ બહોળો સમાજ આગળ રહ્યો છે. એકંદરે અહિંસક આંદોલન છે, અને હિંસાની ઘટનાઓમાં ‘તોફાનીઓ’નાં તોફાન કરતાં પોલીસની કામગીરી વધારે અમાનવીય રહી છે.
કાયદો પસાર થયો ૧૧મીએ. દિલ્હીમાં વિરોધની શરૂઆત થઈ ૧૪મી ને રવિવારે – જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીના કેમ્પસથી. એ દિવસે બપોરે કૉંગ્રેસે રામલીલા મેદાનમાં ‘ભારત બચાઓ’ રેલી કરી હતી, જેને પક્ષીય રાજકારણ પૂરતો જ, બહુ મર્યાદિત ટેકો મળ્યો હતો, અને સાંજે દક્ષિણ દિલ્હીમાં જે દેખાયું તે નાગરિક સ્તરે હતું. ગાંધીની શુભેચ્છાઓ સાથે સ્થપાયેલી યુનિવર્સિટીમાં શાન્તિપૂર્ણ વિરોધની સામે પોલીસે લાઠી ચલાવી. તેઓ કેમ્પસમાં ઘૂસ્યા અને અંતે પુસ્તકાલયમાં પણ દંડો ચલાવ્યો. સાંજ સુધીમાં ઠંડી વધી ગઈ હતી, પણ ખબર ફેલાતાવેંત માત્ર જે.એન.યુ. જ નહિ પણ રાજધાનીની અન્ય યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ પણ સમર્થનમાં હાજર થઈ ગયા. વિદ્યાર્થીઓએ એક પત્થર પણ ફેંક્યાનું રેકોર્ડ પર નથી, પણ બીજે દિવસે ગુજરાતના એક મોટા અખબારમાં સમાચાર હતા કે પોલીસે તોફાન શાંત કરવા બળનો પ્રયોગ કરવો પડ્યો. (એક બસ બળી હતી, પણ ફોટા પરથી સ્પષ્ટ છે કે બાળનારાઓ બીજા હતા, કારણ કે પોલીસનો ગણવેશ પહેરેલા લોકો તેમને મદદ કરી રહ્યા હતા.) દેશના ગૃહપ્રધાને કહ્યું કે હિંસાખોરોને સજા કરવામાં આવશે. આમ છતાં, બીજા દિવસે પણ તેમના દેખાવો અહિંસક ઢબે જ ચાલુ રહ્યા. નજીકમાં સોનેપતમાં ખાનગી યુનિવર્સિટીઓની એક નવા પ્રકારની પેઢી આકાર લઈ રહી છે, તેમાંથી ખાસ કરીને અશોક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ આન્દોલનમાં જોડાવા લાગ્યા.
છેવટે કૉંગ્રેસ જે મુદ્દો ઊઠાવવામાં નિષ્ફળ ગઈ હતી તે વિદ્યાર્થીઓ મારફતે સિવિલ સોસાયટીએ આગળ વધાર્યો અને ૧૯મી ગુરુવારે રાષ્ટ્રવ્યાપી દેખાવોનો કૉલ અપાયો. ડાબેરીઓએ પણ ટેકો આપ્યો. સરકારે ડાબે જમણે જોયા વિના દોડીને ૧૪૪મી કલમ ઠોકી દીધી. દિલ્હીમાં યોગેન્દ્ર યાદવ, પ્રશાન્ત ભૂષણ અને હર્ષ મંદરની સવારથી સાંજ સુધીની અટકાયત કરાઈ. યોગેન અને પ્રશાન્તને – અને આપણને પણ – ૨૦૧૧ના એ દિવસો યાદ આવ્યા જ હશે, જ્યારે આ જ સડકો પર ભ્રષ્ટાચાર-વિરોધી આંદોલનમાં તેમણે આગેવાની લીધી હતી. એ વખતની સરકારે ૧૪૪નો આશરો તો બહુ પછીથી લીધો હતો, ત્યાં સુધીમાં તો જન્તરમન્તર પર શહેરની અડધી પ્રજા જઈ આવી હતી. એ પ્રજાની યાદદાસ્ત જો કે એવી ટૂંકી છે કે જે લોકપાલ માટે આટલા ઉધામા કર્યા, એ હજુ આજે સંપૂર્ણ કાર્યરત થયું નથી, એની કોઈને પરવા નથી. (જે રીતે તેમણે પાંચ વરસ પહેલાં મોદીના ચેલેન્જર નં.૧ની ભૂમિકા ઉપાડવા પ્રયત્ન કર્યો હતો તે પ્રમાણે તો દિલ્હીમાં આગેવાની લેવાની જવાબદારી મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની હોવી જોઈતી હતી. પણ હવે ગણતરીના દિવસોમાં દિલ્હીની ચૂંટણી જાહેર થવાની છે, માટે તેમણે ઉદાસીનતા અપનાવી છે જેને વ્યૂહાત્મક ગણીને આગળ વધીએ.)
દરમિયાન, આઠ વરસ પહેલાંની સરકાર કાર્યદક્ષતા બાબતે નવા શાસકોની તુલનામાં કેટલી પાછળ હતી એનો નમૂનો મળ્યો. ૧૯મીએ સવારે અગિયાર વાગ્યાના સમય પહેલા પોલીસે લાલ કિલ્લા પાસેથી યોગેનને ઉપાડી લીધા અને દરેક રસ્તાની નાકાબંધી કરી. પછી દેખાવોની જેમ નાકાબંધીની બેરિકેડો આગળ વધી. એ પછી જે વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને અન્ય શ્રેણીઓના વિરોધીઓ આવ્યા તેમને હવે શું કરવું તેની સ્પષ્ટતા નહોતી. સૌએ ફોન મચડ્યા અને ખબર પડી કે ઇન્ટરનેટ તેમ જ વોઈસ કૉલ પર મધ્ય દિલ્હીની વિસ્તારોમાં પ્રતિબંધ મુકાયો છે. દેખાવકારો સાથીઓને વિરોધસ્થળ અંગે પૂછપરછ ન કરી શકે, એટલું જ નહિ, પણ અહીં રહેતા પરિવારો તેમના બાળકો સ્કૂલેથી પાછા આવશે ત્યારે તેમની બસ ક્યા રૂટે તેમને છોડશે, તે પણ ન જાણી શકે. ભારતની રાજધાનીને કાશ્મીરનો અનુભવ મળ્યો, ભલે થોડા કલાકો માટે. (જો કે, જામિયા વિસ્તારમાં સંચારબંદી નાનામોટા પાયે દસ દિવસ પછી પણ ચાલુ હતી, અને એવું જ ઉત્તર પ્રદેશમાં પણ છે. આ વરસે દુનિયાભરના ઈન્ટરનેટ શટડાઉનમાંથી ૬૭ ટકા ભારતમાં થયા છે.) સમાચાર આવ્યા કે મંડી હાઉસ પર એટલે કે ડાબેરીઓએ જે સ્થળ નક્કી કર્યું હતું ત્યાં પહોંચો. ત્યાં જવાના રસ્તા તો તરત બંધ થવા લાગ્યા, પણ જે પહોંચી ગયા તેમણે મોડી સાંજ સુધી લોકશાહીનો ઉત્સવ મનાવ્યો.
એ પછીથી સ્વયંભૂ દેખાવો રોજના ધોરણે ચાલ્યા છે. કોઈ પક્ષના સંસ્થાકીય બળ વિના. આગેવાન કહો તો જામિયાના વિદ્યાર્થીઓ, સાથે ટેકામાં યોગેન વગેરે સિવિલ સોસાયટી. રાજધાનીમાં દેખાવો સાવેસાવ અહિંસક રહ્યા છે, જાતભાતના ઉત્તેજક નિવેદનો પછી પણ (જેમ કે, ‘પોષાક પરથી જ ખબર પડી જાય છે, વિરોધીઓ કોણ છે’). હિંસા થઈ ખરી, પણ વિદ્યાર્થી આંદોલનમાં નહિ, સીલમપુરમાં લઘુમતી પ્રજાના દેખાવો દરમિયાન, અને એ પણ મામૂલી સ્તરની. પોલીસની ધીરજ જો કે ખૂટવા લાગી હતી, અને જામા મસ્જિદ અને અડીને આવેલા દરિયાગંજમાં વિસ્તારમાં શુક્રવારના દેખાવો (જેમાં ભીમ આર્મીના ચંદ્રશેખર આઝાદે ખેલ પાડી દીધો) પછી પોલીસે ઘણાને અટકાયતમાં લીધા અને મોડી રાત સુધી ભારે ઠંડીમાં વકીલોએ તેમને છોડાવવાની જહેમત કરવી પડી.
પડોશમાં ઉત્તર પ્રદેશમાં શુક્રવારે બહોળા પાયે દેખાવો શરૂ થયા. લઘુમતી સમુદાય અને પોલીસના ઘર્ષણમાં હિંસા થઈ, અને જાનહાનિના આંકડા વધ્યે જાય છે. તમામ મૃતકો મુસ્લિમ છે, અને અત્યાર સુધી એન્કાઉન્ટરના રેકોર્ડ આંકડા માટે ગર્વ લેતી યુ.પી. પોલીસ કહે છે કે તેમણે કોઈ ગોળીબાર કર્યો જ નથી. આ લખાય છે ત્યારે યુ.પી.નાં અનેક શહેરોમાં પોલીસે તેરથી પંદર વરસના છોકરાઓ પર પણ લોકઅપમાં ટોર્ચર કર્યાના સમાચાર છે. મુખ્યપ્રધાન ખફા છે, જાહેર સંપત્તિને થતા નુકસાન ‘તોફાનીઓ’ પાસેથી વસૂલ કરવામાં આવશે. ગુજરાતમાં ૨૦૦૨માં મુખ્યપ્રધાનને આવો વિચાર કેમ નહિ આવ્યો હોય!
બૅંગલોરમાં એક વાર વિરોધપ્રદર્શનમાં બે લાખની મેદની એકઠી થઈ હોવાના ખબર છે. ત્યાંના મુખ્યપ્રધાને પોલીસ ગોળીબારમાં જાન ગુમાવનારાઓના પરિવારની મુલાકાત પણ લીધી એટલી રાહત. ચેન્નાઈમાં ડી.એમ.કે.ના બેનર હેઠળ અને કોઈ પક્ષના બેનર વિના મોટા પાયે દેખાવો થયા.
નાગરિક આંદોલન અસરકારક નીવડી રહ્યું જ છે, નહિતર ૨૧મીએ રામલીલા મેદાન પરથી વડાપ્રધાનને ‘વૈકલ્પિક હકીકતો’ (ટ્રમ્પના સાથીની ભાષામાં ‘ઓલ્ટરનેટિવ ફેક્ટ્સ’) રજૂ કરવાની ફરજ ન પડી હોત, અને પોતાના ગૃહપ્રધાનનાં તમામ નિવેદનો પાછાં ન ખેંવા પડ્યા હોત. એ અલગ વાત છે કે શાસકો માટે બે મોઢે બોલવાની વાતમાં કશું નવું નથી. પણ વડાપ્રધાને જે સ્પષ્ટતા કે અસ્પષ્ટતા કરી, તે પછી આંદોલનના ભાવિ અંગે પડકાર ઊભો થાય છે. વિદ્યાર્થીઓ ક્યાં સુધી દેખાવો ચાલુ રાખી શકે? આંદોલન માટે સંસાધનો જોઈએ, જે ઈલેક્ટોરલ બોન્ડ આવ્યા પછી ભા.જ.પ. પાસે વધી ગયાં છે અને યોગેન યાદવના સ્વરાજ ઇન્ડિયા પાસે નથી. આમ આદમી રોજ નોકરીમાં રજા લઈને કે દુકાન બંધ કરીને રસ્તા પર નાકાબંધી અને ઇન્ટરનેટબંધીની હાલાકી ના જીરવી શકે. સી.એ.એ.-એન.આર.સી.ની પ્રક્રિયા આ લખાય છે ત્યારે, આજની તારીખે, ‘નથી’ એમ શાસકો કહે છે, પણ આ છપાય ત્યાં સુધીમાં અથવા યુ.પી. કે બંગાળની ચૂંટણી ટાણે કે ૨૦૨૪ સુધીમાં ગમે ત્યારે એ જાહેર કરવામાં આવી શકે છે. જ્યાં સુધી આ મુદ્દે સંપૂર્ણ નિરાકરણ ન આવે ત્યાં સુધી લઘુમતીએ અને નાગરિક સમાજે ડેમોક્લિસની તલવારની નીચે જીવવાનું છે. ભલે મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડ (વત્તા ટૂંક સમયમાં શક્યતઃ દિલ્હી પણ) ભા.જ.પ.નાં વળતાં પાણી બતાવતાં હોય, પણ ટ્રમ્પ-પુતિન મોડેલનું જોર જોતાં ભાવિ બહુ ઉજળું લાગતું નથી. આ પખવાડિયાએ, જો કે, ઘણી ધરપત આપી છે.
નાતાલ, નવી દિલ્હી
E-mail : ashishupendramehta@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2020; પૃ. 05-06